ઈશ્વરનો કહેર કે કૃપા?
આજે પ્રથમ વખત શાળામાં પ્રવેશતાં મારા કદમ એક મિનિટ માટે થંભી ગયાં. કોરોનાનો કહેર યથાવત્ છે, ત્યારે શાળાઓમાં બાળકો માટે પ્રવેશ બંધ છે. પણ શિક્ષકોએ શાળાએ આવવાનું હોય. હું એક શિક્ષક છું. શાળાનું વેરાન દૃશ્ય જોઈ હું રસ્તો ભૂલી તો નથી ગઈ ને એમ મારા મનમાં થયું. ભૂતકાળની એ મધુર યાદોનાં દૃશ્ય મારી નજર સામેથી એક પછી એક પસાર થવા લાગ્યાં. બાળકોનો કલરવ મારા કાનમાં ગુંજવા લાગ્યો. શું આ મારી જ શાળા છે? પ્રશ્નોની હારમાળા મારા મગજમાં દોડતી થઈ… આ એકાદ મિનિટે મારા હૃદય કમળને ભીંજવી નાખ્યું…! હું આગળ ચાલી, ઓફિસ સૂમસાન, શાળાનું મેદાન વેરાન, શાળાનાં ઝાડ, બગીચાનાં ફૂલો જાણે બાળકોને શોધતાં હોય એવું લાગ્યું. હું ધીમી ચાલે, વિચારોના વમળમાં ડૂબેલી વર્ગખંડ સુધી પહોંચી. બાળકોના વર્ગખંડમાં પ્રવેશતાં જ જાણે દીવાલો મને કંઈક પૂછવા લાગી, એવો અહેસાસ થયો.
વર્ગખંડની બારીઓમાંથી અંદર આવતાં પંખીઓએ વર્ગમાં પોતાના માળા બાંધી પોતાનો કબજો જમાવ્યો હોય એવું લાગ્યું. પંખીઓ અને માળા જોતાં જોતાં હું આગળ પ્રાર્થના હોલ તરફ ગઈ. ત્યાં પણ અલગ અલગ કેટલાંય પ્રકારનાં માળાઓ અને પંખીઓ જોવા મળ્યાં. કેટકેટલાં પંખીઓ! જે આ પહેલાં કદી જોવા નથી મળ્યાં! બસ આ એક જ વાતથી હું થોડી હળવી થઈ. આજે શાળામાં બાળકોનું સ્થાન આ પંખીઓ અને કેટલાંય પ્રકારનાં જીવજંતુઓ જેવાં કે, રંગબેરંગી પતંગિયાં, મધપૂડો બનાવી રહેતી મધમાખીઓએ લઈ લીધું એવું લાગ્યું. જ્યાં જગ્યા મળી ત્યાં આ બધાં પંખીઓ અને જીવજંતુઓ વસવાટ કરવા લાગ્યાં. આ દૃશ્ય જોઈ થોડો આનંદ પણ થયો, બાળકોનો કલરવ નહીં પણ પંખીઓનો કિલકિલાટ સાંભળી મન હરખાયું.
પંખીઓ બાળકોની જેમ ભણવા માંગતાં હોય, એમ આખો દિવસ કિલકિલાટ કર્યા કરે, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊડયા કરે. રોજ શાળાએ જઈએ અને બાળકોની જગ્યાએ પેલાં પંખીઓને આમતેમ ઊડતાં જોઈ, એમનો મધુર કંઠ સાંભળી, “આ પંખીઓની પાઠશાળા” છે એવું સમજી એમને જરા પણ નુકસાન ન પહોંચે એની કાળજી રાખતા. એમના માટે પાણી અને ચણની વ્યવસ્થા પણ કરી આપતા. એ પણ અમારી સાથે દોસ્તી થઈ ગઈ હોય એમ અમારાથી જરા પણ ડર્યા વિના પોતપોતાનામાં મસ્ત બની રહેતાં.
મને રોજ એક પ્રશ્ન થાય, શું આ કુદરતનો કહેર, કે એનો કોઈ સંકેત? શું થવા જઈ રહ્યું છે? પ્રગતિની દોડમાં આગળ વધી રહેલ માનવજાત કેમ અચાનક થંભી ગઈ? શું પ્રગતિ તરફની આપણી દોડ પ્રકૃતિના વિનાશનું કારણ તો નહીં બની રહી હોય? કોરોનાના કહેરથી લોકો ત્રાસી ગયા છે ત્યારે ઘણા એવા અદ્ભુત સમાચારો જોવા—સાંભળવા મળ્યા છે, જે ઈશ્વરીય શક્તિની ઝાંખી કરાવે છે. ઘણાં વર્ષોથી ન નિહાળ્યાં હોય એવાં કુદરતી દૃશ્યો નિહાળવા મળ્યાં, વાતાવરણ પ્રદૂષણમુક્ત થવા લાગ્યું. નદીઓનાં નીર સ્વચ્છ બન્યાં. ઘણા પહાડો, ડુંગરો દૃશ્યમાન થયા. મેઘરાજા પોતાની સવારી લઈ ધરતીમાતાને સેનીટાઈઝ કરવા આવી ગયા હોય એવું આહ્લાદક વાતાવરણ જોવા મળ્યું. છેલ્લાં દોઢ વર્ષમાં ન થવાનું ઘણું થયું નાનાં મોટાં સૌ કોઈએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
બીજી બાજુ જોઈએ તો સાવ મશીન બનીને જીવતા લોકોને પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનો સમય મળ્યો. ઘણા લોકો કહેતા હોય છે, સમય ક્યાં છે? કદાચ ઈશ્વરે સમય આપ્યો હોય એવું લાગે. ઘણાં માતા—પિતા એવાં છે, જે પૈસા કમાવા માટે એટલાં બધાં વ્યસ્ત હોય છે કે પોતાનાં સંતાનોને સમય આપી નથી શકતાં. જેના કારણે બાળકો માતા— પિતાનો પ્રેમ ગુમાવી બેસે છે. બીજી બાજુ, બાળકો પણ ભણતરના બોજમાં પોતાનાં માતા પિતા પાસે બેસી આનંદ માણી નથી શકતાં. કદાચ હાલનો સમય આ બધીજ સમસ્યાઓનું નિવારણ કરવા માટે યોગ્ય હોય. આપણે સૌએ ગામડું છોડી શહેર તરફ દોટ મૂકી, ઘરનું ખાણું છોડી બહારની મોજ માણતાં થયા, આપણી સંસ્કૃતિ છોડી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા. દેશ છોડી પરદેશ જવા તૈયાર થયા. આપણને પાછા વાળવા માટે ઈશ્વરનો સંકેત હોઈ શકે..!
ઘણાં પોતાનાં ગામડાં, ઘર, ખેતર તરફ પાછાં વળ્યાં. ફરી એક વાર મારા ભારત દેશમાં સુવર્ણ સમય આવશે. “રામરાજ્યની” શરૂઆત થઈ ચૂકી છે. ભારતને આત્મનિર્ભર બનતા કોઈ રોકી નહીં શકે. “કોરોનાના કહેરે” માનવને જગાડયો છે. પોતાની ફરજનું ભાન કરાવ્યું છે. સૌ કોઈ પોતાની જાતે પ્રગતિનાં સોપાન સર કરશે. ભારતનો માનવી મહામાનવ બનશે. કોરોનાની મહામારીના કપરા સંજોગોમાંથી પણ “સુવર્ણ” સમય બનાવીને જંપશે.
“અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.”
“અમને મૂકો આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં.”
“મેરા ભારત મહાન.”