આપણે ઘણાં એવાં માતાપિતા જોઈએ છીએ કે જે બાળકને રમકડું ગણતાં હોય છે ને જ્યારે ઇચ્છા થાય ત્યારે એમની પાસેથી મનોરંજન માટેની અમુક પ્રવૃત્તિઓ કરાવી મન બહેલાવતા’હોય છે. પોતાનું બાળક સુંદર હોય, ચાલાક હોય, દુશ્મનને વહાલું લાગે તેવું હોય એ સૌ માતાપિતાને માટે ગૌરવની વાત હોઈ શકે. પણ એના પર માલિકી હકો ભોગવવાની ઈચ્છા માતાપિતા રોકી ન શકે ત્યારે બાળક ગૂંચવણમાં નાખી દેતાં દુષ્કૃત્યના ભોગ માતાપિતા બને છે. દા.ત. પોતાના બાળકને સરસ ગાતાં,વાજિંત્રો વગાડતાં કે નૃત્ય કરતાં આવડતું હોય ને બાળકની આ આવડત તરફ માતાપિતાનું ધ્યાન જાય,એને ઉત્તેજવા માટે પ્રોત્સાહન આપીને એ પ્રકારની અભિરુચિ કેળવવા માટેના પ્રયત્નોમાં એ બાળકનેસહાય કરે કે માર્ગદર્શન આપે એ યોગ્ય પ્રદાન ગણાય.

પણ બાળકને થોડુંક અમસ્તું ગાતાં આવડ્યું, રેડિયો ઉપરથી સાંભળેલાં કેટલાંક અર્થહિન ગીતોની સૂરીલા કંઠે નકલ કરતાં આવડ્યું ને માબાપને એની આવડતની જાણ થઈ ગઈ એટલે વખતો-વખતે કોઈમુલાકાતી આવ્યાં હોય ત્યારે બાળકને એ ગીતો લલકારવાનો આગ્રહ કરવામાં આવે, પોતાના બાળકનીશક્તિ(!)નું પ્રદર્શન યોજવામાં આવે ને બાળકને ઈચ્છાઅનિચ્છાએ માતાપિતાની આવી માંગણીને સંતોષવી પડે,એ સ્થિતિઇચ્છનીય નથી.

આગંતુકો પણ બાળકની પ્રસંશા જ કરવાનાં ને માતાપિતા ગૌરવ અનુભવવાનાં, પરિણામે બાળકના મનમાં પોતાના વિષે એવો ખ્યાલ બંધાવાનો કે પોતાને જેવું આવડે છે તેવું હાંક્યે રાખવું, માતાપિતાનાં મનોરંજન કરવામાં એણે આનાકાની ન કરવી અને ઘરરૂપી સરકસના પ્રાણી તરીકેની ભૂમિકા ભજવવાની તૈયારી રાખવી.

બાળકને રમકડું કે મનોરંજનનું સાધન માનવામાં આવે ને એ જ રીતે એની સાથે વ્યવહાર રાખવામાં આવે તો બાળકને મોટા થવાની તકથી આપણે વંચિત રાખીએ છીએ એસમજવું જરૂરી છે.

આવી જ રીતે બાળકને આપણાં સાંત્વન માટેનું સાધન માનતાં કે બનાવતાં પહેલાં સ્હેજ વિચાર કરવાની જરૂર છે. ઘણાં ઘરોમાં માતા કે પિતા બંનેમાંથી એકનું અવસાન થયું હોય ને બાળક નાનું હોય, અણસમજુ હોય ત્યારે એકાકી જીવન જીવવામાં બાળક સહાયભૂત બને છે એ નક્કી, પણ ધારો કે પિતા ગુમાવ્યા હોયએવાં ઘરોમાં બાળકે ઊછરવાનું હોય ત્યારે માતાના દુઃખના વિસામા તરીકે એને ઉછેરવામાં આવે છે. વધુ પડતી આળપંપાળ માતા કરે એ સમજી શકાય એવી સ્થિતિ છે. માતા એના ઉછેર દ્વારા પોતાનું અંગત દુઃખ ભૂલવાનો પ્રયત્ન કરે, બાળકને દૃષ્ટિમાં રાખીને જ ભવિષ્યની યોજનાઓ કરે છે એ પણ સ્વાભાવિક છે. પણ બાળક પર પોતાનો માલિકી હક્ક જમાવીને એને અન્ય કોઈની સાથે હળવા ભળવા નદે એ કેમ ચાલે ? બાળકને એનાં સમવયસ્ક મિત્રો સાથે રમવા ન દે અને પોતાની નજરથી દૂર, ઘરની બહાર પણ ન જવા દે અને અન્ય બાળકોને પોતાના ઘરમાં આવવાનું ઉત્તેજન ન આપે એ કેમ ચાલે ?

રમતનું બાળકના જીવનમાં અનેરું મહત્ત્વ છે. માત્ર મોટેરાંઓની દુનિયામાં મોટું થતું બાળક સજડ ગૂંગળામણ અનુભવે છે. સામાજિકતા કેળવવાની તક એની પાસેથી મોટાંઓ છીનવી લેતાં હોય છે. રમત દ્વારા ન પન એ આપલેનો ખ્યાલ શીખે છે. પોતાનું રમકડું અન્યને હા વારાફરતી રમવા આપીને વાસ્તવિકતા વચ્ચે જીવવાનું છે એ દુનિયાનું પ્રથમ દર્શન એ અન્ય બાળકો સાથે રમત દ્વારા મેળવે છે. મીઠા વિખવાદો, અબોલા ને કિટ્ઠા અને ફરી પાછા સંબંધો સુધારવાની આવડત એને રમતગમત દ્વારા મળે છે.

રમત એટલે દોડાદોડ કરવી પડે એવી શારીરિક પ્રવૃત્તિઓ જ એવું નથી. શાંત રમતો પણ હોય છે, જેમાં બાળકોને રસ લેતાં કરી શકાય. ચાપટ પાનાં, શતરંજ,કેરમ, રંગબેરંગી ચોસલાંમાંથી મકાન બનાવવાની રમતો બાળકમાં એકાગ્રતા કેળવવામાં સહાયભૂત નીવડે છે.

રમતગમત બાળકોના વિકાસ માટે ખૂબ જરૂરી છે એ હકીકત સમજવા-સ્વીકારવાની જરૂર છે. આથી રમતિયાળ બાળક ચંચળ હોય ને ગંભીર-ઘરરખ્ખું બાળક હોશિયાર હોય એવો ભ્રમ ન સેવવો.