આજે વર્ગનું વાતાવરણ શાંત હતું. સૌ વિદ્યાર્થીઓ પોતપોતાના કાર્યક્રમમાં મગ્ન હતા. સૌની પ્રવૃત્તિ પર નજર રાખવા મારી આંખો આમથી તેમ ફરતી હતી.ત્યાં અચાનક મારી નજર નાનકડી મીના પર મંડાઈ…. કોણ જાણે ક્યારની તે શું નિરીક્ષણ કરી રહી હતી. હજી તો હું તેને ટપારવા માટે કંઈક બોલું… ત્યાં તો…
“સાહેબ, કેટલા વાગ્યા ?” વર્ગમાં શાંત વાતાવરણમાં મીના અચાનક બોલી. આમ તો સમય જાણવાની જિજ્ઞાસા કરતાં પોતે જાણી જોઈને આ સવાલ કરતી હોય તેવું મને લાગ્યું.
“કેમ વળી તારે શું કામ છે ? થોડીક વાર થોભ હજી રીસેષમાં ઘણી વાર છે.” મીનાને એના સવાલનો જવાબ આપવાનું ટાળીને મેં એને વધારે બોલતી અટકાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો.
“સાહેબ, બસ રીસેષ પડવામાં પાંચ મિનિટ જ બાકી છે…. હમણા બેલ પડશે.” મીના પાસે ઘડિયાળ હતી જ નહીં….છતાં ચોક્કસ સમય સાંભળીને હું મારી ઘડિયાળમાં જોતો જ રહ્યો.
“અરે, મીના તને કેમ ખબર પડી કે પાંચ મિનિટ જ બાકી છે ?” મેં આશ્ચર્યથી પૂછ્યું.
“એ… ત્યાં જુઓ સાહેબ…. પેલી જગ્યાએ…હા…હા…ત્યાં.” મીના મારી નજરને તેની નાનકડી આંગળીથી દોરીને દીવાલ પર લટકાવેલી છબી સુધી લઈ ગઈ…પણ મને કશી ગતાગમ પડી નહીં !
“અરે, સાહેબ પેલા ચાંદરડા તરફ જુઓ…એ… જો જો બરાબર વચ્ચે આવી ગ્યું.” મીનાએ ચાંદરડું બતાવ્યું ને કોઈ સ્પર્ધામાં પુછાયેલા અઘરા પ્રશ્નમાં કલુ આપવાથી જેમ થોડુંક માર્ગદર્શન મળે તેવો અનુભવ મને થયો…
આમ તો સમયને ચોક્કસ માપવાની વિદ્યાર્થીની આ રીતથી હું અત્યાર સુધી અજાણ હતો. હવે મને ખબર પડી કે રિસેષ પડવાની પાંચ–દસ મિનિટ પહેલાં સૌ વિદ્યાર્થી ધીરે–ધીરે દફતર સંકેલી વિરામ સમય માટે માનસિક રીતે તૈયાર કેમ થઈ જતાં હતા !
હું તો સેલથી ચાલતી મારી ઘડિયાળમાં બે કાંટાઓ વચ્ચે જ આજદિન સુધી સમયને માપવાની કોશિષ કરતો હતો. એ નાનકડું ચાંદરડું અત્યાર સુધી મારી નજરમાં ન આવ્યું ! ખરેખર ! જેના મગજમાં વિજ્ઞાનના સિદ્ધાંતો ઠસાવવામાં મારું મન જે ગૌરવ અનુભવતું તે આજ આ નાનકડા વૈજ્ઞાનિક અને જિજ્ઞાસુ મગજને મનોમન સલામ કરવા લાગ્યું !
હજી તો આ નાનકડા મગજની નિરીક્ષણશક્તિ વિશે વધારે કલ્પના કરું…ત્યાં તો ઘંટનો રણકાર સાંભળ્યો…ને પાછી ફરી મારી નજર એ ચાંદરડા પર સ્થિર થઈ ગઈ…
બીજા દિવસથી રિસેષ પડવાના સમય પહેલાં રોજ મારી નજર એ ચાંદરડા તરફ જતી. દરેક બાળકમાં મહાન વિજ્ઞાની જેવી જ સંશોધન વૃત્તિ અને જિજ્ઞાસા સુષુપ્તપણે પડેલી જ હોય છે… પણ તેની આવૃત્તિ ચેષ્ટા અને કૌશલ્યનું ઉર્ધ્વીકરણ કરવાની આપણી અણઆવડત અને અણસમજને કારણે હંમેશને માટે તે કુંઠિત થઈને બાળકની અપ્રતિમ ગતિ, શક્તિ અને પ્રગતિને અવ્યક્ત રાખવા માટે જવાબદાર બની રહે છે.
બાળક એક અખૂટ ખજાનો છે… અનેક શક્યતાઓ એના નિર્દોષ અને નિખાલસ ચહેરા પાછળ સચવાઈને પડેલી હોય છે…પરંતુ અફસોસ સાથે કહેવું પડે કે એ અશક્યતાઓને પિછાણવાની ખરી દૃષ્ટિ આ અખૂટ ખજાનાના ખજાનચી ગણાતા શિક્ષકો, વાલીઓ અને માતા–પિતા પાસે અપેક્ષિત પ્રમાણમાં હસ્તગત નથી.
આપણા જ વિચારો, આદર્શો અને સિદ્ધાંતોના બિબામાં બાળકને ઢાળવાની આપણી ઘેલછાને કારણે જ એ જ્યોતને વધારે પ્રકાશવાન બનાવવાને બદલે એની ઈચ્છા અરમાનને સપનાંઓ પર તિમિર પાથરવાની આપણે અક્ષમ્ય ભૂલ કરી બેસીએ છીએ… આપણી આ દ્રષ્ટિમાં આમૂલ પરિવર્તન બાળકના સર્વાંગી વિકાસ માટેનો એકમાત્ર સચોટ ઈલાજ છે… નિર્દોષતા, નિખાલસતા અને ઈશ્વરની સાક્ષાત મૂર્તિ સમાં આ બાળકોને સંપૂર્ણપણે સમજવાની અને સમજાવવાની તમારી તૈયારી તમને સ્વર્ગનો અનુભવ ન કરાવે તો જ નવાઈ !!

(વાવડી તાલુકા શાળા, તાં. જામકંડોરણા, જિ. રાજકોટ –૩૬૦૪૦૫)