મહાપૂર
વાત છે એક મમ્મીની અને તેની છ વરસની મુન્નીની. અને આમ જોઈએ તો મારી-તમારી-આપણા સહુની, ઘરઘરની.
મમ્મીનું નામ છે, ઉમા. ઉમા પોતાના પતિ અને મુન્નીની સાથે સિનેમા જોવા ગઈ. શરૂઆતમાં નાયક-નાયિકાના બાગમાં પકડદાવ ચાલ્યા. મુન્નીને મજા આવી.
‘મમ્મી, મોટા માણસ સંતાકૂકડી રમે કે?’ પણ પછી ગાયન શરૂ થયું અને મુન્નીની આંખમાં ઊંઘ ભરાવા લાગી. મમ્મીના ખોળામાં માથું નાખી સૂઈ ગઈ.
મુન્ની ફરી જાગી ત્યારે મામલો લગ્ન સુધી પહોંચી ચૂક્યો હતો. વરવધુ હતાં તો સામાન્ય કુટુંબના પણ પ્રોડ્યુસરે બધું એવું ઠાઠથી સજાવેલું કે લખપતીનો સમારંભ લાગે. અને સુહાગરાત, ભવ્ય ડબલબેડ! ભરચક ફૂલોથી સજાવેલો.
ઉમાએ કાલે નાનકડી વેણી લીધેલી. તે ખાસ્સી રૂપિયા દોઢની થયેલી. ત્યારે આખાયે પલંગને ઉપરથી ઠેઠ જમીન સુધી સજાવવાનો કેટલો બધો ખર્ચ થતો હશે ?
ઉમા મનોમન વિચારતી હતી. એની આંખ સામે પોતાની સુહાગરાતનું દૃશ્ય ખડું થયું. બે ઓરડા તો મહેમાનોથી ખીચોખીચ હતા. એટલે સુહાગરાત ઊજવવી પડેલી નાનકડા ઓરડામાં. વાસણ-કૂસણ, સરસામાન અને ઉંદરોની દોડાદોડ….તેવામાં મુન્ની જાગી ગઈ. ‘મમ્મી, આ શું? પલંગે ફૂલો કેમ લટકાવ્યાં છે?
ઉમાએ તુરત એનાં મોંમાં થોડી વેફર મૂકી. ત્યાં પડદા ઉપર નાયક નાયિકાના મોં પરથી ઘૂંઘટ ઉઠાવી રહ્યો હતો. ‘મમ્મી, આ શું કરે છે?’
‘બેટા, મારી ડાહી દીકરી છે ને? ઊંઘી જા!
‘મમ્મી, મને ઊંઘ નથી આવતી.’
ત્યાં આજુબાજુથી અવાજો ઊઠ્યા – ‘ચૂપ…ચૂપ…છોકરીને મૂંગી રાખોને !…બહાર ફેરવી આવો !’ કેટલાકે સીટી વગાડવા માંડી. ઉમા શરમથી શિયાવિયા થઈ ગઈ. ત્યારથી કાન પકડ્યો કે મુન્નીને લઈને ફિલ્મ જોવા ન જવું.
ઉમાને હંમેશા થયાં કરતું કે આટલી કુમળી વયે બાળકની નજરે ગમે તેવું ન પડવું જોઈએ. પતિને મસાલેદાર માસિકો વાંચવાનો – ના, ખરું કહું તો માત્ર જોવાનો બહુ શોખ. વાંચીને જ્યાં ત્યાં મૂકી દે. મુન્નીના હાથમાં આવે જ ને ! ઉમા ખાસ ધ્યાન રાખીને ઊંચે મૂકતી રહે, સંતાડી દે. પણ ક્યાં ક્યાં ધ્યાન રાખે? હવે તો રોજે રોજ છાપામાંયે કેવી કેવી જાહેરાતો આવે છે ! અને તેમાંય નાટકની જાહેરાતોએ તો આડો આંક વાળ્યો છે ! રોજનું છાપુંયે ક્યાં ક્યાં સંતાડે?
વળી પંખી ક્યાં સુધી ઘરમાં રહેવાનું ? એને પાંખ ફૂટવાની જ. મુન્ની હવે નિશાળે જતી થઈ હતી. ધીરે ધીરે વાંચતી –લખતીયે થઈ હતી. રસ્તે જતાં દુકાનનાં પાટિયાં, જાહેરાતો, પોસ્ટરો વગેરે જોતી થઈ અને સાથે સાથે મનમાં ઉઠતા પ્રશ્નો પૂછતીયે થઈ હતી.
‘મમ્મી, આ આવડી મોટી બાઈએ બ્લાઉઝ કેમ નથી પહેર્યું?’
‘બેટા, એણે નહાવાનો પોષાક પહેર્યો છે.’ ઉમાએ તુરત જ સૂઝ્યું તે બોલી દીધું.
‘પણ મમ્મી, પાણી ક્યાં છે ?’
‘પાટિયું નાનું હોય એટલે પાણી નથી બતાવ્યું.’
‘મમ્મી, પેલો માણસ પપ્પી લે છે. મોટા માણસો આવી રીતે પપ્પી લે ?’
‘મુન્ની, ઝટ તૈયાર થઈ જા, નિશાળે જતાં મોડું થશે.’
નવાં નવાં પોસ્ટરો લાગે અને મુન્નીના નવા નવા પ્રશ્નો ઊઠે. ઉમા બને ત્યાં સુધી તો સમજાવવાનો પ્રયત્ન કરે, પણ ઘણાં પ્રશ્નોને ટાળવા પડે. પતિ સાથે વાત કરતી, તો એ તો એને અર્થશાસ્ત્ર સમજાવતો.
‘લોકોને ઉત્તમમાં ઉત્તમ માલની જાણ તો કરવી પડે ને ? અને બ્રેસિયર કે અંડરવેરની જાહેરાત હોય તો તેમાં તો તે અંગ બતાવવાં ન પડે ?… ઉઘાડા વાંસે પાઉડર છાંટનારી બાઈ બતાવ્યા વિના પાઉડર શાના માટે છે તે કેમ ખબર પડે ? અને ક્રીમની જાહેરાતને યુવાની સાથે અને સ્ત્રી-પુરુષ સંવનન સાથે સંબધ હોય જ ને ?….
‘હા, હા… બ્લેડ હોય, સાબુ હોય, ખાવાપીવાની વસ્તુ, બધામાં જ સ્ત્રી વિના કેમ ચાલે ? અને તે પણ એના અંગ પર જેટલાં વસ્ત્ર ઓછાં એટલું વધુ સારું !…અરે, મારા બાપલા ! તમતમારે વેપાર-ધંધો ભલે કરો, પણ આ કુમળા બાળમાનસ પર થતી વિપરીત અસરનોયે ખ્યાલ કરશો કે નહીં ?’
પતિદેવ એક ખાસ દિવાળી અંક લાવેલા. ‘કટવર્ક વિશેષાંક’ ઉપરના પાનાં પર કટવર્ક કરેલું. તેમાંથી નીચેના પાનાં પર ચિત્રનો થોડો ભાગ દેખાય. લાગે કે નાળીયેર છે. નીચેનું પાનું ખોલો તો યુવતીના…. આખો અંક આવી રીતનો. ઉમાએ તે સંતાડી રાખેલો, અને બે દિવસમાં બહાર મોકલી દીધેલો. પરંતુ થોડા દિવસ બાદ મુન્ની બહેનપણીને ઘરેથી રમીને આવી. ત્યાં આ વિશેષાંક એણે જોયેલો.
‘મમ્મી, ઉપરના પાને એક ચિત્ર, પાનું ફેરવીએ તો બીજું ચિત્ર… બધાં કપડાં વગરનાં ચિત્રો… મીના કહેતી કે આ નાગાં ચિત્રો કહેવાય. તેં જોયાં છે એમ મમ્મીને ન કહેતી…. મમ્મી, તું પણ આવાં ચિત્રો ન જોતી, હં !
ઉમા અવાક્ જ થઈ ગઈ. આ મહાપૂરને આપણે બે દૂબળા હાથે શી રીતે રોકવું ?
(શ્રી નિર્મલા દાંતેની મરાઠી વાર્તાને આધારે ) (સૌજન્ય : ભૂમિપુત્ર )