વિદ્યાર્થીઓને મોબાઈલનો રચનાત્મક ઉપયોગ બતાવનાર અખિલ દવે
મારે આજે એક યુવા, ઉત્સાહી, નિષ્ઠાવાન શિક્ષકની વાત કરવી છે. બાબાપુરનો આ યુવાન એટલે અખિલ દવે. પ્રાથમિક શાળા મુ.સણોસરા, તાલુકો અમરેલી, જ્લ્લિો અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
પોતાની નોકરીના સમય દરમિયાન ફક્ત વિષયશિક્ષણ આપીને સંતોષ માની લે તેવો આ યુવાન નથી. કંઈક નવું કરવાની ઝંખના લઈને કામ કરે છે. ટીમ વર્ક પણ ખરું! મૂળ સર્વોદયનો વિદ્યાર્થી. બાબાપુરમાં ઉછેર, સર્વોદયના સંસ્કારો તો આવે જ ને! આવ્યા… હો!
ફેસબુકમાં અખિલ દવેની એક્ પોસ્ટ વાંચી અખિલના કાર્યની નોંધ લેતાં ડૉ.વિશાલ ભાદાણી (લોકભારતી સણોસરા)એ ફેસબુકમાં નોંધ્યું, “આવા શિક્ષકો આપણી આશા છે.”
વિશાલભાઈની આ નોંધથી અખિલનો ઉત્સાહ વધ્યો છે.
કોરોનાનો કાળ… આ મહામારીના લીધે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ઓનલાઈન થયું. મોબાઈલના યુગમાં, ટેકનોલોજીના યુગમાં તેના સદુપયોગ કરતાં દુરુપયોગ વધ્યો છે. મોટેરાંઓ પણ મોબાઈલના વળગણથી દૂર રહી શકતાં નથી ત્યાં બાળકોની હેસિયત શું? બાળકોના હાથમાં મોબાઈલ આપતાં આપણે અચકાતાં હતાં, તેની સામે હવે બાળકોને બેસાડવાં પડયાં. “ટેકનોલોજી પાછળ ઘેલા ન થશો.” લેખમાં બ્રાયન ટ્રેસી કહે છે તે યાદ કરી લેવાનું મન થાય છેઃ “ટેકનોલોજી તમારો ઉત્તમ મિત્ર બની શકે છે, પણ યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો દુશ્મન સાબિત થઈ શકે છે.”
હવે વાત અખિલ દવેએ કરેલ પ્રયોગની,
(શૈક્ષણિક ઉદ્દેશ : પર્યાવરણીય પરિવર્તનો પ્રત્યે અભિમુખતા) આ બાબતે પ્રયોગ કરેલ તેની વાત. મોબાઈલનો રચનાત્મક ઉપયોગ કેમ થાય? મોબાઈલ શિક્ષણ માટે સારું માધ્યમ બની શકે એ વાત શિક્ષકે પોતાની દૃષ્ટિથી કરી બતાવી.
અખિલના જ શબ્દોમાં : અખિલ દવે નોંધે છે : આજકાલ બધાને ફરિયાદ છે કે બાળકો મોબાઈલમાં ગેમ રમ્યા કરે છે, વીડિયો જોયા કરે છે… એમાં ઓનલાઈન શિક્ષણ છે તો બાળકોને મોબાઈલ સાથે કલાકો ગાળવાનો પરવાનો મળી ગયો. તો શું કરવું? એમને નવી ટેકનોલોજીનો રચનાત્મક ઉપયોગ કરતાં કરવાં જરૂરી છે. આ માટે અમે એક પ્રયોગ કર્યો. ધોરણ ૬ થી ૮નાં બાળકોને એક પ્રવૃત્તિ આપી કે તમારે તમારા મોબાઈલમાં તમને ગમતો એક ફોટો લેવાનો, જે સ્કૂલ ગૃપમાં અપલોડ કરવાનો. વિષય રાખ્યો : “કુદરત.”
આમેય કુદરત કે પ્રકૃતિ જ બેસ્ટ ટીચર છે. જો એને સમજીએ તો. એના પ્રત્યે બાળકોને સભાન કરવાં પણ જરૂરી છે. અમારા આશ્ચર્ય વચ્ચે એમને નવા—નવા દૃષ્ટિકોણ અને અભિગમ સાથેના સુંદર, સુઘડ અને કલાત્મક ફોટા મળવા લાગ્યા…!!
“નવી શિક્ષણ તરાહ આ જ સમજાવે છે કે બાળકો સામે માત્ર આંખો કાઢીને, ગોખણપટ્ટી કરાવવાને બદલે તેની આંખોથી તેને જોતું કરવો જરૂરી છે. કેળવણી એ માત્ર પુસ્તકોની ઓશિયાળી ના રહેતાં વ્યાપક બનવી જોઈએ અને સારું અને સર્જનાત્મક કાર્ય થાય ત્યારે સહકાર પણ ચોક્કસ મળે. આ સમગ્ર કાર્યમાં શાળાના સંચાલકો, સાથીઓ અને વિદ્યાર્થી મિત્રોનો હંમેશાં ખૂબ સારો સહકાર રહ્યો.” અખિલભાઈ દવેની વાત અહીં પૂરી થાય છે.