આજકાલનાં સુશિક્ષિત, અર્ધશિક્ષિત અને અશિક્ષિત માતાપિતા પોતાનાં બાળકોને ખૂબ નાની ઉંમરથી “પ્લેગ્રુપ”માં મૂકી દે છે. પોતાના બાળપણ કરતાં પોતાનાં બાળકોનું બાળપણ સુધારવાનો સદ્આશય એમનામાં હોય એ સ્વાભાવિક છે, પણ એ એક જાતના વિકૃત અભરખામાં પરિણમે છે. કેટલીકવાર એમના આ ઉત્સાહના અતિરેકને કારણે બાળકો ત્રાસી જતાં હોય છે. આમ પણ પોતાની અધૂરી ઇચ્છાઓ બાળકો દ્વારા સંતોષવાનું વલણ અનિચ્છનીય છે. એને કારણે ઘણાં બાળકો વર્તનની સમસ્યાનો ભોગ થઇ પડે છે. કેટલાંક માબાપ પોતાનાં સંતાનોને રમવાની ઉંમરે રમવા દેતાં નથી. બાલમંદિરમાં જતાં થયાં એટલે બીજી કઇ પ્રવૃત્તિ કરાવવી એની ભાંજગડમાં એ લોકો પડી જાય છે. આપણે વેળા-સવેળાએ પોતાનાં બાળકોને હરાયાં ઢોરની માફક એક વર્ગમાંથી બીજા વગૅમાં ઘસડી જતી માતાઓને જોઇએ છીએ.
ઘણાં બાળમંદિરો ઉદ્યોગોની જેમ પાળીમાં ચાલતાં હોય છે. સવારની શીફટમાં બાળકને મૂકયું હોય તો અગિયાર-બાર વાગે બાળક પાછું આવે. સાધારણ રીતે સવારે બાળકને વહેલું ઉઠાડવું પડતું હોય તો બપોરે ઘેર આવીને જમીને બાળકને વામકુક્ષી કરવાનું મન થાય. પણ માતાએ એને કયાં તો ચિત્રના વર્ગમાં લઇ જવું હોય નહિં તો નૃત્યના કલાસમાં લઇ જવું હોય. બાળકની અભિરુચિ શેમાં છે તેની પરવા કયૉ વગર માતાપિતા (મોટેભાગે માતા કારણ કે પિતા તો એની કારકિદૅીમાં અતિ વ્યસ્ત હોય) જ આ નિર્ણયો લઇ લે. ઘણી વાર એવું પણ જોવા મળે છે કે યુવા માતાને સંયુકત કુટુંબમાંથી એ બહાને થોડું બહાર જવા મળે. જો કે માતાને કદાચ થોડી રાહત પણ મળતી હશે.
એક બાળકને માતાએ ચિત્રકામના વર્ગમાં દાખલ કરી દીધો. બાળકને એ પ્રવૃત્તિમાં જરાય રસ નહોતો. એટલે શિક્ષિકા જે કાંઇ શીખવાડે તેમાં એ ખાસ ધ્યાન આપતો નહીં. માતાતો એને વર્ગમાં મૂકીને કોઇ બેનપણીને ઘેર કે ખરીદી કરવા નીકળી જતી. પોતાનું બાળક શું શીખે છે? એની પ્રગતિ કેટલી થઇ? વગેરે વિષે કદી તપાસ કરવાની તસ્દી લીધી નહોતી. શિક્ષિકાએ એક દિવસ માતાને આ બાબતની જાણ કરી એટલે આ વર્ગમાંથી ઉઠાડીને અભિનયના વર્ગમાં ભરતી કરાવી દીધું. રોજિંદા અભ્યાસક્રમ ઉપરાંત કાંઇક વિશેષ બાળકે શીખવું જ રહ્યું એવું આજનાં માતાપિતા પ્રબળપણે માને છે. એમની માન્યતા સામે કાંઇ વાંધો નથી કારણ કે ફાજલ સમયનો ઉપયોગ કરવાની તાલીમ કયારેક તો મળવી જોઈએ. પણ કયારે? બાળક ૧૧-૧ર વર્ષ નું થાય અને અમુક પ્રવૃત્તિમાં જોડાવાનું એને મન થાય ત્યારે એ તક માતાપિતાએ પૂરી પાડવી રહી. બાળકને સંગીત કે નૃત્યમાં રસ હોય તો એની તાલીમ નાનપણમાં જ આપવી.
એક મંદબુધ્ધિના બાળકની વાત કરીએ, એ બાળક ૭૦-૮૦ વચ્ચેનો બુધ્ધિ આંક (આઇ.ક્ચુ.) ધરાવતું હતું. સામાન્ય બાળકોની શાળામાં એને મૂક્ચું. ત્યાં કશું ગ્રહણ કરી શકયું નહીં. માનસશાસ્ત્રીએ માતાને એવી સલાહ આપી કે મંદબુધ્ધિ બાળકો માટેની ખાસ શાળામાં એને મૂકવું જોઈએ. બાળકમાં ભાષાનો વિકાસ થયો નહોતો. એ બોલતું પણ નહોતું. આથી એને વાચા ઉપચાર કરવાની સલાહ આપી. પણ માતા અતિ ઉત્સાહી અને શ્રીમંત તેથી બાળકને ‘વોઈસ કલ્ચર’ વર્ગમાં મૂકી દીધું. એમાં નિષ્ફળતા મળી એટલે કોઇ કલબનું સભ્યપદ લીધું ને બાળકને તરવાનું શીખવવા માંડયું. આને કારણે એને કાયમ શરદી રહેવા માંડી. એટલે માતાને એમ થયું કે એને નૃત્ય શીખવવું. આમ આડેધડ એક યા બીજી પ્રવૃત્તિ માં બાળકને વ્યસ્ત રાખવું એની માતાની વૃત્તિ રહી. એમાં કુદરતી ક્રમ પ્રમાણે પણ એનો જે વિકાસ થવો જોઇએ તે અવરોધાયો. ત્યાં સુધી પણ આ શિક્ષિત માતા સમજી શકી નહીં. એ અણધડ ને અશિક્ષિત માતાઓની તો શી વાત કરવી ?
બાળમાનસના પ્રધ્યાપક ઓટો વાઈનીજરનું એમ પણ કહેવું છે કે ત્રણ વર્ષની અંદરના બાળકને કોઈપણ માળખાકીય પ્રવૃત્તિની જરૂર નથી. બાળકને એ ઉંમરે જૂથમાં રમવાનું મળવું જોઈએ જેથી એનામાં સામાજિક કૌશલ્યો કેળવી શકાય. હરીફાઈનો આ યુગ છે એ ખરું પણ પોતાના બાળકને બરાબર સમજીને, એના રસ કે શોખને જાણીને ઈતર પ્રવૃત્તિમાં રોપવું એ આદર્શ પરિસ્થિતિ કહેવાય. પ્રાથમિક શાળમાં ભણતાં બાળકોને સાંજનો સમય ખુલ્લી જગ્યામાં રમવા-કૂદવામાં ગાળવાની તક માતાપિતાએ પૂરી પાડવી રહી. છ વર્ષનું થાય પછી કોઈ પ્રવૃત્તિમાં રોકવું હોય તો એકાદ-બે પ્રવૃત્તિઓ – જે શાળામાં ન હોય તેવી પસંદ કરવી.
આજકાલ મોટા ભાગનાં ઘરોમાં ટી.વી. આવી ગયું છે એટલે બાળકો ટી.વી. ચાલુ કરીને સમયનું ખૂન કે ગેરઉપયોગ કરી શકે છે. પ્રાથમિક શાળાની મુલાકાતે જઈએ ત્યારે ઘણાં બાળકોને ચશ્માં પહેરેલાં જોઈએ છીએ. પચીસ વષૅ પહેલાં આ દ્રશ્યની કલ્પના પણ ન હતી. ટી.વી.ના પડદાને અને બાળકની આંખો વચ્ચે અમુક નિશ્ચિત અંતર હોવું જોઈએ પણ મુંબઈ જેવા શહેરમાં જ્ચાં વસવાટની તંગી હોય-સમસ્યા હોય ત્યાં આવી આદશૅ સ્થિતિ શકય નથી. ગીચ વિસ્તારોમાં ચાલીઓમાં ૧૨ બાય ૧૨ ફૂટની ઓરડીમાં આ કેવી રીતે શકય બને ? વળી ટી.વી. પર બાળક કયા કાયૅક્રમો જુએ છે એના ઉપર એના માનસિક વિકાસનો આધાર રહેવાનો. ઘણાં માતાપિતા એવી ફરિયાદ કરતાં હોય છે કે એમનું બાળક ટી.વી.નું બંધાણી બની ગયું છે. ને ઘરોમાં અંગત કમ્યુટર હોય છે ત્યાં બાળક વીડિયો ગેમ્સ રમ્યા કરે છે. આ બંને પ્રવૃત્તિ ઓ એવી છે કે એને કારણે બાળકના સામાજિક વિકાસમાં ઘણાં બધા અવરોધો મોટપણે નડવાના છે.
મોટાં શહેરોમાં જાતજાતનાં વર્ગ ચાલતા હોય છે. મુંબઈમાં તો એ મોટો વેપલો છે. પોતાનું બાળક આગળ વધે, બીજાનાં બાળકો કરતાં વધુ હોંશિયાર થાય એવી ઝંખના સ્વાભાવિક છે. બાળકના શારીરિક વિકાસની જેમ માનસિક, સામાજિક અને નૈતિક વિકાસની એટલી જ જરૂર છે. ટી.વી. માટેના જોવા જેવા કાર્યક્રમો તથા સમય નકકી કરી શકાય. અંગકસરતો માટે પણ સમય ફાળવી શકાય. માનસિક વિકાસ પરીક્ષા માટે ભણવાથી નથી થતો. અભ્યાસક્રમ જરૂરી છે પણ જેટલું જરૂરી અભ્યાસનું પાઠયપુસ્તક છે એટલું જ જરૂરી, એથી વિશેષ ઈતર વાંચન પણ જરૂરી છે. નાનપણમાં સાહસકથાઓ નાનાં નાનાં જીવનચરિત્રોનું વાંચન ચારિત્ર્ય ઘડતર માટે આવશ્યક છે. માતાપિતા પોતે આ માર્ગદર્શન આપે તો સારું. એમની ક્ષમતા ન હોય તો વ્યવસાયી સલાહકાર પાસેથી માર્ગદર્શન મેળવી શકાય. ઈતર પ્રવૃત્તિ જરૂરી છે, એનો અતિરેક નહીં, બાળકની ક્ષમતા અને અભિરુચિ ની સાથે સુસંગત હોય તેવી પ્રવૃત્તિ માં બાળકને રોકવામાં સૌનું શ્રેય રહેલું છે.