“અમારાં આ બે બાળકોથી તો તોબા પોકારી ગયા છીએ, નાની નાની વાતોમાં બસ ઝઘડ્યા જ કરે. બંનેને સરખી વસ્તુ લઇ આપો તો પણ એકબીજા સાથે લડે, નાનો મોટાની વસ્તુઓ લઇ લે અને સમજે નહીં, ત્યારે મોટાને સમજાવ્યો કે નાનાને મરાય નહીં તો તે પણ માને નહીં, બાજુવાળાનાં બાળકો તો કેવાં સંપીને રમે તે બતાવીએ છતાં કોઈ ફાયદો નથી

આવી ભાંડુઓ વચ્ચેની ઇર્ષાની વાતો ઘરે ઘરે જોવા – સાંભળવા-અનુભવવા મળતી હોય છે. એવું કોઇ ઘર અને વ્યક્તિ નહીં મળે જેને આ લાગણીનો અનુભવ ન થયો હોય. ઇર્ષા માનવસ્વભાવની મૂળભૂત લાગણી ઓમાંની એક છે, જે બાળકોમાં અન્ય લાગણીઓની જેમ જ તરત બહાર દેખાઈ  આવે, તરત કાબૂમાં ન આવે અને વળી બહુ લાંબી પણ ના ચાલે, બાળક મોટું થતાં તેને કાબૂમાં રાખતાં શીખી જાય પણ જો બાળપણમાં બાળકની આ લાગણીને વ્યવસ્થિત ઢાળ ન અપાય તો કાયમી સ્વભાવની તકલીફો ઊભી કરી શકે છે. જેમ કે સ્વભાવમાં ઉગ્રતા, સ્વાર્થીપણું, લઘુતાગ્રથિ (ઇન્ફીયોરીટી કોમ્પલેક્ષ) વગેરે જે તેને મોટાં  થતાં જુદી જુદી જાતના માનવીય વ્યવહારોમાં નડે છે.

ઇર્ષાની લાગણીનો જન્મ અસલામતીની ભાવનામાંથી થાય. અસલામતી ઘણી રીતે ઊભી થઇ શકે છે જેમ કે મા-બાપ-વાલીઓનું બાળકો પર વધુ પડતું પ્રભુત્વ, ઓવર-પ્રોટેક્શન (નાની-નાની બાબતોમાં પણ બાળકને મદદ કર્યા કરવી, તેને જાતે શીખવા ન દેવાય, તેના પર “હજુ બાળક જ છે’ કરીને નાની બાબતોમાં વિશ્વાસ ના મુકાય, જરાક વાગે તો પણ તેને મોટું સ્વરૂપ અપાઈ જાય વગેરે જેવું વર્તન ઓવર પ્રોટેકશન ગણી શકાય. વાલીમાં અધીરાપણું અને ઉગ્રતાભર્યો સ્વભાવ હોય ત્યારે બાળકમાં અસલામતી વધી જાય. ઘરમાં કંકાસ હોય, ગેરશિસ્તભર્યું વર્તન હોય (સ્કૂલમાં સારા શિસ્તની વ્યાખ્યા શીખી આવેલું બાળક ઘરમાં કંઇક જુદું જ  જુએ-અનુભવે )ત્યારે અસલામતીની ભાવના પેદા થાય છે.

ઇર્ષા એટલે મૂળભૂત એવી ભાવના જેમાં પોતાનું કંઇ ગુમાવી દેવાનો અનુભવ અથવા પોતાને કંઇક ઓછું મળ્યાનો અનુભવ થતો જણાય. આ લાગણી બાળપણમાં મા-બાપનો અનકંડીશ્નલ પ્રેમ ગુમાવી દેવાની બાબતોથી શરૂ થાય. તેનો સૌથી સામાન્ય સમય બીજા બાળકના જન્મથી થાય છે. આ ખાસ તો મોટા બાળકને હેરાન કરે છે. બીજું બાળક આવે તે પહેલાં આખું ઘર મોટાની આસપાસ ફરતું હોય, તેને જે જોઈએ તે મળી જાય, બાળકને એવું લાગે કે તે પોતે જ આખી દુનિયાનું કેન્દ્ર છે. પછી બીજું બાળક આવતાં એવો સિનેરિયો ઊભો થાય જાણે મોટાનો આખો “ગરાસ લૂંટાઈ ગયો’ હોય. બધાનું ધ્યાન નાના પર કટાઇ જાય.

પપ્પા બહારથી આવીને પહેલાં નાના વિશે પૂછે, તેને રમાડવા લે અને પછી કદાચ સમય મળે તો મોટાને ધ્યાન દે, મમ્મી આખો દિવસ નાનાની કાળજી લેવામાં સમય કાઢે. મોટાને તો નાનાને અડકવા પણ ના દેવાય. “હજુ તું  નાના  ને પકડવા-તેડવા માટે નાનો છે, તેને અડવું નહીં. ‘ “તારાથી એને વાગી જશે તો ?’ વગેરે જેવા ડાયલોગથી મોટાની લાગણીઓને ઠેસ વાગવાનું શરૂ થઇ જાય. ઘરની બહારથી આવતા મુલાકાતીઓ પણ નાના માટે જ કપડાં-ભેટ વગેરે લાવે, અને નાનાને જ ખાસ રમાડે તેવું મોટાને ભાન થાય. સૌથી વધુ ગુમાવવાની ભાવના તો ત્યારે થાય જ્યારે તેને મમ્મીની પડખે સૂવાનું ના મળે અને તે જગ્યા નાનાએ લઇ લીધી હોય. તેમાં પણ જો નાનું બાળક ત્યારે આવી જાય જ્યારે મોટાનું ધાવણ છૂટ્યું ન હોય અને એવા સંજોગોમાં મોટાનું સ્તનપાન તરત છોડાવુંપડે ત્યારે તેનેમાટે અત્યંત કપરો સમય આવે છે.

પછી નાનું બાળક મોટું થતાં મોટા બાળકનાં રમકડાં ખૂંચવવા માંડે ત્યારે બીજો સિનેરિયો ઊભો થાય. રમકડાં માટે કે કોઈ વસ્તુ માટે બાળકો ઝગડે ત્યારે વડીલો નાના નો પક્ષ લેતાં મોટાને સમજાવે કે “તું તો મોટો છે. નાનો તો ના સમજે, તારે સમજીને રમકડું નાનાને આપી દેવું જોઈએ’ (આમ એકદમથી “મોટા’ થઇ જવાનું તેની  સમજણમાં કોઇ હિસાબે ઉતારી શકાય નહીં.

ઇર્ષાની ભાવના ઉશ્કેરવા અન્ય એકદમ જોરદાર પરિબળ છે તે અન્ય બાળકો સાથે સરખામણી કરવી ‘ જો પેલો કેટલો ડાહ્યો છે. જરા પણ રડતો નથી’, “ફલાણો તો તારી જેમ ક્યારેય વર્તે નહીં, તું તો સાવ જડ જેવો છે,’ ઢીંકણો તો જો કેવું સરસ બધું ખાય છે. તને તો દાળ, શાક ભાવતાં જ નથી’. વગેરે વગેરે જેવા અસંખ્ય સંવાદો દરેક ઘરમાં જાણ્યે અજાણ્યે બાળકોની સરખામણી કરતા સાંભળવા, અનુભવવા મળે છે. આ સરખામણી થકી શું કોશિશ થાય છે તે બાળકના લોજીકમાં ઊતરે નહીં. ઊલટું તેનું લોજીક એવું ઇન્ટરપ્રીટ કરે “હં જેવો છું તેવો કોઈને મંજૂર નથી’, ખાસ તો એવી બાબતોમાં થાય જ્યાં બાળકનો પોતાની જાત પર કોઇ કંટ્રોલ ન હોય.

આમ જાતજાતની રીતે ઈર્ષા શરૂ થાય. અસલામતી શરૂ થાય ત્યારે બાળકો જુદી જુદી રીતે તેને વ્યક્ત કરે છે. સહુને આંખે ઊડીને દેખાઈ આવે તેવી અભિવ્યક્તિ છે તે ઝગડો કરવો, ગુસ્સો કરવો, મારામારી કરવી, ગાળાગાળી કરવી, તોડફોડ કરવી, રડવું વગેરે. આ સિવાય બીજી ઘણી રીતે બાળક પોતાની અસલામતી વ્યક્ત કરે છે જેની સામાન્ય રીતે લોકો નોંધ ના લેતા હોય. જેમ કે મોટું બાળક જાણે એકદમ નાનું હોય તેવી રીતે વર્તે, તે અંગૂઠો ચૂસવા માંડે, પહેલાં પથારીમાં પેશાબ ના કરવાનું શીખેલું બાળક ફરીથી ઊંઘમાં પેશાબ કરવા માંડે, ચડીમાં દિવસે પણ સંડાસ કરી પડે, નાના બાળક જેવું કાલું-કાલું બોલવા માંડે, એકલપટું થઇ જાય, જિદ્ઠી થઇ જાય, ખાવામાં વરણાગીઓ કરવા માંડે, સ્તનપાન છોડી દીધું હોય તો પણ ફરીથી સ્તનપાનની માંગણી કરે, વગેરે. તે નાના બાળક સાથે રમવા લાગે પણ ક્યારેક માબાપ એવું નોંધે કે ‘મોટો તો નાનાને બહુ જોરથી તેડી રાખે છે, તેને પડવા નહીં દેને !’ તે આખો દિવસ મમ્મી પાછળ જ ફર્યા કરે. તે પોતાનો ગુસ્સો રમતાં રમતાં રમકડા પર (ઢીંગલીઓ પર) ઉતારે. ક્યારેક તો આખો દિવસ નાના ની જ વાતો કર્યા કરે જેમ કે “નાના ભાઈલુને તો આ ભાવે છે’, “ભાઈલુ તો બહુ ખરાબ છે’, “તેને તો બાવો લઇ જશે’, “ભાઈલુને પાછો હોસ્પિટલ મૂકી આવ’ વગેરે …