માતાના દૂધ ધાવણ અંગેની પ્રશ્નોત્તરી-૨
સવાલ : ત્રણ મહિનાથી નાનું ધાવણ લેતું બાળક અત્યંત રડ્યા કરે તો તે ભૂખ્યું રહે છે તેમ માનવું ? ઉપરનું દૂધ કે પાણી આપવાથી એ શાંત થઇ જાય છે. તો એ એના ભૂખ્યા રહેવાની સાબિતી ન ગણી શકાય ?
જવાબ : ના ! બાળકના રડવાનાં અનેક કારણો હોય છે. (જુઓ “રડતું બાળક’) બાળકના મોઢામાં કંઇ પણ રેડવાથી જે તે સમય પૂરતું એનું ધ્યાન બીજે દોરવાય છે. એટલે મૂળ પીડા એ થોડા સમય માટે ભૂલીને રડવાનું બંધ કરી દે છે. આને બાળકના ભૂખ્યા રહેવાની સાબિતી ન માની શકાય. જો બાળક ૨૪ કલાકમાં પાંચથી વધારે વખત પેશાબ કરતું હોય, વજન બરાબર વધતું હોય તો ભૂખ એના રડવાનું કારણ ન જ હોઈ શકે.
સવાલ : માતાને તાવ આવતો હોય તો ધાવણ આપી શકાય ?
જવાબ : માતાજો અત્યંત બીમાર ન હોય અને ધાવણ આપી શકે તેવી સ્થિતિમાં હોય તો જરૂર આપી શકાય.
સવાલ : ફક્ત ધાવણ પર રહેતું બાળક જો ૮ થી ૧૦ દિવસે એકવાર ઝાડો કરે તો તેને કોઇ દવાની જરૂર ખરી ? એને કબજિયાત કહેવાય ?
જવાબ : જો આવા બાળકનો ઝાડો ટૂથપેસ્ટ જેવો પોચો હોય, તો એને કબજિયાત ન ગણી શકાય. આવાં બાળકોને કોઇ જ દવાની જરૂર નથી હોતી. આવી જ રીતે ફક્ત ધાવણ પર રહેતું બાળક કયારેક દિવસમાં ૧૦ થી ૧૫ નાના નાના ઝાડા કરે છે. જો આવાં બાળકોનું વજન બરાબર વધતું હોય તો એમને પણ કોઇ જ દવાની જરૂર પડતી નથી.
સવાલ : અધૂરા મહિનાનું બાળક બરાબર ધાવણ લઇ ન શકે તો ઉપરનું કંઇ શરૂ કરવું ?
જવાબ : ના !માતાના દૂધ સિવાયનું કંઇ પણ આ ઉમરે જોખમી સાબિત થઇ શકે. એવું ખોટું પગલું ન ભરવું. એ કરતાં તો ધાવણ એક સ્વચ્છ વાડકીમાં કાઢીને રાખી મૂકવું અને જરૂરિયાત મુજબ એમાંથી જ આપવું. ફ્રીઝમાં ન રાખો તો પણ માતાનું દૂધ લગભગ ૮ કલાક સુધી બગડતું નથી. એટલે એ જ દૂધ વાપરી શકાય.
સવાલ : ધાવણ લીધા પછી બાળક તરત જ ઊલટી કરી નાંખે છે તો એને કોઇ રોગ હોઈ શકે ખરો ?
જવાબ : બાળક નિયમિત રીતે ધાવણ લેતું હોય, તેનું વજન બરાબર વધતું હોય અને એને તાવ કે અન્ય તકલીફ ન દેખાતી હોય તો કોઇ જ ચિંતા નથી. જો બાળકનું વજન ઝડપથી ઘટતું લાગે તો તરત ડૉક્ટરને બતાવવું.
સવાલ : જોડિયા બાળકો (દ્રીન્સ) હોય તો માતાનું દૂધ પૂરુંપડી શકે ખરું ? એ માટે ઉપરનુ દૂધ શરૂ કરવું જ પડે?
જવાબ : ના ! બંને બાળકોને એક એક છાતી પર લઇ શકાય. એ માટે ઉપરનું દૂધ શરૂ કરવાની ઉતાવળ ન જ કરવી. બાળકો વધારેવખત ધાવણ લે તો ધાવણનું પ્રમાણ પણ વધે છે.
સવાલ : માતાને બીજી પ્રેગનન્સી છે. પ્રથમ બાળક ૧૦ મહિનાનું છે. તો ધાવણ આપી શકાય ? કે હવે પહેલા બાળકને ધાવણ છોડાવી દેવું ?
જવાબ : સૌથી અગત્યનું તો એ છે કે આવી પરિસ્થિતિ ઊભી થવી જ ન જોઈએ ! બે બાળક વચ્ચે ઓછામાં ઓછો ૩ વરસનો ગાળો રહેવો જ જોઈએ. જો આનાથી ઓછા ગાળામાં ફરીથી ગર્ભાધાન થાય તો પ્રથમ બાળકને ધાવણ છોડાવવાથી નુકસાન થાય છે, માતાનું શરીર હજુ પ્રથમ સુવાવડની અસરમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યું ન હોવાથી એને નુકસાન થાય છે, એટલે આવું ન જ થવા દેવું. છતાં જો આમ બન્યું જ હોય તો ગર્ભ સાત મહિનાનો થાય ત્યાં સુધી ધાવણ આપી શકાય. આ ઉમર સુધી અંદરના બાળકની પોષણની જરૂરિયાત તેમજ વજન વધારવાની જરૂરિયાત ઓછી હોય છે. ત્યાર બાદ પણ જો માતા બરાબર પોષણ લેતી હોય અને એનામાં કોઇ જ જાતની પોષણને લગતી ખામી ન હોય તો ધાવણ આપી શકાય.
સવાલ : ધાવણ ક્યાં સુધી આપવું ?
જવાબ : બાળક ઇચ્છે ત્યાં સુધી ૭ મહિનાની ઉમરથી બાળકને ખોરાક શરૂ કરવો. બાકી એ ઇચ્છે તેટલો સમય ધાવણ લઇ શકે. વિજ્ઞાનના મતે લાંબો સમય ધાવણ લેતાં બાળકોના મગજના અમુક ભાગોનો વિકાસ વધારે સારી રીતે થાય છે તથા એવાં બાળકોને ગણિત તથા વિજ્ઞાનવધારે સારું આવડે છે.
સવાલ : વિટામિન તેમજ લોહ તત્ત્વનાં ટીપાંની ફક્ત ધાવણ જ લેતા છ મહિનાથી નાના બાળકને જરૂર ખરી ?
જવાબ : જો માતાના શરીરમાં કોઇ જ પ્રકારની લોહતત્ત્વ કે વિટામિનની ખામી ન હોય તોજવાબ છે, ના. નહીંતર આવાં ટીપાંની જરૂર પડી શકે.