મા રોજ કહેતી : ““મારા રોયા ! મારું માનતો નથી તે કો’ક દીનો મરી જવાનો છે.” પણ છોકરો ઊંધી ખોપરીનો . નિતનવા હાલા હલવે. કોઈથી ડરે તો કે ? આખું ગામ ઊંચું લે એવો.

ગામ બહાર તળાવ હતું. મા રોજ કહે, “’રોયા! ત્યાં જઈશ મા, જોજે, મારું કહ્યું ન કર્યુ તો તારી કાકી ખાઈ જવી છે ! ત્યાં મોટી મગર રહે છે.”

પણ છોકરો ક્યાં બીએ એવો હતો ? એ કહેતો, “’ ચાલ ને જોઈતો ખરો કે મગરકાકી કેવી છે !”
છોકરો કહે, “મા ! પાણી પા ને.”’
“ઊભો રહે, ધાડશી આવી છે?”
“મા ! પાણીઆપ ને.’”’
“લઇ લેને, તારા હાથપગ ભાંગી ગયા છે?”
છોકરો કહે, “ત્યારે હું તો મારે આ ચાલ્યો તળાવે જઈને પાણી પીશ.”
છોકરો ચાલી નીકળ્યો.

મા કહે, “એ રોયા !પાછો વળ, પાછો વળ !આમારું કહેવું નથી માનતો તે મરી જવો છે.

છોકરાને તો મગર જોવી હતી. કાંઠે જઈને પાણી પીવા જાય ત્યાં તો મગરે બહાર નીકળીને એનો પગ પકડ્યો. છોકરાના શા ભાર ? મગર તો છોકરાને ખાઈ ગઈ.

મા તો દૂરથી જોઈ રહી. પણ મગર રહે ત્યાં જાય શી રીતે ? એ તો રોવા ને કકળવા લાગી. આડોશીપાડોશી ભેગાં થયાં. બધાં કહે,’“ના નો’તી પાડવી ? ત્યાં શું દાટ્યું હતું તે જવા દીધો?”’

મા કહે, “અરે ભાઈ! મેં તો ઘણી યે ના પાડી. ના કહીને તો જીભના કૂચા વળી ગયા. પણ રોયો માને એવો ક્યાં છે ? આલ્યો. માબાપનું નમાનેતો આમ જ થાય ના?”

છોકરો તો મગરના પેટમાં ગયો. પણ કાંઇ કાચો ન હતો. કેડે છરી, તે કાઢીને મગરનું પેટ કાપ્યું ને ભાઈસાહેબ બહાર નીકળ્યા. દોડતો દોડતો ઘેર આવ્યો ને માને કહે, “કાં, કહેતી’તી ને કે માનતો નથી તે મરી જઈશ?”

આફિકામાં ચાલતી એ એક વાર્તા છે, વાર્તા સાવ ખોટી છે. પણ તેમાં રહસ્ય છે. આપણે ત્યાંના દાખલા લઇએ. છોકરો કહે છે, ““બા ! મારે નિસરણીએ ચડવું છે.’”’ બા કહે છે, ““નથી ચડવું” છોકરો માનું કહેવુ માનત નથી ને ચડવા લાગે છે. મા કહે છે, ““રોયા ! પડી જઈશ, હો ! ” છોકરો ચડીને પાછો ઊતરે છે, ને કહે છે, “કાં, કહેતી’તી ને કેપડી જઈશ?’

નાનું બાળક કહે છે, “બા ! હું પાટલી લાવું? દૂધની ટબીડી લાવું !ફલાણું લાવું ? ફલાણું લાવું?” બા કહેશે, ““ના, નથી લાવવું, તારા હાથમાંથી પડી જાય.” બાળકકહે છે, “ના, હું તો લાવીશ.” “’ રહેવા દે, ભાઈ ! પડી જઈશ ને પગ ભાંગશે.”

“ હા’ “ના’ ચાલુ હોય છે એટલામાં બાળક વસ્તુ લાવે છે. ને કહે છે, “કાં, કહેતી’તી ને કેપગ ભાંગશે !પગ તોકાંઈન ભાંગ્યો.”

આવું હંમેશા ઘરોમાં બન્યા જ કરે છે. મા “ના’ કહે છે, છોકરો કરવા જાય છે. મા “ના’ નું કારણ બતાવે છે, છોકરો તે ખોટું પાડી બતાવે છે. માને લાગે છે કે છોકરું કહેવું માનતું નથી ને બાંગરું થઇ ગયું છે. છોકરાને થાય છે કે મા નકામી ના પાડે છે નેવળી ખોટું સમજાવે છે. મા કહે છે કે “આમ થશે ને તેમ થશે.’ છોકરું સિદ્ધ કરે છે કે ‘તેમ ન થયું’. મા છોકરાને કામ કરતું રોકવા જાય છે, છોકરું માને કામ કરી પાછી પાડે છે. પરિણામે માને ના કહ્યા કરવાની અને છોકરાને ન માનવાની ટેવ પડે છે.

આપણને આપણું કહેલું મનાવવાને અજબ જેવો શોખ છે. એ માટે આપણે બાળકને ધમકાવીએ છીએ, મારીએ છીએ. વખતે વખતે લાલચ આપીએ છીએ. કહેવું ન માનનારના આ હાલ થયા, એવી “માખી અને તેનું બચ્ચું’ ની વાર્તાઓ કહીને તેના ઉપર ઠસાવવા માગીએ છીએ કે બાળકે મોટાનું માનવું જ જોઈએ, જો ન માને તો પાપ થાય, નદી તાણી જાય, અથવા ઊના ઉનામણામાં પડીને મરી જાય, કે તેને મગર ખાઈ જાય. પરતું માની ઉપરવટ થઇને કામ કરતું બાળક તુરત જ શોધી કાઢે છે કે માબાપનું કહેવું સાવ બનાવટી છે. કદાચ માબાપના ક કહેવા પ્રમાણે થાય છે તો ત્યાં પણ બાળક પોતાના અનુભવથી સમજી શકે છે. આ તો પોતાને ચાલતાં ન આવડ્યું તેથી પડાયું, નહિકે ના પાડી હતી તે છતાં રમવા આવ્યું હતું માટે તેમ થયું. કોઈ કોઇ બાળક આવે વખતે એમ પણ માને છે કે બાનું કહેવું ન માન્યું માટે પડ્યું. પણ આ માન્યતા લાંબો વખત ન ટકી શકે. કદાચ ટકે તો બાળકમાં કાર્યકારણને ખોટી રીતે જોડવાની પદ્ધતિ ઊભી થાય, માબાપનું ન માનવાથી કંઇક નુકસાન થાય જ એવો વહેમ પેસે. અનેવહેમ એટલે બુદ્દ્રિનો અંધકાર !

બાળકોને આપણે ખોટી રીતે સમજાવવાં નહિ જોઈએ. એમ કરવાથી તેમનામાંઅંધશ્રદ્ધા ને અનાજ્ઞાંકિત પણું આપણે જ દાખલ કરીએ છીએ. જ્યાં બાળકના ખરેખર સંરક્ષણ માટે યોગ્ય રુકાવટ કરવાની અતિ આવશ્યકતા લાગે ત્યાંજ “ના’ પાડીએ અને ના પાડી સીધી રુકાવટ સાથે બાળક સમજ શકે ત્યાં સુધી બરાબર સાચેસાચાં કારણો બાળકને આપીએ. છેક નાનાં બાળકો પણ ધીરેથી તેઓ સમજે તેવાં કારણો આપીએ તો સમજી શકે છે.

છોકરે માનું કહ્યું ન માન્યું માટે મરી ગયો એવું આપણા લોક કેળવણીકારો આવી જાતની વાર્તાઓ દ્વારા બતાવે છે. આફ્રિકાના લોક-કેળવણીકારો ઉક્ત વાર્તા દ્રારા માને એવું શિક્ષણ આપતા દેખાય છે કે માએ એવી રીતે ના પાડીને બાળકને જ્યાં ત્યાં જતું રોકવું નહિ !