એકવીસમી સદીનો ઇતિહાસ લખાશે ત્યારે કાળગણનામાં કોરોના પહેલાં અને કોરોના પછી એમ બે સીમાચિહ્નો જ્રૂર અંકાશે. આ મહાભયંકર મહામારી જે કોરોના અથવા કોવિઽ—૧૯ તરીકે ઓળખાય છે, તે ઇતિહાસમાં પોતાની છાપ છોડી જશે એનાં અનેકવિધ કારણો છે. પહેલું કારણ આર્થિક છે. કેટલાય દેશોની અર્થવ્યવસ્થાને પણ તેણે ખોરવી નાખી છે. બીજું કારણ સામાજિક છે. તેણે મનુષ્યની સામાજિકતા ઉપર પણ તરાપ મારી છે. ત્રીજું કારણ સાંસ્કૃતિક છે. કોરોના માનવસંસ્કૃતિ ઉપર લાંબાગાળાની અસરો છોડી જશે. આવનારી પેઢીઓ કોરોનાના કારણે ઉદ્ભવેલા પશ્નોને સાથે લઇને જીવશે. કોરોના પહેલાં જોવા મળતી પરિસ્થિતિ આવતાં કેટલો સમય લાગશે તે નક્કી નથી એવા સંજોગોમાં હાલની બાળપેઢી કેટલાક નરસા અનુભવોમાંથી પસાર થઇ રહી છે. એવું નથી કે બધે નકારાત્મકતા જ છે. કયાંક સકારાત્મકતા પણ જોવા મળી રહી છે. કોરોના દરમિયાન થયેલ આવા જ કેટલાંક સકારાત્મક અનુભવો આપ સૌ સમક્ષ અહીં રજૂ કર્યા છે.

જ્યારે માર્ચ ૨૦૨૦માં કોરોના વિશેના સમાચાર સાંભળ્યા અને આ રોગ વિશેની ગંભીરતા સમજાઈ ત્યારે મારો દીકરો મહીજ સવા બે વર્ષનો હતો. કોરોનાની તાસીર હજુ સમજાઇ નહોતી. આથી રોગપ્રતિકારક ક્ષમતા વધારવા કાળજીરૂપે અમે પતિ—પત્ની ગરમ પાણી પીતાં. રોજ સવારના સમયે ગરમ પાણી પીતાં મા—બાપને જોઇ સવા બે વર્ષનું બાળક કૌતુક અનુભવતું હશે કે કેમ એ તો ભગવાન જાણે, પરંતુ એણે એક સવારે સામે ચાલીને ગરમ પાણી માંગ્યું. પછી એણે ગરમ પાણી પીવાનું કારણ પૂછયું ત્યારે સમજાવ્યું કે, “એક નવો વાયરસ આવ્યો છે, કોરોના. એમાં બહુ બધી શરદી થઇ જાય. પણ આ ગરમ પાણી પીએ તો કોરોના વાયરસ જતો રહે” એ દિવસ પછી લગભગ દરરોજ મારા દીકરાએ ગરમ પાણી પીધું છે. વચ્ચે કેટલોક સમય સવારે ઉકાળો પણ પીધો છે. સવા વરસ થયે આજે પણ તેને પૂછવામાં આવે કે, “ગરમ પાણી પીએ તો શું થાય? તો તરત હસીને જવાબ આપેઃ “કોરોના વાઈરસ જતો રહે.” એ પછી કોઇને કોરોના થયા હોવાની ચર્ચા ચાલતી હોય ત્યારે એ સહજ રીતે ગરમ પાણીનો ઉપાય બતાવ્યા વગર રહેતો નથી. કોઇને ભલે આ એક સામાન્ય બાબત લાગે પણ મેં આ ઉપરથી જ જાણ્યું છે કે બાળકના કુમળા મન ઉપર કોરોના વાઈરસે ઊભી કરેલી પરિસ્થિતિની કેવડી મોટી અસર છે. ઽર અને કાળજી વચ્ચેની ભેદરેખા હું આમાં સ્પષ્ટ સમજી શકી.

કોરોનામાં બાળકો કૌટુંબિક જીવનને સારી રીતે સમજતાં થયાં છે. અમે અહીં વડોદરામાં વિભકત કુટુંબમાં રહીએ છીએ. કોરોનાકાળમાં અમે લોકડાઉન દરમિયાન લગભગ એક મહિના માટે અમારા વતન ખાતે જતા રહ્યા હતા. એ દરમિયાન અમે પૂરો પરિવાર એકબીજા સાથે રહી શકયા. આમ જોવા જઇએ તો માનવી સામાજિક પ્રાણી છે. એટલે એનું બચ્ચું સામાજિક હોવું જ જોઇએ. કોરોનાએ માનવ માનવ વચ્ચે ‘સામાજિક અંતર’નામની અભેદ્ય દીવાલ ઊભી કરી દીધી છે. આ દીવાલ ખરેખર તો બાળકના વિકાસ માટે અવરોધરૂપ છે. બાળકની સામાજિકતાનો વિકાસ તેની બેથી પાંચ વર્ષની ઉંમર દરમિયાન થાય છે એ હકીકત ધ્યાને લઇએ તો મારા બાળકની પેઢીના બાળકોમાં સામાજિકતાના ગુણના અનુભવો અહીં રજૂ કરું છું.

અમારા વતન વસવાટના દિવસોમાં મહીજને ખૂબ મજા આવી. દાદા સાથે ખેતરે જવાનો એનો રોજનો નિયમ થઇ ગયેલો. દાદા ટ્રેકટરથી ખેતર ખેડે તો એમની જોડે બેસીને ખૂબ મજા કરતો. ટ્રેકટરની પાછળ પાછળ ફરતા બગલાઓને જોઇ રહેતો અને બૂમ પાઽતો. આ રીતે મહીજને આનંદિત થતો જોઇ હું પણ મનોમન ખૂબ હરખાતી. પછી મેં અને એણે ખેતરની ભીની, કાળી અને ચીકણી માટીમાંથી તેના રમકડા બનાવ્યાં તેમજ તેની નાની—નાની થાળી, વાટકી, ચમચી અને ગ્લાસ બનાવ્યાં. પછી જ્યારે અમે ઘરે ગયા ત્યારે તેનાં બાને કહેવા લાગ્યોઃ “બા મેં મારી થાળી અને પ્યાલો બનાવ્યાં છે. તે હમણાં સૂકવવા મૂકયાં છે ચાલો તમને બતાવું.” અમારું ખેતર ઘરથી ખૂબ નજીક, તેથી તે તરત બાને ત્યાં લઇ ગયો અને આ બધું બતાવવા તે “મેં કેવું સરસ બનાવ્યું એ તો જુઓ બા” એવો ભાવ બતાવતો. આ જોઇ અમને ગર્વ થતો.

ટી.વી ઉપર રામાયણ જોતા ત્યારે તેના એક દૃશ્યમાં હનુમાનજી ગદા લઇને ‘જય શ્રી રામ’ બોલ્યા. આ જોઇને મહીજે કહ્યુંઃ “મારે પણ ગદા જોઇએ.” લોકડાઉનમાં તરત તો ગદા કયાંથી લાવવી? તેથી અમે તેને લાકડી, રૂ અને કાપઽમાંથી ગદા બનાવી આપી. મહીજ આ ગદા જોઇ ખુશ થઇ ગયો અને તેને ઊંચી કરી ‘જય શ્રી રામ’બોલવા લાગ્યો. આ જોઇ અમે તેનાં માતા—પિતા, બા—દાદા ખૂબ ખુશ થયા. તેના મામાના ઘરે પણ વિડીયો કોલ કરીને બતાવ્યું. એ લોકોને પણ ખૂબ આનંદ થયો. ટી.વીમાં આવે એવી જ વસ્તુ મારી પાસે છે એ વાતનો બાળકને કેટલો આનંદ થતો હોય છે એ વાત ત્યારે સમજાઇ.

એ દિવસોમાં અમે તેના મામાના ઘરે જે મહીસાગર નદીના કિનારે છે ત્યાં પણ ગયા. ત્યાં અમે મહીજના નાના—નાની, તેના બંને મામા, અને માતા—પિતા મહીજને લઇને સાંજે પાંચ વાગ્યા પછી નદીએ જતાં. ત્યાં પાણીમાં ન્હાવાની અને મસ્તી કરવાની તે ખૂબ મજા લેતો. નદીમાં પથ્થર નાખતો અને તેના અવાજથી ખુશ થતો. અમારા બધા ઉપર પાણી ઉછાળતો અને અમે પલળીએ તો એ ખૂબ હસતો. અંધારું થવા આવે છતાં તે ત્યાંથી ઘરે જવાનું નામ લેતો નહીં. એને ઘરે જવાનું કહીએ તો હાથના ઇશારા સાથે કહેતોઃ “થોડીક જ વાર.” ફરી થોડી વાર પછી કહીએઃ “બેટા હવે ચાલો, બહાર આવો, ઘરે જવાનું છે. હવે અંધારૂ થશે.” તો પાછો કહેઃ “થોડીક જ વાર.” પછી થોડા સમય પછી અમે કહીએ કેઃ “અમે જઇએ છીએ” તો એકદમ નિખાલસતાથી તે જવાબ આપેઃ “સારું તમે જાવ. હું અહીં રમીશ.” તેનો આ જવાબ સાંભળી અમે બધા હસી પઽતા. પછી માંઽ માંઽ એને ઘરે લઇ જતા.
મામાના ઘરનો બીજો એક અનુભવ તે મહીજ ત્યાં કેક બનાવે એ. આ કેક તે શેની? માટી, રેતી અને પાણીની. તેનાં નાની તેને વાટકો, ચમચી, માટી અને પાણી આપે એટલે મહીજ તો કેક બનાવવા મંડી પડે વાટકામાં તે માટી, રેતી અને પાણી મિક્સ કરે, ચમચીથી હલાવે ને વાતો કરતો જાય. “ હજુ થોડુ પાણી નાખવું પઽશે”, “આ મસ્ત લાગે”, “હું તમને આપીશ.” વગેરે વગેરે. પછી તેને ઓવનમાં મૂકતો હોય એવો અભિનય પણ કરે. થોડીવાર પછી કહેઃ “કેક બની ગઇ છે. ચાલો ખાવા” પછી ત્યાં હોય એ બધાને કેક ખાવા આપે. કોઇ કહેઃ “ આ તો ના ખવાય.” તો જવાબ આપે “ખાલી ખાલી ખાવાની.” આ રીતે એની સાથે રમવાની બધાને ખૂબ મજા આવે. તેનાં નાના—નાની તેનો આ કેકનો સામાન મૂકી જ રાખે. એ પછી મહીજ જ્યારે—જ્યારે મામાના ઘરે જાય છે ત્યારે ત્યારે અચૂક આ રીતની રમત કરે જ છે.

તેની આ બધી રમતો અમારો સમય પસાર કરવા માટે ખૂબ મદદરૂપ બની. બાળકનું નિર્દોષ હાસ્ય બહારના વાતાવરણની ચિંતા, ભય વગેરે દૂર કરી આપે. આપણે માનીએ પણ સૌહાર્દ ધરાવતાં પરિવારોનો બાળકોમાં કોરોનાએ કુટુંબભાવના વિકસાવવામાં ખૂબ મદદ કરી છે. એ ઉપરાંત આધુનિક સમયમાં પૈસા પાછળ ભાગતાં માતા—પિતાનો કેટલોક સમય બાળકોને મળ્યો છે. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ જેવા સુવિચારને આપણે કોરોનાકાળમાં જ પ્રત્યક્ષ રીતે સમજી શકયા. આ સમયગાળામાં જ કેટલાંક લોકો પોતાનામાં રહેલી આંતરિક શકિતઓને સમય મળવાથી બહાર લાવી શકયા છે. પૈસા, નોકરી અને નામની પાછળ ઘેલા થયેલા મનુષ્યને પોતાની જાત માટે અને પરિવાર સાથે સમય આપવાનું, પોતાના સ્વાસ્થ્ય અંગે તકેદારી જાળવી તેની સંભાળ રાખવાનું તેમજ રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે અનેક નુસખા કરવાનું શીખવ્યું છે. કોરોના સામે પોતાની જાતને ટકાવવા માટે આજે મોટા ભાગના લોકો આયુર્વેદિક ઉપચાર કરતા થયા છે અને એ રીતે તેઓ સ્વદેશી તરફ વળ્યા છે. ‘પરિવર્તન સંસારનો નિયમ છે.’ ‘આ સમય પણ જતો રહેશે’ જેવાં સકારાત્મક વાક્યો દ્વારા બાળકોને સમજાવીએ કે કોરોના કોઇ રાક્ષસ નથી, તેનાથી ઽરવાની કોઇ જરૂર નથી, પરંતુ કાળજી રાખી તેની સામે લઽવાની જરૂર છે. અહીં મેં મહીજ કોરોનાકાળમાં પોતાના પરિવારની અને પ્રકૃતિની વધારે નિકટ આવ્યો એવા પ્રસંગો જણાવ્યા છે. કોરોનાના કારણે જ મનુષ્યના જીવનમાં અને સંસારમાં આવેલાં સકારાત્મક પરિણામો બતાવી, સમજાવી બાળકોને તેના વિશે અવગત કરીએ અને કોઇ પણ પરિસ્થિતિમાં પોતાની જાત અને ઇશ્વર પર શ્રદ્ધા રાખી તેને અવસરમાં બદલવાનું શીખવીએ એ જ આશા.