કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો. કોઇ ઘર બાકી રહ્યું નહિ. ૨૦૨૦—૨૧ની સાલ અપાર મુશ્કેલીઓ અને પારાવાર વેદનાથી ભરપૂર રહી. અમારા ઘરમાં પણ વડીલો અને પછી બાળકોને પણ કોરોના થયો. ટ્રીટમેન્ટ ઘરે જ અપાતી હતી. હસતો, રમતો સ્કૂલે જતો મારો ૧૨ વર્ષનો દીકરો પરાગ એકલો રહીને કંટાળી ગયો. માત્ર એક બે દિવસમાં તેને કશું ગમે નહિ. કોઇની સાથે વાત કરે નહિ. કશું બોલે જ નહિ. કોઇ બોલાવે તો ચિઢાઇ જાય. ગુસ્સો કરે, તેને પોતાને શું કરવું તે ખબર પડે નહિ! આખો દિવસ અકળાયેલો રહે. કંઇ પૂછીએ તો સખત માથું દુઃખે છે તેવી ફરિયાદ કરે. જમવાનું આપીએ તો ભૂખ નથી, કહીને રહેવા દે. કયારેક સુનમુન થઇ જાય તો કયારેક જોરજોરથી રઽવા લાગે! કેવી દયનીય પરિસ્થિતિ ! માતા—પિતા તરીકે અમે પણ ચિંતિત ! કરવું શું ? અમે વિડિયો કોલ કરીને સમજાવીએ તો વધારે ગુસ્સે થાય. તેનો ગુસ્સો વધી ગયો ત્યારે મેં તેને “ઇતની શકિત હમેં દેના દાતા…” પ્રાર્થનાનો વિડિયો શેર કરી સાંભળવાનું કહ્યું. તેણે પ્રાર્થના સાંભળી…. તે થોડો શાંત થયો.

હવે મને સમજાયું કે સંગીતની તેના પર અસર થઇ રહી છે. મેં બીજી પ્રાર્થનાઓ — “ઓ ઇશ્વર ભજીએ તને…” “સરસ્વતી દેવી તું છે. અમારી વિદ્યાની દેનાર…રે…..” સાંભળવાનું કહ્યું. તે સાંભળતો ગયો અને ધીરે ધીરે શાંત થવા લાગ્યો. જમતી વખતે વિડિયો કોલ કરી હું મંત્ર અને શ્લોક બોલતી ગઇ અને જમાઽયો. તેને કવિતા, ગીત અને ભજન પણ ગાઇને સંભળાવ્યાં. તે ખુશ થયો. તેની સ્કૂલમાં ગવાતી પ્રાર્થનાઓ પણ ગાઇ સંભળાવી. હવે તે પણ ગાવા લાગ્યો. મારી ચિંતા થોડી ઓછી થઇ. રાત્રે સૂતી વખતે મેં વિડિયો કોલ કરી હાલરડુ ગાયું. તેને ખૂબ ગમ્યું. તે ધીરે—ધીરે શાંતિથી સૂઇ ગયો.

પછી તો આ રોજનો ક્રમ થયો. એના ચૌદ દિવસ કયાં પૂરા થઇ ગયા તેની ખબર પણ પડી નહિ ! આમ, યાતનામાંથી બહાર લાવવા ‘સંગીત’ જ નિમિત્ત બન્યું !