નર્સરીમાં હંમેશાં ખુશખુશાલ અને મસ્તી તોફાન કરતી સાક્ષી થોડા દિવસોથી ઉદાસ અને શાંત દેખાતી હતી. થોડા દિવસ અવલોકન કર્યું. અને પૂછ્યું કે કેમ, બેટા શું થયું ? તારા બધા ફ્રેન્ડ્સ જોડે રમતી કેમ નથી ? જોકે જવાબ ન મળ્યો પરંતુ આંખોમાં અને નાનકડા મનમાં કંઇ કેટલાય પ્રશ્નો દેખાયા.

નર્સરીમાં અલગ-અલગ મુદાઓની જૂથ ચર્ચાઓ, સવાલ જવાબો ઉપરાંત પોતાના વિચારોને શેર કરવાની મિટિંગ થતી જ રહે છે. આવી જ એક મિટિંગમાં એક વાર પૂછયું, “તમે તમારાં બાળકોમાં વધારે કઇ બાબતને જોવા ઇચ્છો ? અથવા તમારા બાળક માટે તમે કઇ બાબતને વધારે મહત્ત્વ આપો છો ? દરેક જવાબ મારી અપેક્ષા પ્રમાણેનો જ હતો. લગભગ મમ્મીઓના જવાબો :- પરીક્ષામાં વધારે માકર્સ લાવે, શાંતિથી બેસીને પોતાનું લેસન કરે, ઘરમાં બધાંનું માને, કોઇક મમ્મી તો વળી બોલી કે ગુસ્સો જ ન કરે. પરંતુ કોઇ એક મમ્મી પણ “મારું બાળક હંમેશાં પ્રસન્ન રહે કે દરેક કામમાં ખુશી મેળવે” એવું ન બોલી. સવાલ એ છે કે આટલી સરળ વાત આપણે કેમ ધ્યાનમાં લેતા નથી ? પ્રસન્નતાને કે ખુશીને સૌથી છેલ્લે પ્રાધાન્ય શા માટે? આપણે એવા સંજોગો ઊભા કરીએ કે બાળકોમાં પ્રસન્નતાનાં મૂળિયાં ઊંડાં હોવાં જોઈએ. ઘરમાં પ્રસન્નાતાને મહત્ત્વ અને અગ્રીમતા આપવી જ રહી. બાળપણ એ જીવનની યાદગાર અને નિર્ભેળ અવસ્થા છે. અને એટલો જ નાજુક અને નક્કર સમય છે કે જેમાં અમુક બાબતો એટલી સરળતાથી અને સહજતાથી અંકિત થઇ જાય છે કે જીવનભાર બાળકો તેને ભૂલી શકતાં નથી કે ભૂંસી શકતાં પણ નથી. આ બાબત માતા-પિતા બહુ સારી રીતે જાણતાં હોય છે. ઘરમાં નિરીક્ષણ કરીએ તો ખ્યાલ આવશે કે મમ્મી-પપ્પાનો અવાજ જરાક ઊંચો થાય એટલે બાળક પોતે થોડે દૂર ચાલ્યું જશે, પરંતુ, તેનું ભન અને તેના કાન વાતો સાંભળવા આતુર હશે. અને જો આ જ મમ્મી પપ્પા મસ્તી મજાક કરતાં હશે તો તરત જ નજીક આવીન તેમાં સામેલ થઇ જશે. આમ શા માટે ? મને ઘણી મમ્મીઓ કહેતી હોય છે કે તેનું બાળક બહુગુસ્સો કરે છે. જમતું નથી, કે પૂછીએ તો અમુક પ્રશ્નોના જવાબ યોગ્ય રીતે આપતું નથી. મૂળ કારણ દૂર નથી. ઘરનું વાતાવરણ જ હોય છે. પ્રથમ અસર બાળક પર જ પડે છે. આ મારો અનુભવ છે, જે આમ તો અવારનવાર કરવા જેવો ખરો. એક દિવસ મમ્મીઓને કહ્યુંકે, આજથી ૧૦ દિવસ સુધી મમ્મી કે પપ્પાએ ઊંચા અવાજે બાળકો સાથે કે અંદરો અંદર બોલવું નહીં. અને એકબીજા સાથે શક્ય તેટલો પ્રસન્નતાથી સંવાદ કરવો. આ પ્રયોગની કેટલી અસર થઇ તે પૂછવાની જરૂર જ ન પડી, કારણ કે પછીની મિટિંગમાં મમ્મીઓના ચહેરા જોઈને સમજાઈ ગયું. બાળકો માટે મમ્મી-પપ્પા તેઓનું આખું વિશ્વ છે. મમ્મી-પપ્પા તેઓને માટે એ પ્રથમ વ્યક્તિ છે કે જેની સીધી અને ઊંડી અસર તેઓના માનસ પર પડે છે. એવું નથી કે વાદવિવાદ કે પછી સંવાદથી જ તેઓને ખબર પડી જાય છે. આપણા ચહેરા પરથી જ તેઓ લગભગ પરિસ્થિતિ કળી લેતાં હોય છે. અને વળી અનુકરણ પણ મમ્મી-પપ્પાનું જ કરતા હોય છે. મમ્મી- પપ્પાનો હકારાત્મક સંવાદ, મસ્તી મજાક કે એકબીજાને સન્માનની લાગણીથી જોવાની અને માણવાની આવડત અને ઉચ્ચ ભાવના દ્વારા જ બાળકોમાં એ સૂક્મ અવલોકનનો અદ્ભુત અનુભવ કરાવી શકાય છે.

બાળક કોઇ પણ ઉમરનું હોય, મમ્મી પપ્પાએ દરરોજ થોડો સમય ફાળવીને મસ્તી મજાક કે સૌમ્ય સંવાદ કરીને બાળકોને પોતાની પ્રસન્નતાના વાતાવરણમાં અવશ્ય સામેલ કરવાં. તો બાળકો સાથેનો સ્નેહસેતુ વધારે પ્રગાઢ બનશે. અને આની ઊંડી અને સીધી અસર બાળકોના રૂટિનમાં અને જીવન ઘડતરમાં અવશ્ય પડશે જ. તેમાં બે મત નથી. અને બાળકો લાગણીશીલ બનશે અને મોટાં થઇને એકબીજાની સંવેદના સહજ ભાવે સ્વીકારી શકશે.