ડિસેમ્બર ૨૦૧૯થી વિશ્વભરમાં ચાલી રહેલી કોવિડ—૧૯ મહામારીએ આપણા માટે ઘણો મોટો પડકાર ઊભો કર્યો છે. આપણે આ રોગની બે લહેરમાંથી પસાર થઇ ચૂક્યા છીએ અને ત્રીજા મોજાના ડર તળે જીવી રહ્યા છીએ. પોતાના અને અન્યના રક્ષણ માટે મોઢે માસ્ક પહેરવું, એકબીજાથી છ ફૂટનું અંતર જાળવવું, હાથ અને ચહેરાની સફાઇની કાળજી રાખવી અને બિલકુલ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું — આ બધા સંદેશાઓ આપણે વારંવાર સાંભળી ચૂક્યા છીએ. મહામારીએ માનસિક સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ પેદા કરી છે. તેમ કુટુંબજીવન અને બાળકોના ઉછેર બાબતમાં નવા પડકારો ઊભા કર્યા છે. બાળકો ઘરની બહાર નીકળી શક્તાં નથી. સ્કૂલે જઇ શક્તાં નથી. એમને આખો દિવસ પ્રવૃત્ત રાખવાનું માબાપ માટે અઘરું બન્યું છે. મોબાઇલ ફોનના પડદા સામે બેસીને ભણતાં બાળકો માટે ઘરશાળાનો અનુભવ ફરજિયાત બની ગયો છે. એકબીજાથી અંતર પણ જાળવવાની, આ સંજોગોમાં બને ત્યાં સુધી ઘરની અંદર પુરાઇ રહીને બાળકોનો સ્વસ્થ ઉછેર પણ કરવાની અને કુટુંબજીવનને મોજીલું બનાવવાની કપરી કામગીરી માબાપ શી રીતે કરી શકે તેની કેટલીક ચાવીઓ અહીં આપી છે.

બાળઉછેરમાં કડકાઇ અજમાવશો

બાળકનું વર્તન તમને પજવી શકે છે. બાળકો સાથે ૨૪/૭ કલાક ઘરમાં પુરાઇને રહેવાનું સહેલું નથી. બાળકોનાં તોફાન જોઇને તમે કંટાળી /ચિઢાઇ શકો છો. તમને ગુસ્સો આવી શકે છે. પણ આવામાં જો તમે એમને મારશો, ધમકાવશો, સજા કરશો, ચેતવણી આપતા રહેશો કે ઘાંટા પાડતા રહેશો તો કામ નહીં બને. તમારું નાનકડું કઠોર વલણ કે વર્તન આગમાં ઘી ઉમેરવાનું કામ કરશે. બાળકોનો સ્વભાવ છે કે એમને ના પાડવામાં આવે તે એ સામે ચાલીને કરશે. શ્રેષ્ઠ ઉપાય એ છે કે એમના અણછાજતા વર્તનની ઉપેક્ષા કરો.

બાળકો પાસેથી તમારી ડિમાન્ડો ઓછી કરો

કોરોના મહામારીના સમયમાં માબાપના માથે બાળકોને સાચવવાની અને એમના ભણતર પર દેખરેખ રાખવાની એમ બેવડી જવાબદારી આવી પડી છે. બાળક શાળાએ જઈને ભણતું હતું ત્યારે વાત જુદી હતી. જેટલો સમય એ સ્કૂલે હોય એટલો સમય તમને રાહત મળી જતી. પણ હવે વાત બદલાઇ છે. ઘરમાં પુરાઇ રહેલું બાળક તોફાને ચઢી શકે છે. આવી વેળાએ તમે એને “આમ ન કર” અને “આમ કર” એવા આદેશો દિવસભર સંભળાવતા રહેશો તો પથ્થર પણ પાણી ફેરવ્યા જેવું થશે. ભણવામાં ધ્યાન આપ ! આખો દિવસ આ શું, મોબાઇલ જોડે વળગેલો રહે છે? વોટ્‌સએપ અને યુટ્યુબ સિવાય બીજું કંઈ સૂઝે છે કે નહીં? જલદી સૂઇ જા! વેળાસર જમી લે! કપડાંલત્તા — દફતર — રમકડાં ઠેકાણે મૂક! મિત્રો સાથે ફોન પર ચિપકેલો ન રહે! ઘરકામમાં મદદ કર ! ટી.વી. બંધ કર! એદીની જેમ પડી ન રહે ! ભેગાં મળીને મસ્તી ન કર્યા કરો! આવી આવી સૂચનાઓ અને ડિમાન્ડ્‌સ એમની આગળ રજૂ કર્યા કરવાથી તમારી સત્તા નબળી પડી જશે. તમારા શબ્દોની કશી કિંમત નહીં રહે.

પોતે હળવા પડો

માબાપ પોતે હમણાં એમના પોતાના જીવનનો તણાવ અને કોરોનાએ ઊભી કરેલી વધારાની હાડમારી એમ બમણી તાણમાંથી પસાર થઇ રહ્યાં છે. પોતાના આ તણાવની એ અજાણતાં જ બાળકોને ખો આપે છે. પરિણામે કુટુંબનું વાતાવરણ તંગ રહે છે. આવી વેળાએ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે તમે જેટલા ચિઢાશો અને ઘાંટા પાડશો એટલું બાળક વધારે નફ્ફટ બનતું જશે. આવામાં પોતાના માટે થોડો અલગ સમય કાઢો એ ખૂબ જરૂરી છે અને આ અઘરું પણ નથી. બાળકો સૂઇ જાય, પોતાના ભણતરમાં વ્યસ્ત હોય, હોમવર્ક કરી રહ્યાં હોય, રમતાં હોય, કે બપોરનો આરામ કરી રહ્યાં હોય ત્યારે તમે જાતે થોડી કસરત કરી લો. મનગમતી પ્રવૃત્તિ કરો. પોતાના મનોરંજનનો ખ્યાલ રાખો. થોડું ધ્યાન કે દીર્ઘ શ્વસન અજમાવો. તમે હળવા થશો તો ઘરનું વાતાવરણ સુધરશે

સૌ સાથે જોડાયેલાં રહો

કોરોનાએ એકબીજાની વચ્ચેનું અંતર વધારી દીધું છે, પણ પરસ્પર સંપર્કના નવા રસ્તાઓ ખોલી આપ્યા છે. સ્ક્રાઇપ, ફેસટાઇમ, ઝૂમ કે વોટ્‌સએપ દ્વારા તમે તમારા દૂર—દૂરનાં સ્વજનો, મિત્રો અને સહકાર્યકર્તાઓ જોડે જોડાઇ શકો છો. ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને તમે જન્મદિવસની ઉજવણી અને સહભોજનનો આનંદ મેળવી શકો છો. હવે તો સ્પ્લિટ સ્ક્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે સાથે મળીને મૂવી પણ જોઇ શકો છો.

સાથે મળીને હળવી કસરત કરો

વજન ઘટાડવા કે શરીરની તંદુરસ્તી સાચવવા નહી પણ પોતાનાં સંતાનોની સાથે મળીને આનંદ મેળવવાના હેતુથી ઘરમાં રહીને, યુટ્યુબનો ઉપયોગ કરીને તમે ઘણી હળવી અને મનોરંજન કસરત કરી શકો છો. માત્ર દસ કે પંદર મિનિટની હળવી ક્રિયાઓ પૂરતી છે. એનાથી કુટુંબના વાતાવરણમાંથી તણાવ ઘટશે અને બાળકોને તમારી હૂંફ મળશે.

ઉત્તમ ઉદાહરણ પૂરું પાડો

માબાપ બાળક માટે શ્રેષ્ઠ આદર્શમૂર્તિ છે. કપરા સંજોગોમાં ઠંડક શી રીતે જાળવવી અને મુસીબતમાંથી માર્ગ કેમ કરીને કાઢવો એ કંઇ નિશાળમાં શીખવાની બાબત નથી. બાળક પોતાના માબાપને જોઇને કુટુંબના વાતાવરણમાંથી જ આ શીખ મેળવે છે. બાળકો અવલોકન અને અનુકરણ કરવાની શકિત ધરાવે છે. તમે એમને જે કહો છો એને એ ભૂલી જશે, પણ તમે જે કરો છો એ એના મનમાં સીધેસીધું ઊતરી જાય છે. કોરોનાના તણાવનો સામનો તમે શી રીતે કરો છો એ જોઇને બાળક વગર કહે તમારી પાસેથી ઘણું બધું શીખે છે. તમે ઘાંટા પાડશો અને રઘવાયા થશો તો બાળકો પણ એવાં જ બનશે. તમારું કલેજું ઠંડું રાખશો તો બાળકોને એવી જ તાલીમ મળશે.

સૂતાં પહેલાં રોજ સારા સમાચાર સંભળાવો

રાત્રે સૂવાના સમય પહેલાં પોતાના કુટુંબ અને બાળકો સાથે દિવસ દરમિયાન બનેલા કોઇ સારા સમાચારની વાત કરો. દુર્ઘટનાઓ, હિંસક બનવો ને કોરોનાને લગતા સમાચારો એમનાથી દૂર રાખો. આવા સમાચારો જોવાથી, વાંચવાથી કે કુટુંબમાં એની ચર્ચા કરવાથી બાળકોના મનમાં ડર અને ચિંતાતુરતા પેસી શકે છે. ઘણાં બાળકો લાંબા ગાળે મનમાં ને મનમાં આવી દુર્ઘટનાઓનું રિહર્સલ કરતાં બની જાય છે, જેને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિઝ્‌ઓર્ડર કહેવામાં આવે છે.

વાર્તાકથન

સૂતી વખતે દુઃખદ અંતવાળી વાર્તા કહેવાને બદલે મનોરંજક અને સુખદ અંતવાળી વાર્તાઓ કરવાનો ચીલો બનાવો. ગિજુભાઇની બાળવાર્તાઓ અને બકોર પટેલની વાતો હળવી અને મનોરંજક છે. કબાટમાં સાચવી મૂકેલા ફોટો આલ્બમને કાઢીને જૂના પ્રસંગો અને સંબંધોને વાગોળી શકાય છે. પોતાના જીવનમાં બનેલી સારી ઘટનાઓને યાદ કરી શકાય છે.

નવીનતાસભર પ્રવૃત્તિઓ

બાળકો સાથે જ્ઞાનવિજ્ઞાનની વાતો કરો. વાતાવરણ, પ્રાણીપંખીઓ, પૃથ્વી પરની સજીવ—નિર્જીવ સૃષ્ટિ, કુદરત , કળા, પાકશાસ્ત્ર, દુનિયાનો તખ્તો પલટી નાખનારી ઇતિહાસની રોચક ઘટનાઓ, સૂર્યમંડળ અને તારાઓ, અવકાશી ઘટનાઓ, જગતની મહાન વૈજ્ઞાનિક શોધો, મહાપુરુષોના જીવનની રસપ્રદ વાતો વગેરેની સાથે મળીને ચર્ચા કરો. યુ—ટ્યુબ અને ગૂગલ સૂર્ય દ્વારા અનેક રસપ્રદ વિષયોનું તમે સંશોધન કરી શકો છો અને બાળકને નોટબૂકમાં એની કાયમ નોંધ બનાવવાનું પ્રોત્સાહન આપી શકો છો. જગવિખ્યાત પુસ્તકો, સાહિત્ય વારસો, ચલચિત્રો અને કાર્ટુન ચરિત્રોને પણ પરસ્પર વાતચીતનું માધ્યમ બનાવી શકાય છે. કોરોનાએ ઊભી કરેલી ફુરસદનો ઉપયોગ કરીને તમે અને સંતાનો પોતાના અધૂરા રહી ગયેલા શોખ અને રુચિઓ પૂરાં કરી શકો છો.

રોજિંદી ક્રિયાઓ સાથે મળીને કરો

જમવું, ઘરનાં કામો કરવાં, ટેલિવિઝન કાર્યક્રમ જોવા, રસોઇ કરવી, ઘરની સાફ સફાઇ કરવી, રમવું વગેરે અનેક પ્રવૃત્તિઓમાં બાળકોને સાથે રાખવાથી એકબીજાની તાણ અને ચિંતાઓને ઓછી કરી શકાય છે અને એકબીજાનો સંગ માણી શકાય છે.

માયાળુ બનો

કોરોનાના કપરા કાળમાં કડકાઇ વાપરવાને બદલે કુટુંબમાં સૌની સાથે અને ખાસ કરીને બાળકોની સાથે પ્રેમાળ વર્તન કરવાનો નિયમ બનાવો. વાણી અને સ્પર્શમાં મીઠાશ આણો. ઘરની બહાર નીકળો અને અજાણ્યા લોકો વચ્ચે જાઓ ત્યારે એકબીજાથી છ ફૂટના અંતરની સાવચેતી રાખો. પણ ઘરે તો એકબીજાને સ્પર્શો, વહાલથી ભેટો એ ખૂબ જરૂરી છે.

બાળક પર પોતાની નજર રાખો

બાળક ચિંતાગ્રસ્ત કે હતાશ રહેવા લાગ, અતડું બની જાય, એના ચહેરા પર ઉદાસીનતા છવાયેલી રહે, અકારણ વારંવાર રડી પડે, રાત્રે બરાબર સૂઇ ન શકે અથવા વચ્ચે વચ્ચે એકદમ છળીને જાગી જાય, એના વર્તનમાં અણછાજતી આક્રમકતા કે ચીડિયાપણું જોવા મળે, મનગમતી પ્રવૃત્તિઓ છોડી દે, ભણવામાં અરુચી બતાવવા લાગે, એની સૂવા — જાગવા — નહાવા — ઘોવા — જમવા સહિતની દિનચર્યા ખોરવાઇ ગયેલી જણાય તો એના પ્રત્યે દુર્લક્ષ ન સેવતાં ચાઇલ્ડ કાઉન્સેલરની સલાહ લો.

કિશોર વયનાં સંતાનો

ઉપર જણાવેલા બધા જ મુદ્દાઓ તમામ વયનાં સંતાનોને લાગુ પડે છે. પણ કિશોર વયનાં સંતાનોને કોરોના સમયમાં થોડું અલગથી ધ્યાન આપવાની જરૂર પડે છે. એમની અંદર ચિંતાતુરતા, હતાશા, આત્મહત્યાનું વલણ, ચીડિયાપણું, આક્રમક વર્તન, અતડાપણું અને મિજાજીપણું  વધારે જોવા મળ્યું છે. એ લક્ષમાં લેતાં એમને કુટુંબ જીવનમાં ખાસ સાથે રાખો. એમને સહકુટુંબ માણી શકાય તેવી પ્રવૃત્તિઓ અને રમતગમત ખોળી કાઢવાની કામગીરી સોંપો. એમને આજ્ઞાઓ કરવાને બદલે એમનાં સૂચન લો. કૌટુંબિક રમતગમત અને પ્રવૃત્તિઓમાં એમની દોરવણી પ્રમાણે ચાલો. કૌટુંબિક ચર્ચાઓમાં એમને આગળ કરો. એમને પોતાની વાત અને લાગણીઓને વ્યક્ત કરવાની છૂટ આપો.