વિશિષ્ટ બાળકો
છ-સાત વર્ષ પહેલાંની વાત છે. આઠ વર્ષની દિવ્યાના પિતાએ તેમનો અહીંનો ધીકતો વ્યવસાય છોડી અન્યત્ર નોકરી સ્વીકારી લીધી – માત્ર તેમની દિવ્યા માટે. દિવ્યા માનસિક ક્ષતિ સાથે જન્મી હતી. તેનો બૌદિદ્રિક તથા શારીરિક વિકાસ એટલો બધો મંદ હતો કે આ પ્રકારની ક્ષતિઓ ધરાવતાં બાળકોને સમજી શકે, તેમને ટ્રેનીંગ આપી શકે, સંભાળી શકે તથા તેના માતાપિતાને પણ સાથે સાથે માર્ગદર્શન તથા તાલીમ આપી શકે તેવી વ્યવસ્થાની શોધમાં દિવ્યાના પિતાએ ઉપર મુજબની આ સંપૂર્ણ સવલતો પૂરી પાડતા શહેરમાં જઇ નોકરી સ્વીકારી લીધી.
અપેક્ષા જન્મી ત્યારે તંદુરસ્ત, આકર્ષક, હોંશિયાર અને મજાની રમતિયાળ બાળકી હતી. પણ દોઢ વર્ષની ઉમરની આસપાસ તે સખત બીમારીમાં સપડાઈ પડી, અને ત્યાર પછી તેનો બૌદિદ્રિક વિકાસ થોડો મંદ પડતો જણાયો. તેના સદ્નસીબે શહેરની એક પ્રતિષ્ઠિત શાળામાં તેને પ્રવેશ મળી ગયો. તેના મમતામયી, સહૃદયી આચાર્યાને તેના પ્રત્યે ખૂબ જ લાગણી, એટલે તેને ધીરજપૂર્વક શીખવી, ભણાવી, સાત ધોરણ સુધી લઇ ગયાં. સાથે સાથે અવાર-નવાર તેનાં મમ્મી-પપ્પાને પણ અપેક્ષામાં (તેની ક્ષમતાને ધ્યાનમાં રાખી) વિશ્વાસ રાખી ધીરજથી શિખવવાનું સમજાવતાં ગયાં, પણ તેઓના નિવૃત્ત થયા પછી અપેક્ષાની પ્રગતિમાં ખાસ કાંઇ નોંધપાત્ર વિકાસ થયો નહીં અને તેણે શાળા છોડી દીધી.
સ્પર્શ ત્રીજા ધોરણમાં પહોંચી ગયો હતો. પણ તે તેનું નામ પણ લખી શકતો નહીં. તેનું વર્તન પણ સામાન્ય જણાતું નહોતું. તે કોઇ પણ પ્રશ્નનો જવાબ આપી શકતો નહીં. તે જે બોલતો તેનાં ઉચ્ચારણો એટલાં બધાં અસ્પષ્ટ થતાં કે કોઇ પણ સહેલાઈથી તે શું કહેવા માંગે છે તે સમજી શકે નહીં. તે સતત ખોવાયેલો રહેતો. ક્યારેક વર્ગમાંથી બહાર ભાગી જઈ દીવાલની પાછળ કલાકો સુધી છુપાઈ રહેતો. અક્ષરો તથા આંકડાઓ તે સમજી શકતો નહીં.
સ્પર્શને જ્યારે પહેલી વખત નિદાન માટે લાવવામાં આવ્યો ત્યારે તેની ઉમર આઠ વર્ષની હતી. તેનાં માતા-પિતા પાસેથી તેના વર્તન, વિકાસ તથા બૌદિદ્રક-શક્તિઓ વિશેની માહિતી એકત્રિત કરી તથા મનોવૈજ્ઞાનિક પરીક્ષણ, અવલોકન કર્યું, તો આશ્ચર્ય વચ્ચે એ જાણવા મળ્યું કે સ્પર્શ અન્ય બાળકો કરતાં પણ થોડો વધારે બૌદિદ્રિક આંક ધરાવતો હતો. તો પછી તેના આવા વર્તન પાછળ ક્યાં પરિબળો જવાબદાર હોઈ શકે ? તે શૈશવાવસ્થાથી જ આવેગાત્મક ગરબડનો ભોગ બન્યો હતો, અને તેની અસર તળે તેના વર્તન તથા બૌદિદ્રક શક્તિઓને ખલેલ પહોંચી હતી. તેનો બૌદિદ્રિક આંક સામાન્યથી પણ થોડો વધારે હોવા છતાં મંદ હોવાનો ભ્રમ થતો હતો.
જ્યારે પણ માનસિક ક્ષતિ ધરાવતાં બાળકોની વાત નીકળે છે, ત્યારે ઘણે અંશે તે બાબત એક ઉદાસીન સ્વર ઊઠે છે કે હવે તો આ બાળક કાંઇ જ કરી નહીં શકે. પણ આ એક બહુ જ સીમિત દટ્ટિકોણ છે. વર્ષો પછીના સંશોધનાત્મક અભ્યાસો હવે આવાં બાળકોમાં જે કાંઇ પણ મર્યાદિત શક્તિઓ હોય છે, તેને શોધી વિકસાવવાની દિશામાં વધુ ધ્યાન આપવાનું સૂચવે છે. હા, એ ચોકકસ કે દરેક માનસિક ક્ષતિ ધરાવતા બાળકની વ્યક્તિગત ક્ષમતાઓમાં ઘણો જ તફાવત જોવામાં આવે છે. જેમકે સામાન્ય માનસિક ક્ષતિથી અતિ તીવ્ર માનસિક ક્ષતિ. આમાંનું કોઇ બાળક થોડું ઘણું શીખી શકે, જ્યારે કોઇ બાળક ખાસ કાંઇ સફળતા ન મેળવી શકે અને તેને સદાયે કોઇ પર આધારિત રહેવું પડે. અલબત્ત નિષ્ણાતો દ્રારા ચોક્કસ નિદાન તથા તાલીમ અને માર્ગદર્શન મળવાથી આવાં બાળકોના વિકાસમાં નોંધપાત્ર તફાવત જોવામાં આવે છે. દુઃખની વાત તો એ છે કે આપણે ત્યાં અહીં હજુ પણ ક્યારેક આવી સમસ્યાઓને વળગાડ અથવા ગાંડપણ સાથે જોડી દઈ બાળકોને પૂરતો ન્યાય આપવાનું ચુકાઈ જાય છે. ક્યારેક તો કોઇ વળી ચમત્કારિક પરિણામોના ભ્રમમાં ખોવાઈ જાય છે.
લેખની શરૂઆતમાં જે ત્રણ કિસ્સાઓની ચર્ચા કરી છે તે ત્રણે બાળકોની સમસ્યાનાં કારણ તથા પ્રકારો જુદાં જુદાં છે. દિવ્યા ક્ષતિઓ સાથે જન્મી હતી, જ્યારે અપેક્ષા પાછળથી ગંભીર બીમારીમાં સપડાઈ પડવાથી આ અવસ્થામાં મુકાઈગઈ હતી અને સ્પર્શ તો આવેગાત્મક ગરબડને કારણે માત્ર આ સ્થિતિમાં આવી ગયો હતો. છતાંએ ત્રણે બાળકો અન્ય બાળકોની તુલનામાં બૌદિદ્રિક વિકાસમાં પાછળ રહી જતાં એક જ સરખું લેબલ લાગી ગયું હતું. માટે જ બાળકના હિત ખાતર ક્યારેય કોઇ બેજવાબદાર લેબલ લાગી જાય નહીં તેની ખાસ કાળજી રાખવીજોઈએ.
માનસિક ક્ષતિ ધરાવતાં બાળકની દરેક મુશ્કેલી માટે જે તે વિષયના નિષ્ણાતો દ્વારા ચોકકસ નિદાન કરાવી, શક્ય તેટલું સવેળા તેને મદદરૂપ થવું જોઈએ. અલબત્ત કોઇ ચમત્કારિક અને ત્વરિત પરિણામની અપેક્ષા રાખવા કરતાં બાળકમાં જે પણ કાંઇ મર્યાદિત, વ્યક્તિગત ક્ષમતાઓ હોય, તેને શોધી નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ સતત તાલીમ, શિક્ષણ વગેરે ઉપલબ્ધ થઇ શકે તે ઇચ્છનીય છે.