જીવનપ્રણાલી ઝડપથી બદલાઇ રહી છે. બદલાતાં આર્થિક પરિબળો અને મોટા સમૂહોને આવરી લેતાં ટી.વી. જેવાં પ્રચાર માધ્યમોની અસર હેઠળ વધતી જતી વ્યક્તિગત જરૂરિયાતો એ માટે જવાબદાર લાગે છે. ઘણા ફેરફારો બદલાય એવા નથી એટલે એમની સાથે સમાયોજન(adaptation) કરવું જરૂરી છે,“વખત જતાં આપમેળે થાળે પડશે” એમ કહી શાહમૃગવૃત્તિમાં રાચવું હિતાવહ નથી.

એક વખત જે પ્રશ્નો સામાન્ય રીતે શહેરીઓને સતાવતા હતા તે આજે સાર્વત્રિક બની રહ્યા છે અને ગામડાંઓમાં રહેતા લોકોની જીવનપ્રણાલી પણ એવી રીતે બદલાવા માંડી છે કે એમની અને શહેરી સમસ્યાઓમાં ઝાઝો ફેર નથી રહ્યો.

ઘડિયાળમાં કાંટા ફરે તેમ વ્યક્તિઓએ ચાલવું પડે છે, બસ અને ટ્રેઇનના તથા ઓફિસો અને ફેક્ટરીઓના સમય સાચવવા પડે છે, અને ડગલે ને પગલે બિનસલામતી, ભય અને વધેલો અને વધી રહેલો યાંત્રિક વાહનવ્યવહાર, આર્થિક ભીંસ અને તે કારણે વધેલી ચોરી—લૂંટ અને વ્યાવસાયિક અસ્થિરતા, હવા—પાણી અને જમીનના પ્રદૂષણને કારણે વધેલા રોગો, નોકરી—ધંધામાં પણ નવી રીતો અને નવાં સાધનો સાથે મેળ પાડવાની જરૂરને કારણે અનુભવાતી માનસિક તાણ (tension), ઉપભોકતાવાદ  (consumerism) ની અસર હેઠળ માની લીધેલી જરૂરિયાતો સંતોષવામાં પડતી આવક ખેંચ — આવાં ઘણાં કારણોને લીધે માણસ સવારના ઊઠે ત્યારથી શરૂ થતી ને સૂવાના વખત સુધી — કદાચ ઊંઘમાં સ્વપ્નોમાં પણ — સમસ્યાઓની હારમાળા ચાલતી રહે છે અને એની સામે ઝૂઝવામાં માણસની મોટા ભાગની શક્તિ વપરાઇ જાય છે. એલાર્મ વાગ્યું નહિ એટલે વખતસર ઉઠાયું નહિ,બસ અથવા ટ્રેઇન ચૂકી જવાનો સંભવ, સ્કૂટર બગડયું એટલે મોડા પડવાનો ભય, વીજળી, પાણી કે બળતણ ગેસનો પુરવઠો અટકવાથી ઊભી થતી મુશ્કેલીઓ, શોખ—સાહેબી પોષવા લીધેલી ગજાબહારની લોનોનાં ભરણાં, બાળકોની શાળા તરફથી આવતી રહેતી માગણીઓ — આવી અનેક સમસ્યાઓ લોકો સામે ખડી થતી રહે છે.

બદલાતી પરિસ્થિતિને કારણે બાળકો માટે પણ નવી નવી સમસ્યાઓ ઊભી થતી જ રહે છે. સ્વેચ્છા પ્રમાણે છૂટથી રમવાને બદલે બે—અઢી વર્ષની નાની ઉંમરથી જ ઠરાવેલા ચોકઠા પ્રમાણે ઊઠવાનું, તૈયાર થવાનું.(ઘણાને મતે જે મોટે ભાગે અર્થ વિનાનું છે તે) ભણવાનું, યુનિફોર્મ પહેરવાનું, હોમવર્ક કરવાનું, રીક્ષાનો સમય સાચવવાનો, પરીક્ષા આપવાની એવું કેટલુંય બાળકો માટે ફરજિયાત બની રહે છે.

વિવિધ સમસ્યાઓ પરત્વે બાળકો શું વિચારે છે એનો ખ્યાલ મેળવવા એક પ્રયોગ કર્યો. કિન્ડર—ગાર્ટન (બાલવાડી)નાં બાળકો આગળ થોડી સમસ્યાઓ મૂકી અને સમસ્યા — નિરાકરણ માટે બાળકો શું કરે, એ જાણવા પ્રયત્ન કર્યો.

  • સમસ્યાઓ :

 

૧.            ઘેર પહોંચો ત્યારે બારણે તાળું મારેલું છે.

૨.            શાળાએ જવા ચાલતા નીકળ્યા, રસ્તામાં ચંપલ તૂટી ગયું.

૩.            શાળાએ જવાનો વખત થઇ ગયો છે, સાથે લઇ જવાનો નાસ્તો તૈયાર રાખવાનું મમ્મી ભૂલી ગયાં છે.

૪.            મમ્મી બહાર ગયાં છે, ઘરમાં તમારા સિવાય કોઇ નથી. તમારે હોમવર્ક કરવાનું છે પણ નોટબુક, પેન્સિલ વિ. મમ્મીએ તમારાથી નહિ પહોંચાય એટલે ઊંચે મૂકી દીધેલાં છે.

૫.           શાળાએ જતાં રસ્તામાં ખબર પડી કે તમારી વોટર બોટલ ગળે છે.

બાળકોએ પોતપોતાના વિચાર પ્રમાણે આપેલા વિવિધ જવાબો રસ પડે એવા છે,

દા.. પહેલી સમસ્યાના ઉકેલ માટે બાળકોએ આપેલા જવાબોમાં ભારે વૈવિધ્ય દેખાયુંઃ

 

૧.            બાજુના ઘરમાં મમ્મી ચાવી આપી ગયાં હોય તો પૂછી લઉં.

૨.            ખીલો લઇને તાળું તોડી નાંખું.

૩.            બહાર બેસી મમ્મીની રાહ જોઉં.

૪.            રડું.

અણધારી પરિસ્થિતિમાં યોગ્ય પગલું લેવાની શક્તિ કેળવવા માટે બાળકોને સમસ્યા—નિરાકરણનો મહાવરો કરાવવો જોઇએ. બદલાતી જીવનપ્રણાલીમાં સરળતાથી ગોઠવાવા માટે — એની સાથે સમાયોજન કરવા માટે — બાળકોને નાનપણથી જ માર્ગદર્શન આપવું હિતાવહ લાગે છે. વળી મોટાંઓએ પણ આ બાબતમાં અનુકરણ કરવા જેવા દાખલારૂપ (મોડેલ) બનવું જોઇએ.

  • બાળકોના માર્ગદર્શનમાં ભાર મૂકવા જેવા મુદ્દાઓ સૂચવું છું :

૧.            જે તે પરિસ્થિતિને આપણને અનુકૂળ થાય એ રીતે બદલવાના પ્રયત્ન સાથે એ પરિસ્થિતિ સાથે

સફળ રીતે ગોઠવાઇ જવા માટે એની સાથે સમાયોજન કરવા માટે પણ પ્રયત્ન કરવાની જરૂર .

૨.            માનસિક રીતે તાણમુક્ત (relaxed) રહેવાની કળા.

૩.            તાણમુક્ત રહીને  સમસ્યાનું નિરાકરણ કરવાનું.

બાળકો ઉપર વડીલોના વર્તનની અસર પડતી જ હોય છે. જો સમસ્યા નિરાકરણ માટે માબાપોના પ્રતિભાવોનું પણ સર્વેક્ષણ થાય તો તે ઉપયોગી નીવડે અને બાળકો સાથે વડીલોને પણ માર્ગદર્શન મળે એવી વ્યવસ્થા વિચારી શકાય.

આ  લેખમાં વર્ણવેલ બાળકો આગળ રજૂ થયેલી સમસ્યાઓ અને એવી બીજી સમસ્યાઓ પરત્વે બાળકોના અને મોટાઓના પ્રતિભાવ જોવા કોઇ અન્વેષણ કે પ્રયોગો કરે તો પરિણામો અમને જણાવવા વિનંતી.