કોરોના, જેણે કોઇને કોરા નથી છોઽયા. વિદેશમાંથી દેશમાં, દેશમાંથી રાજ્યમાં, રાજ્યમાંથી શહેરમાં, શહેરમાંથી મોહલ્લામાં અને છેવટે મહોલ્લામાંથી ઘરમાં, શરીરમાં, મન કે મગજમાં ફેલાઇ ગયેલા આ એક નાના અમથા વાયરસે આજે આખી દુનિયાને ઽરના સૂત્રે બાંધી દીધી છે. એવે સમયે સેંકડો શિક્ષકોએ શિક્ષણ ક્ષેત્રે અનોખું તેમજ નોંધપાત્ર કાર્ય કર્યું છે.

કોરોના પહેલાં, દોઽતી ભાગતી જિંદગીમાં કોઇ પાસે જાણે કે સમય જ નહોતો. સતત આગળ ધપતા સમયમાં બે ઘડી  રોકાઇને, આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ કે કેમ એ અંગે વિચારવાનો પણ સમય નહોતો. કોરોનાએ છાપો માર્યો અને અચાનક સમયની મોકળાશ થઇ ગઇ. સમયની આ મોકળાશ દરમ્યાન કેટલાક શિક્ષકોએ, “કોડિયું નાનું ભલે ને હું, સદાય રહેતું ઝગમગતું” શબ્દોને જીવંત કરી દીધા. દીર્ઘર્દ્રષ્ટા અને સર્જનશીલ શિક્ષકોએ દરેક વિષયની સામગ્રી વિશેષ રૂપે તૈયાર કરી પોતાની સર્જનશીલતા અને સંવેદનશીલતાનો આપણને વિશેષ પરિચય કરાવ્યો. કોરોનાએ જૂની પદ્ધતિમાં બદલાવની ફરજ પાડી. સંકુચિત માનસ કે જિદ્દી માનસિકતાને પણ કોરોનાએ બદલવાની ફરજ પાડી

ઓનલાઇન શિક્ષણ શરૂ થયું.

ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો. ટેકનોલોજી દ્વારા બાળકોને શિક્ષણ કઇ રીતે આપવું? બાળકો સાથે તાદાત્મ્ય કઇ રીતે સાધવું? વગેરે પ્રશ્નો શિક્ષકોની સામે આવ્યા. આ પ્રશ્નોના જવાબ પણ શિક્ષકોએ જાતે કે સાથે મળીને શોધ્યા. પ્રયોગો કર્યા અને એમાંથી પણ ઘણું શીખ્યાં! “સતત શીખતો રહે કે પ્રયોગો કરતો રહે તે શિક્ષક જ વિચાર કે દૃષ્ટિના બંધિયારપણા માંથી બહાર નીકળી વિદ્યાર્થીઓને યોગ્ય સમજ અને દૃષ્ટિ આપી શકે છે.” આ બાબત અહીં સાકાર થતી જોવા મળી.

ઓછા સમયમાં, ઓનલાઇન સમજાવી શકાય એવાં ચાર્ટસ્‌, મોડેલ્સ, પપેટસ્‌, ઓિઽયો કે વિડીયો પણ બનાવ્યાં. કેટલીક શૈક્ષણિક એપ્સ બની જેમાં શિક્ષકોનો પણ ઘણો મોટો ફાળો રહ્યો. તો વળી શિક્ષકોએ સંજોગો સામે અડીખમ ઊભા રહેવા માટે શૈક્ષણિક સેમિનાર કરી, વિચારોની આપ—લે કરીને સહુ એકબીજાની સાથે હોવાનો એકબીજાને અહેસાસ કરાવ્યો

કોરોનાની શરૂઆતનો સમય સહુથી મહત્ત્વનો સમય હતો. કોરોના એટલે શું? કોરોનાથી કેવી રીતે બચવું? શું સાવચેતી રાખવી?  આ અંગે હજુ મેડિકલ સાયન્સ પણ અવઢવમાં હતું. સમાજમાં સ્વાભાવિક રીતે જ ઽરનો માહોલ ઊભો થયેલો. આ સમયે આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ કે સાથે સાથે સમાજ ઘઽતરમાં મહત્ત્વનો ભાગ ભજવનારાં શિક્ષકો પણ કોરોના વોરિયર બનીને પોતાનાથી થાય એટલું કાર્ય કરતાં રહ્યાં. બધાંની નોંધ અહીં શક્ય નથી. છતાં કેટલીક ઉદાહરણરૂપ નોંધ જોઇએ.

કોરોનાના સમયમાં ઘરની બહાર નીકળવું શક્ય નહોતું કે મુશ્કેલ હતું એવે સમયે ઓનલાઇન શિક્ષણ એ જ મુખ્ય અને યોગ્ય ઉપાય હતો. કેટલાક દીર્ધદ્રષ્ટા સંચાલકો કે આચાર્યોએ કોરોના પહેલેથી જ ટેકનોલૉજીનો સ્વીકાર કરેલો તેથી આવી શાળાઓમાં લોકડાઉન દરમિયાન જ પરિસ્થિતિ પામી જઇને તરત જ ઓનલાઇન શિક્ષણ અંગેની તૈયારી શરૂ થઇ ગયેલી. શિક્ષકોની જરૂરી તાલીમ થઇ. શિક્ષકોએ પણ હોંશે હોંશે ઓનલાઇન શિક્ષણ શરૂ કરી દીધું. જોકે જ્યારે વ્યાપક રીતે બધાંને ઓનલાઇન શિક્ષણની ફરજ પડી  ત્યારે પ્રશ્ન ઊઠયો સાધનોનો. ઓનલાઇન શિક્ષણ માટે મોબાઇલ સરળ સાધન હોઇ એક સમૃદ્ધ શાળા સંચાલક શ્રીએ સમાજ સામે જૂનાં મોબાઇલ આપવાની ટહેલ નાંખી. સમાજે પણ આ ટહેલને સહર્ષ સ્વીકારી મોબાઇલ મોકલવા માંઽયાં. સંચાલક શ્રીએ, મોબાઇલ એકઠાં કરી, જરૂરી રીપેરીંગ કરાવી, સમાજનાં પછાત વિસ્તારોમાં રહેતાં જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડી એ બાળકોને ઓનલાઇન શિક્ષણ માટે સરળતા કરી આપી.

શહેરોમાં કેટલાક વિસ્તારો કે કેટલાંક ગામડા ઓ આજે પણ એવાં છે કે જ્યાં આખા વિસ્તાર કે ગામમાં વસતીના પ્રમાણમાં મોબાઇલ ઘણાં ઓછાં છે. જો મોબાઇલ હોય તો એ પણ માતા—પિતા ખેતરે કે કામે જાય ત્યાં આખો દિવસ સાથે લઇ જાય. આવા સંજોગોમાં બાળક ભણે કેવી રીતે? લોકડાઉન ખૂલ્યું પછી જાગૃત અને સંવેદનશીલ શિક્ષકોએ પોતેજ મહોલ્લે કે શેરીએ શેરીએ જઇને પોતાના મોબાઇલ કે લોપટોપ દ્વારા બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું.

ગામડા ઓમાં તો લાઇટ કે ઇન્ટરનેટના પ્રશ્નો પણ નઽયા. શિક્ષકોએ સમય, વળતર કે પરિવારની ચિંતા કર્યા વગર શાળાનાં બાળકોને અનુકૂળ હોય એ સમયે સાંજે, રાત્રે, મોડી રાત્રે કે વહેલી સવારે પણ ભણાવ્યાં ! આ બાબત જાણીને વિનોબાજીના ઉદ્દગારો, “ શિક્ષક વેતનલક્ષી ન હોવો જોઇએ કે પછી શિક્ષકનો હેતુ નોકરીલક્ષી ન જ હોવો જોઇએ” એ યાદ આવી જાય અને શિક્ષકોને મનોમન વંદન થઇ જાય.

શિક્ષક એટલે શિક્ષક. એ પછી ગુજરાતના કચ્છ જિલ્લાના શિક્ષક હોય કે  છત્તીસગઢના. શિક્ષક ગ્રામ્ય વિસ્તારના હોય કે શહેરી વિસ્તારના. જો શિક્ષકમાં મનમાં ઇચ્છા અને ધગશ હોય તો કોઇ પણ સંજોગોમાં શિક્ષણકાર્ય માટે રસ્તો શોધી જ લ્યે. બીજા વિશ્વયુદ્ધમાં શિક્ષકો શાળામાં આવવા માટે વિધાર્થીઓને ઘરે ઘરે બોલવવા જતાં કે પછી ઘરે ઘરે જઇને ભણાવતાં. કોરોનાના શરૂઆતના સમયમાં આપણા દેશમાં પણ લોકડાઉન ખુલ્યા પછી કેટલાક શિક્ષકોએ પોતાનું લેપટોપ,બ્લેકબોર્ઽ, ચાર્ટ, લાઇબ્રેરી, માઇક અને પાથરણાં જેવી જરૂરી વસ્તુઓ, પોતાના ખર્ચે, કયાંક મોટર ગાડીમાં તો કયાંક આ બધો સરંજામ બાઇક પર લઇ જઇને કોરોના વખતની ‘દો ગજ કી દૂરી’ જાળવીને બાળકોને ભણાવ્યાં !

ઉત્તર ગુજરાતની એક ગ્રામ્ય શાળામાં શિક્ષકોએ વિચાર્યું કે,“ બાળકો શાળાએ આવી નથી શકતાં પણ શાળા તો બાળકો સુધી જઇ શકે ને?” લોકોની મદદ લીધી. ગામમાં ચાર રસ્તે ચોકમાં કે ગલીએ ગલીએ લાઉઽસ્પીકર લગાવ્યાં. શિક્ષકો શાળાના વર્ગમાંથી માઇક દ્વારા ભણાવે. ખેતરમાં છુટાં છવાયાં  રહેતાં બાળકોને માટે મંદિરને ઓટલે પાથરણાંની વ્યવસ્થા કરી અને લાઉઽ સ્પીકર ગોઠવાયાં!

માત્ર શિક્ષણની ગંગા જ નહીં, સમગ્ર કોરોના કાળ દરમિયાન શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાની સરવાણી સતત વહેતી રહી. શિક્ષકોએ વ્યકિતગત ધોરણે, બાળકો અને તેના પરિવારજનોને ઽરથી દૂર રહેવા તેમજ કોરોના અંગેની સાવચેતીની સાચી સમજ આપી. શૈક્ષણિક સંસ્થાઓમાં મધ્યાહ્‌ન ભોજન મળતું. શાળા બંધ થતાં કેટલાક પરિવારોમાં બાળકોને એક ટંક ભૂખ્યા રહેવાનો વારો આવ્યો. આવે સમયે કેટલાક આચાર્યોએ નિર્ણય લઇ મધ્યાહ્‌ન ભોજનનું સીધું—સમાન શિક્ષકો દ્વારા બાળકોના ઘરે ઘરે પહોંચાઽયું. તો વળી, કોઇ શિક્ષકે પર્યાવરણની ચિંતા કરી લાખો વૃક્ષોના રોપા તૈયાર કર્યા, જે ખરેખર સરાહનીય છે. લોકડાઉન ખૂલ્યા પછી તેનું બાળકોને વિતરણ કર્યું. પછી તો આ કાર્યમાં અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ જોડાયા, જે દ્વારા સમાજમાં એક સરસ સંદેશ પહોંચ્યો.

કેટલીક સ્વૈચ્છિક  શૈક્ષણિક સામાજિક સંસ્થાઓએ  પણ પછાત વર્ગનાં જે બાળકો પોતાને ત્યાં ભણવા કે ઇતર પ્રવૃતિ કરવા આવતાં હોય તેમના પરિવારની ચિંતા કરી, ઘરે ઘરે સીધું—સમાન પહોંચાઽયું જેથી બાળક અને એનો પરિવાર કપરા કાળમાં ટકી શકે. એટલું જ નહીં, લોકડાઉન દરમિયાન સાવ નવરાશના સમયમાં બાળકો તેમજ પરિવારજનોને પ્રવૃત્તિ અને કામ મળી રહે એટલા માટે બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓની  સામ્રગી પહોંચાડી.  માતા—પિતાને પણ ઉત્પાદક સામગ્રીઓ પહોંચતી કરી, ઉત્પાદન વહેંચણીની વ્યવસ્થા પણ કરી!

શાળાઓએ કે સંસ્થાઓએ શિક્ષકોના પરિવારને તકલીફ ન પડે એ માટે શક્ય હોય ત્યાં સુધી પગાર આપવાનો નિર્ણય કર્યો. કયાંક ૨૫ થી ૩૦ ટકા પગારકાપ મૂકાયો ખરો. પરંતુ અહીં ખાસ નોંધ લેવી ઘટે એવી બાબત એ છે કે, કેટલાક શિક્ષકોએ સામેથી જ પોતાને ઓછો પગાર આપવા માટે સંચાલકશ્રીઓને જણાવી પોતાની સંસ્થા પ્રત્યેની લાગણી અને નિષ્ઠા બતાવી.

ખરેખર, કોરોનાનો કાળ કપરો ખરો પણ શૈક્ષણિક ક્ષેત્રમાં ઘણા દીવડા ટમ ટમી રહ્યા છે એ જાણી શિક્ષણક્ષેત્રે ફરી ક્યારેક પૂનમ ખીલશે એવો આશાવાદ અને હકારાત્મકતાનો ભાવ કાયમ થયો છે.

ચલતે ચલતેઃ

“કરીએ તો થાય,

કરીએ તે થાય.”