બાળક જગતના બાગનું અણમોલ ફલ ! પોતાની નાજુક પાંદડીઓ અને પાન હલાવતું નાનેરું ફૂલ એવું તો આપણને પકડી જકડી રાખે છે કે આસપાસનાં તોતિંગ વૃક્ષો અને વિશાળ લતામંડપોય વીસરી જવાય ! ફલ જેવું બાળક આખા પરિવારને કેવું વિવિધ કામોમાં પરોવાયેલું રાખે છે ! ઘરકામ ને નોકરી-ધંધો, સંબંધો ને સફરો, પૈસો ને પુરુષાર્થ, પાપ ને પુણ્ય – આ બધું જ કરવા પાછળનું એક કારણ છે પોતાના લાડલા બાળક માટે હેત અને હિતથી ભરપૂર ભાવ, બસ, જીવનમાં કંઇક એવું મેળવવું છે, કંઇક એવું કરવું છે કે જેથી આપણું લાડલું ફૂલ સદા હસતું રહે, સલામત રહે, સદાબહાર સુગંધ ફેલાવતું રહે! આપણી આ જીવનભાવના હોય છે કે જીવીએ ત્યારે બાળક જીવતું હોય અને જગતમાંથી જઈએ ત્યારેય એ જીવતું હોય. આપણે આપણા અવસાન પછી પણ જીવીએ છીએ આપણાં ચિરંજીવીઓ દ્વારા. આપણું બાળક એટલે આપણી લંબાયેલી આવરદા !

અનેક તડકી-છાંયડીના તાણા-વાણાથી વણાયેલા આપણા આયખામાં કેવી વિચિત્ર પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થતા રહીએ છીએ ! ક્યારેક તો દેવાલયની દોડધામમાં જેમ દેવને તેમ ધંધાકીય અને પારિવારિક પળોજણમાં બાળકને વીસરી જવાય છે, કારણકેઆપણે હજુ વધુ ધન એકઠું કરવું છે, મિલકતો વસાવવી છે, વધુ ને વધુ ઊંચેરાં જીવનધોરણો હાંસલ કરવાં છે, પોત-પોતાના ક્ષેત્રના શિખરે પહોંચવું છે, કામ લાગે તેવા ને મન મહાલે તેવા સંબંધો બાંધવા- નિભાવવા અને વિકસાવવા છે, મળી શકે તેટલું ભૌતિક સુખ માણવું છે અને સુવિધાઓ ભોગવી લેવી છે. આ બધા માટેની દોડધામ વચ્ચે ક્યારેક બાળક તરફ ધ્યાન જતાં આપણને એવોય વિચાર આવી જાય છે કે બાળકને જોઈએ તે સાધનો ને તેટલી સુવિધાઓ આપી દઇએ. તેના માટે આયા ને નોકર, દાક્તર ને માસ્તર વસાવી લઇએ તો શું એ પૂરતું નથી ? બાળકને બાળકની રીતે જીવવા દઇએ અને આપણે આપણી રીતે જીવન માણીએ એમાં શું ખોટું છે ? આવી કહેવાતી ઉદાર વિચારધારાની સાથે બીજી અનુદાર વિચારધારા પણ પ્રવર્તે છે, તે મુજબ આપણે માની લીધેલી સભ્યતાના ઢાંચામાં બાળકને તેની બોચી પકડી ને સરમુખત્યારની અદાથી ઢાળી દઇએ છીએ. પછી નથી તો એને હલવા દેતા કે નથી તેને કંઇ કહેવા દેતા !

આપણે એમ માની લીધું છે કે બાળકને તે વળી શું કહેવાપણું હોય ? તેની જરૂરિયાતો પૂરી પડાયા પછી તેને કંઇ કહેવાનું હોય પણ શું ? પણ બાળકની બધી જરૂરતો આપણે જાણીએ છીએ ખરા ? કેવળ શારીરિક સાર-સંભાળ લેવાય તેટલી જ તેની જરૂરત છે શું ? બાળકને તો જરૂર છે આપણા પ્રેમાળ વ્યવહાર અને પ્રોત્સાહનની અને ખાસ તો હાશકારો આપતી હૂંફની. બાળક ઇચ્છે છે પોતાનો સ્નેહભર્યો સત્કાર, સ્વીકાર અને સલામતી. બાળકની આ અને આવી માનસિક જરૂરતો ન સંતોષાય, ત્યારે આપણે આશરે નભતાં તેઓ બેચેન બનીને આપણને કહેવા ઇચ્છે છે, રાંક રજૂઆત કરવા ઇચ્છે છે. બાળકની આ સ્થિતિનો ખ્યાલ બહ ઓછાં શોટે રાંઓને હોય છે.

વિવિધ જરૂરિયાતોમાંથી જન્મતી પોતાની ઉત્કટ આંતરિક ઇચ્છાઓને સંતોષવા માટે તેઓ સતત પ્રયત્નશીલ હોય છે. પોતાના વિચારો અને ભાવો પસંદિત વ્યક્તિને જણાવવા તે પણ એક માનસિક જરૂરિયાત છે. અંતરના ભાવ કે વ્યથા વ્યક્ત કરવાથી બાળક પણ તાણમાંથી હળવું થાય છે. બાળક કંઇ કહેવા પામશે તો જ આપણે મોટેરાં તેમની સ્થિતિ ને સંજોગો જાણવા પામી શું ને?

અહીં કરૃણતા તો એ છે કે બાળકના આંતરજગતને જાણવાની જિજ્ઞાસા અને સંવેદન આપણે ગુમાવી બેઠા છીએ. આપણે તો એમ માની લીધું છે કે બાળકને તે વળી શું કહેવાનું હોય ? બાળકને તેના હાલ હવાલ પૂછવાનું તેવળી હોય જ શાનું ?

હકીકતે બાળકને પણ વિવિધ બાબતે કહેવાનું તો હોય છે. બાળકને એમની સાથેનો આપણો પથ્થરિયો પીઢ વ્યવહાર સમજાતો નથી. આપણી બેવડી બોલ-ચાલ એમને મનોમન કનડે છે, આપણાં વિચિત્ર વહેમો અને ધૂનો એમને વિસ્મિત કરે છે. કોઇ ચોકકસ બાબતે આપણો પલટાતો રહેતો મિજાજ એમને મૂંઝવે છે. આપણા ઉપદેશ અને આચરણ વચ્ચેનું અંતર એમને અકળાવે છે.

બસ-ટ્રેનમાં બાળકની અડધી ટિકિટ લેનારા આપણે બાળકને પૂરા માનવ તરીકે સ્વીકારતા નથી અને તેને અડધિયું માનીને તેના અખંડ વ્યક્તિત્વને જાણતાં-અજાણતાં અપમાનિત કરીએ છીએ. તેન આત્મગૌરવને ઠેબે ચડાવીએ છીએ. આપણા આવા એકતરફી વ્યવહારથી વ્યથિત બાળકને કંઇ ને કંઇ કહેવાનું જરૂર હોય જ છે.

બાળ – જીવનની આ એક ધ્યાનપાત્ર સમસ્યા છે – કહેવું છે તે કહી શકવાની આઝાદીનો અભાવ. કહેવાનું મન થાય તેવા મુક્ત વાતાવરણનો અભાવ. આવેશમાં આવી જઈને કંઇ કહી દેવાય તો તે બદલ સજાકે ઠપકો નહીં મળે તેવા અભયનો અભાવ.

આવા-તેવા અભાવના વેરાન વાતાવરણમાં બાળપુષ્પ પ્રકુક્ષિત રહેવાને પદલે મુરઝાયેલું રહે તે સહજ છે. પોતાની વ્યથા કે વીતક વ્યક્ત ન કરી શકવાને લીધે બાળક ઘણી તકલીફોનું ભોગ બની શકે છે. એમની માનસિક તકલીફો શારીરિક તકલીફોમાં ફેરવાઈ જાય છે. વારંવાર પેટના દુઃખાવાની ફરિયાદ કરતું, ભૂખ ન હોવાનું કહેતું, વારંવાર ઝાડા-ઊલટીની તકલીફો ધરાવતું, પથારી પલાળતુંકે તોતડાતું બાળક – સંભવ છે કે મૂળે તો એ કહેવું છે તે કહ ન શકવાની પીડા ધરાવતું હોય.

આપવીતી ઉચ્ચારી ન શકતાં બાળકોના વર્તન પણ વિચિત્ર જ હોય ને ? નખ કરડવા કે અંગૂઠો ચૂસવા જેવી શાંત પ્રતિક્રિયા ઉપરાંત આવાં બાળક ખરેખર તો જીવતી સમસ્યારૂપ જ બની જતાં હોય છે. ઘરમાં ને બહાર ભાંગકોડ કરતું, લીધી વાત ન મૂકતું, કજિયાળું, રિસાળ, ભટકતું બાળક – સંભવ છે કે મૂળે તો એ કહેવું છે તે કહી ન શકવાની પીડા ધરાવતું હોય.

આવા બાળકનો માનસિક વિકાસ રૂંધાય છે. તે લાંબે ગાળે બેધ્યાન અને બીકણ બને છે, વ્યવહારમાં અટ્લું અને એકલપેટું બને છે. ઘરમાં દંભ અને બહાર દાદાગીરી કરનારું બને છે. નાના-મોટા સૌને ધિકકારવાનું વલણ કેળવી બેસે છે. તે કોઇનોય વિશ્વાસ કરી શકતું નથી. સતત ચિંતાનો ભોગ બનેલું બાળક દિવાસ્વપ્નમાં રાચતુંથાય છે.

વડીલોની ઉપેક્ષાથી ક્ષોભિત થયેલું બાળક બીજા પર વર્ચસ્વ જમાવી શકતું નથી. શક્તિ હોવા છતાં મોંમાં તરણું લઇને સહેલાઈથી બીજાનું શરણું લઇ લે છે. તેનો આત્મવિશ્વાસ ધીમે ધીમે ઘટતો જાય છે. તે પોતાની વાત ભારપૂર્વક રજૂ કરી શકતું નથી. તે અણઘડ રહે છે. આવાં બાળકો સમર્થ હોવા છતાંય નેતા થવા પામતાં નથી. ઊલટું હા જી હાં કરનારા હજૂરિયા બને છે ! જાતે નિર્ણય લેવાની હિંમત ન કરી શકતું બાળક છતી પાંખે ઊડી ન શકતા પંખી જેવું પામર બની રહે છે !

આવાં સંભવિત જોખમોથી પોતાના બાળકને બચાવી લેવાનું પહેલું પગલું છે બાળકને કાન ધરવાનું. બાળકને આપણા હેતાળ અને હસમુખ વ્યવહારથી એવો વિશ્વાસ બંધાવીએ કે તેણે આપણાથી ડરવાની કે સકોચાવાની કોઈ જરૂર નથી. આપણા વ્યસ્ત જીવનમાં આપણે ખાણી-પીણી અને ઊંઘ-આરામ જેવી બાબતો માટે જેમ સમય ફાળવી જ લઇએ છીએ તેટલી જ સહજતાથી બાળકો સાથે વાતો કરવાનો નિરાંતનો સમય કાળજીપૂર્વક ફાળવવો જ જોઈએ.

આજે આપણે બાળકોને સાંભળીશું તો જ આવતી કાલે તેઓ આપણને સાંભળશે. આથી પૂરી હૃદયતાથી તેને કાન ધરીએ, તેની વાજબી રજૂઆતને દાદ આપીએ અને તેની અયોગ્ય રજૂઆતની અયોગ્યતા તેને ગળે કુનેહપૂર્વક ઉતારીને તેને આંતરવ્યથામાંથી ઉગારીએ.

યાદ રાખીએ – સફળ માવતર તરીકેની કારકિર્દી સિદ્ધ થયા વિનાની અન્ય બધી જ કારકિર્દી એકડા વિનાના મીંડા સમાન છે. કહેવું છે તે કહી ન શકતાં બાળકોના વડીલોને બાળકોના વાલી તરીકે ઓળખાવાનો કોઇ નૈતિક અધિકાર ખરો ?