બાળકોમાં જોવા મળતા સ્કૂલને લગતા કેટલાક પ્રશ્નોની ચર્ચા ….

ખુશખુશાલ કિંજલ એક દિવસ સવારે ઊઠી ને રડવા માંડી. પપ્પા મારે સ્કૂલે નથી જવું. મને પેટમાં દુખે છે, ખૂબ દુખે છે. આખો પરિવાર લાગણી અને થોડીક ચિંતાથી ડોક્ટર પાસે ગયો. પરિસ્થિતિ તપાસી ડોક્ટરે કહ્યું – કંઇ ચિંતા જેવું નથી. ડોક્ટરે સવાલ પૂછયો -કિંજલને સ્કૂલમાં કોઇ પ્રોબ્લેમ છે ? ના ના …સર, કિંજલ તો હોંશિયાર છે. સ્કૂલમાં એને કોઇ પ્રોબ્લેમ નથી. કિંજલના પપ્પાએ જવાબ આપ્યો. વધુ ચર્ચા કરતાં ખબર પડી કે સ્કૂલમાં ટીચરે હોમવર્ક માટે એની બાજુના છોકરાને સજા કરી હતી. આ ઘટનાની અસર એના મન પર પડી અને ડરના કારણે એણે સ્કૂલે જવાની ના પાડી. સ્કૂલ માટે બાળકોમાં આ ખૂબ સામાન્ય પ્રશ્ન છે. સહ-વિદ્યાર્થી તથા ટીચરથી થતી તકલીફ, ડર જેવાં કારણોને લીધે બાળક સ્કૂલે જવાનું ટાળે છે અને પછી આવા મેડિકલ પ્રશ્નો લઇને ડોક્ટર પાસે જવું પડે છે. કેટલાંક બાળકો પેટનો દુખાવો, કેટલાંક બાળકો માથાનો દુખાવો તો કેટલાંક બાળકો ચકકરની તકલીફ સાથે આવે. સ્કૂલનું કારણ નાનુંહોઇ શકેપણ બાળક માટે મહત્ત્વનું હોય છે.

અમન. ૧૧ વર્ષનો છોકરો. માતા-પિતાને પ્રશ્ન હતો કે એ ભણતો જ નથી. બાકી બધી રીતે હોશિયાર, પિક્ચર જોવામાં, ફરવામાં, બાઈક ચલાવવામાં પણ હોશિયાર. એનો આઈ.ક્યૂ.ટેસ્ટ પણ નોર્મલ હતો. તો પછી શું કારણ હશે ? વધુ માહિતી લેતાં ખબર પડી કે એના પપ્પા પાસે ખૂબ પૈસા છે અને એણે પપ્પાની ગાદી જ ધંધામાં સંભાળવાની છે. માતા સાત ધોરણ જ ભણેલાં છે અને એ બાળકના ભણતરમાં ધ્યાન આપી શકે એમ નથી. એટલે આખો દિવસ ટીવી સિરિઅલ, પાર્ટીમાં જ વ્યસ્ત રહે છે. બાળકને ભણવાના મહત્ત્વ વિશે કોઈ જ જાણકારી નથી આપી. બાળક પણ પપ્પાની ગાદી સંભાળવાની છે એવું કરી ને ધ્યાન નથી આપતો. અહીં માતા-પિતાની બેદરકારી જવાબદાર છે.

સ્કૂલમાં કેટલીકવાર બાળકને ટોઇલેટ-બાથરૂમ જવા ન મળે તો પણ બાળક સ્કૂલે જવાનું ટાળે છે અને  પછી કપડાંમાં પેશાબ-સંડાસ થઇ જવો જેવા પ્રશ્ચો સર્જાય છે. આયામાસી પણ જો બાળકને પ્રેમથી ન રાખે તો પણ બાળક સ્કૂલે જવાનું ટાળે છે.

જીગરના દાદા ડોક્ટર પાસે આવ્યા. જીગરે છેલ્લા છ મહિનાથી ભણવાનું છોડી દીધું છે અને આખો દિવસ નિરાશ રહે છે અને ગુસ્સો કર્યા કરે છે. દાદાને ડોક્ટરે જ્યારે પૂછયું કે માતા-પિતા નથી આવ્યાં .. !? શું કહું સાહેબ માતા-પિતા જોડે નથી રહેતાં. બંને જણના છૂટાછેડા થઇ ગયા છે. ઘણા વખતથી ઝઘડા ચાલતા હતા. જ્યારે જ્યારે કૌટુંબિક વાતાવરણ સારું નથી હોતું ત્યારે પણ બાળકના મન પર ઘેરી અસર પડે છે અને એનામાં ડિપ્રેશનનાં ચિહ્ન આવવા માંડે છે. જીગરના કેસમાં પણ એવું જ હતું. ઘરેલુ હિંસા, શારીરિક હિંસા, સેક્સુઅલ હિંસા, પપ્પા દારૂના વ્યસની હોય અને માતા કિટી પાર્ટીમાં વ્યસ્ત હોય તો આવાં ચિક્ષો બાળકની જિંદગીમાં  ઉદ્ભવે છે. બાળકમાં રહેલો ઉત્સાહ ઘટી જાય છે અને બાળક નિરાશામાં જતું રહે છે.

કિયાન સાત વર્ષનો. બીજા ધોરણમાં ભણે છે. માતા જ્યારે જ્યારે બતાવવા આવે છે ત્યારે ત્યારે એ કહે છે કે એ ટીવી ખૂબ નજીકથી બેસીને જુએ છે. હવે આજકાલ ભણવાનું પણ બરાબર નથી. ક્લાસમાં પણ રીમાર્ક આવે છે. વધુ પૂછતાં ખબર પડી કે એને હવે છેલ્લી બેંચ પર બેસાડે છે અને જે રોટેશન સિસ્ટમ હતી તે બંધ કરી છે. બાળકની આંખની તપાસ કરાવી તો એને ચશ્માના નંબર હતા. ચશ્મા પહેર્યા પછી એના રિઝલ્ટમાં ઘણો ફરક પડ્યો. બાળકોની આંખની તથા કાનની તપાસ કરાવવી જરૂરી છે. શારીરિક કારણો જેમ કે, થાઈરોઈડ, કિડનીની બીમારી, ઓછું લોહી જેવાં કારણો પણ બાળકના ભણતરમાં મુશ્કેલી કરી શકે છે.

કૃશાંગ અગિયાર વર્ષનો થયો. શરૂ-શરૂમાં તો બધું બરાબર હતું પણ આજકાલ ટીવી વધારે જોવાનું ચાલુ કર્યું છે અને ભણવાનું બગડતું જાય છે. મોબાઈલનો વપરાશ પણ વધતો જાય છે અને આખો દિવસ ચીડિયો થઇ ગયો છે. મોબાઈલના વપરાશ પરથી ખબર પડી કે એનું ધ્યાન વધારે પડતું પોર્નોગ્રાફી પર ગયું છે અને મિત્રો સાથે રાત્રે મોડે સુધી ચેટિંગ થાય છે. બાળકનું મન અને ઉમર બદલાઈ રહ્યાં છે. સોશિયલ મીડિયાના વપરાશથી એનું મનખરાબ થયું છે. મીડિયા, ટીવી, મોબાઈ મિત્રો આ બધાં પરનો કંટ્રોલ જરૂરી છે.

જિજ્ઞેશ, આઠ વર્ષનો થયો. પણ હજુ ભણવામાં પર એનું ધ્યાન જતું નથી. વધુ માહિતી લેતાં ખબર પડી કે આ બાળકને નાનપણમાં ઘણી તકલીફ હતી. જન્મ પછી એને કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો ને મશીનની મદદ લેવી પડી હતી. જન્મ પછી શ્વાસ નહતો લીધો અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું પડ્યું હતું. બાળકનો આઈ.ક્યુ. ટેસ્ટ કરાવતાં ખબર પડી કે આઈ.ક્યુ ઓછો છે અને એને જોવામાં પણ તકલીફ પડે છે સાંભળવાનુંપણ ઓછું છે. આવાં બાળક પણ ભણવામાં પાછાં પડે છે.

કૃતિકા આઠ વર્ષની થઇ. ડોક્ટરસાહેબ શું કહેવું “એ બહુ તોફાની છે, એક જગ્યાએ ઠરીને બેસતી જ નથી’. વધુ માહિતી પૂછતાં ખબર પડી કે ખૂબ હેરાન કરે છે. ટીચર જોડે પણ જામતું નથી. બેંચ પરથી ઘડીકમાં ઊભી થઇ જાય, ઘડીકમાં બેસી જાય. ખબર નથી પડતી શું કરીએ ! આવાં બાળકોને મેડિકલ ભાષામાં (ATTENTION DEFICIT HYPERACTIVE DISORDER) કહે છે. આવાં બાળકોને આપણે સૌએ ખૂબ ધ્યાનથી અને લાગણીથી સારવાર કરવી પડે છે. આ એમના મગજની એક પ્રકારની ખરાબી છે. કેટલીક દવા તથા સ્પેશિઅલ ટીચરની મદદથી ભણવાનું સુધારી શકાય છે.

પ્રેમ… નવ વર્ષનો થયો, આમ કંઇ જ નથી પણ સર એનું ગણિત ખૂબ કાચું છે. બાકીના વિષય સરસ ભણી લે છે, પણ ગણિતનું નામ પડતાં જ એનાં બહાનાં શરૂ થઇ જાય છે. ત્રદૃત્વિક સ્પોર્ટ્સમાં એકદમ ટોપ પર છે પણ લખવાનું આવે ત્યારે ‘ડ’ નો ‘ટ’ થઇ જાય અને “બ’ નો ‘ભ’ થઇ જાય. આવી તો કેટલીય ભૂલો થાય છે. અક્ષર પણ સારા નથી. ઉપર નીચે થઇ જાય છે. આવાં બાળકોને લર્નિંગ ડિસઓર્ડરની બીમારી હોય છે. આવાં બાળકોનાં મગજનું વાયરીંગ થોડું જદું હોય છે. ઘણી વિખ્યાત વ્યક્તિઓને આ બીમારી હતી. પણ પછી ભણવા સિવાયના કામમાં એમનું યોગદાન સમાજ માટે મહત્ત્વનું રહ્યું છે. આવાં બાળકોને પરીક્ષામાં વધુ સમય આપવો  પડે અને એમને સમજવાં પડે.

કશિશ – દસ વર્ષનો થયો. હોંશિયાર છે પણ ખબર નથી કઇ દુનિયામાં રહે છે. આખો દિવસ એનામાં જ  ખોવાયેલો રહે છે. રમતના મેદન પર દોડી જાય, પશુ-પક્ષી જોડે વાતો કર્યા કરે, એના હાથની ગતિવિધિ ચાલુજ રહે છે. કંઇ ને કંઇ બોલબોલ કરતો હોય એવું લાગ્યા કરે છે. આવાં બાળકોને ઓટીઝમ (AUTISM)નામની બીમારી હોવાની શક્યતા છે. આવાં બાળકોને પણ સ્પેશિઅલ સારવારની જરૂર છે.

આ સિવાય પરીક્ષાના સમય દરમિયાન આવતા ભય, ગભરામણ, ઊંઘ ન આવવી, પરસેવો થવો, હાથ ધ્રૂજવો જેવા પ્રશ્નો બાળકની તૈયારી અને આત્મવિશ્વાસ પર આધારિત છે. સ્કૂલનાં બાળકોમાં પણ હવે દારૂ, ડૂગ્સનું પ્રમાણ વધતું જાય છે. પોતાના મિત્રના વિચારો (PEER GROUP PRESSURE) વિદ્યાર્થી પર ઘણા હાવી થઇ જાય છે.

આપણે આ બધા સ્કૂલના પ્રશ્નોની ઉદાહરણથી ચર્ચા કરી. બાળકના ઘરનું વાતાવરણ, માતા-પિતાનોસાથ-સહકાર, માતા-પિતાનું માર્ગદર્શન, બાળકમાં રહેલો ઉત્સાહ અને ખરેખર મેડિકલ કારણો જેવાં કે ઓટીઝમ, લર્નિંગ ડિસ-ઓર્ડર, એડીએચડી, ઓછો આઈ ક્યૂ જેવાં કારણો પણ બાળકના ખરાબ ભણતર માટે જવાબદાર છે.