હજુ હમણાં જ આપણે ગ્રેગોરિયન કેલેન્ડરનું વધુ એક વર્ષ પૂરું કર્યુઅને ઈસવી સનના નવા વર્ષની શરૂઆતમાં એક બીજાને શુભેચ્છાઓ પાઠવી. પણ આ શુભેચ્છાઓનો પાવર ઝાઝો ચાલ્યો નહીં અને નવા વર્ષની શરૂઆતની સાથે જ કોવિડ૧૯ વાઈરસના ઓમિક્રોન વેરિયન્ટે શરૂ કરેલુંમહામારીનું ત્રીજું મોજું દેશભરમાં ચાલુ થઇ ગયું. ઓમિક્રોન સાર્સ- કોરોના વાઈરસના અન્ય વેરિયન્ટ કરતાં ઓછો ગંભીર જણાયો છે, પણ એની જનવસતિમાં પ્રસરવાની ગતિ ઘણી તેજીલી નીકળી છે. વળી પાછું મોટાં શહેરોમાં રાત્રિ કરફ્યુના કલાકોમાં વધારો થયો છે. સદ્નસીબે માર્ચ 2020માં કોવિડના પહેલા મોજા વખતે જે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું તેમ કરી કરવામાં આવ્યું નથી. આમ પણ આપણે અગાઉના લોકડાઉન, નાકાબંધી અને શહેરોની રાત્રિ સંચારબંધી વડે જો કોરોના વાઈરસના અત્યાર સુધીનાં બીજાં વેરિયન્ટ્સને ખાળવામાં નિષ્ફળ ગયા હોઇએ તો એ નકકી છે કે ઓમિકરોન વાઈરસ માટે પણ આ ઉપાયો વધારે વાંઝિયા સાબિત થવાના !

વાઇરસનો સામનો કરવામાં શાણી બુદ્વથનો અભાવ :

લાગે છે કેજનસમાજે અને વહીવટી તંત્રે પોતાની બુદ્દ્રિ પર ક્યારનોય પડદો પાડી દીધો છે, નહિ તો વીસ મહિના પહેલાં શાળાઓ બંધ કરવાનો ગોઝારો નિર્ણય લેવામાં આવ્યો ન હોત. રાજકારણીઓની મતિ પણ બહેર મારી ગઈ છે. એટલે જ તો કોરોનાનું મોજું હળવું પડવાના ઓઠા હેઠળ વેપાર ધંધાઓને તરત છૂટ આપવામાં આવે છે. થિયેટરો અને મોલ્સ ખૂલી ગયાં છે. પ્રવાસો પરનો પ્રતિબંધ હળવો કરી દેવામાં આવ્યો. છે. તો પછી શાળાઓ કેમ હજુ સુધી ખોલવામાં આવતી નથી ? કેમ કે સ્વાર્થી રાજકારણીઓ સમાજને એવો જૂઠો ભરોસો આપવા માંગે છે કે’કોવિડનો સામનો કરવામાં સરકાર પાછી પાની નહીંકરે. જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યાં છે.” પણ શાળાઓ બંધ કરવામાં કોઇ તર્ક જણાતો નથી. આ પગલું સમજ વગરની લાગણીથી ભરવામાં આવ્યું છે. વિશ્વભરના તજજ્ઞોએ એમ જણાવેલું છે કે કોવિડ-૧૯ મહામારીને નાથવાના ઉપાયોમાં શાળાઓ બંધ કરવાનું પગલું તો છેક છેહ્લે ભરવું જોઈએ. અને જેવું મોજું ઠંડું પડે કે તરત એ ખોલી કાઢવી જોઈએ. કમનસીબે વિશ્વભરમાં શાળાઓ સૌથી લાંબો વખત સુધી બંધ રાખવામાં આપણો દેશ સૌથી આગળ છે. ઓમિક્રોનના ઊથલા પછી પણ મોટા ભાગના દેશોએ શાળાઓ બંધ કરી નથી. કેમ કે આવું પગલું ભરવામાં બાળકોના હિતને નુકસાન થઇ રહ્યું છે.

કોવિડ-૧૯ ની મહામારીના આટઆટલા મહિનાઓના અનુભવ પછી એક હકીકત સ્પષ્ટ થઇ ચૂકી છે કે એનો વાઈરસ ૧૫ વર્ષથી નાની ઉંમરનાં બાળકોને આભડતો નથી. પછી સલામતીનું બહાનું આગળ ધરીને બાળકોને શાળા શિક્ષણથી વંચિત રાખવામાં કયુંડહાપણ છે? તમે એમને એમનાં કુટુંબીઓ સાથે કારમાં કે એમના પિતા જોડે બાઈક પર બેસતાં અટકાવો છો ? એમને બજારોમાં અને પ્રસંગોમાં જતાં રોકો છો ? ખરેખર તો બાળકોને કોવિડ-૧૯ ના રોગચાળાની સરખામણીમાં વાહન અકસ્માતથી ઇબજાગ્રસ્ત થવાનું કે અકાળે મરણ પામવાનું જોખમ અનેકગણું વધારે છે. જો એમને સુરક્ષિત રાખવાં હોય તો વાહનોમાં બેસાડવાની છૂટન આપવી જોઈએ. આમ તો આપણે કરતા નથી ! શાળાઓ કોવિડ-૧૯ ના રોગચાળાને ફેલાવવામાં વિસ્ફોટક (સુપર સ્પ્રેડર) ભૂમિકા ભજવે એવો આપણને ડર છે. સ્કૂલે ગયેલું બાળક ઘરે ચેપ લઇને આવે અને ઘરના બીજા લોકોને એનો શિકાર બનાવે તો ? પણ સ્કૂલ કોવિડ-૧૯ ના પ્રસાર માટે ‘હોટસ્પોટ’ બની શકે એવાં પ્રમાણો વૈજ્ઞાનિક અવલોકનોથી મળ્યાં નથી. ઊલટું, અભ્યાસોએ આનાથી જુદું તથ્ય સ્થાપિતકર્યું છે.વાઈરસની જનવસતિમાં પ્રસરવાની ક્ષમતાને “આર-વેલ્યુ’ કહેવામાં આવે છે. કોવિડનો ચેપ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિ કેટલા લોકોને પોતાનો ચેપ આપી શકે છે એને ‘આર-વેલ્યુ’ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં આ આંક 2.2 છે. એનો અર્થ એ થયો કે એક દર્દી આશરે બે થી ત્રણ જણને પોતાનો રોગ આપી શકે છે. સ્પેનમાં તમામ ઉમરનાં દસ લાખ જેટલાં બાળકોને અવલોકન હેઠળ રાખતાં એમની આર વેલ્યુ ૧ થી નીચી જોવા મળી છે. એટલે કે પુખ્ત વ્યક્તિઓની સરખામણીમાં બાળકો ઓછા જણને પોતાનો કોવિડ ચેપ આપી શકે છે. વળી બાળકની ઉમર જેટલી નાની, એટલી આર વેલ્યુ ઓછી જોવા મળી છે. પૂર્વ-પ્રાથમિક વયનાં બાળકો માટે એનો આંક 0.2 જેટલો છે. એટલે કોરોનાના રોગચાળામાં આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓ બંધ કરવાનું તો કારણ જ નથી. દેશનાં અનેક રાજ્યોએ આ ભૂલ કરી છે. સ્વીડને ૧૬ વર્ષથી નાની ઉમરનાં બાળકો અને કિશોરોનું પ્રત્યક્ન શિક્ષણ કદી સ્થગિત નથી કર્યું. છતાં ત્યાં શાળાઓમાં શિક્ષણકાર્ય કરતાં શિક્ષકોમાં અન્ય વ્યવસાયો કરતાં ચેપનું પ્રમાણ વધારે જોવા મળ્યું નથી. આર વેલ્યુજેવી અટપટી વૈજ્ઞાનિક હકીકતમાં પણ શા માટે પડીએ ? સામાન્ય સૂઝનો ઉપયોગ કરતાં પણ આપણને એ હકીકત સહેલાઈથી સમજાય એમ છે. દેશમાં ખરી ભીડ તો બેન્કો, બજારો, બસ, ટ્રેઇન, હવાઈમથકો, મોલ્સ અને થિયેટરોમાં જોવા મળે છે, પછી શાળાઓને શા માટે દંડવામાં આવે છે ?

શાળા બધીના માઠા પરિણામો :
અત્યારે શાળાશિક્ષણ ઓનલાઈન ચાલી રહ્યું છે. આને ભણવું એમ શી રીતે કહી શકાય ? બાળકોને એમનાં ઘરોમાં કેદ કરી દેવામાં આવ્યાં છે. મોટા ભાગનાં બાળકોના વાલીઓ પાસે સ્માર્ટ કોન, ટેબલેટ કે ઇન્ટરનેટની સુવિધા નથી. બાળકનો વર્ગખંડ એક નાનકડા પડદામાં કેદ થઇ ગયો છે. સક્રિય ઇન્દ્રિય શિક્ષણ મેળવવાની ઉમરે પૂર્વ-પ્રાથમિક અને પ્રાથમિક શાળાનાં બાળકોને આંખ-કાનના મર્યાદિત ઉપયોગ વડે શીખવાની ફરજ પાડવામાં આવી રહી છે. શાળામાં બાળકને માત્ર અક્ષરજ્ઞાન જ નહીં, પોતાના શાળામિત્રો અને શિક્ષકો સાથેના જીવંત સંપર્ક દ્રારા સામાજિક અને ભાવનાત્મક કેળવણીના પાઠ પણ શીખવા મળે છે. એટલે સ્કૂલો બંધ કરીને આપણે એમના સર્વાગી વિકાસને કુંઠિત બનાવવાનો ગુનો આચરી રહ્યા છીએ. સપ્ટેમ્બર 2021 માં કરવામાં આવેલી એક વ્યાપક મોજણીએ આ તથ્ય સાબિત કર્યું છે. શાળાકીય બાળકોનું વાંચન અને લેખન કૌશલ્ય નબળું પડ્યું છે. અડધોઅડધ બાળકોએ અડધાથી વધારે શબ્દ વાંચવાની ક્ષમતા ગુમાવી દીધી છે. ત્રીજા ભાગનાં બાળકોએ ભણવાનું છોડી દીધું છે.

કોવિડ-૧૯ ની બીમારીને કારણે બાળકો શિક્ષણમાં પાછળ પડી ગયાં તે નુકસાન તો કદાચ વહેલું-મોડું આપણી શિક્ષણ પદ્ધતિ |. ભરપાઈ કરી લેશે. પણ એમના માનસિક સ્વાસ્થ્ય પર થઇ રહેલા નુકસાનનું આપણે શું કરીશું ?ઇંગ્લેન્ડમાં તો શાળાઓ આપણા દેશ જેટલી બંધ રહી નથી. છતાં ત્યાનાં બાળકોમાં માનસિક સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ જોવામાં આવી છે. એ જ રીતે બાળરોગ વિશેષજ્ઞોના અમેરિકી સંગઠન અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ દ્વારા બાળકોમાં કોવિડને લીધે જોવા મળેલી તકલીફોને રાષ્ટ્રવ્યાપી સંકટ તરીકે વર્ણવવામાં આવી છે. ભારત પણ આમાંથી બાકાત નથી. ઉપરાંત આપણે ત્યાં શાળાઓ બંધ પડવાથી બાળકોમાં કુપોષણની સમસ્યા ઊભી થવા પામી છે, કેમ કે મધ્યાહ્ષ ભોજન યોજના અટકી પડી છે. ગરીબ કુટુંબોનાં જે બાળકો સ્કૂલે નથી જઈ શક્યાં તે બાળમજૂરીમાં જોતરાઈ ગયાં છે. ઇ.સ. 2011 ની વસતિ ગણતરી અનુસાર આપણા દેશમાં બાળમજૂરીવિરોધી કાનૂન અસ્તિત્વમાં હોવા છતાં બાળમજૂરોની સંખ્યા 1.01 કરોડ જેટલી હતી. જો આપણે આ વીતેલા દસકા દરમિયાન બાળકોમાં મજૂરી અને કુપોષણના વધતા જતા આંકડાને ગંભીરતાથી લીધા હોત તો કોવિડ-૧૯ ની મહામારી દરમિયાન શાળાઓ બંધ કરવાનો ગુનો આચર્યો ન હોત.
રસીકરણની દલીલ :
કોવિડ-૧૯ બાબતમાં બીજી દલીલ એ આગળ ધરવામાં આવી છે કે બાળકોને હજી એના રસીકરણમાં આવરી લેવામાં ન આવેલાં હોવાથી એમને શાળાએ મોકલવાં સુરક્ષિત નથી. પણ વિશ્વના અનેક દેશોનાં આપણી આગળ ઉદાહરણ છે કે જ્યાં કોવિડ વિરોધી રસી માત્ર પુખ્ત વયના લોકોને મૂકવામાં આવે છે અને છતાં શાળાઓ તો ચાલુ જ રાખવામાં આવી છે. ઘણા તબીબી વિશેષજ્ઞો એવી દલીલ કરે છે કે કોવિડ વિરોધી રસી મૂક્યા વગર બાળકોને શાળાએ મોકલવામાં આવે તોસ્કૂલમાંથી ચેપ લઇને એ પોતાના કુટુંબના સભ્યોને કોવિડગ્રસ્ત બનાવી બેસે, પણ આ દલીલમાં તથ્ય નથી. કેમ કેકોવિડવિરોધી જે કોઇ રસીઓ અત્યારે મળી છે તે એનો બૂસ્ટર ડોઝ મુકાવી દીધા પછી પણ રોગ કે એના પ્રસારણ સામે સો એ સો ટકા રક્ષણ આપતી નથી. બાળકોમાં હજુ રસીઓ સંબંધી તબીબી પરીક્ષણો ચાલી રહ્યાં છે. એનાં તારણો આપણને મળે નહીં ત્યાં સુધી શાળાઓ અને શિક્ષણને સ્થગિત કરી દેવાય નહીં. બાળકોમાં કોવિડ-૧૯ ની બીમારી કે એની ગંભીરતા હજુ ખાસ જોવા મળી નથી ત્યાં સુધી, પુખ્ત વ્યક્તિઓ માટે કરવામાં આવ્યું છે તેમ, બાળકો માટેની રસીઓનાં તબીબી પરીક્ષણો પૂરાં કરીને ઉતાવળે એમને માર્કેટમાં મૂકવી હિતાવહ નથી. આપણી નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઈઝેશને આ પ્રમાણેની સલાહ ભારત સરકારને આપેલી છે. આવામાં ૧૫ થી ૧૮ વર્ષની વયના કિશોરોને કોવિડ વિરોધી રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવાની જાહેરાત પાછળ લોકોની વાહવાહ મેળવવાની સરકારની દાનત છતી થઇ છે.

શિક્ષણ બાળકોનો બંધારણીય અધિકાર છે. આવામાં આટલા લાંબા સમયથી શાળાઓ બંધ રાખીને અને એની સામે શીખવાનો બીજો સક્ષમ વિકલ્પ તૈયાર ન કરીને આપણે બાળકોનો અપરાધ કર્યો છે. આની સામે સંગઠિત થઇને જનતાએ અવાજ ઉઠાવવો જરૂરી છે. જનરોગપ્રસારવિજ્ઞાનીઓ, તબીબો અને શિક્ષણકારોના બનેલા એક જૂથ સરકારના આ સાવ તર્કહીન પગલા સામે થવાનું નકકી કર્યું છે. માબાપે પણ પોતાનાં સંતાનોને શાળાએ મોકલતાં ડરવાની જરૂર નથી. બાળકો માટે કોવિડ-૧૯ નો ખતરો તદ્દન કાલ્પનિક છે, પણ શાળાશિક્ષણથી જો આપણે એમને વંચિત રાખીશું તો એમનું ભવિષ્ય ચોકકસપણે બરબાદ કરી મૂકીશું.

જો જાગૃત વાલી તરીકે તમે આ ચળવળમાં જોડાવા ઇચ્છતા હો તો chain-on- Children’s-cheer લિન્કનો ઉપયોગ કરો અને તમારાં સંતોનોનું ભાવિ સુધારવાના પ્રયત્નમાં સહભાગી બનો.