જો આપ એક માતા પિતા છો અને આ લેખ જો તમે વાંચી રહ્યા છો તો મારે તમને એક સવાલ પૂછવો છે કે જો આપ આપના બાળકને સૌથી ઉત્તમ ભેટ આપવા માંગો છો તો તે શું હોઈ શકે ?

રમકડાં… રંગબેરંગી કપડાં…. મોબાઈલ… કે પછી બીજું કંઈ !!!….

જો આનો જવાબ તમને મારી પાસે થી જોઈતો હોય તો તેનો જવાબ છે…

આપનો સમય અને એક વાર્તા…

હા.. તમે એ જ વાંચ્યું..

આપનો સમય અને એક વાર્તા…

હમણાં જ મને એક શાળાના બાળકો માટે વાર્તા કહેવાનો અવસર મળ્યો, જે મારા માટે ખૂબ ઉત્સાહ વર્ધન કરનારો અને બાળકોના નિર્દોષ પ્રેમની અનુભૂતિ કરાવનારો રહ્યો..

હું એમાંથી એકપણ બાળકને વ્યક્તિગત રૂપે ઓળખતો નથી, વાર્તા કથન પૂરું થયા પછી કઈંક આવું થયું…

— કેટલાક બાળકોએ જાતે વાર્તા બનાવી અને તરત કહેવા માટે ઉત્સુકતા બતાવી.

— તેઓ બીજી એક વાર્તા સાંભળવા ખૂબ ઉત્સુક હતા અને તે માટે મને વિનંતી કરવા લાગ્યા.

— તેમની બોલી અને તેમના અંદાજમાં વાર્તા કથન માટે પ્રતિભાવ આપવા લાગ્યા જે મને ખૂબ મીઠા લાગ્યા.

— કેટલાક બાળકો મને પ્રાણીઓનો અવાજ ગળામાંથી કાઢવા કહેવા લાગ્યા, મેં તેમ કર્યું અને પછી તેઓ પણ પ્રાણીઓના અવાજ કાઢવા લાગ્યા… તેમને ખૂબ જ આનંદ આવતો હતો.

— ઘણાબધા બાળકો મને કહેવા લાગ્યા કે મને તમારી સાથે ફોન પર વાત કરવી છે મને તમારો નંબર આપો, મેં ટાળવા પ્રયત્ન કર્યો તો તેઓ મને Chat box માં તેમના નંબર મોકલવા લાગ્યા.

આ આખી પ્રક્રિયાની એક એક ક્ષણ હું જીવી રહ્યો હતો, તેને મહેસૂસ કરી રહ્યો હતો, નિર્દોષ સાચા પ્રેમની, એક લગાવની અનુભૂતિ થઈ રહી હતી, રોમે રોમ મારું ખીલી રહ્યું હતું અને એવું લાગતું હતું કે આ બધા બાળકોને ઉઠાવીને હવામાં ઉડી જાઉં.

આ બધું હું અહીં લખી રહ્યો છું તેનું એક કારણ તમને એ કહેવાનું છે કે બાળકો વાર્તા સાંભળવી ખૂબ પસંદ કરે છે અને તેઓ પોતાની કલ્પનામાં વાર્તાઓને જીવે છે.

કુદરત / ઈશ્વરે આપણે સૌને કલ્પનાશક્તિ ની એક ખૂબ મોટી ભેટ આપી છે.

આપ માતા પિતા જો આપના બાળપણને પણ યાદ કરશો તો તમને જણાશે કે તમને પણ બાળપણમાં વાર્તા સાંભળવી ખૂબ ગમતી હતી.
બાળકો ને વાર્તા શા માટે પસંદ હોય છે !!!…

— કલ્પનાઓમાં બાળક એ બધું જ થતું જોઈ શકે છે જે તે કરવા માંગે છે.

— વાર્તાના દરેક પાત્રના અહેસાસ ને તે જીવે છે, સમજે છે અને તેના દ્વારા તેમનું ભાવ નિર્માણ થાય છે અને ભાવ વિશ્વ બને છે.

— વાર્તાઓ માં બાળકો રોમાંચ, સાહસ, ડર, કરુણા, હસી મજાક, મોઢાના હાવભાવ આ બધું જુએ, અનુભવે છે, તેનાથી તે સહજ રીતે શીખે છે.

— વાર્તા સાંભળવાથી તે પોતાનું એક ભાવ જગત બનાવે છે અને તેમાં કલ્પનાશક્તિ દ્વારા પોતાની વાર્તાઓ બનાવે છે, જે તેમના ભાવનાત્મક વિકાસ માટે ખૂબ ઉપયોગી છે.

— વાર્તાઓ દ્વારા જીવનના મૂલ્યો ને સહજ રીતે શીખવાનો તેમને અવસર મળે છે, તેના દ્વારા તેમના ચરિત્રનો વિકાસ થાય છે, મૂલ્યોનું મહત્વ સમજે છે અને તેનું આચરણ પણ કરે છે.

— વાર્તાઓ સાંભળવાથી તેઓ સંવેદનશીલ, સહિષ્ણુ બને છે, શૌર્યવાન અને નિડર બને છે, બીજાને માફ કરવા, દયા કરવી, મદદ કરવી આવા ઘણાં બધાં જીવનલક્ષી ગુણોનું સિંચન થાય છે.

— વાર્તાઓમાં આવતી કવિતાઓ તેમને જલ્દી યાદ રહી જાય છે કારણકે તે વાર્તાઓના પાત્રોની સાથે જોડાયેલી રહે છે.

— વાર્તાઓ સાંભળવાથી તેમનામાં સહજ રીતે વિવેકનો જન્મ થાય છે, જે તેમને પોતાના અસલ કાર્યો અને જીવનમાં નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે.

— તેમના માટે વાર્તા સાંભળવી એ એક એવો અનુભવ છે કે જેનાથી તેમના મનને ઊંડી તૃપ્તિ અને સંતોષ મળે છે, તેમની આતુરતા નું શમન થાય છે, મન નો વિસ્તાર થાય છે, ભાવ જગત અને કલ્પનાશક્તિ નો ફેલાવો કરે છે અને તેમને વધુ ઊર્જાવાન બનાવે છે.

હું એવું માનું છું કે આપ પણ આપના બાળકોને ખૂબ પ્રેમ કરો છો અને આ લેખ જો આપના હૃદયને સ્પર્શ કરતો હોય તો તમને મારો સવાલ એ છે કે…

શું આપ આપના બાળકોને વાર્તા કહેશો અથવા તેવી વ્યવસ્થા કરશો ?

શું આપ આપના બાળકો વાર્તા કહે તે માટે તેમને પ્રોત્સાહિત કરશો ?

જો આપ એવું કરો છો તો ચોક્કસ પણે એવું માનજો કે આપ આપના બાળપણ નો એક ટુકડો બાળક સાથે વહેંચી રહ્યા છો.

આપ જો આમ કરો તો આપનો અનુભવ જણાવશો.