દરેક માતા-પિતા બાળકનો સર્વાગી વિકાસ ઇચ્છે. આ માટે શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થાય એ પહેલાં બાળકને કઇ શાળામાં ભણાવવું, ક્યા માધ્યમમાં ભણાવવું અને હવે તો ક્યા બોર્ડમાં ભણાવવું એ અંગે માતા-પિતા વિચારે છે, પૂછતાં થયાં છે, એ સારી બાબત છે.

પહેલાં તો ગામમાં એક જ શાળા હોય તેથી બાળકોને એમાં જ ભણાવવાનું બનતું. શહેરોમાં વાલીઓ ઘરથી નજીકની શાળામાં જ બાળકોને ભણવા બેસાડતાં અને શિક્ષણ શાસ્ત્રીઓ પણ એ જ યોગ્ય ગણતા.

એ સમયે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોય એ સ્વાભાવિક હતું. આજે હવે, માતા અને પિતા બંનેન માતૃભાષા એક હોય, બંને માતૃભાષામાં જ ભણ્યાં હોય પણ અર્થોપાર્જન માટે અન્ય રાજ્ય કે વિદેશમાં રહેવાનું બને. રાજ્ય બહાર કે પરદેશ ભણવા ગયેલ યુવક-યુવતીઓનું મોટેભાગે માતૃભૂમિથી દૂર જ રહેવાનું ગોઠવાય છે. વળી, લગ્ન પણ અન્ય રાજ્યમાં કે અન્ય ભાષી સાથે થાય તો આ સંજોગોમાં માતા એક ભાષા બોલે, પિતા બીજી ભાષા બોલે, રહેઠાણ કોઈ ત્રીજી જ ભાષા બોલાતી હોય એ રાજ્ય કે દેશમાં હોય એવું બને છે ત્યારે સર્વમાન્ય આંતરરાષ્ટ્રીય ભાષા જ બાળકની ભણતરની ભાષા બને છે. પણ જો બાળક માતૃભૂમિમાં હોય અને બાળકનાં માતા-પિતા બન્ને માતૃભાષામાં જ ભણ્યાં હોય તો બાળકને માતૃભાષામાં જ શિક્ષણ આપવું સલાહભર્યું છે.

માધ્યમ નકકી થયા પછી બોર્ડની વિવિધતા અંગે વિચારણ ચાલે. વ્યવસાય અને નોકરી વાળાં વાલીઓ રહેઠાણ અને બદલીને ધ્યાનમાં રાખીને પોતપોતાની રીતે બોર્ડની પસંદગી કરે. કેટલાક વાલીઓ બાળકને શું બનાવવું છે એ પોતે જ નકકી કરી લે અને એ માટેના આગળના એડમિશન માટે કયું બોર્ડ કેટલું ઉપયોગી કે સરળ રહેશે એ અંગેની ગણતરીઓ માંડે !

દરેક શાળાની, દરેક બોર્ડની શિક્ષણ પદ્ધતિ પણ અલગ અલગ હોય છે. એક તરફ ઋષિ પરંપરાને યાદ કરીને આધુનિક ગુરુકુળ ખૂલી રહ્યાં છે. તો બીજી બાજુ ફાઈવસ્ટાર શાળાઓ પણ ખૂલી રહી છે. અરે ! ચોરે ને ચૌટે, ગલી-મહોક્લા કે મોલમાં પણ શાળાઓ ખૂલી રહી છે ત્યારે વાલીઓની શાળા પસંદગીની અવઢવ વધી ગઈ છે. શાળાઓ વાર્ષિક પરિણામ ઉપરાંત પોતાને ત્યાં શું શું શીખવે છે અને કઇ કઇ સગવડો આપે છે એ અંગે જાહેરાતો આપે છે. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ પોતાનાં બ્રાન્ડ એમ્બેસેડર પણ રાખે છે ! આ સમયે વાલીઓએ શાળાની પસંદગી માટે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન અને શાળાઓ પાસે આટલું તો હોવું જ જોઈએ એવો આગ્રહ રાખવો જરૂરી છે.

શિક્ષણનો મુખ્ય હેતુ બાળકમાં સંવેદનાનો વિકાસ થાય, એની મૌલિકતાને પ્રોત્સાહન મળે, શીખતાં શીખે, જીવતાં શીખે,એ છે. ગાંધીજીએ પણ આપણને હૈયું, મસ્તક અને હાથની કેળવણીનો વિચાર આપ્યો છે. આ માટે શરીરને શ્રમ, કસરત, રમતગમત માટેનું મેદાન શાળામાં મળે, વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસમાં તેમજ સમગ્ર સૃષ્ટિની સાચવણી અને સંવર્ધનમાં બાળક પોતાનો ફાળો આપી શકે એવા માનસિક વિકાસ માટે પ્રયોગશાળા તેમજ પુસ્તકાલયની વ્યવસ્થા શાળામાં મળે એ જરૂરી છે. આ ઉપરાંત, બાળકમાં રહેલી સંવેદનશીલતાને પોષક ચિત્ર, સંગીત, નૃત્ય, હસ્તકલા, ખેલી, પશુપાલન, માટીકામ, સુથારી કામ, કાંતણ, વણાટ, સિવણ જેવી વિવિધ જીવન ઉપયોગી સર્જન પ્રવૃત્તિઓની મોકળાશ પણ શાળામાં મળે એ જરૂરી છે.

વાલીઓએ પ્રવેશ મેળવવા માટે શાળાઓની જાહેરાતોથી અંજાઈ જવાને બદલે શૈક્ષણિક બાબતો ઉપરાંત કેટલાક વ્યવહાર વિશે પણ માહિતી મેળવવી જોઈએ. જેમ કે,

૧. સંચાલકોનું શિક્ષકો સાથેનું વર્તન માનસભર હોય, વર્ગખંડમાં શિક્ષક જ સર્વોપરી હોય. શિક્ષકોને શૈક્ષણિક પ્રયોગો કરવાની છૂટ હોય.

૨. સંચાલકોનું વાલીઓ સાથેનું વર્તન સુમેળભર્યું હોય. વાલીઓની શિક્ષણ અંગેની સૂઝનો સ્વીકાર કરી શકે. તેમજ વાલીઓની અયોગ્ય માંગ સામે સમજાવટ અને જરૂર પડ્યે મક્કમતાથી ના પણ પાડી શકે.

૩. શિક્ષકોનું વિદ્યાર્થીઓ સાથેનું વર્તન પ્રેમભર્યું હોય. ઘરેથી નીકળીને પ્રથમ વખત જ શાળામાં પ્રવેશતાં બાળમંદિરનાં બાળકો માટે તો શિક્ષક જ માતા સમાન હોય છે. શિક્ષક, કિશોર વયનાં વિદ્યાર્થીઓનાં મિત્ર અને માર્ગદર્શક બની રહેએ વિદ્યાર્થીના તંદુરસ્ત વિકાસ માટે ખૂબ જરૂરી હોય છે.

૪. શિક્ષકો તેમજ આચાર્યનું વાલીઓ સાથેનું વર્તન સ્નેહ સભર હોય એ જરૂરી છે. વાલીઓને મન શિક્ષકો જ બાળકની જીવન નૈયાના નાવિક હોય છે. વાલીઓ, બાળકના શિક્ષણ અને વકાસ અંગે પોતાનાં મનમા ઊઠતા અનેક પ્રશ્ચોનું નિરાકરણ શિક્ષક પાસેથી જ ઇચ્છે છે.. તો સામે પક્ષે વાલીઓએ પણ શિક્ષકોનું સન્માન જાળવીને એમની સાથે માનભર્યુવર્તન કરવું જરૂરી હોય છે.

૫. શાળાને સરકારની માન્યતા મળેલી હોય. શિક્ષકો અનુભવી તેમજ પોતાના વિષયમાં પારંગત, સતત અભ્યાસુ અને ઉત્સાહી હોય.આમ, શાળાના પ્રાંગણમાં પ્રવેશતાં જ બાળકને હસતું, રમતું, સ્નેહસભર વાતાવરણ મળે. માતૃત્વ સભર શિક્ષકો મળે. શિક્ષણની તેમજ બાળમાનસની સૂઝ ધરાવતાં સંચાલકો બાળકના વિકાસમાં વાલીઓને સહયોગી બને. શિક્ષણ એક વ્યવસાય નહીં પણ બાળક કેન્દ્રમાં હોય એવી માનવ બનાવવાની પ્રક્રિયા રૂપ શિક્ષણ પદ્ધતિ જ્યાં હોય એ શાળાની પસંદગી કરવામાં આવે તો બાળકનો સર્વાગી વિકાસ શક્ય બને છે.

ચલતે ચલતે : સંવેદનશીલતા, સર્જનાત્મક વિચારો અને શ્રમની કેળવણી આપતી શાળા જ બાળકના સર્વાગી વિકાસમાં સહભાગી બની શકે છે.