હરેક મનુષ્યને વાર્તા આવડતી હોય છે પણ તેથી તે કહી જાણે છે એમ નથી. દરેક બાળક વાર્તા સાંભળી રાજી થાય છે પણ રાજી થનાર બાળકને ખરેખર ઉત્તમ રીતે જ વાર્તા સાંભળવાનું મળ્યું છે એમ નથી. વાર્તા સાંભળવી ગમે છે માટે તે જેવી કહેવામાં આવે તેવી સાંભળે છે. ઊંચી રીતે કહેવાતી વાર્તા તેણે ન જ સાંભળી હોય તો તે સામાન્ય વાર્તાકારને શ્રેષ્ઠ ગણે છે. તેનાથી તે તૃપ્ત રહે છે. પરંતુ ખરી દષ્ટિએ તેને ખરો આનંદ અને તૃપ્તિ નથી જ મળ્યાં. તેનો અધૂરો આનંદ અને અતૃપ્તિ, જો આપણે તેને પૂરો આનંદ ને તૃપ્તિ ન આપી શકતાં હોઇએ તો વીંખીએ નહિ, પરંતુ શિક્ષણ સામે બાળકને પૂરો લાભ, પૂરો આનંદ આપવાનો ઉદ્દેશ હોવો જોઈએ.

વાર્તાકથનને શાળામાં સ્થાન મળ્યું. બાળકોને તો સૂકો રોટલો પણ મીઠાઈ જેવો લાગે છે. ઇતિહાસ, ભૂગોળ કે ગણિતની માથાફૂટ વચ્ચે વાર્તા સાંભળવાનું મળે એ કાંઇ જેવી તેવી વાત નથી. એથી એને ગમે તેવો બેદરકાર, બેકદર, અબૂજ અને કલાનો દુશ્મન જેવો પણ વાર્તા કહેવા બેસશે તો તેઓ તેને સાંભળશે. તેને તે પ્રિય લાગશે. ભૂખ્યાને મન સૂકો રોટલો બત્રીશ ભોજન ને તેત્રીશ શાક, પણ પાકશાસ્ત્ર પાસે તો કેટલીયે ખરેખર મીઠી વાનીઓ છે.
પણ આપણે જાણી બૂઝીને બાળકને સૂકો રોટલો કેમ ખવરાવીએ ? તેમને ભૂખ છે માટે તો તેને ઉત્તમ ભોજન આપીએ. વાર્તાકથનમાં આપણે આ જ વિચાર રાખીએ. દરેક શિક્ષકમાં વાર્તા કહેવાની યોગ્યતા નથી, ન જ હોઈ શકે. કેટલાએકને વાર્તા યાદ નથી રહેતી. તેવાઓ વાંચીને ભૂલતા ચૂકતા કહે છે. કોઈ ગોખીને બોલી જવા જેમ કહે છે. કોઈ વાર્તાનું રહસ્ય જાણતા નથી. કોઇમાં કહેવાની ઢબ નથી હોતી. તેનું ચિત્ર ખડું કરી શકે તેવા કુશલ શિક્ષકો તો થોડા જ જડે છે. ગણિતમાં ગમે તેવું થોડું વધારે જાણનાર કે ગમે તેમ શિખવનાર શિક્ષક ચાલે નહિ, તોતો વાર્તા કહેનાર તો ગમે તેવો ન જ ચાલે.

કોઈ શિક્ષક પોતાને વાર્તા કહેનાર તરીકે તૈયાર કરી શકે. તે પોતાનો વર્તા ભંડાર વધાર્યા જ કરે. તે વાર્તા કહેવાનું શાસ્ત્ર જાણી જ લે. તે વાર્તા કહેવાનું ખાસ કામ કરીને વાર્તાનો ક્રમ, વસ્તુ રચના, શૈલી વગેરેનું નિર્માણ કરવા શક્તિવાન થઇ શકે. વાર્તા કથન એક જ તેનો વિષય હોવાથી તેમાં તે ઊંડો ઊતરે. વાર્તાનું વસ્તુ આપોઆપ એડઠું થતાં તેનાં પુસ્તકો રચવાનું તેને સુલભ છે. વાર્તાના વિસ્તૃત અભ્યાસને બળે વાર્તા સૃષ્ટિની પાછળ રહેલ મનુષ્યબુદ્દ્રિનાં અને લાગણીનાં સૂક્મ બળો અને પડોનો અભ્યાસ તેને રસિક થઇ પડે. વાર્તાના સાહિત્યમાં તે એકલો સાહિત્યકાર કે સાહિત્યવિવેચકનું સ્થાન મેળવી શકે. આમ જો તે એક જ વિષયની પાછળ પડે તો નાનાં બાળકોને પૂર્ણપણે રાજી કરવાના કામથી માંડી વાર્તામાંથી નીકળતી જીવનફિલસૂફીની મીમાંસા સુધી પહોંચે. માટે જ આ કામ એક વિશેષ કામ થવું જોઈએ ને એમ થાય તો જ તેનો શિક્ષક તેમાં ઉત્કૃષ્ટતા સાધી શકે.