પ્રત્યેક કળા આનંદદાયી છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, સાહિત્ય – એમ વિવિધ ક્ષેત્રે કળા વિલસે છે અને માનવમાત્રનું મન રંજન કરે છે, મુગ્ધ કરે છે અને વિશેષ તો સંસ્કારે છે. આ બધી કળાઓમા સાહિત્યનું સ્થાન ઊંચેરું છે. આથી માનવ-સમાજ કળાકારોમાં સાહિત્યકારોને વિશેષ આદર આપે છે અને લાંબા સમય સુધી તેમને તેમની સરજેલી કૃતિઓ સાથે સંભારતા રહે છે.
આમ તો પ્રત્યેક બાળક એક યા બીજી સર્જન- શક્તિની સંભાવના સાથે અવતરે છે અને ભવિષ્યમાં પોતાને અનુકૂળ પડે તેવા ક્ષેત્રે ઝંપલાવે છે અને તે જે તે ક્ષેત્રે નવીન સર્જન પણ કરે તેવું બની શકે છે. વાલીએ તેને ઓળખી-પારખીને વિકસવાને વાતાવરણ પૂરું પાડવાનું છે. બાળક પોતાની સંભવિત સર્જન-શક્તિથી સભાન હોતું નથી. નથી તો એ વિકાસ-પોષક વાતાવરણ રચી શકતું. એ માટે તો એ પોતાના વાલી પર આધારિત હોય છે. પરિવારનું વાતાવરણ તો વાલી દ્વારા અભાનપણે કે સભાનપણે રચાતું હોય છે. એ વાતાવરણના નિર્માણમાં વાલીઓનું વલણ, વ્યવહાર, ભાષા, વ્યવસાય, શોખ, સંવાદ, સુવિધા, ભાંડુ, સંગત, સગાં-સ્નેહી, પોળ, પડોશ વગેરે અનેક બાબતો અસરકારકતા ધરાવે છે.
પોતાને પ્રાપ્ત થતા વાતાવરણ વિશે બાળક ભાગ્યે જ સભાન હોય છે; પરંતુ પુખ્ત વયે વ્યક્તિ બચપણમાં પોતાને કેવું પારિવારિક વાતાવરણ મળ્યું હતું તે વ્યક્ત કરી શકે ખરા. એ રાહે કેટલાક પ્રસિદ્ધ સાહિત્ય-સર્જકોનો સંપર્ક સાધતાં જે ચિત્ર પ્રાપ્ત થયેલ છે તેનાં તારણો વાલીઓ માટે અવશ્ય દિશાદર્શક બની રહેશે. સૌ પ્રથમ તો જે સર્જકોએ પોતાના ઘડતરમાં માતા તેમજ પિતાનો સંયુક્ત રીતે નિર્દેશ કર્યો હોય તેમની કેફિયતો જાણીએ.

માવતર :

વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી (૪.૧૮૯૯) : “મારા માતા-પિતા પછી જ ગુજરાતી સાહિત્યસૃષ્ટિમાં પ્રવેશ શિક્ષકો થકી થયો.’”
હરીશ નાયક (૧૯૨૬) : “મારા પિતાજી રાતના અમને બાળકોને ભેગાં કરીને ઘણી બધી વાર્તાઓ કહેતા. અમારાં બા પણ અમને બેસુમાર વાર્તાઓ કહેતાં.”
જયંત કોઠારી (૧૯૩૦) : આ સાહિત્યકારે માતાના મુખેથી ઓઠાં સાંભળ્યાં અને તેમના મોટા ભાઈએ ઘરમાં ગાંધી-સાહિત્ય વસાવ્યું હતું.
0 તુલસીભાઈ પટેલ (૧૯૩૯) : ‘માતા નિરક્ષર ગૃહિણી હતાં. તેઓ હલકભેર હાલરડાં, ગીત વગેરે ગાતાં… પિતાજી સૂતાં પહેલાં સરસ બાળવાર્તાઓ કહેતા.’
ભદ્રાયુ વછરાજાની (૧૯૫૫) : ‘જન્મ્યો ત્યારથી કુટુંબમાં બધાને કશુંક વાંચતાં અને લખતાં જ ભાળ્યા છે ! મા ઓછું ભણેલી પણ અંગ્રેજી ફક્કડ બોલી જાણતી. પિતાશ્રીએ રોજના હિસાબથી લઈને છાપાંની ગમતી કટારમાંથી ફકરાઓ ડાયરીનાં પાને ઉતારતા મેં તેઓની વિદાય સુધી જોયા છે.’
રાજુલ દવે (૧૯૫૬) : ‘સવારે ભજન સાંભળતાં દિવસ ઊગે અને રાત્રે વાર્તા સાંભળતાં નિદ્રાધીન થવાનો ક્રમ જીવનનાં પહેલાં બાર વર્ષ રહ્યો.’
સંસ્કૃતિરાણી દેસાઈ (૧૯૫૮) : ‘જ્યારે સાહિત્યક્ષેત્રે મારા પ્રવેશ, ઘડતર કે ઉત્તરોત્તર વિકાસ કરવાની વાત કરવાની હોય ત્યારે બધું જ શ્રેય કવિ, નિબંધકાર અને ચિંતક એવા મારા પપ્પા અને આધુનિક વાર્તાકાર મારાં મમ્મીને જાય છે.’
ભીખુ વેગડા ‘સાફલ્ય’ (૧૯૬૯) : ‘મારાં માતા-પિતા અભણ અને ખેતમજૂર હોવા છતાં અમારા શિક્ષણ માટે તેઓએ પૂરેપૂરી નિસ્બત અને નિષ્ઠા દાખવી.’
માતા :
રસિક મહેતા (૧૯૩૨) : ‘માતાને ઇતિહાસનો અને અન્ય સાહિત્યવાચનનો પુષ્કળ શોખ હતો. એમની પાસેથી મને ઇતિહાસપ્રેમનો વારસો મળ્યો.’
વિષ્ણુકુમાર એ. મહેતા : ‘માતુશ્રીએ બાળપણમાં સંભળાવેલ પૌરાણિક-ધાર્મિક કથાઓને લીધે વાર્તા સાંભળવાની ઉત્સુકતાનાં બીજ વવાયાં.’
0 ધીરજ બ્રહ્મભટ્ટ (૧૯૪૨) : “મારી સાહિત્યિક સિદ્ધિઓમાં મારાં માતુશ્રીનો ફાળો છે. માતાના મધુર અવાજે સાંભળેલ હાસ્યરસિક વાર્તાઓથી વાર્તાનો ચસકો લાગ્યો, જે માધ્યમિક શિક્ષણ દરમિયાન સાહિત્યિક શોખમાં ફેરવાયો.’
ધીરેન્દ્ર મહેતા (૧૯૪૪) : “માતાએ સંસ્કારો ખીલવવામાં તેમજ રૃચિ કેળવવામાં રસ લીધો… ખાસ કરીને ભાષાશિક્ષણ પર ઘણો ભાર મૂકતી.’
0 રવજીભાઈ કાચા (૧૯૪૫) : વિવિધ ધાર્મિક તહેવારોમાં બચપણ વખતે આ લેખક બા સાથે ખાસ જતા. તેનાં બે કારણો હતાં : એક, વાર્તા સાંભળવી ગમતી અને બીજું, પ્રસાદ મળતો !
દાદા અને પિતા :
જમિયત પંડ્યા “જિગર’ (૧૯૦૬) : ‘…પણ આ (સાહિત્ય) ક્ષેત્રે મારા સાચા ગુરુ તો મારા પિતામહ અને મારા પિતા હતા. જેમણે મને કાવ્યની દીક્ષા આપી. પિતાશ્રીએ સંસ્કૃતિનો અભ્યાસ અને મહાકાવ્યોનો અભ્યાસ કરાવ્યો….’
0 નટવરલાલ પ્ર. બુચ (૧૯૦૬) : ‘હાસ્યરસમાં સર્વ પ્રથમ તો મારા પિતાની સહજ વિનોદવૃત્તિ અને હળવી રમૂજો કરવાની ફાવટ મારા પર ઊંડી વારસા- પ્રાપ્ત અસર છે.
0 રણજિત પટેલ ‘અનામી’ (૧૯૧૬) : ‘ભક્તિમય જીવન જીવતા મારા દાદા અને પિતાના મુખેથી માંડ દસ-બારની વયે નરસિંહ, મીરાં, સુરદાસ, તુલસીદાસ, દયારામ, નિષ્કુળાનંદનાં પદો-ભજનો અને ફોઈબાના કંઠેથી અનેક લગ્નગીતો સાંભળવાનો લહાવો મને પ્રાપ્ત થયેલો.’
સુરેશ હ. જોશી (૧૯૨૧) : ‘સૌ પ્રથમ ગુરુ મારા દાદા. તેઓ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક હતા. છંદરચના એમની પાસેથી શીખ્યો. પોતે કથાકાવ્યો લખતા. એના સંસ્કાર મન પર પડ્યા.’
ધર્મેન્દ્ર મ. માસ્તર “મધુરમ્‌’ (૧૯૨૬) : ‘પિતાની પ્રેરક દોરવણી મળતી જ હતી. તેઓ શિક્ષક હતા અને સાહિત્યના શોખીન, એમની પાસેથી જ કદાચ સાહિત્યપ્રીતિ મને મળી છે. મારા દાદા પણ શિક્ષક હતા અને લોકપ્રિય બનેલા. આમ શિક્ષણનું કામ અને સાહિત્યપ્રીતિ મને કૌટુંબિક વારસામાં મળેલ છે.’
જશવંત મહેતા (૧૯૩૦) : ‘આ સાહિત્યકારના પિતાજીએ પુત્રને ‘રામાયણ’, ‘મહભારત’ અને ‘શ્રીમદ્‌ ભાગવત’ની કથાઓ કહી હતી.
હરિકૃષ્ણ પાઠક (૧૯૩૮) : ‘આ સાહિત્યકારના પિતા શિક્ષક હતા. તેઓ પુત્રને વિવિધ સામયિકોમાંથી વાર્તાઓ, લેખો, ક્યારેક કાવ્યો પણ વાંચી સંભળાવતા ને ગુજરાતી ભણાવતા ત્યારે કેટલાંક ગીતો ગાઈ સંભળાવતા હતા.’
હિમાંશુ ભટ્ટ (૧૯૪૧) : ‘મારા પિતાશ્રી કવિ, પત્રકાર અને કેળવણીકાર. એમણે મને સાહિત્ય શિક્ષણ રૂપે કેમ વાંચવું અને કઈ રીતે અભિવ્યક્ત કરવું તેની સાધનાકળામાં પલોટ્યો.’
શાંતિકુમાર પંડ્યા (૧૯૪૧) : ‘મારા પિતાશ્રી પ્રાથમિક શાળામાં શિક્ષક. એમણે હું વાંચતો થયો એટલામાં જ ‘કાલિદાસની પ્રસાદી’ નામનું એક ભાવવાહી પુસ્તક વાંચવા આપેલું, ત્યારથી જ ભાષાપ્રીતિનાં બીજ વવાયાં.’
વિનેશ અંતાણી (૧૯૪૬) : ‘મારા પિતાશ્રી શિક્ષક હતા. હલકભેર ગવાતી ગુજરાતી કવિતાઓ, કવિતાની સમજૂતી અને શ્રૂતલેખનના પ્રયોગો દ્વારા ગધનો પરિચય અને તેય અજ્ઞાતપણે મારી અંદર ધીરે ધીરે સાહિત્યના પ્રાથમિક સંસ્કારો સિંચાતા ગયા… પિતાજી સરકાર તરફથી ચાલતા ફરતા પુસ્તકાલયના સંચાલક હોવાથી તેનો પણ લાભ મળતો.’
0 નિરંજન રાજગુરુ (૧૯૫૪) : ‘મારા પિતાશ્રી અમારી શાળાના આચાર્યશ્રી. મારા ઘરમાં બે’ક હજાર પુસ્તકોનું નાનું ગ્રંથાલય. મારા પિતાશ્રીને લોકસાહિત્ય અને સંતસાહિત્યનો વિશેષ શોખ. બાળગીતો, ભજનો, રાસ, છંદ, પદો, દુહાઓનું સર્જન છેલ્લા શ્વાસ સુધી ચાલતું રહ્યું… આમ સાહિત્યનું વાતાવરણ મને બાળપણથી જ મળેલું. મારી પાંચ-છ વર્ષની ઉમરથી જ મને વાચનનો શોખ વળગ્યો.’
સંજય પંડ્યા (૧૯૬૩) : ‘પિતાશ્રી નવલકથાકાર હોવાથી સાહિત્ય ગળથૂથીમાં હતું. પિતાની આંગળી પકડી હું વાર્તાવર્તુળની બેઠકોમાં જતો.’
સંજય શ્રીપાદ ભાવે (૧૯૬૫) : ‘અંગ્રેજી ભાષામાં મને શબ્દભંડોળ અને વ્યાકરણની પાયાની તાલીમ આપનારા મારા પહેલા શિક્ષક તે મારા પિતા.’
0 મહેન્દ્રસિંહ પરમાર (૧૯૬0) : ‘અક્ષરનો સંગ તો ઘરનો વારસો, ચારે બાજુ ખડકાયેલાં પુસ્તકો વચ્ચે જ શ્વાસ લેવાનું બન્યું. પ્રારંભે તો બાળ-કિશોર સાહિત્ય અને પછી શિષ્ટસાહિત્યનાં પુસ્તકો ! વાયા બાપુજી મારા શિક્ષક !’
તીર્થકર રતુદાનજી રોહડિયા (૧૯૪૫) : ‘મારા પિતાશ્રી લોકસાહિત્યના પ્રખર વિદ્વાન. આથી ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય મારી રચિના વિષય છે. હું નાનપણથી જ મારા પૂ.પિતાશ્રી સાથે હસ્તપ્રતના અને ચારણ સર્જકના સંશોધન માટે જતો.’

દિશા-દર્શન

કેટલાક સાહિત્યકારોની પ્રાપ્ત ઉપરોક્ત કેફિયતોને ધ્યાનપૂર્વક કે ફરીથી વાંચવાથી એ ખ્યાલ તો વાલી-વાચકને આવી જ જવાનો કે બાળકોના સર્વાંગી વિકાસ માટે આપણે સજગ રહેવું જોઈએ. તેના બચપણનો અમૂલ્ય સમય નિરર્થક વેડફાઈ ન જાય તે માટે આપણે વાલીઓએ પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી બાળકોના વિકાસ માટે પૂરતો સમય ફાળવવો જોઈએ.
માતા તો બાળકને ખવડાવે-પીવડાવે અને પાલન-પોષણ કરે અને યથાસમયે તેને તૈયાર કરીને શાળાએ મોકલે એ કંઈ ઓછું છે ? – આવી પારંપરિત માન્યતામાંથી મુક્ત થઈને માતાએ ખરા અર્થમાં ‘સંસ્કારદાત્રી’ થવા માટે સજ્જ થવું જરૂરી છે. સંસ્કાર-ઘડતર માટે કેટલીક આવી બાબતો તો તેના માટે સાવ સહજ છે.
૧. બાળકને મનોરંજન સાથે સારા વર્તનની આડકતરી શીખ આપે તેવાં હાલરડા – ગીતો – જોડકણાં -પરોઢિયાં – ભજન ગાય અને બાળકને તે ગાવા પ્રેરે.
૨. પોતે શુદ્ધ અને શિષ્ટ ભાષામાં બોલે અને પરિવારમાં પણ સૌ એવી ભાષામાં બોલે તેવો આગ્રહ રાખે.
૩. માતા બાળકને તેની વયના અનુરૂપ વાર્તાઓ નિયમિત કહી શકે. નવી નવી વાર્તાઓ જાણવા પોતે પણ બાળવાર્તાઓ વાંચે અને શક્ય બને તો વસાવે. પરિવાર સિવાય બીજે સ્થળે વાર્તા કહેવાતી હોય ત્યાં બાળકને પોતે લઈ જાય કે મોકલે. ખાસ કરીને આપણા પૌરાણિક – ધાર્મિક સાહિત્યમાંના વાર્તાતત્વ નો પરિચય બાળકને પરિવાર દ્વારા યથાસમયે આપતો રહે તે ઇચ્છનીય છે. બાળકને પણ પોતે તેણે જાણેલી નવી વાર્તા કહેવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ.
૪. જે માતાઓ પોતે શિક્ષિત હોય અને સર્જક પણ હોય તેમના વત્સલ ઉછેર અને જ્ઞાનનો અન્ય માતાઓને લાભ મળે તેથી રૂડું શું ?
૫. દાદા અને દાદીનું હયાત હોવું અને સંયુક્ત પરિવારમાં તેમના પ્રત્યે પ્રેમ-આદરનું જળવાવું એ ખરેખર બાળકો માટે તો સ્વર્ગીય સુખ લેખાય. બાળકોના કલશોરથી ગુંજતા ઘરમાં આ વૃદ્ધ વડીલોને સમય પસાર કરવાની સમસ્યા નડી શકે નહીં. તેઓ પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ પરિવારને, ખાસ તો બાળકોને અવશ્ય આપતા રહીને પોતાનો સમય પસાર કરે એમ નહીં, સમય સા…ર્થ…ક કરી શકે.
૬. દાદા-દાદી વાર્તા-કથન ઉપરાંત કુટુંબ-કથા કહીને પારિવારિક વારસાની સોંપણી અનાયાસ કરી શકે. તેઓ નવું નવું શીખતા રહીને બાળકોને તેનો લાભ આપે. તેઓ શિક્ષિત હોય અને વાચનશોખ જાળવ્યો હોય તે તેમનાં પરિવાર-પુષ્પોની ધન્યતા છે. તેઓ બાળકોને શીખવે અને સંસ્કારે.
૭. પિતા કેવળ કમાય અને કડપ સાથે ઘરમાં હુકમ ચલાવે તે ઘરમાં પરિવારનું – ખાસ કરીને બાળકોનું જીવન યાંત્રિક બની જાય છે. ઇચ્છવા જેવું તો એ છે કે બાળકો પિતાજીના આગમનની રાહ જુએ. તેમને વળગે અને વાતો કરે.
૮. અશિક્ષિત કે અલ્પશિક્ષિત પિતા પણ બાળકોના શોખ અને શિક્ષણમાં જિજ્ઞાસા સાથે રસ દાખવી શકે. બાળકોનું ભણતર જળવાઈ રહે તે માટે મથતા રહે. તેઓ લોકવાર્તા અને લોકગીતો બાળકોને પીરસી શકે.
૯. શિક્ષિત પિતા બાળકોને પોતાના જ્ઞાન અને જાણકારીનો લાભ બાળકોને આપવા માટે સમય ફાળવે. તે બાળકોને વાર્તા કહે. ગાય અને ગવડાવે. ભણે ભણાવે. બાળકોને માટે પુસ્તકો મેળવે. વાચન-સામગ્રી સૂચવે અને તે પસંદ કરતાં શીખવે. તેને તેનું નાનકડું પુસ્તકાલય વિકસાવવાની તક આપે. પોતે બાળકોને પુસ્તકમેળામાં લઈ જાય. લાઈબ્રેરીનો ઉપયોગ કરવા પ્રેરે. સાહિત્યિક કાર્યક્રમોમાં સાથે રાખે.
૧૦. બાળક ભવિષ્યમાં કઈ કારકિર્દી અપનાવે તે બાબતે હઠાગ્રહી ન બને. બાળકના વર્તન-વ્યવહારનું અવલોકન કરતા રહીને તેની ઉમંગ વધે તેવું ક્ષેત્ર પસંદ કરવામાં તેની સાથે રહે. બાળક શાળાએ જવા માંડે તે પહેલાં અને તે પછી પરિવાર દ્વારા તો તેના ઘડતરની પ્રક્રિયા ચાલતી જ રહે… ચાલતી રહે….