એક જમાનામાં આપણા દેશમાં બાળક મોટાંઓની સાથે રહેતું, કામ કરતું, ઊછરતું, નાની બાળકી માથે ઓઢતી, બાળક પાઘડી પહેરતો. રવીન્દ્રનાથ પ્રાથમિક શાળામાં પાઘડી પહેરીને જતા ! બાળકને પણ વ્યક્તિત્વ છે. તેને પણ ગમવા અને અણગમવાપણું હોય છે. બાળકને મોટામાં ખપવું ગમતું હોય છે. બાળક સમાજનું એક અંગ છે, સ્વાભાવિકતા, સ્વમાન અને ગૌરવથી તેને તેમાં જીવવા અને ભળવા દો. મોટાંઓ તેને પોતાના તુક્કા અને મઝા માટેનું રમકડું ન ગણે.

આ વાત બાળકના મુખે લેખમાં મુકાઈ છે. બાળકની લાગણીઓમાં જરા ડોકિયું કરવા માટે

“કોણ જાણે તમે અમને જોઈ મોઢાના ચાળા કેમ કરતાં હશો? ગાલ ફુલાવો, આંખો પટ પટ કરો! એ તો કાંઈ સારું લાગે ? પછી જાતજાતના વિચિત્ર અવાજો કરો, આંગળાં અને હાથ હલાવો અને અમારા ગાલ તાણો, હોઠે તમારો હાથ લગાડો, નાક અડાડો, બચ્ચી ભરો, ગલગલિયાં કરો અને બહુ તાનમાં આવી જાવ તો ચીઢવો, રડાવો. પછી અમને ખાવાનું આપી લલચાવો, પૈસા આપવાની વાત કરો અને છાનાં રાખો. લાડમાં મારવાની ધમકી આપો. બીજાને મારવાનું કહો, પોતે ગાંડુંઘેલું બોલો અને અમારી પાસે બોલાવો. એ બધું તમારો વિનોદ અને ગમ્મત કહેવાય. જ્યારે ત્યારે તમે અમને ઝડપી લો, ઉછાળો, દબાવો. આ બધું તમને ગમાડવા કે અમને ગમાડવા કરો છો ? અમને ગમે છે કે નથી ગમતું એ કાંઈ તમે વિચાર્યું છે ? અમે ચિડાઈને રડવા લાગીએ તો રોતલ કહી ગણકારો નહીં. વધુ ઘેલાં કાઢો. અમને નાની ખુરશી પર જમાડો અને જુદા વાસણ આપો તે અમને નથી ગમતું. અમને તો મોટા થવું છે. અમારા પપ્પાની જેમ, અમારા દાદાની જેમ અમે હજામતની પીંછી લાગ મળતાં ઝડપી લઈ મોઢું આખું સાબુના ફીણથી ભરી દઈએ. જોતા નથી મને તમારાં મોટાં મોટાં જોડાં પહેરી, તમારાં કપડાં પહેરી મૂછ ચીતરી મોટા થવું કેમ ગમે છે ? બીડીનું ટૂંઠું હાથ લાગે તો પી લઉં છું. મને તો મમ્મી જેવો ચાંદલો, લિપસ્ટિક તથા નેલપૉલિશ પણ ગમે. તેની સાડી પણ. તમે અમને ભૂલકાં કહો છો. એ શબ્દ ક્યાંથી લાવ્યા ? મારે પણ એક નામ છે. તમે જાણતાં નથી?”

“મારે માટે કેવાં પુસ્તકો બનાવી આપો છો ? મને કેવી વાર્તા કહો છો, ગીતો ગવડાવો છો ? તમે નાટક કરાવો, રમાડો. એવું નથી કે તમારી કલ્પના કે ખ્યાલમાં હોય તેટલું જ સમજું છું. હું વધારે સમજી શકું છું તે તમે કેમ ભૂલી જતાં હશો ?”

 

બાળકને મનગમતી ક્રિયાઓ કરવાની સ્વતંત્રતા

મળે છે અને એની સ્વયં સ્ફૂર્તિ અને હૈયા-

ઉકલત ખીલે છે અને એમાંથી જ એને નવાં

નવાં સર્જન કરવાનું સૂઝે છે….