માતૃભાષાના સંવર્ધન માટે : બાળ ગ્રંથાલયો
“વાંચે ગુજરાત“ અભિયાન પુર જોશમાં હતું. ત્યારે ભાવનગરની સામાજિક સંસ્થા શિશુવિહાર દ્વારા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની ૮૦ અને જિલ્લા પંચાયત સંચાલિત ૫૪૨ ગ્રામ્ય શાળાઓમાં ૩,૭૯,૧૦૦ બાળકો માટે ૪૬,૪૦,૦૦૦ની કિંમતનાં ૧,૮૬,૬૦૦ જેટલાં બાળપુસ્તકો ઉપલબ્ધ મુકવામાં આવ્યાં.
બકોર પટેલ, ગિજુભાઈની વાર્તા, હિતોપદેશ, બિરબલની ચતુરાઈ, જીવરામ જોષી, પંચતંત્ર, છક્કો—મકો પ્રકારે ૩૮૬ પુસ્તકો શાળાને અર્પણ કરવામાં આવેલ. ગુજરાતના જાણીતા બાળકેળવણીકાર શ્રી પ્રવીણભાઈ શાહ, દમુબહેન મોદી, રક્ષાબહેન દવેની આકરી પરીક્ષામાં પસંદ થયેલા અને બાળકોને વહેમ, અંધશ્રદ્ધા, જંતર—મંતરની ચાલાકીથી દૂર રાખતાં પુસ્તકોનો પુસ્તકાલયમાં સમાવેશ કરવામાં આવેલા.
પ્રવૃત્તિના પ્રારંભે શાળાઓમાં શિક્ષકો માટે એક દિવસીય તાલીમ ગોઠવી તેઓને બાળકોના ઘડતરમાં અને બાળકોના સામાજીકરણમાં વાર્તાની જરૂરિયાત વિષયે વાત કહેવામાં આવી, પુસ્તકાલય સંચાલનની પદ્ધતિઓના વૈજ્ઞાનિક અભિગમથી વાકેફ કરવમાં આવ્યા. બાદ ગુજરાતના જાણીતા વિકાસચિંતક સાહિત્યકારોના વરદ હસ્તે પુસ્તકો આપવામાં આવ્યાં.
સમયાંતર આ પ્રવૃત્તિને વેગ આપવા લાભાર્થીઓ તેમજ સહભાગી સંચાલકોને માર્ગદર્શન, પ્રેરણા અને ટેકો આપવા પૂ. મોરારિબાપુના સાનિધ્યમાં, ગુજરાત રાજ્યના મા. રાજ્યપાલ શ્રીમતી કમલાજી અને “વાંચે ગુજરાત”ના રાજ્ય કક્ષાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રંથમંદિર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
શિશુવિહાર સંસ્થાએ પ્રાથમિક શાળાના શિક્ષકોની જ સેવા લીધી. નવી પેઢીને વાંચન સાથે જોડવાના પવિત્ર કાર્યનો મહિમા શિક્ષકોથી વધુ કોણ સમજે? આમ છતાં બાળકો દ્વારા પુસ્તકો વંચાય એટલે તુટે—ફાટે એવું બનવાનું હતું. આથી આર્થિક જવાબદારીમાંથી શિક્ષકોને બાકાત રાખી વ્યવહારુ અભિગમ દાખવવામાં આવ્યો. એટલું જ નહીં પણ સંસ્થાનો એક કાર્યકર દર મહિને બાળપુસ્તકાલયની મુલાકાત લઈ ફાટેલાં પુસ્તકો રિપેર કરી આપે અથવા તો બદલી આપે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી.
ગ્રંથમંદિરનું કામકાજ કેમ ચાલે છે? બાળકોને કયાં પ્રકારનાં પુસ્તકો વધુ ગમે છે? બાળક પુસ્તક ઘરે લઈ જાઈ છે, તો પછી તેના ઘરે દાદા — દાદી, નાનાં — મોટાં બહેનને પુસ્તક વંચાવે છે? પુસ્તકની સોબતથી બાળકની પોતાના અભ્યાસમાં રુચિ વધી છે? આ અને આવા પ્રશ્નોના જવાબ શોધવા યુનિવર્સિટીના લાઈબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓની મદદથી એક સર્વે કરવામાં આવ્યો અને શિક્ષકો સાથે એક દિવસીય પરિસંવાદ યોજવામાં આવ્યો એટલું જ નહી પણ ભાવનગર યુનિવર્સિટીના સોશિયોલોજી વિભાગના વિદ્યાર્થીઓને નિમંત્રણ આપી તેમના દ્વારા પુસ્તકાલયની સમાજિક અસર ઉપર વૈજ્ઞાનિક માહિતી તપાસાઈ.
કહેવાય છે કે પુસ્તક સાચો મિત્ર છે. પરંતુ બાળકોએ પુસ્તક સાથે મૈત્રી કેળવી છે કે નહિ તે તપાસવા પ્રાથમિક શાળાનાં ૩૫,૦૦૦ બાળકો માટે વાર્તાકથન કાર્યક્રમ, “મારે વાર્તા કહેવી છે” યોજવામાં આવેલ. વર્ગખંડમાં, શાળા સ્તરે, ત્યારબાદ કેન્દ્રવર્તી શાળામાં, ગ્રામ્ય બાળકો માટે તાલુકા કક્ષાએ અને છેવટે શહેર કક્ષાએ યોજાયેલ પ્રવૃત્તિમાં ૪,૮૦૦ બાળકોએ પોતાનું અને પોતાની શાળાનું નામ ઊજળું કર્યુ. “મારું નામ નિમેશ છે. હું શાળા નંબર ૭ના ધોરણ ૪માં ભણું છું. હું આજે જીવરામ જોષીની વાર્તા કહેવાનો છું. ” આમ કહી પોતાની વાર્તા કહેતાં શ્રમજીવી વર્ગનાં બાળકોનાં ઉત્સાહ, હોશ અને આનંદનું દર્શન લહાવો બની જતું.
માતૃભાષા સંવર્ધન માટે બાળપુસ્તકાલયના પ્રયોગની અસરકારકતા અંગે શિક્ષકોના પ્રતિભાવ મેળવવામાં આવ્યા ત્યારે ગંંભીરસિંહ ચાવડા નામે એક શિક્ષકે કહ્યું, “અમારા તરવડાના મજૂર વિસ્તારનાં બાળકો મા—બાપનાં દોરવ્યાં અને ક્યારેક પૈસા અને નાસ્તાની લાલચે શાળામાંથી ભાગી દારૂની પોટલીની હેરાફેરી કરી નાખે છે. પણ વાર્તાનાં પુસ્તકોએ જાદુ પાથર્યો છે. બાળકો મા—બાપની લાલચને અવગણીને પણ મંગળવારે અચૂક શાળાએ આવે છે. શાળા પૂરી થાય ત્યાં સુધી શાળામાં હાજરી આપે છે અને વાર્તાની ચોપડી લઈ ઘરે જાય છે. ચાવડી ગેટની સ્લમ કોલોનીમાં ધોરણ ૬મા ભણતો મનસુખ ભીખાલાલ બારડ પોસ્ટકાર્ડ લખીને અમને જણાવે છે કે “દર ગુરુવારે મારાં બહેન (શિક્ષિકા) મને વાર્તાની ચોપડી ઘરે લઈ જવા માટે આપે છે. હું રંગ—રંગના ચિત્રોવાળી ચોપડી લઈને ઘરે જાઉં છું ત્યારે મારી દાદી રાહ જોઈને બેઠી હોય છે. દાદીને હું બધી વાર્તા વાંચી સંભળાવું છું.”
બાળપુસ્તકાલયના પ્રયોગથી ૩૫,૦૦૦ બાળકોના શૈક્ષણિક સ્તરમાં શો તફાવત આવ્યો તે આવતા વષોૅમાં ખ્યાલ આવશે. પરંતુ ભાવનગર જિલ્લાની ૧,૨૮૦ પ્રાથમિક શાળાનાં ૯,૯૬,૧૦૦ થી વધુ બાળકો દર મંગળવારે હોંશે—હોંશે બાળપુસ્તકોની આપલે કરે છે. તેથી વધુ ઉત્સાહ પ્રેરક બીજું શું હોઈ શકે?
લોક સહયોગ અને લોક ભાગીદારીથી ભાવનગર જિલ્લાની ૧,૨૮૦ શાળાઓમાં બાળપુસ્તકાલયો મૂકી શિક્ષકો, બાળકો, વાલીઓનાં ૧૧૦૦૦થી વધુ પોસ્ટકાર્ડ—પ્રતિભાવો મળતા માતૃભાષા સંવર્ધનના હેતુને નવું જોમ મળ્યું છે. બાળપુસ્તકોના પ્રકાશન સાથે સંકળાયેલા પ્રકાશનોનો એક દિવસીય પરિસંવાદ યોજી બાળસાહિત્યનું વિશેષ સર્જન થાય તેવો પ્રયત્ન પણ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત વયસ્કો માટે ઘણું લખે—છાપે છે, પણ કુલ વસ્તીમાં ૩૦% હિસ્સો ધરાવતાં બાળકો માટે કંઈ નવું લખાય તેવું જોવા મળતું નથી. આથી ગુજરાત સાહિત્ય પરિષદ અને અકાદમીના ઉપક્રમે લેખક મિત્રોની શિબિર યોજાતી રહે તો ગુજરાતી ભાષા થોડાં વધુ વર્ષ જીવી જશે.
ગુજરાતી ભાષા જીર્ણ થઈ રહી છે. ત્યારે બાળસાહિત્ય બાળકોની પ્રાથમિક ઉંમરે જ માતૃભાષામાં સંસ્કાર બીજ રોપી દેવા સક્ષમ પુસ્તકાલયો વધારવામાં સાહિત્યકારો રસ દાખવે તો ગુજરાતની આવતીકાલ ઉજ્જવળ રહેશે.
ગ્રથંમંદિરની પ્રવૃત્તિ યોજનાબદ્ધ અને અસરકારક રીતે આકાર પામી છે અને તે દ્વારા બાળકોમાં વાંચન, ચિંતન અને વિચાર — વિસ્તારનું અમૂલ્ય સંસ્કાર સિંચન થઈ રહ્યું છે તેનો સહુને આનંદ છે. વાંચે ગુજરાત અભિયાનની એકંદર અસર તરીકે રાજ્યના લાખો આબાલવૃદ્ધો વાંચતા — વિચારતાં થયા છે તે ઊજળી આવતીકાલનું સુભગ દર્શન છે.
આપની વાંચે ગુજરાત પ્રવૃતિ ઉત્તમ છે. સતત ચાલુ રાખશો.