બાળકની અમર્યાદ શક્તિઓ
અઢી વર્ષની અમારી દીકરીને “ચકલી ઊડે ફરર’ રમત અમે પહેલી વાર રમાડી ત્યારે અમને આશ્ચર્ય થયું. તેને ચકલી, પોપટ, કાગડો, કબૂતર ઊડી શકે અને ભેંસ, ગાય, વાઘ, સિંહ ન ઊડી શકે તેની ખબર હતી. અમને લાગતું હતું કે અમે મોડાં પડ્યાં હતાં. અમે તેની શક્તિઓને બહુ ઓછી આંકી હતી.
આપણો બધાનો આ અનુભવ છે. બાળક નાનું હોય છે ત્યારે તેની આવડતથી આપણને આંજી દેતુ હોય છે. “અરે, આને તો આની પણ ખબર છે’ એવા ઉદ્ગારો સામાન્ય રીતે વારંવાર નીકળી જતા હોય છે આપણને બધાને થતું હોય છે કે આપણું બાળક ખાસ વિશેષ બુદ્દ્રિમત્તા ધરાવે છે, પણ વાસ્તવમાં લગભગ દરેક બાળકમાં આપણે કલ્પી ન શકીએ તેટલી અમાપ શક્તિ પડેલી હોય છે. આપણી ભૂમિકા છે કે આ શક્તિઓને ખીલવા માટેની તક આપવાની, તક ઊભી ઉકરવાની. ક્યારેય એવું નહિ વિચારવું જોઈએ કે બાળ આ કે તે વસ્તુ કરી શકશે નહીં. “તારાથી એ નહીં થાય, લાવ હું કરી આપું’ તેવા શબ્દો બાળકના વિકાસને રૂંધનારા છે.
બની શકે કે અમુક ઉમરે અમુક વસ્તુ બાળક સફળતાપૂર્વક ન કરી શકે, પણ જો તેને રોકવાને બદલે પ્રયત્નો કરવા દેવામાં આવે તો જેને રોકવામાં આવેલ હોય તે બાળક કરતાં તે વહેલું શીખી જતું હોય છે. એટલુ જ નહીં, તેનો આત્મવિશ્વાસ વધતો હોય છે. આનાથી ઊલટું,જે બાળકોને રોકવામાં આવે તેમનામાં પોતાની શક્તિઓ વિશે શંકા જન્મે છે અને લઘુતાગ્રંથિ ઊભી થાય છે. અલબત્ત, જે વસ્તુઓથી બાળકની સલામતી જોખમાય, ઈજા થવાની સંભાવના હોય તે વસ્તુઓ માતા-પિતાની હાજરીમાં પૂરતી દેખરેખ અને કાળજી હેઠળ થાય તે આવશ્યક છે.
બાળકનું શિક્ષણ કે વિકાસ પ્લે ગ્રુપ, નર્સરી કે સ્કૂલમાં જ થઇ શકે એવું હોતું નથી. ઘરમાં જ બાળકની શક્તિઓને ખીલવવાનો ઘણો અવકાશ હોય છે . દા. ત. જમતાં જમતાં થાળી, રોટલી, ડાઈનિંગ ટેબલના આકારો પૂછી બાળકને આકારોનું જ્ઞાન આપી શકાય. ભોજનની થાળીમાં ખીચડી ઠરતી ન હોય અને બાળક અધીરું બની રડતું હોય ત્યારે એ સમજાવી શકાય કે ખીચડી પહોળી કરવાથી કે પંખો ચાલુ કરવાથી કેમ ઝડપથી ઠરે છે ? નાનું બાળક હોય તો ચમચીથી ખીચડીના જુદા જુદા આકારો બનાવી શકાય અથવા આંકડા અથવા અક્ષરોલખી શકાય. આનાથી બાળક રડતું તો બંધ થઇ જશે, પણ સાથે સાથેએ પણ શીખશે કે સમસ્યાઓ ખરેખર સમસ્યાઓ નહિ, પણ નવું શીખવાની, નવું કરવાની તકો છે.
શાળા, લાઈબ્રેરી, નૃત્યવર્ગ, બજાર જવાનું હોય ત્યારે ફક્ત વાહનનો ઉપયોગ કરવાને બદલે જ્યારે સમય હોય ત્યારે ચાલીને જવામાં આવે અને બાળક સાથે વાતો કરવામાં આવે, નાના બાળકને ટ્રાફિક સિગ્નલ, ઝિબ્રા ક્રોસીંગ, ટપાલ-પેટી, જુદાં જુદાં વાહનો, વૃક્ષો વગેરેનો પરિચય આપવામાં આવે તો બાળક ઝડપથી નવી વસ્તુઓ શીખે છે અને માતા-પિતા તરફથી તેના તરફ જરૂરી ધ્યાન આપવામાં આવે છે તેવો સંતોષ થતાં તેની જીદ ઘટે છે, આત્મસન્માનની ભાવના વિકસે છે.
બાળકો વાર્તાનાં ખૂબ શોખીન હોય છે અને મા-બાપ જો બહુ ઓછી વાર્તાઓ જાણતાં હોય તો બાળક એકની એક વાર્તાઓ વારંવાર સાંભળવાની માંગણી કરે છે, પરંતુ ખરેખર તો કલ્પના શક્તિનો બરાબર ઉપયોગ કરી વાર્તાઓમાં જ્ઞાન સમાવી લેવામાં આવે તો રમતાં રમતાં ઘણું બધું શીખી શકાય છે. દા.ત., રેલગાડીની વાર્તા કહેતાં કહેતાં કહી શકાય કે ““ એક હતી રેલગાડી અને એક હતાં બસ બહેન. રેલગાડી બહેન કોલસા બહુ ભાવે અને તેઓ તો કોલસાથી ચાલે અને બસબહેન ડીઝલથી.” પછી આ કોલસા ક્યાંથી આવે અને ડીઝલ ક્યાંથી આવે એ વિશે માહિતી આપવી, અને જો થોડા દિવસ પછી બાળક બસ જોઈને કહેશે, આ બસ બહેનને ડીઝલ બહુ ભાવે..” આપણને આશ્ચર્ય થશે કે આવડું નાનું બાળક કોલસાની ખાણો અને તેલના ફૂવા વિશે પણ જાણે છે.
બાળકને પણ વાર્તા કહેવાની તક આપો. બાળકમાં વિપુલ સર્જનાત્મકતા પડેલી હોય છે. આ શક્તિન વ્યક્ત થવાનો મોકો મળશે તો તે ઓર ખીલી ઊઠશે.
આ ઉમરે બાળક મુક્ત ગગનના પંખી જેવું હોય છે, તે નિયમો કે હકીકતોનાં કોઇ બંધનો સ્વીકારતું નથી તેની એક એક હરકતમાં આ બાબત વ્યક્ત થતી હોય છે.
આસ્થા ત્રણ-ચાર વર્ષની હતી ત્યારે અમે તેને વાર્તા કહેવાનું કહેતાં. ત્યારે પક્ષીઓ, પદાર્થો, કુદરતી તત્ત્વોને સાંકળીને અદ્ભુત વાર્તાઓ કહેતી. ક્યાંથી ક્યાંય જોડાતું હોય, તેનો મુક્ત વિહાર ખૂબ જ આનંદ આપતો.
થોડી મોટી થતાં અમે તેને વાર્તાનાં ત્રણ-ચાર પાત્રો આપતાં. આ પાત્રોને લઈને તે સુંદર વાર્તાઓ કહેતી. તેની વાર્તાઓમાં જીવનનાં મૂલ્યો વ્યક્ત થતાં. તેની વાર્તામાં કૂતરો બિલાડીને મારતો ન હોય, મદદ કરતો હોય, વાર્તામાં મા બાળકને પ્રેમ કરતી હોય, પશુ પંખીઓ ઉત્સવ ઊજવતાં હોય. માંસાહારી પ્રાણીઓ પણ શાકાહાર કરતાં હોય, જન્મદિવસ અને ઉત્સવો મનાવતાં હોય, ગાતાં-નાચતાં હોય, આનંદ કીલ્લોલ કરતાં હોય.
બાળક ગંદું થઇ જશે, માંદું પડી જશે તેની ચિંતા કર્યા વિના તેને કુદરતને ખોળે રમવા દેવામાં આવે તો પણ બાળકમા પડેલી અમાપ શક્યતાઓને વ્યક્ત થઇ વિકસવાની તક મળે છે. એટલું જ નહીં, તે કુદરત સાથે અનુસંધાન સાધતું થાય છે.
જુદા જુદા આકારો, રંગો, બાળકની જિજ્ઞાસાને સંતોષતા હોય છે, જેથી આઠ-દસ મહિનાના બાળકને પણ જો પુસ્તક આપવામાં આવે તો તે બહુ જ ધ્યાનથી જોતું હોય છે. વળી તેને ફાડી ટુકડા કરવાથી પણ બાળકનું કુતૂહલ સંતોષાતું હોય છે. આથી સાવ નાના બાળકને પસ્તીમાં આપવાનાં પુસ્તકો, છાપાં, ચોપાનિય આપવામાં આવે તો બાળકને પુસ્તકો ગમવાની શક્યતા વધે છે.
બાળકમાં પડેલી અમર્યાદ શક્તિઓને સ્વીકારી તેને વિકસવાનો અવકાશ આપીએ, ખીલવા માટેનું વાતાવરણ પૂરું પાડીએ