સવાલ : બાળકના જન્મ પછી ધાવણ આપવાનું શરૂ ક્યારથી કરવું જોઈએ ?

જવાબ : સૌથી સાચો જવાબ છે : તરત જ ! ડિલિવરિ રૂમમાં જ આની શરૂઆત થઇ જવી જોઈએ. સિઝેરીયન ઓપરેશનથી જન્મેલ બાળકને પણ પ્રથમ અર્ધા કલાકની અંદર માતાની છાતીએ લગાવી દેવું જોઈએ. માતા ફરી શકે તેમ ન હોય તો દાદી કે અન્ય કોઇ પણ વ્યક્તિ બાળકને માતાની છાતી પર ઊંધું રાખી શકે. માતાને બાટલો ચાલતો હોય ને ડોક્ટરે એને ખાવાની મનાઈ કરી હોય તો પણ બાળકને છાતીએ વળગાડી દેવું અને ધાવણ શરૂ કરાવી જદેવું.

સવાલ : શરૂઆતમાં આવતું પીળું ધાવણ ફેંકી દેવું જોઈએ ? અમારા વડીલો એને ચડેલું ધાવણ કહે છે. એનાથી બાળક માદું પડી શકે ?

જવાબ : શરૂઆતમાં આવતું પીળું ચીકણું ધાવણ જ બાળકને તંદુરસ્ત રાખવા માટે અતિ ઉપયોગી છે. એને ફેંકી દેવાની મૂર્ખામી ક્યારેય ન કરવી. બાળકના મગજ તેમજ બુદ્ધિના વિકાસ માટેના શ્રેષ્ઠ પદાર્થો તેમાં હોય છે. ઉપરાંત એમાં રોગપ્રતિકારકકણો પણ ભરપૂર માત્રામાં હોય છે.

સવાલ : બાળકને કેટલી કેટલી કલાકના અંતરે પેટ ભરાવવું ? કેટલો સમય ભરાવવું ?

જવાબ : આવું કોઈ ટાઇમ ટેબલ બનાવવું નહીં. બાળકને ભૂખ લાગે ત્યારે પેટ ભરાવી શકાય. એટલે કોઇ નિશ્ચિત સમય ન રાખવો. બાળક એક છાતી પર ૧૦ થી ૧૫ મિનિટ પેટ ભરે એટલે લગભગ ધરાઈ જતું હોય છે. એટલે બીજી વખત એને બીજી છાતી પર લેવું.

સવાલ : મારું બાળક ફક્ત ધાવણ જ લેતું હોવા છતાં એને ખૂબ જ ઝાડા રહે છે. એ ઉપરાંત ઝાડાની જગ્યાએની ચામડી લાલ પણ થઇ જાય છે. ઉપરનું પાણી અને કંઇ પણ ન આપવા છતાં આવું થાય છે. શું કરવું ?

જવાબ : આવાં બાળકોને રોગના ઝાડા નથી હોતા. આ ઝાડાનું કારણ ધાવણ આપવાની ખામીભરી રીત તથા ધાવણમાં રહેલ લેક્ટોઝ નામની ખાંડ હોય છે.

ખામીયુક્ત રીત : ઘણી માતાઓ બાળકને બંને છાતી પર થોડી થોડી વાર માટે પેટ ભરાવે છે. હવે ધાવણના શરૂઆતના ભાગમાં આવતું પાતળું દૂધ કાર્બોહાઈડ્રેટ-ખાંડનું પ્રમાણ વધારે ધરાવે છે. જ્યારે ધાવણના અંતિમ ભાગમાં ચરબીયુક્ત દૂધ હોય છે. એટલે એક સમયે એક જ છાતી પર પૂરેપૂરું ધાવણ આપવાથી બાળકના પેટમાં જતી ખાંડનું પ્રમાણ ઘટાડી શકાય છે. જેથી આ સમસ્યા હલ થઇ શકે છે.

લેક્ટોઝ ખાંડ ન પચવાથી : આ લેક્ટોઝનું આંતરડામાં વિઘટન થવાથી લેક્ટિક એસિડ પેદા થાય છે. જેનાથી પાણી જેવા ખાટી વાસવાળા, લીલા કે પીળા ઝાડા થાય છે. (અભિસારી દબાણ વધવાથી) ઝાડામાં એસિડિક પ્રવાહી હોવાથી ઝાડાની જગ્યાએની ચામડી લાલ થઇ જાય છે. આ ઝાડા માટે કોઇ પણ દવાની જરૂર હોતી નથી. આવા ઝાડા હોવા છતાં બાળકનું વજન નિયમિત રીતે વધતું જાય છે. ઝાડાની જગ્યાએ ડૉક્ટરને પૂછીને અમુક મલમ લગાવીશકાય. આ ઉપરાંત એક સમયે એક છાતી પર બાળકને ધાવણ આપવાથી પણ આ સમસ્યા નિવારી શકાય છે. આનાથી દર વખતે ઓછું લેક્ટોઝ પેટમાં જવાથી ઝાડાનું પ્રમાણ ઘટી જાય છે.

સવાલ : સ્તનપાન કરાવતી માતાએ શું વધારે ખાવું જોઈએ, જેથી ધાવણ વધારે આવે ?

જવાબ : એવો કોઇ ખાસ ખોરાક શોધાયો જ નથી જે ખાવાથી ધાવણ વધી જાય. સ્તનપાન કરાવતી માતા ઘરમાં બનતો બધો જ ખોરાક ખાઈ શકે. થોડાંક વધારે લીલા શાકભાજી, કઠોળ તેમજ ફળો સિવાય માતાના ખોરાકમાં બીજો કોઇ મહત્ત્વનો ફેરફાર જરૂરી નથી. માતાએ બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું. હાં, માનસિક તાણ ઓછી હોવી અને તાણમુક્ત વાતાવરણ હોવું ધાવણ વધારવા માટે ખૂબ જ જરૂરી છે.

સવાલ : માતાના ખોરાકથી બાળકને પેટમાં દુખી શકે ? માતાની દવાઓ બાળકને નુકસાન કરે ખરી ?

જવાબ : જુઓઃ “રડતું બાળક’ તેમજ “માતાની દવાઓ અને બાળક’.

સવાલ : બાળકને બરાબર પ્રમાણમાં ધાવણ મળે છે, તે કઇ રીતે જાણી શકાય ?

જવાબ : બાળક ૨૪ કલાકમાં પ થી વધારે વખત પેશાબ કરતું હોય, એનું વજન બરાબર વધતું હોય, એની ઊંઘ નિયમિત હોય અને એકધારું રડતું ન હોય તો તેને ધાવણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે, તેમ કહી શકાય.

સવાલ : બાળક ધાવણ લેતું હોય ત્યારે માતાને ફરીથી પ્રેગનન્સી રહેતી નથી (ગર્ભાધાન થતું નથી) એ સાચું છે?

જવાબ : અમુક અંશે સાચું. હંમેશાં નહીં. બાળક સ્તનપાન કરતું હોય તે અરસામાં માતાને અંડાશયમાંથી ઈંડું છૂટું પડતું નથી. એટલે આ સમયગાળા દરમિયાન ગર્ભ રહેવાની શક્યતા ઘણી ઓછી હોય છે. પણ આ હંમેશાં સાચું નથી. ક્યારેક આ સમયગાળા દરમિયાન પણ ગર્ભ રહી શકે છે. એટલે સ્તનપાન એ એક વિશ્વાસપ્રદ ગર્ભનિરોધક નથી જ. એના માટે આંકડી (કોપર ટી) મુકાવવી એ જ એક ભરોસાપાત્ર પદ્ધતિ ગણી શકાય.