પરિવારથી વિશ્વબંધુત્વ તરફ
નાનપણમાં એક વાર્તા સાંભળતાં. એક ખેડૂતને ચાર દીકરા હતા. ખેડૂત વૃદ્ધ થયો ત્યારે એક દિવસ તેમણે પોતાના ચારેય દીકરાઓને બોલાવીને દરેકને એક એક લાકડી આપી તેને તોડવા કહ્યું. બધાંથી એ લાકડી આસાનીથી તૂટી ગઈ. હવે ખેડૂતે લાકડાનો ભારો બતાવી ચારેય દીકરાઓને વારાફરતી એ ભારો તોડવા કહ્યું. ચારેય દીકરાઓએ વારાફરતી બહુ મહેનત કરી પણ ભારો કોઈથી તૂટયો નહીં. બોધ રૂપે ખેડૂતે કહ્યું કે, “જો તમે ચારેય ભાઈઓ સંપીને, સાથે રહેશો તો તમને કોઈ તાકાત પડકારી શકશે નહીં પણ જો લડી ઝઘડીને અલગ થઈ જશો તો પેલી લાકડીની જેમ તમે, કોઈનાથી પણ આસાનાથી તૂટી જશો.”
એક સમયે એક માતા—પિતાને એકથી વધુ સંતાનો રહેતાં. આજે સમાજમાં પરિસ્થિતિ બદલાઈ છે. પરિવારમાં સંતાનોની સંખ્યા ઘટતી ચાલી છે. વસ્તી વધારાને અટકાવવાના પ્રયાસો રૂપે “અમે બે અને અમારાં બે” સૂત્ર દ્વારા કુટુંબ નિયોજનને પ્રોત્સાહન અપાયું. પછી, “અમે બે અને અમારું એક” સૂત્ર આવ્યું. હવે તો, ઉચ્ચ અભ્યાસ કે અન્ય સંસ્કૃતિ પાછળની અવિચારી દોટ કે પછી બાળઉછેરને ઝંઝટ માની માત્ર “અમે બે જ”નો વિચાર અપનાવાઈ રહ્યો છે.
આજે, એક તરફ “અમે” એટલે અમારો પરિવાર, અમારો સમાજ, અમારું રાજ્ય, અમારો દેશ કે પછી આ આખુંયે વિશ્વ એક થાય એવી ઇચ્છા સેવનારાઓ, હું, તમે અને આપણે મટી એક બૃહદ પરિવાર બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા મથી રહ્યાં છીએ. તો બીજી તરફ, સંપ અને એકતાનો પાઠ જ્યાંથી શીખવા મળે છે તે પરિવારો જ તૂટી રહ્યા છે, તૂટી ગયા છે કે ક્યાંક તો પરિવારની પરિભાષા જ નામશેષ થઈ રહી છે.
લીવ ઈન રીલેશનશીપ કે મૈત્રી કરારના નામે ઓળખાતા કરાર આધારિત સંબંધોમાં પરિવારનો ખ્યાલ અસ્તિત્વ ધરાવતો નથી. “आज मिले, कल बिछड़े કે तु नहीं तो और सही “ ની પાશ્ચાત્ય વિચારધારા કે સંસ્કૃતિથી અંજાઈને સહુ કોઈને કહેવાતી “સ્વતંત્રતા” જોઈએ છે. પરિણામે પતિ—પત્ની જેવો પ્રેમાળ સંબંધ જ નહીં રહે તો, માતા—પિતા, ભાઈ—બહેન, કાકા—ફોઇ, માસા—માસી વિગેરે સંબંધો તો ઇતિહાસ જ બની રહેશે ને!
આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક પ્રસંગમાં પરિવારના દરેક સભ્યને સ્થાન અપાયું છે. કોઈ વિધિ ફોઈ કરે તો કોઈ વિધિ મામા કરે. કોઈ વિધિ દિયર કરે તો કોઈ વિધિ નણંદ કરે. જેમના ઘરમાં દીકરી ન હોય તે માનેલી દીકરી કે માનેલી બહેન, એ જ રીતે મુંહ બોલા ભાઈ ને પણ મામા તરીકે આમંત્રે. આજે દરેક પરિવારમાં આવા માનેલાં ભાઈ—બહેન કે કાકા—મામા—ફોઈની જરૂરિયાત ઊભી થઈ છે.
હા, દેશમાં થતો વસ્તી વધારો રોકવા માટે આપણાં સહુની જવાબદારી ખરી જ. એને માટે આપણે “અમે બે, અમારાં બે” કે “અમે બે, અમારું એક” એવાં સૂત્રોને અપનાવીએ પણ “સંપ ત્યાં જંપ” એ સૂત્રને ન ભૂલીએ. સારા કે માઠા પ્રસંગે, “આપણું કોઈ હોય તો સારું લાગે છે.” આવી લાગણીનો અનુભવ સહુને થાય છે. બીમારી જેવી શારીરિક દોડધામમાં મદદ સાથે માનસિક શાંતિ પણ આપણાં લોકો પાસેથી જ મળે છે. એટલું જ નહીં, પાછલી ઉંમરે કે ઢળતી ઉંમરે આપણાં વારસો દ્વારા જ એકલતા ટળે છે.
બાળકને જન્મ આપવો એ એક ઉત્તમ સર્જન પ્રક્રિયા છે. પીડાદાયક લાગતી આ પ્રક્રિયાનો આનંદ તો જે મેળવે તે જ માણે. એ જ રીતે એક બાળકને સરસ સંસ્કાર આપીને એક ઉત્તમ નાગરિક બનાવવો, એક માનવ બનાવવો એ ગર્વની વાત અને સમાજની ઉત્તમ સેવા છે. બાળ ઉછેરની પ્રક્રિયા પણ જો વાંચીએ તો અઘરી લાગે પણ સહજ કરતાં જઈએ તો સરળ, આનંદદાયી અને નવા નવા ઉઘાડ આપતી રહે છે.
આપણો ઇતિહાસ કહે છે કે, જ્યારે આપણા પરિવારો મોટા હતા ત્યારે તે પરિવારોને વેપાર ઉદ્યોગમાં પણ સરળતા હતી. આજે પણ સગા નહીં તો નજીકનાં ભાઈભાંડુ ભેગાં મળીને વેપાર કરે છે ત્યારે તેઓ સારી રીતે સફળતા મેળવી રહ્યાં છે. બદલાતી સમાજ વ્યવસ્થામાં, સંપ અને સાથ સહકારનો નિયમ ભલે જુદી રીતે પણ સ્વીકારાયો તો છે જ. આજે વધી રહેલાં કોર્પોરેટસ્ એનું જ ઉદાહરણ છે ને!
વૈશ્વિક સ્તરે કેટલીક સંસ્કૃતિ કે સમાજ, પરિવારનો વિસ્તાર કરતાં જઈને દુનિયા પર રાજ કરવાનાં સપનાં સાકાર કરવા મથી રહ્યાં છે. આપણે અન્યો પર રાજ કરવા નહીં પણ સરળ, સહજ સમાજવ્યવસ્થા માટે મથવાનું છે.
વારસો અને સંસ્કૃતિ પેઢી દર પેઢી સચવાતાં રહે છે. તાજી જ ઘટના યાદ કરીએ તો, અફઘાનિસ્તાન પર થયેલ હુમલા વખતે બાળકોને બચાવવાના પ્રયાસો માતા—પિતા દ્વારા થયા. આ પાછળ બાળક પ્રત્યેનો પ્રેમ તો ખરો જ પણ જાણ્યેઅજાણ્યે મનમાં ધરબાયેલ સંસ્કૃતિ અને વારસાની જાળવણીનો સંસ્કાર પણ કામ કરી ગયો હોય!
આજકાલ વધતો જતો, “બાળક ન જોઈએ” નો નિર્ણય સમાજ વ્યવસ્થાને તો તોડી જ નાખશે સાથે સાથે આગળ વધતા વારસાને પણ અટકાવી નામશેષ કરી દેશે.
ચલતે ચલતેઃ
“બાળઉછેર એ ઝંઝટ નહીં, સાચા અર્થમાં સમાજ સેવા છે. કરીએ જ.”