નવીન કોરોના વાઈરસ ડિઝીઝની ડિસેમ્બર ૨૦૧૯માં શરૂઆત થઈ ત્યારે બાળકો સદ્‌નસીબ હતાં, કેમ કે વાઈરસ એમને પોતાનો શિકાર નહોતા બનાવતા. જો કે આપણા દેશમાં મહામારીની બીજી લહેર વખતે બાળકોને પણ એણે ન છોડયાં. પુખ્ત વ્યક્તિઓ અને ઘરડાઓની માફક બાળકોમાં રોગની ગંભીર અસર જોવા ન મળી, તેમ જ રોગનો મૃત્યુદર પણ ઓછો જોવા મળ્યો, તે હકીકત બાળકો અને તેમના પાલકો માટે આશ્વાસન નીવડી છે. રોગચાળાની બીજી લહેર શમી છે અને ત્રીજી લહેરની રાહ જોવાઈ રહી છે ત્યારે હજુ કેટલા વખતમાં એ કાબૂમાં આવશે એ અનિશ્ચિત છે. કોવિડ—૧૯ એક વિૈશ્વક સંકટ છે. બીજા વિશ્વયુદ્ધ પછી માનવજાતે જોયેલી આ સૌથી મોટી આપત્તિ છે. તમામ ઉંમરની વ્યક્તિઓ પર એની દૂરગામી અસરો થશે. બાળકોની શારીરિક, માનસિક, સામાજિક અને શૈક્ષણિક સુખાકારી પર એની ઘણી વિપરીત અસરો થશે. બધાં બાળકો પર આ અસરો એકસરખી નહીં હોય. ગરીબ, ઘરબાર વિહોણાં, અભાવગ્રસ્ત તેમ જ અનાથાશ્રમ, અપંગગૃહ, મંદબુદ્ધિનાં બાળકોની સંસ્થાઓ, જ્યુવેનાઈલ હોમ વગેરે સ્થાનોમાં રહેતાં બાળકોને રોગચાળાને લીધે સૌથી વધારે સામાજિક અને આર્થિક આઘાત સહન કરવાનો આવશે. ગત માર્ચ સુધીમાં કોવિડ—૧૯ના કારણે આશરે ૧૫ લાખ બાળકો વિશ્વભરમાં માબાપનું છત્ર ગુમાવીને અનાથ બની ચૂક્યાં છે. આ બાળકો ગરીબાઈનો ભોગ બનશે. એમનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવશે. એમને બાળમજૂરીમાં જોતરવામાં આવશે.

કોરોના વાઈરસે માનવીના જીવનના પ્રત્યેક ક્ષેત્રને અસર કરી છે. રોગચાળાના પ્રારંભે સૌથી વ્યાપક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું અને લોકો ઘરોમાં પુરાઈ ગયા. એની સારી અસર એ થઈ કે દરેક જણને ઘરે રહીને પોતાની જાત સાથે અને કુટુંબ સાથે સમય ગાળવાની તક સાંપડી. વર્ક ફ્રોમ હોમને લીધે પપ્પા ઘરે રહે અને સૌ સાથે મળીને ઘરકામ કરે ને એકબીજા સાથે જોડાયેલા રહે એવો સમય આપણે પહેલી વાર જોયો. કુટુંબના સભ્યો એકબીજા સાથે રહીને ગુણવત્તાસભર સમય ગાળી શક્યા એ મહામારીએ ઊભી કરેલી આશીર્વાદરૂપ પરિસ્થિતિ બની.

શાળાશિક્ષણ પર અસર

કોવિડ—૧૯ મહામારી સિક્કાની બે બાજુઓ જેવી છે. એણે માણસ માટે ઘણી આપત્તિઓ પણ સર્જી છે અને નવી તકો પણ ઊભી કરી આપી છે. એને લીધે વિશ્વભરમાં ૧૮૮ દેશોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી. અઢાર વર્ષથી નાની ઉંમરનાં લગભગ દોઢ અબજ બાળકો અને કિશોરોનું શાળાશિક્ષણ તેનાથી ખોરવાયું. કોવિડ—૧૯નો ચેપ લાગવાના ભયને કારણે બાળકોએ ઘરમાં પુરાઈ રહેવાનો વખત આવ્યો. માબાપે પોતાનાં સંતાનો માટે આ સંકટે ઊભો કરેલો તણાવ ઓછો કરવા બનતા ઉપાયો કર્યા. એમણે ઘરમાં રહીને પોતાનું ઘરકામ તેમ જ વ્યાવસાયિક કામ સંભાળવાની સાથે સાથે બાળકોને પણ પ્રવૃત્ત રાખવાની, સલામત રાખવાની અને ઓનલાઈન માધ્યમથી શાળાશિક્ષણ મેળવવાની શક્ય એટલી સુવિધાઓ પૂરી પાડી. આ સહેલું નહોતું. છતાં માબાપે આ પડકાર ઝીલ્યો.

પ્રથમ આઠ વર્ષો બાળકના પાયાના વૃદ્ધિ અને વિકાસનો ગાળો છે. પહેલાં પાંચ વર્ષોમાં બાળકના મગજનો ખૂબ ઝડપથી વિકાસ થાય છે. આની એના સમગ્ર જીવન પર અસર થાય છે. એના વિકાસમાં શાળા અને કુટુંબની પૂરક ભૂમિકા છે. કોરોનાના રોગચાળાએ બાળકોને કુટુંબમાં કેદ કર્યા, પણ શાળાજીવનથી વંચિત રાખ્યાં છે. જે બાળકો બાલમંદિર અને પ્રાથમિક શાળાએ નથી જઈ શક્યાં તેમની ઈન્દ્રિયોના વિકાસ માટે પૂરતું ઈંઘણ નથી મળ્યું. શિક્ષિકા અને બાળકોના પ્રત્યક્ષ મેળાપ વગર બાલવાડી શિક્ષણની કલ્પના ન કરી શકાય. તેના અભાવે નાનાં ભૂલકાઓનો જ્ઞાનાત્મક વિકાસ રુંધાવાનો પૂરો સંભવ છે. શાળાશિક્ષણની ગમે તેટલી ટીકા કરીએ તો પણ સમાજને તેની લત પડી ચૂકી છે. કોઈ બાળક ઘરમાં રહીને ભણવા ટેવાયેલું નથી. માનવશક્તિના વિકાસમાં શાળાઓની મહત્ત્વની ભૂમિકા છે. આ સંજોગોમાં આવનારા દસકાઓમાં સંભવિત માનવ સંસાધન વિકાસ પર મહામારીની દૂરગામી અસરનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે. કોવિડ—૧૯ મહામારીથી અસરગ્રસ્ત રાષ્ટ્રોમાંથી બે—તૃતીયાંશ જેટલાં પોતાના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઊભું કરી શક્યાં છે. પરિણામે પ્રાથમિક અને માધ્યમિક શાળાશિક્ષણ થોડીઘણી મુશ્કેલી સાથે ચાલુ રાખી શકાયું છે. પણ ૩૦ જેટલા ગરીબ દેશો આ સુવિધા તાત્કાલિક ઊભી નથી કરી શક્યા. કોવિડ—૧૯ ના આગમન પહેલાં વિશ્વનાં શાળાએ જતાં એક—તૃતીયાંશ બાળકો પાસે સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટની સગવડ નહોતી. આપણા દેશમાં પણ આજે અંતરિયાળ ગામડાઓમાં પેટ ભરવા માટે બે ટંક અનાજ અને પીવાના સલામત પાણીની અછત હોય ત્યાં સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટની અપેક્ષા રાખવી અઘરી છે. જે માબાપ પાસે આ સગવડ નથી એમનાં બાળકો માટે સ્કૂલ છૂટી જશે. એના લીધે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું જશે.

શાળાઓ બંધ થવાથી બાળકોના સ્વાસ્થ્ય પર બીજી પણ કેટલીક આડકતરી આડઅસરો થશે. મહામારીમાં અનેક કુટુંબો આજીવિકારહિત બનીને ગરીબી રેખા નીચે ધકેલાશે. બીજી બાજુ એક અંદાજ પ્રમાણે ૧૪૩ દેશોના ૩.૭ કરોડ બાળકો મધ્યાહ્‌ન ભોજન દ્વારા પોષણ મેળવી રહ્યાં હતાં. કમનસીબે કોવિડ મહામારીએ સ્કૂલો બંધ કરીને એમનો કોળિયો ઝૂંટવી લીધો છે. આ બાળકો માબાપની બેકારી અને મધ્યાહ્‌ન ભોજન વિના કુપોષિત બનશે. આથી એમની રોગપ્રતિકાર શક્તિ નબળી પડશે અને એ કુપોષણ—સંક્રામક રોગોના ખપ્પરમાં ફસાઈને મરણને શરણ થશે. પરિણામે વિશ્વભરમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન બાળમૃત્યુદરમાં સતત થતો રહેલો ઘટાડો અટકીને એકાએક ચાલુ વર્ષે એમાં ઉછાળો આવશે એવું અનુમાન છેે.

ઘરેલુ હિંસા અને શારીરિક અત્યાચારનો શિકાર

લોકડાઉન અને શાળાબંધીને કારણે ઘરોમાં કેદ થનારાં બાળકો માબાપ અને પાલકોની હિંસાખોરી અને શોષણનો શિકાર બનશે એવો પણ ભય સેવવામાં આવે છે. બાળકો અને મહિલાઓ ઘરની ચાર દીવાલોમાં પુરાવાથી એમનું શોષણ કરનારાઓને છેલ્લા દોઢેક વર્ષોથી છુટ્ટોદોર મળી ગયો છે. બહાર કોવિડ—૧૯ના રોગચાળાએ તેમ જ ઘરોમાં શોષણ અને ઘરેલુ હિંસાના વાવડે માઝા મૂકી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહિલા પાંખના મહામંત્રીના અહેવાલ મુજબ વિશ્વભરમાં બાળકો તથા મહિલાઓ પરના ઘરેલુ હિંસાઓના મામલામાં જુદા જુદા દેશોમાં છેલ્લાં દોઢ વર્ષમાં ૨૫—૩૩% જેટલો વધારો જોવા મળ્યો છે.

ડિજિટલ પ્લેટફોર્મની લત

કોવિડ—૧૯ મહામારીએ કુટુંબો અને બાળકો માટેના મનોરંજનનાં દ્વાર બંધ કરી દીધાં છે. બાગબગીચા, થિયેટર, મ્યુઝિયમ, પ્રાણી સંગ્રહાલયો અને પ્રવાસો બંધ રહ્યાં છે. નછૂટકે બાળકોને અને મોટેરાંને મનોરંજન માટે ટેલિવિઝન, મોબાઈલ ફોન અને ટૅબલેટના પડદા સામે બેસી રહેવાની લત પડી છે. બાળકોને ભણવા માટે ફરજિયાત મોબાઈલ ફોન હાથમાં આપવો પડે છે. શરૂ—શરૂમાં માબાપ એમના પર દેખરેખ રાખતાં. બાળકનો ઓનલાઈન ક્લાસ શરૂ થાય એટલે એના મમ્મી કે પપ્પા એની સાથે બેસીને એના અભ્યાસમાં અને એને શું શીખવવામાં આવી રહ્યું છે એમાં રસ લેતા. એ બાળકને ભણવામાં પ્રોત્સાહન પણ પૂરું પાડતાં. પણ પોતાના ઘરના કે વ્યાવસાયિક કામોની જવાબદારીઓ વચ્ચે કાયમ આ જવાબદારી નિભાવવી શક્ય નથી. પરિણામે માબાપ ધીરજ ગુમાવી બેઠાં છે. ક્લાસ શરૂ થાય એટલે બાળકને મોબાઈલના પડદા સામે બેસાડીને માતાપિતા પોતાના કામે વળગી જાય છે, જેથી બાળકો સ્માર્ટ બની ગયાં છે. ક્લાસ ચાલુ હોય ત્યારે એ મોબાઈલનો સ્ક્રીન મિનિમાઈઝ કરીને સોશિયલ મીડિયામાં પરોવાઈ જવાની કે ગેમ્સ રમવાની સમાંતર  પ્રવૃત્તિમાં પડી જાય છે. અગાઉ ફેસબુક  અને ઈન્સ્ટાગ્રામ જેવાં  સામાજિક મીડિયા પર ઘણું કરીને તરુણો સક્રિય રહેતાં. હવે નવથી દસ વર્ષનાં બાળકોને એની લત પડી ચૂકી છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા ગયા વર્ષે કરવામાં આવેલા એક અભ્યાસના તારણ મુજબ ૧૦ વર્ષથી નાની ઉંમરનાં ૩૭.૮% બાળકો ફેસબુક એકાઉન્ટ તેમ જ ૨૪.૩% બાળકો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવતાં થયાં છે. પરિણામે બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. આમ પણ કોવિડ—૧૯ના લાંબા ચાલેલા લોકડાઉનને કારણે બાળકો પોતાના શાળામિત્રોને મળતાં બંધ થયાં છે. હવે સોશિયલ મીડિયાના ઍક્સપોઝરને કારણે એમને વાસ્તવિક મિત્રોની જરૂર નહીં રહે અને એ વર્ચ્યુઅલ રિલેશનશીપમાં રાચતાં બની જશે. ઘરમાં માબાપ અને ભાઈબહેનની હાજરીને એ અવગણતાં થશે. માબાપની વાત એ નહીં માને. એમનું વર્તન જિદ્દી અને ઉદ્ધત બનતું જશે. માબાપ અને બાળકો સામસામે ચીઢિયાં બની જશે. બાળકોની સહનશક્તિ ઓછી થતી જશે. મોબાઈલના પડદે આંગળીઓનાં ટેરવે એ ચેટ કરી શકશે, પણ સામે બેઠેલી વ્યક્તિ સાથે શી રીતે વાર કરવી એની એને આવડત નહીં રહે. જીવંત વ્યક્તિઓના સંપર્કની એને હવે જરૂર નહીં રહે. જે પ્રક્રિયા ૧૯૯૦ના દસકામાં ટેલિવિઝને શરૂ કરેલી તે વર્તમાન સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ અને કોવિડ—૧૯ની મહામારીએ પૂરી કરી છે. ગમે તે ઉંમરના બાળકના હાથમાં તમે મોબાઈલ ફોન પકડાવી દો પછી એને બીજા કોઈની જરૂર હોતી નથી. પોતાની આસપાસના લોકોની હાજરીથી એ બેખબર બની જાય છે. એનું વાતચીતમાં કે ખાવાપીવામાં ધ્યાન નથી રહેતું. એ બેઠાડુ અને સ્થૂળકાય બનતું જશે. શારીરિક શ્રમ કરવાની એની શકિત નબળી પડતી જશે અને ઝટ થાકી જશે.

વળી ઈન્ટરનેટના અતિરેકને કારણે બાળકો જાતીય શોષણ અને સાયબર સતામણીના કિસ્સાઓનો પણ શિકાર બનશે એવો ભય સેવવામાં આવી રહ્યો છે. ઈન્ટરનેટ વપરાશને કારણે કૉમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટફોન અને ટેબલેટ, તથા સોશિયલ મીડિયા, ચેટ રૂમ અને ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા બાળકોની કરવામાં આવતી સતામણીના કિસ્સાઓમાં છેલ્લા થોડા વખતમાં ૨૩% જેટલો ઉછાળો આવ્યો છે એવું દેશના નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. કમનસીબે ડરને કારણે સાયબર સતામણીનો ભોગ બનેલાં બાળકો પોતાનાં માબાપ, પાલક, શિક્ષક કે પોલીસથી આ હકીકત છુપાવે છે. તેથી આ પ્રકારની ગુનાખોરીના વ્યાપનો સાચો અંદાજ આવવો મુશ્કેલ છે.

બાળકોના વ્યક્તિત્વ અને વર્તન પર થનારી અસરો

કોવિડ—૧૯નો ઉપદ્રવ અનિશ્ચિતકાળ સુધી માનવજાતિ પર ઝળુંબેલો રહેશે. દરેક જણના શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થ્ય પર એની દૂરગામી અસરો થશે. માણસજાતે ભૂતકાળમાં જેટલી આપત્તિઓ જોઈ છે એ દરેકની એના પર કાયમી છાપ પડી છે. પહેલા વિશ્વયુદ્ધે લોકોમાં ચિંતાતુરતા પેદા કરી. બીજા વિશ્વયુદ્ધે એને અસલામતીમાં જીવતો કર્યો અને ઈશ્વરમાંથી એની આસ્થાને ડગાવી દીધી. આતંકવાદી ઘટનાઓએ અલગ અલગ ધર્મો અને પ્રાન્તના લોકો વચ્ચે અવિશ્વાસ અને વેરઝેરનાં બીજ રોપ્યાં. હવે કોવિડ—૧૯ની માહામારીમાંથી વિશ્વ પસાર થઈ રહ્યું છે. એના લીધે ધરમૂળથી માણસનું વ્યક્તિત્વ કેટલું બદલાશે એ તો આવનારો સમય કહેશે. બાળકો પણ આમાંથી બાકાત નહીં રહી શકે. એમના વર્તન અને વ્યવહારમાં અતિચિંતાતુરતા, બેધ્યાનપણું, અકારણ ડરપોકપણું, ગભરાટિયો સ્વભાવ, માબાપને પોતાનાથી છૂટાં ન પડવા દેવાં, પ્રતિકૂળ સંજોગો સાથે અનુકૂલન કરવાની શક્તિનો અભાવ, હતાશા, નકારાત્મક વલણ, ચીઢિયાપણું, હાથની ચોખ્ખાઈનો વળગાડ, રોગચાળા અને અકાળ મૃત્યુના ડર અને આશંકામાં જીવ્યા કરવાની વૃત્તિ, વગેરે કાયમી ઘર કરી જાય તો નવાઈ નહીં!

સમાજે કોવિડ—૧૯ની મહામારીના વિદાય પછી બાળકોના ભાવિ પર થનારી આ દૂરગામી અસરો માટે તૈયાર રહેવું પડશે.