કાલે સવારે ટેલિફોનની કેટલી રિંગો વાગી ! મમ્મી રસોડામાં લોટ બાંધતી હતી. હાથ ખરાબ હોય, કેવી રીતે આવીને ફોન લે ? હાથ ધોઈને આવીને ફોન લેતાં ય કેટલી બધી વાર લગે ? રિંગ પર રિંગ તો વાગ્યે જ જતી હતી. દીદી તો સ્કૂલમાં ગઈ હતી. પપ્પા એમના રૂમમાં બેસીને છાપું વાંચતાં હતા. આટલી બધી રિંગો સાંભળી એમણે મોટેથી બૂમ પાડી, “કેમ કોઇ ફોન લેતુંનથી ?’ હું તો ભણવા બેઠો હતો… પણ પપ્પાની બૂમ સાંભળીને હું ઊઠયો ને ફોન લેવા ગયો. ચાર વરસની સંજુ બહાર રમતી હતી. પણ જો એ ઘરમાં હોય ને તો તોઆટલી રિંગ વાગે કે એ દોડી જ હોય ને ફોન લીધો જહોય. પણ એને વાત કરવાની શું સમજ પડે ! અને એટલે ગોટાળાય ઘણા કરે .. પણ જો એક વાર સંજુએ હાથમાં ફોન લીધો હોય અને એના હાથમાંથી ફોન મેં લીધો તો તો ખાસ્સું મોટું હુક્ષડ મચી જાય… તમે જોયોછે સંજુનો મિજાજ ! જે ઘાંટા પાડી પાડીને રડે.. અરે એના હાથમાંથી લીધેલા ફોનમાં વાતેય ન કરીશકાય. કશું સંભળાય જ નહીં ને ! આ તો પપ્પાએ બૂમ મારી એટલે હું ફોન લેવા ઊઠ્યો, બાકી હુંફોન લેવા બહુ જતો નથી. મને ભણવાનું બગાડી ફોન પર વાત કરતી જરા પણ ગમતી નથી. ઘરમાંમમ્મી હોય પપ્પા હોય, દીદી હોય. મારે શું કામ ફોન લેવો પડે ? મારો તો કોઈ ફોન આવતો નથી.પણ, હજી તો હું ફોન ઉપાડું છું ત્યા તો સંજુ આવી જ પહોંચી અને ફોન લેવા તેણે ધમપછાડા કર્યા,ઘાંટા પાડી પાડીને રડવા લાગી. કશું સંભળાય જ નહીં ને ! એટલે મેં તો ફોન મૂકી દીધો.. બીજું કરુંપણ શું ! પણ ત્યાં તો ફરી રિંગ વાગી. એક બાજુ સંજુ ઘાંટા પાડી પાડીને રડે, બીજી બાજુ મમ્મીરસોડામાંથી બૂમો પાડે. હું કહું, “પપ્પા તમારો ફોન છે’ તો પૂછે, “કોનો ફોન છે ? ‘ પણ મને ક્યાં ખબરપડેકેકોનો ફોન છે ? મેં કયાં નામ પૂછ્યું હતું ?’

એટલે મેં કહ્યું, “મને ખબર નથી… ‘ તો પપ્પા તો એવા ગુસ્સે થઈ ગયા. “ફોન તો તેં લીધો હતો ને પૂછતો કેમ નથી કે “કોણ બોલો છો ? એટલું પૂછતાં શું થાય છે ! સમજ નથી પડતી ? કોણ જાણે એટલી વાત કરતાંય કયારે આવડશે ?’ મને તો એવો ધમકાવી નાંખ્યો! એમણે મને લડતાં લડતાં ફોન તો લીધો… પણ કોણ જાણે શું થયું તે થોડી જ વારમાં ફોન મૂકી દીધો. ને પાછા આવીને મને ફરી ધમકાવવા માંડ્યા… કહે… “તારે હવે ફોન લેવાનો નહીં, તને કશી સમજ પડતી નથી કે કોની સાથે કેવી રીતે વાત કરવી. જેને ને તેને કહી દે છે કે પપ્પાને ફોન આપું છું. પણ પપ્પાએ બધાંની સાથે વાત ન પણ કરવાની હોય…’ સંજુ ચાંપલી થઇ બધાના ફોન ઉપાડે છે તો એને તો કોઈ કશું જ કહેતું નથી. ઉપરથી મમ્મી તો તે દિવસે હંસામાસી આવ્યાં તો તેમને કહેવા માંડી,“અમારી સંજુ તો ભારે હોશિયાર છે. આટલી છે પણ ફોન ઉપાડે, એવી સરસ વાત કરે. બધી ય સમજ પડે એને. તો શું મને સમજ નથી પડતી ? હું કંઈ “ઢ’ ઓછો જ છું ! મમ્મીને તો બસ સંજુ જ ગમે છે. અને પપ્પાય ખરા છે ને ! કોઈ વાર કોઈનો ફોન હોય અને બોલાવવા જાઉ તો કહેશે, “કોનો ફોન છે’ ? હું નામ કહું તો વળી કહે “જા કહી દે બહાર ગયા છે ‘ “પણ પપ્પા…’ હજી એમ પૂછું ત્યાં તો મને ધમકાવી નાંખે .. “તને હું કહું છું ને ! હું કહું એમ કર… દોઢડાહ્યો ન થા’, મને તો સમજ નથી પડતી કે પપ્પાનો ફોન આવે તો કેવીરીતે વાત કરવી, ઘરમાં હોય ને કહું કે, ફોન આપું છું’ તો લડે ને ઘરમાં હોય તો “પપ્પા ઘરમાં નથી’ એવું કેવી રીતે કહું ? મમ્મી મને હંમેશાં ટોકે છે કે, “જૂઠું નહીં બોલવાનું’. પપ્પા ઘરમાં જ હોય તો હું કેવી રીતે કહું કે “પપ્પા ઘરમાં નથી,’ ફોન ન લઉં તો બંને બૂમ પાડે કે ફોન કેમ નથી લેતો. પણ પપ્પાના ફોનમાં આવા ગોટાળા થઈ જાય છે એટલે મને તો સમજ જ નથી પડતી કે શું કહેવું ? ને શુંકરવું ? ફોન લઉં તો તકલીફ, ન લઉં તોય તકલીફ…

આવા કેટકેટલા પ્રસંગો બાળકો સાથે બનતા હોય છે ! બાળકને આપણે નીતીનિયમો શીખવવા હોય, જીવનનાં મૂલ્યો શીખવવાં હોય. પણ એ ક્યારે શીખવી શકાય ? … જો આપણા જીવનમાં આપણે એ અપનાવતાં હોઈએ તો, પણ આપણે વડીલો… મા-બાપો પણ આપણી સગવડ પ્રમાણે એમાં ફેરફાર કરી દઈએ છીએ.છટકબારીઓ શોધી લઈએ છીએ અને પછી બાળકો પાસે આગ્રહ રખાવીએ છીએ કે આમ કરાય ને આમ ન કરાય. બાળકને ય ક્યારેક તો મૂંઝવણ થાય છે કે શું કરવું… ઘણુંખરું તો બાળક આપણે કરીએ એમ કરે છે. આપણો સતત પૂર્વગ્રહ હોય છે કે બાળક આપણે કહીએ એમ જ કરે પણ બુદ્દ્રિશાળી બાળક આપણે કંઈક કહીએ અને કંઈક કરીએ એ બે વચ્ચેનો ભેદ સતત મૂલવતું રહે છે ને તેમાંથી એનાં જીવનનાં મૂલ્યોનું શિક્ષણ તો કથળે જ છે પણ આપણાં વડીલો પ્રત્યેનું માન પણ ઓછું થાય છે. બાળક માટેરોલ મોડેલ કોણ ? બાળક કોને નજર આગળ રાખીને જીવે ? મોટો થાય, એને ય આદર્શ વ્યક્તિ બનવું છે, આગળ વધવું છે. સારા માણસ થવું છે. પાંચ માણસમાં પુછાવું છે. ઈશ્વરે તેનામાં “અહમ્’ મૂક્યો છે. એને સતત થાય છે, “હું કોના જેવો થાઉં ?’ આજે ટી.વી. આવવાને કારણે મહાન માણસોનાં જીવનચરિત્રો વંચાતાં તો બંધ થઇ ગયાં છે. એટલે પ્રેરણાનો એ સ્ત્રોત તો બંધ થઇ ગયો. શાળામાં એવા શિક્ષકોની પણ ખોટ વરતાવા માંડી છે, જેમનાં વર્તન આચાર વિચાર, શિક્ષણમાંથી વિધાર્થીનું સરસ ભણતર અને ઘડતર થાય. એમને તો રસ છે. માત્ર ચોપડીનાં પાનાંમાં આપેલી માહિતી બાળકોના મગજમાં ઠસાવી દેવાની, એ સિવાયની એમની માવજતની એમને ચિંતા નથી. તો ઘરમાં મા-બાપ પણ પોતાની જ પ્રવૃત્તિ, પોતાના વ્યવસાય વગેરેમાં એટલા તો વ્યસ્ત છે. બાળક તો તેમની અગ્રતાક્રમમાં ખૂબ પાછળ આવે છે અને એમના જીવનનાં મૂલ્યો જ એવાં દઢ નથી કે જેથી તે બાળકમાં તેનો આગ્રહ રાખી શકે.

લાઈસન્સ વિના સ્કૂટર ન જ ચલાવાય અને એટલે સ્કૂલમાં પણ અગિયારમા બારમા ધોરણનાં વિધાર્થીઓએ સ્કૂટર લાવવાનું નથી હોતું, પણ મા-બાપ એમને સ્કૂટર આપીને જ મોકલે છે, “એ રોજ કોણ લેવા મૂકવા જાય ? છોકરા સાઈકલ પર થાકી ન જાય ?.., પોલીસ પકડે, સ્કૂટર જપ્ત કરે તો તરત જ પિતા દંડ ભરીને સ્કૂટર લાવી આપે, એ જ બાળક સાથે ગાડીમાં હોય ત્યારે ટ્રાફિક સિગ્નલનું ઉલ્લઘન આપણે પોલીસની ગેરહાજરીનો લાભ લઇને કેટકેટલીવાર કરીએ છીએ! સ્કૂલના પણ યુનિફોર્મમાં હંમેશાં કંઈક બાંધછોડ ચલાવવાની જ હોય. મા જ કહે છે, “જા, એ તો ચાલશે. કોઈ કંઈ જ નથી બોલવાનું.. અરે ! ખબર જ કોને પડે છે ? બહુ થશેને પકડાશે તો પાછો મોકલશે. બીજું શું કરી લેવાનાં છે!’

આજની ઊગતી પેઢીની નજર આગળ આદર્શ કોણ ? નથી એવી મા કે નથી એવા બાપ .. કે જેનામાં જીવનનાં મૂલ્યો દઢપણે વ્યાપેલાં હોય. ફૂવામાં હોય તો હવાડામાં આવેને !

બીજા ધોરણમાં ભણતો મૃણાલ કંપાસ લઈને સ્કૂલમાં આવેલો. અણીદાર પરિકર કાઢી આજુબાજુ છોકરાઓને બિવડાવતો હતો. ત્યાં કોઈએ બેનને ફરિયાદ કરી એટલે બેન એની તરફ આવ્યાં તો તરત જ તેણે એ કંપાસ બાજુના છોકરાના દફતરમાં સરકાવી દીધો ને કહે “બોલીશનહીં… સંતાડી છે. હું તને એક રૂમાલ આપીશ. બેન જોશે તો કંપાસ લઇ લે ને! તું સંતાડી દે !..,આટલા નાના બાળકને ય આવા બધા વિચારો અને આવું બધું આવડે છે ક્યાંથી ? બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. આજની આ ઊગતી પેઢી મોટી થતાં શું કરશે ? યેનકેન પ્રકારેન… જે હું ધારું તે થવું જ જોઈએ. “ના’ શબ્દ હું સ્વીકારી જ ન શકું એવો આપણો ઉછેર, જૂઠું બોલવાનો કોઇ વાંધો જ નહીં .જૂઠુકેમ બોલવું એ મા-બાપ જ શીખવતાં હોય. મા-બાપ તરીકે આપણું જ જીવન આદર્શ ન હોય તો સંતાનોનાં જીવનનાં મૂલ્યોનું ઘડતર ક્યાંથી થશે ! બાળકના મગજમાં પણ આ અંગે ઘણી ‘મથામણ ચાલતી હોય છે. તેના કુમળા માનસમાં પણ “શું સારું’ ને “શું ખરાબ’ એવી સામાન્ય સમજતો હોય છે જ પણ આપણાં વડીલો દ્વારા જ એને પુષ્ટિ નથી મળતી ત્યારે એ બાળકના વિકાસમાં એક બહુ મોટો અવરોધ આવીને ઊભો રહી જાય છે. હકીકતમાં આપણે જ આપણા પગ પર કુહાડો મારતાં હોઈએ છીએ, એ બાળક કાલે મોટો થઇને આપણને ય આમ જ જુઠાણામાં ફેરવશે ત્યારે !!