વર્ષ ૨૦૨૦ કોરોનામાં શાળાઓ ખૂલવાની રાહ જોવામાં નીકળી ગયું, અને હવે આ વર્ષે પણ એ જ બીક છે કે “ આ વર્ષ પણ બાળકોને મળ્યા વગર નીકળી જશે?”

બાળકો વિના બાલવાડી તો જાણે રણપ્રદેશ, જાણે ચેતના વિનાનું શરીર, જાણે રંગો વિનાનું મેઘધનુષ, જાણે ફૂલો અને પતંગિયાં વિનાનો બગીચો, જાણે કે કોરો કાગળ! દૂર દૂર સુધી બાળકોની કિલકારીઓનો અભાવ. બાલવાડીમાં તેમના રોજબરોજના હસતા ચહેરા જોઇ હું મારું બધું જ દુઃખ ભૂલી જાઉં. અમુક વાર શરીરની કોઇ નાનીઅમથી માંદગીના કારણે કે થાકના કારણે ઘરેથી બાલવાડી આવવાનું મન ન થાય, પણ જેવી જ હું બાલવાડીમાં પ્રવેશું અને આ બાળકોના ચહેરા પર નિર્દોષ સ્મિત જોઉં, અને જ્યારે તેઓ મને “પ્રીતિ બેન ” બસ એટલું જ કહી આવકારે ત્યારે બધો થાક, માંદગી જાણે એકદમ જ ગાયબ થઇ જાય અને જેવાં જ બાળકો જાય કે ફરી પાછું શરીર સાથ ન આપે. આ તે કેવો જાદુ, આ બાળકોની ઉપસ્થિતિનો? મારું આખું શરીર એક નવી ઊર્જા અને ચેતનાથી ભરાઇ જાય. મને એવું લાગે કે આ બાળકોને લીધે મારી આંતરિક શક્તિ વિકાસ પામી રહી છે. અમુક વાર તો નાનાકડાં ભૂલકાઓના હાવભાવ, તેમની મારા પ્રત્યેની ચિંતા જોઇ હું ભાવભીની થઇ જતી. જ્યારે વાલીમિત્રો કહેતા કે બેન, તમારો પ્રભાવ અમારા બાળક પર એટલો છે કે તમે જે કહ્યું હોય એ જ સાચું. અમે કહીએ ત્યારે તેઓ કહેતાં કે ના ! પણ અમારાં બેને તો અમને આવું જ કીધું છે. ઘરે પપ્પા પોતાની થાળી ન ઉપાડે તો બાળકો કહેતાં કે “ ના પપ્પા, પોતાની થાળી જાતે જ ઉપાડવી. અમને બેને બાલવાડીમાં કીધું છે.” આ નાનાં બાળકો જ્યારે વર્ગમાં મારી બાજુમાં બેસવાની જીદ કરે. મારું ઉપરથી નીચે સુધી નિરીક્ષણ કરે. કંઇક જુદું જણાય તો તરત જ મને ટોકે, થોડી વાર માટે ન દેખાઉં તો તેમના ચહેરા ઉદાસ થઇ જાય, હું જો બાથરુમમાં ગઇ હોઉં તો બહાર બારણા પાસે ઊભા રહી મારી રાહ જુએ, એમના નાસ્તાના ડબ્બામાંથી એક મમરો કે એક મકાઇનો દાણો મને ખાવા આપે ત્યારે જે ખુશીનો અનુભવ મને થાય અને પોતાના પર જે અભિમાન છવાઇ જાય તે શબ્દોમાં લખીને કે બોલીને હું વ્યક્ત ન કરી શકું. એ તો બસ જેને આવો અનુભવ થાય એ જ એનો આનંદ માણી શકે. અને મારા માટે આ એક ખૂબ જ ગર્વની વાત છે કે હું આ નાનાં ભૂલકાઓની શિક્ષિકા છું. બાળકો સાથેનો સાડા ત્રણ કલાકનો સમય બાલવાડીમાં ક્યાં પસાર થઇ જાય એની ખબર જ ન પડે.
પણ અત્યારે આ વર્ષે જ્યારે બાળકો સાથે એક કલાકનો ઓનલાઇન વર્ગ શરૂ કર્યો છે, એ પણ અઠવાડિયામાં બે દિવસ, ગયા વર્ષના વાલીઓના સકારાત્મક અભિપ્રાયના કારણે, ત્યારે શિક્ષણમાં ઘણું બધું ખૂટતુ હોય તેમ લાગે. આ તો એવુંછે કે “ ન મામા કરતા કાણા મામા સારા.” અમને નાછૂટકે કરવું પડે છે. જે કંઇ બાળકોને આ એક કલાકમાં આપી શકીયે એ ખરું પણ બાળકો સાથેનો એક આત્મીયબંધન જે બંધાય છે તેવું આ ઓનલાઇન શિક્ષણમાં શારીરિક, ભાવનાત્મક સંપર્ક છે તે તો ન જ બાંધી શકાય. મારો અનુભવ કહે છે કે બધાં બાળકો, વાલીમિત્રો આ પદ્ધતિથી હજુ પણ અકળામણ અનુભવે છે. મને જ્યારે કેમેરામાં બાળક રડતું દેખાય, એને કેમેરા સામે બેસવું ન હોય, જ્યારે હું પ્રવૃત્તિ કરાવું ત્યારે એને એ સમયે ન કરવી હોય, રડારડ, ધમપછાડા કરે ત્યારે મને લાગે કે આ નાનાં ભૂલકાઓ ઉપર કેવો અત્યાચાર? અને હું તરત વાલીને કહું કે “ તમારું બાળક ન બેસે અને પ્રવૃત્તિ ન કરે તો કંઇ જ વાંધો નઇ, તમે કેમેરા બંધ રાખી ને પ્રયત્ન કરી જુવો અથવા તમે સાંભળો અને એ પ્રમાણે બાળકને જ્યારે મન થાય ત્યારે આ પ્રવૃત્તિ કરાવી શકો છો.”

બીજું, જેમ આપણને ખબર છે આ કોરોનાકાળમાં ધણા બધા વાલીઓએ નોકરી ગુમાવી છે, એટલે એક તરફ આવક બંધ અને બીજી તરફ વાલીમિત્રોએ બાળકો માટે ઓનલાઇન શિક્ષણ માટે ફોન કે કમ્પ્યુટર કે લૅપટૉપની વ્યવસ્થા કરવાની, બીજાં સાધનો વસાવવાનાં જે બાળક સહેલાઈથી બાલવાડીમાં મેળવી શકે છે, એ પેટ ઉંપર પાટું મારવા જેવી વાત છે. ચેતન બાલવાડીમાં જ્યારે આપણે પ્રવેશ કરિએ ને ત્યારે બાળકોની કિલકારીઓની ગુંજ આપણને પ્રફુલ્લિત કરી દે. આવતાંની સાથે આપણને બાળકોનો અવાજ ત્રણે વર્ગમાંથી સંભળાય, કારણ કે અમે બાલવાડીમાં માનીએ છીએ કે જ્યારે બાળક એકબીજા સાથે વાતો કરે છે, વસ્તુઓની આપ —લે કરે છે, વર્ગમાં રાખેલ ઘર—ઘર રમવાના રમકડાં , બ્લૉક્સ અને બીજા રમકડાંથી રમે છે ત્યારે બાળકોનો શારીરિક, માનસિક, ભાષાકીય, ભાવનાત્મક, સામાજિક અને બૌદ્ધિક વિકાસ થાય છે. પણ આ ઓનલાઇન સેશનમાં સમય મર્યાદા અને બાળકોની સંખ્યાના કારણે કાળજા પર પત્થર મૂકીને કહેવું પડે છે, બેટા, હમણાં નથી બોલવાનું તમારો વારો આવે ત્યારે જ જવાબ આપજો, વારે ધડી માઇક ચાલુ નહી કરવાનું“ અરે…. પણ આ નાનું બાળક પોતાના વારાની આટલી બધી રાહ જોઇ શકે ખરું? તેને જે કહેવાનું હોય તે તરત જ એને કહેવું પડે, નહીં તો એ ભૂલી જાય, પણ ઓનલાઇન સેશનમાં બધી વખતે આ શક્ય થતું નથી. આ વાતનું ધણું દુઃખ થાય છે. અમુક વાર બાળકોને પ્રશ્નો પૂછવામાં આવે તો પાછળથી વાલી જવાબ આપે… બાળકને જવાબ ન આપવો હોય તો વાલી કહે,“બોલ ને ! બોલો… પાછું તેમને સમજાવવું પડે કે બાળક ને જવાબ ન આપવો હોય તો કાંઇ જ વાંધો નહી. તમારાં બાળકો આપણા બધા કરતા હોંશિયાર છે અને તેમને બધું આવડે છે પણ બોલવું નથી બસ એ જ. અને ધણી વાર હું કશું પૂછું કે તરત વાલી બાળકને જવાબ આપી દે અને બોલવાનું કહે ત્યારે મારે કહેવું પડે કે ,“ તમારું બાળક જે જવાબ આપશે, તે ભલે ખોટા હોય તો પણ ચાલશે. બાળકો પોતાની સમજણ, આવડત અને કલ્પનાશક્તિ પ્રમાણે જવાબ આપે છે જે મારા માટે બહુ જ અગત્યનું છે. પણ વાલીઓને તો એવું કે મારું બાળક જવાબ આપ્યા વગર રહી જવું જોઇએ નહીં. હું વાલીમિત્રોની આ અધીરાઇ સમજી શકું છું પણ બાળકને ઓનલાઇન વર્ગમાં આ મોકળાશ મળી શકતી નથી.

બાળકો બાલવાડીમાં આવે ત્યારે તેમની રુચિ, ઉંમર, વિકાસ વગેરે પાસાઓ જોઇને કાર્યક્રમ ઘડાય છે. વ્યક્તિગત બાળકની ક્ષમતા ધ્યાનમાં રાખીને તેને અનુરૂપ કાર્યક્રમ આપવાનો પ્રયાસ થતો રહે છે. પણ ઓનલાઇન વર્ગમાં મોકળાશ મળી શકતી નથી.

બાલવાડીમાં બાળકો રોજ અડધો કલાક બહાર બગીચામાં જુદાં જુદાં સાધનો જેવાં કે લસરપટ્ટી, હિંચકા, રેતી વગેરે સાથે આનંદપૂર્વક રમે — કોઇ રોક ટોક કે ટકોર વગર અને રમતાં રમતાં ઘણું બધું શીખે. તેમનો શારીરિક વિકાસ મોટા સ્નાયુઓ અને નાના સ્નાયુઓનો વિકાસ બહારની રમતો દ્વારા સંપૂર્ણપણે થાય, પણ કોરોનાને કારણે તેઓનો શારીરિક વિકાસ પણ ઘણોખરો રૂંધાયો છે. દોસ્તોને ન મળી શકવાને કારણે, તેમની સાથે રમતો ન રમી શકવાને કારણે, તેમનો રમકડાંની લેવડ—દેવડ, પોતાના વારાની રાહ જોવાનું કૌશલ્ય (Sharing & turn taking) વગેરેનો વિકાસ થઇ શક્યો નથી. અધૂરામાં પૂરતું ઘરમાં એક જ બાળક હોવાના કારણે પણ આ શક્ય થતું નથી. વાલીમિત્રોની એવી પણ ફરિયાદ કાયમ રહે છે — “ બેન, તમે બાળકોને સમજાવો ને કે ઓનલાઇન વર્ગ પત્યા પછી ફોન આપી દે, બાળકો વર્ગ પછી ફોન છોડતાં જ નથી. ” એટલે આ એક નવી મુસીબત. જે વસ્તુની આપણે બાળકોને ના કહેતા હતા (મોબાઇલ લેવાની) એ જ વસ્તુ આજે નાછૂટકે આપણે બાળકોને આપવી પડે છે. આ ફોન, કમ્પ્યુટર, લેપટોપના રેડીયેશનની વિપરીત અસર પણ બાળકોના સ્વાસ્થ્ય પર, આંખો પર, પડવાનીજ. ફોન જાણે રમકડું હોય એ રીતે એની સાથે આખો દિવસ બાળકો ચોંટી રહે છે. અમે અમારા તરફથી બને એટલો પ્રયત્ન કરીએ છીએ કે ઓનલાઇન વર્ગને વધુ ને વધુ સક્રિય (Interactive) બનાવીએ પણ ઓફલાઇન શિક્ષણની ગરજ તો ન જ સાધી શકાય.

શિક્ષિકાની બાળકો પ્રત્યેની હૂંફ અને બાળકોની શિક્ષિકા પ્રત્યેની હૂંફ બહુ જ યાદ આવે છે. બાળકોનું એ જુદી—જુદી વસ્તુઓ વાપરી કંઇક નવું સર્જન કરવું — બ્લૉકસમાંથી, નકામી વસ્તુઓમાંથી— રેતીમાંથી, રંગોમાંથી — એ જોવાનો લ્હાવો ઓનલાઇન શિક્ષણમાં કયાં? એમની કાલી—કાલી ભાષામાં ગીતો ગાવાં, તુટક તુટક — લિંક વગરની મસ્ત મજાની વાર્તા કહેવી, અમુક વાર હું પોતે ડધાઇ જાઉં તેવા પ્રશ્નો પૂછવા, આ બધું બહુ યાદ કરું છું. તેમને કોઇ પ્રવૃત્તિ ન કરવી હોય કે બાલવાડીમાં બનેલી કોઇ વાનગી ન ખાવી હોય તેના માટે જે રમૂજી બહાનાં બનાવે એ સાંભળવાનું બહુ યાદ આવે છે.