બાળક વાર્તા રસિયું છે. કેટલીકવાર તો એ રમવાનું અન્જમવાનું ય પાછું ઠેલીને નાર્તા સાંભળવાનું પસંદ કરે છે. કોઈ પણ વાર્તા સરસ રીતે કહેવાતી હોય ત્યારે એ એમાં ખોવાઈ જઈને ખૂબ સુખ અનુભવે છે. વાર્તા સાંભળવાના અવસરો મેળવવાનો બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. એમને આ અધિકાર માણવા દેવો એ આપણુંવત્સલ કર્તવ્ય છે.

બાળકો દ્વારા વાર્તાની ઉઘરાણી થતાં આપણે મોટાભાગે વાર્તા કરીએ છીએ ખરા, પણ એ સાંભળતાં સાંભળતાં બાળક શા માટે મોં મચકોડતું હસે ? શા માટે એ બીજે ધ્યાન આપતું હશે ? કહેવાતી વાર્તા અટકાવીને બીજી વાર્તા કહેવાનું એ શા માટે કહેતું હસે ? શા માટે વાર્તા સાંભળતા સાંભળતાં એ ઊંઘી જતું હશે ? બાળકના આ ચાળા સુચવે છે કે આપણે એને યોગ્ય રીતે વાર્તા કરી શક્યા નથી.

બાળકોને વાર્તા સાંભળવાનો સંતોષ અને આનંદ મળે તે માટે વાર્તા કહેવાની કલા જાણવી, સમજવી અને અપનાવવી જરૂરી છે. અહીં એ ખ્યાલમાં લેવું ઘટે કે બાળકને રૂબરૂ કહેવાતી વાર્તા જે અસર કરે છે. તેવી અસર વાંચીને સંભળાવાતી વાર્તાની થતી નથી. વાર્તા તો જાણે આપણે જોયેલી કે હાલમાં જ જાણેલી હકીકત કહેતાં હોઈએ તે રીતે કહેવાવી ઘટે.

અસરકારક વાર્તા-કથન માટે યોગ્ય વાર્તાની પસંદગી કરવી જોઈએ. બાળકની ઊંમર અને રૂચિને ધ્યાનમાં લઇને પ્રાણીકથા, પરીકથા, લોકકથા, પ્રસંગકથા, સાહસકથા, હાસ્યકથા, પ્રવાસકથા, પૌરાણિક કથા, એતિહાસિકકથા, કે વૈજ્ઞાનિક કથાની પસંદગી કરવી જોઈએ.

વાર્તા કહેવાનું શરૂ કરતાં પહેલા આપણા મનમાં વાર્તાની વિગતો અંગે પૂરી સ્પષ્ટતા હોવી જોઈએ. ફાવે તેમ વાર્તા કહેવી શરૂ કરી દઈને પછી એ આગળ વધારતા જવાનો ખ્યાલ ખૂબ જોખમી ગણાય. રસભંગ અને અનૌચિત્થી બચવા માટે બાળકને કહેવાતી વાર્તા આપણને અચૂક કંઠસ્ત હોવી જોઈએ.

કેટલીક વાર્તાઓ સમજી શકવા માટે વાર્તાની એતિહાસિક, ભૌગોલિક, શાસ્ત્રીય, શાસકીય કે ભાષીય ભૂમિકા બંધાવી જરૂરી હોય છે. આથી એવી વાર્તા કહેતાં અગાઉ જરૂરી ભૂમિકા સરસ ઢબે બાંધવી જોઈએ.

બાળક સમક્ષ રજૂ થતી વાર્તા જે તે વખતે સંપૂર્ણપણે રજૂ થવી જોઈએ. કિશોરવયનાં બાળકોને લાંબી વાર્તા હમાસર સાંભળવી કદાચ ફાવે પરંતુ શિશુઓ તો અખંડ વાર્તા જ માણી શકે.

બાળકને હંમેશા નવીનકોર જ વાર્તા સાંભળવા જોઈએ એવું નથી. પોતાની માનીતી વાર્તા ફરી ફરી સાંભળવાને પણ ઇચ્છતું હોય છે. કેટલીક વાર્તામાં વારંવાર આવતાં ખાસ વાક્યો, પંક્તિ કે સંવાદોનું પુનરાવર્તન પણ બાળક માણતું હોય છે.

વાર્તા સસ્મિત ચહેરે સીમિત ભાવચેષ્ટાઓ સાથે રજૂ થવી જોઈએ. બોલવાની ઝડપ મધ્યમ રાખવી. વાર્તામાં આવતા સંવાદોને અનુરૂપ પોતાના અવાજમાં ફેરફાર આણવાની કુશળતા કેળવવા જેવી છે. અવાજનો સહજ ઉતાર- ચઢાવવાર્તામાં જમાવટ માટે જરૂરી છે
બાળકને કહેવાની વાર્તામાં સળંગ એક જ ભાષા વાપરવી જોઈએ એવો દુરાગ્રહ ન હોઈ શકે. વાર્તાની સ્વાભાવિકતા માટે, તેમાં આવતા વિશિષ્ટ પાત્રની બીજી ભાષા બોલી શકાય, હા, એનો મતલબ તરત કહી દેવો જોઈએ.

વાર્તા સાંભળતી વખતે બાળકો તરફથી થતા હોંકારાને દેકારો માનીને અટકાવશો નહીં. વાર્તામાં પુનરાવર્તન થતાં ખાસ વાક્યો કે જોડકણાં એ પણ ભલેને જોડાજોડ બોલવા લાગે !

વાર્તાની રજૂઆતને નીરસ કરી દેતી બાબત છે, વિષયાંતર વાર્તા કહેતી વખતે બિનજરૂરી વર્ણનો કરવાનો લોભ જતો કરવો. વિષયાંતર વાર્તાની ગતિ અવરોધે છે. બાળક ધીમાં વાહનની માફક ધીમી વાર્તાથી
કંટાળતું હોય છે.

બાળકને વાર્તા કહેવાનો મુખ્ય આશય તો તેના મનોરંજનનો જ હોવો જોઈએ. ઉપદેશ, માહિતી કે પ્રેરણા, એ તો વાર્તાની આડપ્રદેશા છે. આથી બાળકો પાસેથી વાર્તામાંનો ઉપદેશ “’કઢાવવો”પોસ્ટમોર્ટમ -શબચિકિત્સા કરવા જેવું ગણાય.

બાળકોને વાર્તા બિન શરતી રીતે સંભળાવવી જોઈએ. કહ્યું માનવાની, લેસન કરવાની, ઘરકામ કરવાની આવી તેવી શરતોની લટકતી તલવાર નીચે બાળક વાર્તા કેમ માણી શકે ? વાર્તા સાંભળતી વખતે બાળક પ્રસન્ન મિજાજમાં હોય એવી પરિસ્થિતિ સરજવી જોઈએ.

ઘરમાં પોતાનાં બાળકને વાર્તા કહેવી અને ઘર બહાર શાળામાં કે બીજે વાર્તા કહેવી, આ બંન્ને સમાન પરિસ્થિતિ નથી. ઘર બહારનાં બાળકોની વિશિષ્ટ પરિસ્થિતિ જાણવાથી એમને કહેવાની વાર્તાની પસંદગીમાં સફળતા મળશે. બાળકો જો મિશ્ર જૂથનાં હોય તો તેમાંનાબે કે ત્રણ જૂથને સંતોષે તેવી ને તેટલી વાર્તાઓ કહી શકાય તો બહુસારું.

એમને વાર્તા કહેતાં પહેલાં અનૌપચારિક વાતચીત કરીને તેઓની સાથે સંબંધસેતુ બાંધી લેવો જોઈએ. વાર્તા કહેવાના સમયગાળાના તહેવાર, ઉત્સવ, પ્રસંગ કે સ્થાનિક બનાવને ગૂંથી લેતી રજૂઆત તુરંત ધ્યાનપાત્ર બની રહેએ સહજ છે.

વાર્તાસ-અભિનય રજૂ કરવાના ઉત્સાહમાં તેના અતિરેકમાં સરકી ન પડાય તે માટે સાવધ રહેવું જોઈએ. વાર્તા કહેતાં કહેતાં ખોંખારા, ઉધરસ કે બગાસાં ખાવાનું મન થાય તે ઇચ્છનીય નથી. વાર્તા કહેનારનો ચોકકસ ઢબે બેસવુંકે ઊભું રહેવું – એવો આગ્રહન હોઈ શકે. સાહજિક રીતે કહેવાતી વાર્તા બાળકો જરૂર માણે છે.

વાર્તા અસરકારક રીતે કહેવી એ એક કલા છે. આ કલા ધીરજપૂર્વક કેળવી શકાય છે. સફળ રીતે વાર્તા કહેનારની ઢભનું સૂક્મ અવલોકન ઉપયોગી નીવડે, વાર્તા કહેવાની કલા જાણવા માત્રથી વાર્તા સારી રીતે કહેતાં આવડી શકે નહીં. તરતાં શીખવા માટે જેમ જળાશયમાં કુદવું જરૂરી તેમ વાર્તા કહેતા શીખવા માટે તૈયાર કરીને વાર્તા કહેવા માંડવીએ જરૂરનું છે.

બાળકને વાર્તા કહેવાના વિવિધ પ્રયોગો કરીને અનુભવો મેળવવા, આપસૂઝથી સ્વયંસુધારણા કરવી, મિત્રોનાં માર્ગદર્શક સૂચનો મેળવવાં અને વાર્તા સાંભળતાં બાળકોનું અવલોકન કરવું, વાર્તા કહેવાની કલા સિદ્ધ કરવાના આ જ વ્યવહારુ માર્ગો છે.