બાળકોને બસ દુનિયામાં રમતા મૂકી દો
મા— બાપ યાદ રહે,
સંતાન તમારા છે તે ખરું
પણ તમે સંતાન નથી.
અને સંતાન જન્મે છે, એન્ટ્રી લે છે સંસારમાં. સરેરાશ મા — બાપે નકશો બનાવી રાખ્યો હોય છે તેની જિંદગીનો. ડૉકટર પોતાના સંતાનને ડૉકટર, વકીલ કે રાજકારણી કે ઉદ્યોગપતિ બસ પોતે જે છે તે જ તે બને તે સ્વપ્ન નિહાળે છે. પોતાની મરજી સંતાનની મરજી પર થોપી છે. જાણે સંતાન ઝેરોક્ષ છે. બસ એક ક્લોનથી વિશેષ કશું જ નહી.
અને તો પછી વૈજ્ઞાનિક સારાભાઈ કે અબ્દુલ કલામ કે ચાઇના વોલ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે સરદાર કે ગાંધી કે રવીન્દ્રનાથ ટાગોર કે અમિતાભ બચ્ચન કે સ્વામી વિવેકાનંદ કે જગતગુરુ શંકરાચાર્ય ક્યાંથી મળે?
દરેકની મરજી, રુચિ, અભિગમ, સ્વપ્નો એક કેવી રીતે હોય? દુનિયાને જુદા જુદા રંગો છે માટે સુંદર છે. દરેક ઘરની ડિઝાઇન જુદી જુદી છે માટે ગમે છે. દરેક ઘરની દીવાલના, રૂમના રંગો એક નથી માટે ઘર રંગીન લાગે છે. આકાશ છે, સિતારા, ચંદ્રમા, સૂર્ય, નક્ષત્ર દરેકનો અજવાસ જુદો જુદો છે માટે તો તે વધુ ગમે છે. ફૂલોનાં રંગ જુદા, સ્વરૂપ જુદા, મ્હેંક જુદી માટે તો બાગનું સૌદર્ય છે. પતંગિયા છે તેની ડિઝાઇન, રંગ, અદા અલગ અલગ છે માટે ફૂલોના સંગાથી છે. સંગીતના સુર અલગ છે નદી, દરીયા, ઝરણાંમાં પાણી તો છે પણ તરંગોની અદા એક નથી અંદાઝ એક નથી.
તમે જે વસ્ત્રો પહેરો છો, તેની ડીઝાઇન પસંદ કરો છો. તે જુદાંજુદાં કેમ પહેરો છો? જુદી જુદી પસંદ કરો છો, કેમ?
સંતાન લશ્કરના સિપાહી નથી કે એક યુનિફોર્મમાં હોય. મા—બાપ તમે તેના કસ્ટોડિયન છો, માલિક નહી. તમે રાહ— ગીર જરૂર પણ મંઝિલ નથી. તમે તેને તેના સ્વપ્નોનો પિંડ નક્કી ન કરો ફકત માટી ધરો. તમે આંગળી પકડી આંગણાની બહાર સુધી જરૂર દોરી જાવ તેનું આકાશ તે શોધી લેશે.
બસ તમારી જીદ કે કદાચ તમારો અહમ કે સમાજ તમને અહોભાવથી નિહાળે તે મોહ..કે..કે ના તમારા બાળકો એમ્બેસેડર નથી.
તમે તેને સ્પેસ આપો, તેની મરજી ને સ્વીકારો. તેમને સજાવેલા સ્વપ્નોના facilitator બનો. અંધકારમાં એક દીપક લઇ તે નીકળી પડ્યાં છે બસ તે દીપકને હથેળી ધરો. દિશા એક નથી. તત્વ એક નથી. મન એક નથી. રુચિ કે મરજી એક નથી કેમકે દરેક ને પોતાની બુદ્ધિ છે, પોતાનું હૃદય છે જેમ તમોને છે.
તમારા સંતાનોના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કરો તેની અલગ પહેચાનનું અભિવાદન કરો.
તમારે કશું જ ગુમાવવાનું નથી. તમારા બાગનું તમારી બાળક એક પ્રફુલ્લિત ફૂલ હશે. તમને મોહતું ગમતું બાગને સજાવતું અનોખું ફૂલ. તે તમારૂં સંતાન છે. તેની મ્હેંક માણો તેને નકારો નહી.
બસ તમારા તરફથી આ છે તો તમે તમારી આ પરીક્ષામાં ફુલ્લી પાસ છો.