કેટલી વાર કેહવું
“તને તે મારે કેટલી વાર કહેવું?” આ વાક્ય ઘણાં ઘરોમાં સાંભળવામાં આવે છે.
મા કે બાપ બાળકને એક વાર કહે છે, બે વાર કહે છે, ત્રણચાર વાર કહે છે, અને જ્યારે બાળક માનતું નથી ત્યારે મા બાપ કહે છે : “અરે! તને તે મારે કેટલી વાર કહેવું?”
મા કે બાપના ત્રણચાર ભડાકા ખાલી જ જાય, અને પછી જ્યારે કડકાઈ થી અને કંટાળાથી તે બોલે ત્યારે બાળક ઊભું થાય અને જે કરવાનું હોય તે કરે.
માબાપ કે બાળક બેમાંથી એકેય માટે આ સ્થિતિ સારી નથી. માબાપને ત્રાસ થાય છે અને બાળક વધારે ને વધારે નીંભરું બને છે.
આનો ઉપાય હોવો જોઈએ અને થવો જોઈએ. પ્રથમ તો મા કે બાપે હુકમ આપતી વખતે વિચારવું કે અમુક હુકમ કરવા જેવો છે કે નહિ. જો અશક્ય હુકમ હોય તો કરવો જ નહિ, અને તે પળાય તે માટે વારંવાર કહેવું જ નહિ.
થઈ શકે તેવો હુકમ કે કથન હોય તો સમય કે સ્થળ જોઈને તે કરવો.
બાળક એવા જ કામમાં કે મનની સ્થિતિમાં હોય કે કહેલું નકામું જશે, તો જરા રાહ જોઈને કહેવું. ઘણી વાર બાળકોને આપણે માટે રાહ જોવી પડે છે, ધીરજ કેળવવી પડે છે; એમ જ આપણે પોતે પણ રાહ જોતાં અને ધીરજ કેળવતાં શીખવું જોઈએ.
સામાન્યતઃ આપણે એક જ હુકમે પતાવવું જોઈએ. બે વાર હુકમ કરવો જ નહિ. એક વારે ન પતે તો વિચારવા બેસવું કે શા માટે એમ બન્યું?
બાળકોનું તો એવું છે કે જેવું આપણે ચલવીએ તેવું તેઓ પણ ચલવે. જો બેચાર હુકમ પછી જ્યારે આપણે તાડૂકીને બોલીએ ત્યારે જ કામ કરવું એવી ટેવ બાળકોમાં આવી, એટલે નિરાંતે બાળકો તેટલું તો ચલવી લે.
આકળા થઈને અને અકળાઈને હુકમ કાઢવા જ નહિ. જે કામ માટે કહેવું હોય તે કામ વિવેકથી કરાવવું, અને જેમ આપણે બીજા મોટી ઉંમરના માણસો પાસેથી સરલતાથી કામ લઈએ—દઈએ છીએ તેમજ નાનાં બાળકો સાથે વર્તવું.
આપણી પોણી ભૂલ બાળકો નાનાં છે એટલે માનને પાત્ર નથી એમ માનવામાં રહેલી છે. બાળક વિષેનો આ નાનો ખ્યાલ આપણે કાઢી નાખવો જોઈએ.
વળી જ્યારે બાળકો બેચાર હુકમો જ માને તેવી સ્થિતિ આવી લાગે ત્યારે આપણે તે બાબતની વાતો બાળકો સમક્ષ ન કરવી; તેથી તો તેઓ વધારે નઠોર અને રીઢાં થાય છે. કદી પણ તેમને વિષે સારી કે નરસી વાતો તેમની હાજરીમાં ન કરો.
ઘરમાં બેચાર જણાં હોય અને એકબીજાના મતો એકબીજાથી જુદા હોય ત્યાં બાળકો બહુ ફાવી જાય છે. જે મત જે વખતે બાળકને ગમે તે વખતે તે તેના પક્ષમાં જાય છે. આથી બાળક એક વાર એકમાં તો બીજી વાર બીજામાં ભળીને સૌને બેવફા બને છે, અને બધાંને કેમ ઠગવાં તે શીખે છે. કેટલીક બાબતો પર ઘરનાં માણસોમાં કદાચ મતભેદ હોય તો પણ બાળકો સામે એ મતભેદ જાહેર કરી બાળકોને ગોટાળામાં નાખવાં નહિ, પણ બાળકોનો તો જે સર્વમાન્ય મત હોય તેની ભૂમિકા ઉપર તેમને રહેવા દેવાં એ સારું છે.
ખરી રીતે બાળકોને ખેંચી ખેંચીને આપણા તરફ લેવાની જરૂર નથી. તેઓ પોતાને ગમશે ત્યાં સુધી તેમ રહેશે, પણ જ્યારે આપણા હુકમો પાલવશે નહિ ત્યારે તેઓ ખસી જશે.
બે ચાર પાંચ વાર કહ્યા છતાં બાળકો સાંભળતાં કે માનતાં નથી તેનો અર્થ એ છે કે બાળકોને માબાપ પ્રત્યે સન્માનની ભાવના નથી, તેમ જ માબાપનો તેમના પર બોજ પડતો નથી. માબાપનો અંદર અંદર બોજ ન પડે તેવી સ્થિતિ હશે ત્યાં બાળકો કોઈને ગણકારશે નહિ.