છેલ્લા લગભગ દોઢેક વર્ષથી વિશ્વભરમાં ચાલી રહેલી આ બીમારી સાથે માનવીએ લાંબો વખત કાઢવાનો છે. મહામારી વિશે સાચીખોટી ઘણી વાતો જુદાં જુદાં માધ્યમોથી લોકોમાં ફેલાઈ રહી છે. બાળકોના સાંભળવામાં આવી વાતો આવે તો એ ગેરમાર્ગે દોરવાઈ શકે છે. ઘણું કરીને માબાપ બાળકો સાથે બીમારી અને મૃત્યુની વાત કરવાનું ટાળે છે, જે બરાબર નથી. જો એમને સાચી માહિતી ન આપીએ તો એ ડરપોક અને ચિંતાતુર બની જાય. પોતાની સુરક્ષાના સાચા ઉપાયો ન કરે, અને અંધમાન્યતાઓનો શિકાર બની જાય. આ મુદ્દો સમજાવવા માટે એક જ ઉદાહરણ પૂરતું છે. ગઈ સદીના એંસીના દસકામાં વિશ્વભરમાં જ્યારે એઈડ્‌ઝની મહામારી શરૂ થઈ ત્યારે અનેક મહિલાઓ અને શાળાએ જતાં બાળકો એવી ખોટી માન્યતાનો શિકાર બની ગયાં કે આ બીમારી સ્કૂલ કે કાર્યસ્થાનોમાં વૅસ્ટર્ન સ્ટાઈલની ટોઈલેટ બેઠકનો ઉપયોગ કરવાથી લાગુ પડે છે. પરિણામે જાહેર સ્થાનોમાં ટોઈલેટનો ઉપયોગ કરતાં આ લોકો ડરવા લાગ્યાં. સવારે સ્કૂલ જવાની ઉતાવળમાં બાળક જાજરૂ જવાનું ટાળે અને સ્કૂલે પહોંચ્યા પછી ગેરમાન્યતાનો શિકાર બનીને લાગેલી હાજતને રોકી રાખે, એમાંથી ઘણા વિદ્યાર્થીઓ કબજિયાતના શિકાર બની ગયેલા જોવા મળ્યા. આજે પણ આ ટ્રેન્ડ ચાલુ જ છે અને ઘણી મહિલાઓ વેસ્ટર્ન સ્ટાઈલના ટોઈલેટનો ઉપયોગ કરતાં ડરતી હોય છે. કોરોનાની બીમારી પણ લોકોમાં અને બાળકોમાં આવો તર્ક વગરનો ડર પેદા કરે તો એની એમના વર્તન—વ્યવહાર પર કાયમી છાપ રહી જાય! કોરોનાનો વાવડ કાબૂમાં આવી ગયા પછી અનેક લોકો કાયમી ધોરણે હાથની ચોખ્ખાઈના મુદ્દે મનોવળગાડ (ઓબ્સેસિવ કમ્પસ્લિવ ડિઝ્‌ઓર્ડર—ઓ.સી.ડી.)નો ભોગ બનવાના છે. આમ ન બને એ માટે તમારા બાળક સાથે કોરોનાની બીમારી અને મહામારીને લગતી વાત કરવાનું ટાળશો નહીં.

બાળક પોતાના મિત્રો પાસેથી અને સોશ્યલ મીડિયામાંથી કોરોના વિશે શું જાણી લાવે છે એની ચર્ચાઓ કરજો

સોશ્યલ મીડિયા અને અંદરોઅંદરની વાતચીતમાંથી બાળકો જે કંઈ સાંભળે તેમાંથી સાચીખોટી બાબત તારવવાની વિવેકબુદ્ધિ અમેની પાસે હોતી નથી. જાતીયતાની બાબતમાં સ્કૂલમાં છાનાંછપનાં જે કંઈ ચર્ચાઓ થાય એમાંથી જ બાળકો જૂઠા સંદેશ પકડી લે છે. પાછળથી પુખ્ત વયે લોકોમાં જાતીયતાને લગતી જે કંઈ જાતજાતની તકલીફો પેદા થાય છે એના માટે આવાં ગપગોળાં જવાબદાર બને છે. માબાપ પણ પોતાનાં સંતાનો સાથે જાતીયતાને લગતી બાબત પર ચર્ચા કરતાં ગભરાય છે. આ સંજોગોમાં બાળકોને પોતાની સાંભળેલી વાતો અને માન્યતાઓને ચકાસવાનો મોકો મળતો નથી. કોરોનાની બીમારી વિશે પણ લોકોમાં ઘણી કુમાન્યતાઓ છે. સાથે મળીને જમતી વેળાએ પરસ્પર આવી સાંભળેલી વાતોની ખુલ્લા દિલે ચર્ચા કરીને દૂધ અને પાણી જુદાં કરતાં શીખવવાથી ભવિષ્યમાં એમને આવી કાયમી આદત પડશે. સામે પડીને એમને પૂછજો કે “કોરોનાની બીમારી વિશે તેં આજે કંઈ નવું સાંભળ્યું? આપણે એની વાત કરીએ?” દિવસભર એમણે કોરોના મહામારી વિશે જે કંઈ સાંભળ્યું કે વાંચ્યું હોય એની એમની સાથે ચર્ચા કરવી જરૂરી છે.

બાળકોને બોલવા દેજો

ઘણું કરીને માબાપ પોતાનાં સંતાનો સાથે અમુક મુદ્દે વાતચીત કરતાં ડરે છે અને એમને એનો ઉલ્લેખ કરતાં રોકે છે અથવા વચ્ચેથી તોડી પાડીને મૌન કરી દે છે. આ વલણ સારું નથી. એમને વાત કરવાની તક આપો. બાળકે—બાળકે ભેદ હોય. અમુક બાળકો સામે પડીને અમુક અઘરી બાબતોની ચર્ચા કરવાનું પસંદ કરે છે અને અમુક કોઈ પ્રશ્ન પૂછતાં નથી. માબાપમાં પણ આવા ભેદ જોવા મળે છે. જો એ વાત કરવા ન ઇચ્છે તો પરાણે એના મોંમાં આંગળા નાખીને બોલાવશો નહીં અને જો એ બોલતું હોય તો એની શંકાઓને બાલિશતા ગણીને દબાવી દેશો નહીં. જે બાળકોને પ્રશ્નો કરતાં અને શંકાઓ વ્યક્ત કરતાં રોકવામાં આવે છે એ કાયમ માટે મૌન રહેવાનું પસંદ કરે છે, કેમ કે એની જિજ્ઞાસાવૃત્તિ મુરઝાઈ જાય છે. કોરોનાનું તો બહાનું છે; બીજા ઘણા જીવનલક્ષી પ્રશ્નોની ચર્ચા કરતાં એમને આ રીતે શીખવી શકાય છે.

ચર્ચા કરતી વખતે તર્ક અને વૈજ્ઞાનિકતાને વળગી રહેજો

આપણે સાંભળેલી અને વાંચેલી બધી જ વાતોમાં તર્ક હોતો નથી. પરસ્પરની ચર્ચાનો હેતુ કોની વાત સાચી છે અને કોની ખોટી એ નક્કી કરવાનો નહીં, પણ સાથે મળીને તર્કસંગત વિચાર કરતાં શીખવાનો છે. કોરોના જાહેર સ્વાસ્થ્યની સમસ્યા છે. તબીબી વિજ્ઞાન પોતે હજુ એને લગતી ઘણી બાબતો વિશે અંધારામાં છે. દિન—પ્રતિદિન ઘણી નવી વિગતો સાંપડતી જાય છે તેમ તેમ એનો મુકાબલો કરવાની નવી રણનીતિ આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયાર થાય છે. સંતાનો સાથે વાત કરતી વખતે તમને પણ કોરોનાને લગતી બધી જ વૈજ્ઞાનિક હકીકતોની જાણ હોય એવું જરૂરી નથી. માન્યતાઓ અને તથ્યોને અલગ તારવવાં પણ જરૂરી છે. તમારા બાળકને જેમાં રસ પડે એવી જ બાબતોની ચર્ચા કરો. એની આગળ માહિતીઓનો ખડકલો કરીને એના કુમળા મગજને બોજ આપવાનો પણ અર્થ નથી. જેટલી પણ વાત કરો એમાં સચ્ચાઈને વળગી રહેવું ખૂબ જરૂરી છે.

પોતાનું અજ્ઞાન જાહેર કરતાં અચકાશો નહીં

કોઈ માબાપ સર્વજ્ઞ ન હોઈ શકે. જો તમને એના કોઈ સવાલનો જવાબ ન આવડે તો “ના” પાડવાનો સંકોચ ન રાખશો. ચર્ચાનો હેતુ એકબીજાની સાથે મળીને સાચો જવાબ ખોળવાનો છે. બાળક પૂછે અને માબાપ જ જવાબ આપે એવો એકતરફી પ્રવાહ ન હોવો જોઈએ. ઊલટું પણ બની શકે. અમેરિકાનું સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ(સી.ડી.સી.) કોરોના વાઈરસ અને કોવિડ—૧૯ અંગે વખતોવખત તદ્દન અદ્યતન અને વૈજ્ઞાનિક માહિતીઓ રજૂ કરતું રહે છે. એની વેબસાઈટની પોતાના સંતાન સાથે મળીને મુલાકાત લો. છાપાઓમાં કે ન્યુઝ ચેનલોમાં આવતા રોગચાળાની ગંભીરતા અને મૃત્યુના ડરામણા આંકડાઓ બાળકના વાંચવામાં આવે એના કરતાં ઈન્ટરનેટ અને ભરોસાપાત્ર વેબસાઈટનો ઉપયોગ કરીને સાચી વિગતો મેળવવામાં આવે તો તમારો અને બાળકનો ઘણો ડર દૂર કરી શકાશે. સમાચારો વાંચતી કે સાંભળતી વખતે એની સાથે રહેજો, જેથી એ દરેક વિગતને તમારી સાથે મળીને વિવેકપૂર્વક ગ્રહણ કરી શકે.

તમારી વાણીમાં ચિંતા અને ડર ડોકાવા દેશો

માબાપની વાતોમાં ડર અને ચિંતા હોય તો બાળકો તરત એને પકડી લેશે. એટલે કોરોનાને લગતા સમાચારો કે તમારા કુટુંબમાં એનાથી થયેલા કોઈના મરણની વાત કરવાની હોય તો તમારા અવાજમાં સ્વસ્થતા અને ઠંડક જાળવી રાખજો. બાળકને તમારી વાણીમાંથી હિંમત અને ભરોસો મળે એવો પ્રયત્ન કરજો.

બાળકોને પોતાનો ડર વ્યક્ત કરવાની છૂટ આપજો

“તું તો મારો બહાદુર બેટો છે” એમ કહીને એમનો ડર સંતાડવા એમને મજબૂર ન બનાવશો. વાત કરીને એમને એમનો ડર બહાર આણવા દો. “હવે મારો વારો નહીં આવે ને?” “આપણા કુટુંબમાં કોઈને કોરોના થઈ જશે તો?” “કોઈ મરી જશે તો?” “આ સ્કૂલ હજુ કેટલો વખત બંધ રહેશે?” વગેરે અનેક સવાલો અને ચિંતાઓ એમને થઈ શકે છે. ખૂલીને એમને એ વ્યક્ત કરવા દો. આખી દુનિયા કોરોનાની તાણમાં જીવી રહી છે. દરેક જણને એનો તણાવ પેદા થાય એ પણ સ્વાભાવિક છે. બાળકો પણ એની તાણનો શિકાર બની શકે છે. આવું થાય તો એમને ભરોસો આપજો કે આમ થવું સ્વાભાવિક છે. એના ડર અને ચિંતાની લાગણીને આદર આપીને એને હિંમત આપજો કે આ ઘડી પણ વીતી જશે અને પરિસ્થિતિ વહેલીમોડી પાછી થાળે પડશે. માનવજાતિએ ભૂતકાળમાં આવાં ઘણાં સંકટો પાર પાડેલાં છે.

બાળકોને પોતાના કુટુંબ અને મિત્રોની ચિંતા થવી સ્વાભાવિક છે

જેમ કે કોરોનાની બીમારી ઘરડા લોકો માટે વધારે જીવલેણ છે, એવું સાંભળીને એમને પોતાનાં દાદાદાદીની ચિંતા થઈ શકે છે. આવી ચિંતા દૂર કરવા માટે એમને દાદાદાદી સાથે વાત કરવાનો મોકો આપો. એમની મુલાકાતે લઈ જાઓ, અથવા મોબાઈલ ફોન કે વિડિયો કોલ કરીને એમની સાથે વાત કરવા દો.

એમને જાતની સંભાળ રાખતાં શીખવજો

એમને શીખવો કે પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રોજ રાત્રે પૂરતું ઊંઘવું જોઈએ અને દરરોજ સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો જોઈએ. ઘરમાં રહીને પણ અમુક કસરતો કરી શકાય છે. એમને હાથની સફાઈ શીખવો. ખાંસી કે છીંક ખાતી વખતે મોં અને નાક આગળ બાંયવાળો હાથ કે રૂમાલ ઢાંકવાનો શિષ્ટાચાર કાયમ માટે પાળવાની આદત પાડો. તમે જે કરશો તે તમારાં સંતાનો અચૂક આચરણમાં ઉતારશે. એટલે તમે એમના સારા રોલ મોડેલ બનજો.

એમને વિજ્ઞાન પર ભરોસો રાખતાં શીખવજો

અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ નહીં, પણ વિજ્ઞાનના સહારે આ રોગચાળા પર કાબૂ મેળવી શકાશે. તબીબી વિજ્ઞાન માનવજાતને એનાથી મુક્ત કરવા માટે ઝૂઝી રહ્યું છે. હૉસ્પિટલો અને ડૉક્ટરો માંદા લોકોની તનતોડ મહેનત કરીને સારવાર કરી રહ્યા છે. રોગ સામે રક્ષણ મેળવવા માટે અકસીર રસીઓ શોધવામાં આવી છે. કોરોના વાઈરસનું બંધારણ અને એના ફેલાવાની રીત બાબતમાં ઘણી સચોટ માહિતી મળી ચૂકી છે. હાથની સ્વચ્છતા, માસ્કનો સાચો ઉપયોગ, ભીડ થાય ત્યાં જવાનું ટાળવું, એકબીજાથી છ ફૂટનું સલામત અંતર જાળવવું. તથા ખાંસી અને છીંક ખાતી વખતે નાક અને મોંઢું ઢાંકવાં, વગેરે ઉપાયો કરવાથી કોરોનાથી બચી શકાય છે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ સિવાયના અવૈજ્ઞાનિક અખતરાઓ કરવાથી કોરોનાથી બચી શકાતું નથી એનો એમને ખ્યાલ આપવો જરૂરી છે.

ટૂંકમાં કોરોનાના માહોલનો ઉપયોગ કરીને તમારાં સંતાનો સાથે સંવાદ કરવાની તક ઝડપી લેશો તો તમારા એમની સાથેના સંબંધો વધુ સુદૃઢ બનશે.