મારી સાથે કેમ નહિ?
ગજાનને વાત કરતાં કહ્યું : “રમણલાલ ! આ તારાં છોકરાં તારી સાથે ઝટપટ વાતો કરે છે ને પૂછવું હોય તો પૂછે છે; તારી આસપાસ કૂદે છે ને નાચે છે, ને તને આ બતાવે છે ને તે બતાવે છે. ને મારાં છોકરાં તો એવાં જરા યે નથી. નથી મારી સાથે છૂટથી બોલતાં કે નથી કંઇ સવાલો પૂછતાં; નથી તેઓ કહેતાં કે પોતે શું વાંચે છે કે શું લખે છે, ને રમે છે કે ભમે છે. આનું કારણ શું હશે?”
રમણલાલે કહ્યું : “ખરું કારણ ક્યું હશે તે એમ પૂરા સહવાસ વિના કેમ કહેવાય? પણ કંઇ જોઉં છું, જાણું છું, તે ઉપરથી કહીશ. મને એમ લાગે છે કે એમાં છોકરાંઓનો વાંક નથી. વાંક કહીએ તો તારો છે. અને એક રીતે એ વાંક પણ અણસમજ કે અણઆવડત છે.”
ગજાનન : કઇ? કહે જોઇએ?
રમણલાલ : એ તારી, છોકરાઓ સાથે પહેલેથી ન ભળવાની ટેવ. તું જાણે અમલદાર! નોકર, ચાકર, વગેરે ય તારાથી દૂર ને દૂર. બીજા નીચેના અમલદારો પણ દૂર ને દૂર, તારો સ્વભાવ પણ અમલદારશાહી, આમ મોઢું ગંભીર રાખીને બેસી રહેવાનો. પણ છોકરાંઓને એવો સ્વભાવ નથી ગમતો; તેઓ એવા માણસથી દૂર ભાગે છે.
ગજાનન : પણ એમ તો હું એમની સાથે બોલું છું; નિશાળના અને રમતના સવાલો પૂછું છું; વખતે કજિયા થાય છે તો પતાવું છું. એમ કાંઇ સાવ અક્ક્ડ થઇને બેસી નથી રહેતો, એમ તો હું એમનો બાપ છું, ને તે મારાં છોકરાં છે.
રમણલાલ : પણ એમ તો ખરું ના કે તું એમને પૂછે છે માત્ર? તું એમનો ન્યાયાધીશ થાય છે માત્ર? તું એમનો કાંઇ મિત્ર થોડો થાય છે?
ગજાનન : એટલે? મિત્ર થવું એ બાપથી કેમ બની શકે?
રમણલાલ : એમાં જ ખૂબી છે, ને ત્યાં જ બાળકોના અંતઃકરણની ચાવી છે. એ ચાવી હાથમાં આવી એટલે બધાં તાળાં ઊઘડે છે. પછી તો તેઓ આપણી પાછળ ફરવાનાં; નવા નવા સવાલો પૂછવાનાં; આપણી આગળ નાચવા કૂદવાનાં, અને કહીએ તે વેગે વેગે ને હોંશે હોંશે કરવાનાં.
ગજાનન : પણ મિત્ર થવું શી રીતે?
રમણલાલ : એ તને કહું. છોકરાના મિત્ર તેમનાં કાર્યોમાં રસ લઇને થવાય. નિશાળે કેટલામો નંબર આવ્યો તે પૂછીને મિત્ર નથી થવાતું; પણ નિશાળમાં તેઓને કેવું ગમે છે, માસ્તર કેવા છે, તેને વિષે તેઓ શું ધારે છે, તેની ગમ્મત તેઓ કેમ ઉડાવે છે, એવું બધું તેમની પાસેથી જ્યારે જાણવા બેસીએ ત્યારે તેઓ આપણી નજીક આવે છે. તેમને પોતાની શાળા વિષે ને ત્યાં ચાલતા કાર્ય વિષે કોઇકને કહેવાનું મન તો હોય જ છે; પણ કોઇ સાંભળનાર ન મળે એટલે પડયાં રહે છે. આપણે જરા કાન ધરીએ તો તેઓ આપણી પાસે પણ ખીલે છે.
ગજાનન : ત્યારે એમ કરી જોઇશ. પણ આ એક જ બાબતમાં મિત્ર થઇ જવાય?
રમણલાલ : ના, આ તો દાખલો આપ્યો. બાળકોના જીવનમાં નાનીમોટી અનેક બાબતો હોય છે; તેના વિષે આપણે ઘણી વાતો કરી શકીએ છીએ, બાળકોને ગમતું — અણગમતું, શોભતું — અશોભતું, ભાવતું — નહિ ભાવતું, રૂપાળું—અરૂપાળું, એવું ઘણું હોય છે. તેના ઉપર તેઓના અભિપ્રાયો, પસંદગી— નાપસંદગીનાં કારણો વગેરે હોય છે. તે જાણવામાં આપણે રસ લઇએ, તેમનાં નાનાં સુખદુઃખો પ્રત્યે સહાનુભૂતિ રાખીએ, તેમની નાનીમોટી પ્રવૃત્તિઓની કદર કરીએ, તો તેઓ આપણને મિત્ર તરીકે અનુભવે છે; અને ત્યારે જ તેઓનું અંતઃકરણ કૉળે છે ને ઊઘડે છે.
ગજાનનઃ વાત તો સાચી લાગે છે. તારો અનુભવ ઊંડો લાગે છે.
રમણલાલ : હા, છે તો અનુભવની જ વાત. એક બે મારા દાખલા તાજેતરના જ આપું. મારો દીકરો હમણાં સિક્કઓ અને ટિકિટો એકઠી કરે છે. મને એ ખબર પડી કે તુરત જ હું તેને મદદ કરવા લાગ્યો છું. મારા મિત્રને મેં કાગળો લખી તેની ઓળખાણ કરાવી છે. મારી પાસે જ્યારે જ્યારે નવી જાતની ટિકિટો આવે છે ત્યારે તેને માટે સાચવી રાખું છું. તેને મેં સ્ટૅમ્પ કલેક્ટિંગ કેમ કરાય તેની કેટલીએક સૂચનાઓ કરી ત્યારે તે ખુશી ખુશી થઇ ગયો. મારી મદદ તેને બહુ ગમી છે; એને એક જોડ જોડા કે ટોપી લઇ દઉં છું ત્યારે ખુશી થાય છે તેના કરતાં એકબે સ્ટૅમ્પથી તે વધુ પ્રસન્ન થાય છે. અમે સ્ટૅમ્પ અને તેના દેશો વિશે વાતો કરવામાં ખૂબ રસ લઇએ છીએ. તે વખતે તે ખીલે છે; તેના સ્વભાવની મારી ત્યારે પરીક્ષા થાય છે; ને તે વખતે તે મને વધારે પૂજ્યભાવથી જુએ છે.
ગજાનન : તું તો ભારે કરે છે ! મારે આમ કરતાં શીખવું જોઇએ. ખરેખર, હું તો અમલદાર તે અમલદાર જ. મોઢવા જેમ બેસતાં અને રૂઆબ છાંટતાં આવડે, પણ છોકરાંઓના મિત્ર થતાં ન આવડે. મારે તે શીખવું પડશે.
રમણલાલ : ન આવડે એવું કંઇ નથી. અને એમાં શીખવા જેવું કશું નથી. પણ આપણું ધ્યાન તે તરફ જવું જોઇએ. આ અમારા પાડોશમાં ત્રિવેણીબેન છે, એનામાં બાળકોના મિત્ર થવાની સુંદર આવડત છે. અને એમ કાંઇ બાળકો સાથે એ કાલાં કાઢતાં નથી. પોતે બાળકોના રસના વિષયોને સારી રીતે જાણે છે. પોતે સારું ભણેલાં છે ને પાંચમાં પુછાય પણ છે; પણ બાળકો સાથે બેસે છે ત્યારે બાળકોને જરા યે ભારે નથી લાગતાં. અને છતાં ખૂબ સારાં અને ઊંચાં લાગે છે. તેઓ તો ત્યાંથી વાત કરશે : “ તમને વડાં ભાવે કે નહિ? કહો ત્યારે, આપણે કાલે કરશું? દાળ કોણ વાટશે? કોથમરી કોણ વીણશે? તળવા કોણ બેસશે?” બીજી વાત કાઢશે : “ આ ચૂંદડીનો કસબ કિંમતી છે, ખરું? અમે નાનાં હતાં ત્યારે ભૂરા રંગની ચૂંદડી પહેરતાં; તે વખતે ખાદી નહોતી મળતી, પણ અમે સૌ મિલનું કાપડ વાપરતાં : તારી ચૂંદડી ખાદીની લાગે છે, ખરૂં?” વળી ત્રીજી વાત નીકળશે : “તમને અંધારામાં ઊંઘ આવે કે નહિ? મને નાની હતી ત્યારે ખોટી ખોટી બીક લાગતી. પણ એક વાર બાપુએ મને અંધારામાં સુવાડી ને બીક ન લાગી, એટલે પછી બીતી મટી ગઇ.”
ગજાનન : એ ત્રિવેણીબેન તો ભારે વાતો કરે છે. બાળકોનો સ્વભાવ એ બરાબર જાણતાં લાગે છે.
રમણલાલ : એ તો આપણે જરા એ તરફ મન કરીએ તો આપણને પણ ધીરે ધીરે સૂઝે. આપણે એ બાબતમાં આંધળા રહીએ છીએ તેથી બધું બગડે છે.
ગજાનન : વારુ, રમણલાલ ! આજ તો મને ખૂબ નવું મળ્યું. એમ તો મારે હસમુખ અને ચંદ્રા સાથે કેટલી યે વાતો થઇ શકે તેમ છે. તેઓ ક્રિકેટ રમે છે, સિનેમા જુએ છે, નાની નાની વાર્તાઓ વાંચે છે.
રમણલાલ : હં, હવે બરાબર નજર પહોંચી. એમાં જ એમની સાથે વાત કરવાનું કેટલું યે છે. ને મજા તો એ છે કે એમના જ વિષયની વાતો કરતાં કરતાં આપણે તેઓને ખબર ન પડે તેમ કેટલાંયે નવાં દૃષ્ટિબિંદુઓ બતાવી શકીએ છીએ. અને એમ ઉપદેશથી કે હુકમથી તેઓને ગળે ન ઊતરે તેવું આવી વાતમાં તેઓ કેટલું યે લઇ લે છે.
ગજાનન : સાચી વાત; સાચી વાત.
રમણલાલ : વારુ ત્યારે, આથી વધારે, હવે બીજી વાર મળીએ ત્યારે વિચારશું.
ગજાનન : વારુ. રામરામ !