લાલચંદ વોરા ! ગાંધીયુગનું અને બાળ કેળવણી ના ક્ષેત્રનો એક ગૌરવવંતુ નામ

આજની ઘેઘૂર ઘટાદાર વડલા સમી ૯૦ વર્ષની બાળ કેળવણી મંદિર – બગસરાની સંસ્થાના સ્થાપક તથા ૪૦ વર્ષના યુવાન “બાલમૂર્તિ” ના જનક !

૧૮૯૭માં ગર્ભશ્રીમંત – નગરશેઠ ને ઘરે તેમનો જન્મ. કલકત્તામાં કાપડનો મોટો ધંધો. યુવાનીમાં ગાંધીબાપુ ના સંપર્કમાં આવ્યા. તેમના રંગે રંગાયા. મિલકત – ઘર અને શહેર છોડ્યા. સૌરાષ્ટ્રના નાના ગામ બગસરા માં આવી વસ્યા. બાપુના આદેશથી રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી અને સેવાના ઉદ્દેશથી 32 વર્ષની યુવાન વયે બ્રહ્મચર્ય વ્રત લીધું. તેઓ નિ:સ્પૃહી તો હતા જ, હવે સાધુ પુરૂષ જેવું જીવન જીવવા લાગ્યા. પોતાના બે બાળકોના શ્રેષ્ઠ ઉછેર માટે ઈટાલીના મેડમ મોન્ટેસરી નું સાહિત્ય વાંચવા લાગ્યા. પછી ગિજુભાઈ બધેકા ના સંપર્કમાં આવ્યા. તેમના સૂચનથી ૧૯૩૧માં માસિક પાંચ રૂપિયાના ભાડાથી નળીયાવાળા નાના મકાન માં, પાંચ- સાત બાળકો અને કોઈપણ સાધન વિના હૈયાની અનેરી લગનથી વિશ્વ પ્રવાસી એ. કે. બુટવાલા ના હસ્તે બાળકેળવણી મંદિર નો પ્રારંભ કર્યો. સાધનો તો હતા નહીં, તેથી નાચતા, કૂદતા, ગીતો ગાતાં અને વાર્તાઓ કરતાં. ઘેર ઘેર ફરીને બાળકોને બાળમંદિરમાં મુકવા મા-બાપોને સમજાવતા. આમ તેમનું બાળમંદિર સૌરાષ્ટ્રમાં નામના પામવા લાગ્યું.

તે સમયે બ્રિટિશરોનો અને બ્રિટિશ પ્રેમી દરબારો નો! તે બધાની કનડગત ઘણી, છતાંય હિંમત ન હારતાં તેમણે બાલ મંદિર ની સાથે સાથે ખાદી ઉત્પાદન કેન્દ્ર, ચાર્માલય, ઔષધાલય, હરિજન શિક્ષણ, કુમાર તથા કન્યા છાત્રાલય, પુસ્તકાલય, મહિલામંડળ, રેંટીયા-વિતરણ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી. શાંતક્રાન્તિ સમી આ સંસ્થામાં બાલશિક્ષણ તથા રચનાત્મક પ્રવૃત્તિ ને હિસાબે બબલભાઇ મહેતા, તારાબેન મોડક, નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ ભટ્ટ, વિનોબાજી, ઠક્કરબાપા, ઢેબરભાઈ, નરહરિ પરીખ, મનુભાઈ પંચોળી જેવી અનેક હસ્તીઓની આવન-જાવન રહેતી.

સહજતા સેવા સાદગી સત્ય સંતોષ અને જૈન ધર્મ તેમના જીવન ના પાયામાં વણાયેલા હતા.

સમય સરતો રહેતો. પ્રવૃત્તિઓ વિકસતી રહેતી તેઓ વિચારતા કે બાળમંદિર કે શાળામાં તો બાળક ૪ / ૬ કલાક રહે છે. બાકીનો સમય તો બાળક ઘરમાં જ વિતાવે છે. તેથી જ્યાં સુધી વાલીઓ નહીં કેળવાય ત્યાં સુધી તેઓ બાળકને સારી રીતે કેવી રીતે કેળવી શકશે? એ વિચારે તેમને નવી દિશા મળી. (તે વખતના બાળ મંદિરોમાં બાળક મુક્તમને, ભાર વિના વિકસી શકતું, અત્યારનો સમય જુદો છે.) અને ૧૯૮૦માં જાદુગર શ્રી કેલાલને હસ્તે તેમણે બાલમૂર્તિ મેગેઝિનનો પ્રારંભ કર્યો. વાલી કેળવણીના એક ભાગ રૂપે શરૂ થયેલા આ મેગેઝીને શ્રી પ્રવીણભાઈ શાહ – બાલમૂર્તિ ના આદ્ય સંપાદકનો સાથ મળ્યો. બાર વર્ષ આ ક્રમ સુપેરે ચાલ્યો. ત્યારબાદ પોતાની વધતી જતી વય ને લીધે તેમણે બાલમૂર્તિ પૂ. જયંતભાઈ શુક્લ – નૂતન બાલ શિક્ષણ સંઘ, વડોદરા ને સોંપવાનો નિર્ણય લીધો. ૧૯૯૩ થી આ જવાબદારી વડોદરા એ સંભાળી છે. ગુજરાતનું માતૃભાષામાં ચાલતું, બાળકો – વાલીઓ અને શિક્ષકો ને કેળવણી આપતું આ એકમાત્ર મેગેઝીન છે. પૂ. લાલચંદભાઈ ના પ્રનસમું, સંતાનસમું બાલમૂર્તિ હવે નવા પરિવેશમાં આવી રહ્યું છે. નવા જમાનાને હંમેશા બિરદાવતા અને સમય સાથે તાલ મિલાવતા દીર્ઘદ્રષ્ટિ લાલચંદભાઈ જો આજે જીવતા હોત તો વડોદરા ને જરૂર શાબાશી આપત.