કાળુ કાગડાને પોતાના ભાઈબંધ ભીમા ભીમરાજની સાથે અબોલા થઈ પડ્યા હતા. બંનેએ એકબીજાનાં મો સુધ્ધાં ન જોવાનું પણ લઈ લીધું હતું. વનનાં પંખીઓને બેયના અબોલાનું કારણ સમજાતું નહોતું.

બેય પાકા ભાઈબંધ હતા. એકબીજા વિના કોઇને ઘડીકેય ન ચાલતું. બેય જણા સાથે જ હરતા-ફરતા ને મોજ માણ્યા કરતા હતા. બજારમાં શાકભાજી ખરીદવા કે કોઈને ત્યાં મહેમાન થવા કે કોઈ દુશ્મન પ્રાણીનો સામનો કરવામાં બેય સાથે જ રહેતા.

ભીમરાજની પત્ની ભાનુ અને કાગડાની પત્ની કલુબાઈનાં બેનપણાં પણ આ બંનેના અબોલાએ ભાંગી નાખ્યાં હતાં.

એક દવસ વનમાં આગ લાગી. તેમાં ભીમો ભીમરાજ ભારે દાઝ્યો. તેને લઈને પંખીઓ ગગલા ગરુડને દવાખાને આવ્યાં અને ભીમાને દવાખાનામાં દાખલ કરી દીધો. દાક્તર ગગલા ગરૂડે તેને તપાસ્યો અને કહ્યું કે ભીમરાજ અંદરથી પણ બહુ દાઝ્યો છે. માટે તેનું ઓપરેશન કરવું પડશે. અને તે માટે મોટો ખરચો થશે. પંખીઓએ ખર્ચની ચિંતા કર્યા વગર ઓપરેશન કરવાનું ગગલા ગરૂડને જણાવતાં ગગલા ગરૂડે ઓપરેશન કરી ભીમા મહારાજનો જીવ બચાવી લીધો.

ભીમરાજને ઓપરેશન બાદ સારી સારવાર મળી રહે તે માટે દસેક દિવસ હૉસ્પિટલમાં જ રોકાવાની સલાહ દાક્તર ગરૂડે આપી. અને આ દિવસોની અંદર ઓપરેશન ખર્ચનું બિલ હૉસ્પિટલમાં જમા કરાવવાની સૂચના આપી.

ભીમો ભીમરાજ ગરીબ હતો. તેના ઘરમાં દાક્તરને ચૂકવવાનાં નાણાં પણ ન હતાં. ભીમાની પત્ની ભાનુએ પંખીઓ પાસેથી ઉછીનાં રૂપિયા માગ્યાં. પણ કોઈએ તેને ન આપ્યાં. સગાં-વહાલાંએ પણ મદદ ન કરી. ભાનુ મૂંઝાઈ ગઈ. ભીમરાજને કાલે તો રજા મળશે ત્યારે પોતે દાક્તરને શો જવાબ આપશે ? રૂપિયા વગર દાક્તર ભીમાને દવાખાનેથી થોડો લઈ જવા દેશે ? ભાનુ રૂપિયાની ચિંતામાં બેબાકળી જેવી થઈ ગઈ હતી. તેની બેનપણી દામિની દૈયડે બધું સારું થઈ જશે એવી હૈયાધારણ આપી હતી. પણ દામિની રૂપિયા આપવા આવી તત હતી. ભાનું અંદર ને અંદર વલવલતી રહી.

હૉસ્પિટલેથી ભીમાને લઈ જવા ત્રણ ફોન આવી ગયા હતા. પણ રૂપિયા વગર હૉસ્પિટલે જતાં ભાનુને શરમ આવતી હતી. તેને થયું કે આ બધાં મારાં સગાં, સંબંધીઓ મારા દુ:ખમાં સામેલ ન થયાં. મારા નાતીલાઓ પણ દૂર ભાગ્યા. તો પછી તેની સાથે હવે સંબંધો વધારવા પણ નકામા છે.

બીજે દિવસે દવાખાનાની એમ્બ્યુલન્સ ભીમા ભીમરાજને મૂકવા આવી. ભાનુ નવાઈમાં પડી ગઈ. દાક્તરનું બિલ તો ચૂકવાયું ન હતું. તો કોણે નાણાં ચૂકવ્યાં ? પછી તેને થયું કે દામિનીએ જ આ રૂપિયા દાક્તરને ચૂકવ્યા હશે. તેણે મનોમન દામિની દૈયડનો આભાર માન્યો.

આ વાતને એક મહિનો થયો છતાં કાળુ કાગડો ભીમરાજની ખબર કાઢવા ન આવ્યો. આથી ભાનુને દુ:ખ થયું. બેયની વચ્ચે અબોલા ભલે હોય પણ માંદા માણસની ખબર મૂંગા થઈ બહાર બેસીને તો કાઢી શકાય ને ? આવો ભાઈબંધ શા કામનો ? હવે અબોલા અબોલા જ રહેવા દેવાનું તેણે નક્કી કરી લીધું.

બે મહિના પછી કાગડો એક ડાળમાં ફસાયો. તેમાં તેનો એક પગ ભાંગી ગયો. તેને પણ દાક્તર ગરૂડના દવાખાને દાખલ કર્યો. બધાં પંખીઓ તેની ખબર કાઢવા દવાખાને ગયાં. પણ ભીમો ભીમરાજ ન ગયો.

દાક્તર ગગલો ગરૂડ અને ભીમો ભીમરાજનાં મકાન સામસામે જ હતાં. એટલે તે ભીમરાજને ઓળખતો હતો. ગગલા દાક્તરે દવાખાનામાં કાળુ કાગડાની ખબર કાઢવા આવતાં પંખીઓમાં ભીમરાજને ન જોતાં માનસી મેનાને આ અંગે પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે કાળુભાઈ અને ભીમાભાઈને અબોલા છે.

એ સાંજે દાક્તર ગગલો ગરૂડ ભીમા ભીમરાજને ઘેર ગયો અને કાળુ કાગડાની માંદગીની વાત કરી ત્યારે ભાનુ બોલી કે અમારે તેની સાથે અબોલા છે. તેની સાથે હવે સંબંધો પણ નથી રાખવા ! ત્યારે ગરૂડ ગગલો બોલ્યો : તમને શું એ વાતની ખબર નથી કે ભીમાના ઓપરેશનનો બધો ખર્ચ આ કાળુ કાગડાએ જ ઉઠાવ્યો છે. થોડા ઘટતા રૂપિયા તેણે સોનબાઈ સમડી પાસેથી વ્યાજે લઈને મને ચૂકવી આપ્યાં છે.

ગગલા ગરૂડની વાત સાંભળી ભાનુ તથા ભીમો નવાઈ પામી ગયાં ને બંને દોડ્યાં કાળુની ખબર કાઢવા. કાળુ પથારીએ પડ્યો હતો. ભીમાએ તેના પગ પકડી લઈ માફી માગી ત્યારે કાળુ બોલ્યો : ભીમરાજ ! તું મારો ભાઈબંધ છે. આપણી વચ્ચે બહારથી અબોલા થયા છે. પણ હૃદયની દોસ્તીને કયાં અબોલા થયા છે? તું મારા જીવ કરતાં વધારે વહાલો છે. તું જ્યારે દવાખાનામાં હતો ત્યારે મને ખબર જ હતી કે ઓપરેશનના રૂપિયા ભરી શકે તેવી સ્થિતિ તારી નથી. રૂપિયાના વાંકે તને મરવા થોડો દેવાય ભાઈ ! મેં એ નાણાં ભરી દઈ આપણી ભાઈબંધી નિભાવી છે. આમાં મેં કોઈ ઉપકાર નથી કર્યો

કાળુની વાત સાંભળી ભીમો અને ભાનુ ચોધાર આંસુએ રડી પડ્યાં ને કાળુને બાથમાં લઈ તેની ખાનદાનીને બિરદાવી. પછી બંને મિત્રોના અબોલા તૂટી ગયા ને જીવ્યા ત્યાં સુધી બેય એકબીજાના પડછાયા બનીને રહ્યાં.

જોયું બાલમિત્રો ! કાળુ અને ભીમાની ભાઈબંધી અંતરની ગાંઠ હતી. એ કદી છૂટે જ નહિ. જે દુ:ખમાં કામ આવે તે જ સાચો મિત્ર. તમે પણ તમારા મિત્રોને તેના દુઃખના સમયે જરૂર મદદ કરજો હોં…