૧. કહેણી અને કરણી વચ્ચે ઝાઝું અંતર ન રાખો. આ નિયમ સૌથી મહત્ત્વનો છે. તમે કહો કંઈક અને કરો કંઈક તો એની તમારા બાળક પર ખોટી અસર થાય. બાળક પોતાના કાન કરતાં આંખો પર વધારે વિશ્વાસ કરે છે. સાંભળેલી વાતોને એ ભૂલી જાય છે, પણ જોયેલી વાતોને પોતાના આચરણમાં ઉતારે છે. એના મગજમાં કપાળની પાછળના ભાગમાં ખાસ પ્રકારના ચેતાકોષો આવેલા છે, જે આંખો સાથે જોડાણ ધરાવે છે. એ “મિરર ન્યુરોન” તરીકે ઓળખાય છે. આ મિરર ન્યુરૉન્સ બાળકની આંખોએ જોયેલી બાબતોનું તરત પ્રતિબિંબ ઝીલે છે અને એને એની નકલ કરવા માટે મજબૂર કરે છે. તમે ગુસ્સો કરો, છણકો કરો, રિસાઓ, ગમે તેમ થૂંકો, બેદરકારીથી વાહન ચલાવો, સામેની વ્યક્તિને આદર ન આપો, ખાંસી કે છીંક ખાતી વેળાએ મોંઢે રૂમાલ ન ઢાંકો, કચરો ગમે તેમ ફેંકો તો બાળક એને તરત અનુસરવાનું. એ તમારા ઉપદેશને અચૂક જ અવગણવાનું!

૨. તમારા પ્રેમની કિંમત ઓછી ન આંકો. બાળકને પ્રેમ નહીં, પણ વધારે પડતાં લાડકોડ બગાડે છે. પ્રેમ એની માનસિક જરૂરિયાત છે, પણ લાડકોડ એની આદતોને ખરાબ કરે છે. અતિશય લાડકોડને કારણે એ સ્વચ્છંદી બની જાય છે, નિયમોને ગણકારતું નથી, શિસ્તમાં રહેતું નથી, જિદ્દી અને સ્વકેન્દ્રી બની જાય છે, બીજાની દરકાર કરતું નથી અને ખરાબ આદતોનું શિકાર બની જાય છે. લાડકોડમાં ઊછરેલું બાળક ઉડાઉ છે, નશાના રવાડે ચઢી શકે છે, અને ભણવામાં બેદરકાર બને છે.

માતા પિતા તેમના પ્રેમ અને સમયની અવેજીમાં બાળકને મોંઘીદાટ ચીજવસ્તુઓ લાવી આપતાં થાય ત્યારે બાળક છકી જાય. ચીજવસ્તુઓ માબાપના પ્રેમનું સ્થાન ન લઈ શકે. બાળકના ઉછેરમાં ઢીલાપોચાપણું પણ ન ચાલે. અતિ લાડકોડને કારણે માબાપની અપેક્ષાઓનાં ધોરણ નીચાં ઊતરી જાય તે પણ ન ચાલે. એ પાણી માગે ત્યાં દૂધ હાજરં ન કરાય. એનો માર્ગ એને એની જાતે નક્કી કરવા દેવાય. જીવનમાં થોડીઘણી તકલીફો ઉઠાવવા માટે એને પાઠ શીખવવા પડે. એને થોડી ઠોકરો ખાવા દેવી પડે. એના માર્ગમાં ફૂલોની ચાદર ન બિછાવાય. થોડું ગણતરીપૂર્વકનું પડતાં-આખડતાં મોટું થાય એ એના જીવનઘડતર માટે જરૂરી છે.

૩. એના જીવનમાં રસ લો. બાળક જન્મે એટલે માબાપે પોતાની અગ્રતાઓ બદલવી પડે. એને પોતાની બધી જરૂરિયાતોની ઉપર મૂકવું પડે. એને સમય આપવો પડે. એની જરૂરિયાતોને તરત પૂરી કરવી પડે. નોબેલ પારિતોષિક વિજેતા ચિલી કવિ ગેબ્રિયેલા મિસ્ટ્રાલે બાળકનું બીજું નામ “આજ” (His name is today) એવું પાડયું છે. આહાર, સ્પર્શ,માબાપનું ધ્યાન અને સમય, એની તંદુરસ્તીની કાળજી, પ્રેમ, હૂંફ અને સલામતીની એની જરૂરિયાત આજે જ સંતોષાવી જરૂરી છે. એને આવતી કાલ પર પાછી ન ઠેલી શકાય. આ જવાબદારી અન્યના શિરે પણ નાખી ન શકાય. આયા કે બેબી સિટરને સોંપીને કિટ્ટી પાર્ટીઓ કે કાર્યક્રમોમાં મહાલી ન શકાય. પિતા એની પાછળ પાણીની પેઠે પૈસા વહાવે અને પોતે ધંધામાં અતિવ્યસ્ત રહે તે ન ચાલે. શાળા કે શિક્ષકો એની શીખવાને લગતી સમસ્યાને દૂર ન કરી શકતા હોય તો એને ટ્યુશનમાં મૂકી દઈને “હાશ’ ન કરી શકાય. મા-બાપે જ પોતાના ભણતર અને અનુભવને આધારે આ કામ કરવું પડે. એના ભણતરમાં એમણે ઊંડો રસ લેવો પડે. સ્કૂલની વાલીસભાઓમાં પોતે જાતે ચીવટપૂર્વક હાજરી આપવી પડે. એના જીવનની એકએક ઘડીમાં શારીરિક અને માનસિક રીતે સતત હાજર રહેવું પડે. પોતાની જરૂરિયાતો અને સુખચેનનો ભોગ આપવો પડે. જે માબાપ બાળક માટે સમય ન આપી શકતા હોય તેમણે આગળ જતાં આની ભારે કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડે.

પણ એના જીવનમાં રસ લેવાનો અર્થ એ નથી થતો કે તમે એને એનું હોમવર્ક પણ કરી આપો. એની ભૂલો તમે સુધારી આપો, રોજ એનું દફતર તૈયાર કરી આપો, એના મોંમાં કોળિયા ભરાવો, એનાં કપડાં અને મિત્રો પણ પસંદ કરી આપો, એની એકેએક ગતિવિધિ પર બારીક નજર રાખો, એની સ્વતંત્રતા પર તરાપ મારો અને એના પર સતત બાજપક્ષી કે હેલિકોપ્ટરનીઃ જેમ મંડરાયેલા રહો એ પ્રકારનો બાળઉછેર અભિગમ ન ચાલે.

૪. બાળકના વિકાસના તબક્કા સાથે તાલ જાળવીને ચાલો. બાળકનો ઉછેર લવચીકતા માગી લે છે. એકસરખું વલણ કાયમ માટે પકડી રાખો તે ન ચાલે. એ સતત વિકાસશીલ છે. ઉંમરની સાથે એનું વર્તન બદલાતું રહે છે. બે વર્ષનું બાળક અત્યંત જક્કી બની શકે છે. તમે એની જીદ પૂરી ન કરો તો એ માથું પછાડી શકે છે. કજિયો કરી શકે છે. ત્રણ વર્ષનું બાળક તમારી બધી વાતનો “નન્નો’ ભણી શકે છે.એને તમે એની ચીજવસ્તુ બીજા બાળક સાથે વહેંચીનેરમવા-ખાવા કંહો તો એ ચીડાઈ શકે છે. આઠ વર્ષના બાળકને મોબાઇલ ફોનમાંથી બહાર કાઢવું મુશ્કેલ છે. તેર વર્ષના બાળકને વિજ્ઞાનના વિષયમાં ભારે રસ પડે છે, પણ ઘરે ડાઇનિંગ ટેબલ પર એ માબાપ સાથે દલીલબાજીમાં ઊતરી શકે છે. આઠમા ધોરણમાં ભણતું બાળક ચંચળ રહેવાનું. પરિણામે સાતમા ધોરણ સુધી ભણવામાં અવ્વલ રહેનાર બાળકની ગ્રેડ નબળી પડી શકે છે. તરુણાવસ્થામાં પ્રવેશ કરનારા બાળકનો મિજાજ વારેવારે બદલાય. એ હતાશાનો અનુભવ કરે. રાત્રે મોડે સુધી એને ઊંઘ ન આવે. એના ભણવાના, ટી.વી. જોવાના અને રમવાના સમયમાં તમને નિયમિતતા ન જણાય. તમે એને પરાણે ટી.વી. બંધ કરાવો અને પરીક્ષામાં સારું પરિણામ લાવવા માટે દબાણ પેદા કરો એ કામ નથી આવતું. એને ભણવાને લગતી કોઈ ખરેખરી મૂંઝવણ સતાવી રહી હોય તો કોઈ સારા કાઉન્સેલરને મળીને એનો ઉપાય ખોળવો પડે. ઉમર ઉમરનું કામ કરે જ છે. અઢાર વર્ષે એની અંદર પેદા થયેલું વિજાતીય આકર્ષણ તમારા ઉપદેશ અને આજ્ઞાને તાબે નહીં જ થાય. વધારે કડક વલણ ધારણ કરવા જાઓ તો એ સામું થાય. તમારાથી અંતર બનાવી લે. ઘર છોડી ભાગી જાય. ઉંમર બાળકના વર્તન- વ્યવહાર પર ઘણી અસર કરે છે. એને ધ્યાનમાં રાખીને તમારે તમારું વલણ ફેરવવું પડે. આવી વેળાએ જડતા ચાલતી નથી.

પ. બાળક માટે નિયમો બનાવો અને એને એનું પાલન કરતાં શીખવો. જો નાનપણમાં એને નિયમપાલનની શીખ નહીં મળી હોય તો મોટપણે એના જીવનમાં તમારી ઉપસ્થિતિ નહીં હોય ત્યારે એને જીવવાની તકલીફ પડશે. જીવનમાં અનુશાસનની આવશ્યકતા એને સમજાવી જોઈએ. એને એની જવાબદારીનો ખ્યાલ આવવો જોઈએ. જીવનનાં પહેલાં બે વર્ષ દરમિયાન એ છૂટછાટો ભોગવી શકે છે, પણ ત્યારપછી એને સામાજિક બંધનો લાગુ પડે છે. એને પોતાનો વારો આવે તેની રાહ જોવી પડે. કુટુંબજીવન અને શાળાજીવનમાં પોતાના ભાગે આવતી જવાબદારીઓનું પાલન કરવું પડે. નાગરિક જીવનના નિયમોને ચુસ્તપણે અનુસરવા પડે. વડીલોને આદર આપવો રહે. અપંગ અને નબળા લોકોની જરૂરિયાતોને પોતાની જરૂરિયાતની ઉપર મૂકવી પડે.

કુટુંબ બાળકની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. સામે પક્ષે તેણે કુટુંબે તેના પર લાદેલાં કેટલાંક બંધનો કે અંકુશ સ્વીકારવાં પડે અને કુટુંબ જીવનના કેટલાક નિયમોનું પાલન કરવું પડે. એ માબાપની આજ્ઞાને બંધાયેલું છે અને કેટલીક બાબતોનો જવાબ આપવા બંધાયેલું છે. એ ક્યાં ફરે છે? શું કરે છે? એના મિત્રો કોણ છે? એને મળેલા સમયનો શો ઉપયોગ કરે છે? માબાપે ખિસ્સાખર્ચી માટે આપેલા પૈસા શી રીતે વાપરે છે? કેટલી નિષ્ઠાથી અભ્યાસ કરે છે? સ્કૂલમાં અને સ્કૂલ બહાર શી ઈતરપ્રવૃત્તિઓ કરે છે? આ સઘળા મુદ્દાઓનો એણે માતાપિતાને સંતોષકારક ખુલાસો કરવો જોઈએ. માબાપે પણ આ બધી બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. કોઈ રોકટોક કે નિયમો વગરનો ઉછેર બાળકને સ્વચ્છંદી બનાવી શકે છે. નિયમો એના જીવનને ઘડે છે.

પણ એનો અર્થ એ પણ નથી થતો કે બાળકને નિયમોની જંજીરમાં જકડી દેવો જોઈએ. નાની નાની બાબતોમાં પિંજણ કર્યા કરવાથી ઊલટું એ ગુંગળામણ અનુભવે. દસ વર્ષની ઉંમર વટાવ્યા પછી જેમ જેમ એ મોટું થતું જાય તેમ તેમ એને ગણતરીની સ્વતંત્રતા આપવી જરૂરી છે. એને એના અભ્યાસનું આયોજન જાતે કરવા દો. એનાં કપડાં જાતે પસંદ કરવા દો. રોજ થોડો મુક્ત સમય માણવા દો. એની પાસેથી રજેરજની વિગત માગવી અને એક એક ક્ષણનો હિસાબ માગવો નકામો છે. અગાઉ માબાપ બાળકની કોઈ વાતમાં માથું મારતાં નહીં અને આજકાલ માબાપ સંતાનોનું માઇક્રોમેનેજમેન્ટ કરે છે તે બન્ને અભિગમમાં અસંતુલિતતા છે.

૬. બાળકને સ્વતંત્રતા આપો. બાળકને એની મર્યાદામાં જીવતાં શીખવવાથી એ આત્મસંયમ અને સ્વશિસ્તથી જીવતું થાય, તેમ સ્વતંત્રતાની વૃત્તિ પોષવાથી એ જાતે નિર્ણયો લેતું બને છે. પોતાના જીવનની દિશા જાતે નક્કી કરી શકે છે. જીવનમાં .સફળતા માટે આ બન્નેની જરૂર છે. બાળક સ્વતંત્રતા ઈચ્છે છે અને માબાપ એને પોતાના બંધનમાં જિવાડવા માગતાં હોય છે. આવા ગજગ્રાહમાં બાળકનું અહિત થઈ શકે છે. ઘણાં માબાપ એમ વિચારતાં હોય છે કે બાળકને સ્વતંત્રતા આપવાથી એ બગડી જાય, સ્વચ્છંદી અને બળવાખોર બની જાય. પણ આ ડર ખોટો છે. વ્યક્તિમાત્રમાં સ્વતંત્રતાની ઇચ્છા રહેલી છે. કોઈને પોતાના નિર્ણયમાં અને જીવનમાં અન્યની દખલગીરી ગમે નહીં. પોતાની જિંદગીનું નિયંત્રણ-સંચાલન બીજાના હાથમાં હોય તે કેમ ચાલે? નિયમપાલનમાં કડક અભિગમ અપનાવવાથી બાળક તાબે ન થાય; બળવો કરી જાય. એને બદલે મક્કમતાનું વલણ અપનાવીએ તો વધારે કામ આવે.

૭. બાળક સાથે સાતત્યપૂર્ણ વ્યવહાર કરો. જો માબાપ ગઈ કાલે બોલેલું આજે ફોક કરી નાખે; નિયમોમાં રોજના ફેરફારો કરતાં ફરે અને ક્યારે કેવું વર્તન કરશે કે વલણ અખત્યાર કરશે એનો કોઈ અંદાજ ન આવે તો એની બાળકના વર્તન પર માઠી અસર થયા વિના ન રહે. આવામાં બાળકના મનમાં ગુંચવાડો ઊભો થાય. બાળકમાં શિસ્તનું ઘડતર કરવું હોય તો સાતત્ય પહેલું અને હંમેશાં જોઈએ. “હોમવર્ક કર્યા પછી જ ટી.વી. જોવાની છૂટ મળશે”, અથવા “ઘરમાં બનતાં શાકભાજી પહેલાં ખાવાનાં, પછી કોઈક વાર નૂડલ્સ કે પિત્ઝા ખાવાની રજા મળે” આ નિયમ અફર રહે. એમાં ચર્ચા-વાદને કોઈ અવકાશ ન હોય. પણ માતા કંટાળેલી હોય અને બાળક ટી.વી. જોવાની રજા માગવા આવે તો પહેલો સવાલ હોમવર્ક પૂરું કર્યું? એવી ખાતરી કરવાને બદલે જા, જો! માથું ન ખા એવું કહીને છૂટી જાય તો બાળક પર એનું ખરાબ ઉદાહરણ બેસે. મોટા ભાગનાં માબાપ પોતાના મિજાજ અને સંજોગોને આધીન રહીને બાળક પાસે નિયમોનું પાલન કરાવે છે, અથવા એમાં ઢીલ મૂકી દે છે. માબાપની સત્તા એકસરખી હોવી જોઈએ. પોતે ખાઈ-પીને અથવા આરામ કરીને તાજામાજા થયેલાં હોય ત્યારે નિયમનું ‘ચુસ્તતાથી પાલન કરાવો અને થાકેલાં-કંટાળેલાં હો ત્યારે ઢીલાશ બતાવો એટલે બાળકને ફાવતું જડી જાય. વળી બે સંતાનો વચ્ચે પણ શિસ્તબંધી અને નિયમપાલનમાં ભેદભાવ પાડો એ ન ચાલે. એક સાથે કડક વલણ અને બીજા સાથે ઢીલું છોડવાથી એ બન્ને વચ્ચે અણબનાવ ઊભો થાય. સંતાનોએ પાળવાના નિયમોની એમની સાથે આગોતરી ચર્ચા કરી લો અને પછી મક્કમતાથી એમને વળગી રહો, વિના કારણ એમાં છૂટછાટનો અવકાશ ન રાખો તો બાળકોને સ્પષ્ટ સંદેશ મળે.

૮. કઠોર સજા કદી ન કરો. બાળકને કોઈ સંજોગોમાં મરાય તો નહીં જ. આનાથી એની અસ્મિતા ઘવાય છે. એના , મનને કાયમી આઘાત લાગી જાય છે. એ બીજાઓ સાથેના વર્તન-વ્યવહારમાં આવાં જ મારકણાં અને હિંસક બની શકે છે. કોઈની સાથે જરા સરખો વાદ ઊભો થતાં મારામારીનો આશ્રય લઈ શકે છે. માબાપના તમાચા અને મારની એના વ્યક્તિત્વ પર કાયમી માઠી અસર રહી જાય છે. પોતાની જાતમાંથી એનો વિશ્વાસ ડગી જાય છે. આગળ જતાં એને અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધમાં સમસ્યાઓ ઊભી થાય છે. બીજો ખરાબ સંદેશ એને એ મળે છે કે પોતાનાથી નાના, નબળા અને સત્તા વિનાના લોકોને મારવાનો તો એનો અધિકાર છે, કેમ કે મારીને માબાપ બાળક પર પોતાનો રોફ જમાવે છે. ઘણી વાર બીજા કોઈ કારણસર અકળાઈ રહેલાં માબાપ પોતાનો ગુસ્સો બાળક પર ઉતારે છે અને એને વગર વિચારે મારી પાડે છે. આ સૌથી મોટો ગુનો છે. બાળક તમારો ગુસ્સો, વિફળતા અને કંટાળો ઉતારવાનું સાધન નથી. આજે તમે એને મારશો તો એના હદયમાં તમારા પ્રત્યે કાયમી કડવાશ પેદા થશે અને એનું પરિણામ તમે તમારા ઘડપણમાં ભોગવશો. તમારી સાથેના એના સંબંધમાં તાણ પેદા થવા પામશે. એક અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે માબાપનો માર ખાનારાં બાળકો મોટપણે પોતાના પ્રેમી કે જીવનસાથી સાથે પણ ક્રૂરતાથી વર્તે છે. એમનામાં હતાશા, ચિંતાતુરતા અને નશાખોરીનું પ્રમાણ વધારે જોવા મળે છે. ઉપરાંત એમનું આરોગ્ય ધોરણ પણ નબળું રહેતું હોવાનું નોંધવામાં આવ્યું છે. વિશ્વભરમાં આજે ત્રીસ કરતાં વધારે દેશોમાં બાળકોને મારવું તે અપરાધ ગણાય છે અને એની સજા કરવામાં આવે છે. કમનસીબે ભારત તેમાંનો એક નથી. આપણેત્યાં એવી માન્યતા રહી છે કે બાળકને મારીએ તો જ તે સીઘું રહે. આ વાતમાં તથ્ય નથી. મારીને એને કેળવી શકાતું નથી. ઊલ્ટું, માર ખાનારા બાળકો આગળ જતાં ગુનાખોરી તરફ વધારે વળે છે એવું જોવામાં આવ્યું છે.

૯. બાળકને તમારા નિર્ણયો અને નિયમોની જાણ કરો. માબાપ પુખ્ત છે, અનુભવે ઘડાયેલાં છે. તેથી તેમને બધી બાબતોની જાણ છે. પણ બાળકની બાબતમાં આમ નથી. એને તમારી અપેક્ષાઓનાં ધોરણની અને આગ્રહની જાણ કરવી જરૂરી છે. તો જ એ પોતાના વર્તન-વ્યવહારને એ મુજબ કેળવી શકે. ‘એને ખ્યાલ હોવો જોઈએ’ એ પ્રકારનું વલણ બરાબર નથી. ખાસ કરીને સંતાન તરુણ વયનું થાય એટલે એને આટલી ખબર તો પડવી જ જોઈએને? એમ માની લેવામાં આવે છે. બાળક પાંચ વર્ષથી મોટું થાય એટલે એના વર્તન-વ્યવહાર અને શિસ્તનાં ધોરણો બાબતમાં એની સાથે બેસીને ચર્ચા કરી શકાય છે. તરુણ સંતાનો માટે આ ખાસ જરૂરી છે. જો તમે એની સાથે વાત કર્યા વગર અને એની સંમતિ લીધા વગર કોઈ નિયમ લાગુ પાડી દો તો એ સામું થશે; તમારા આદેશ કે આગ્રહની ધરાર અવગણના કરશે. જો એને સ્કૂલમાં કોઈ સમસ્યા થતી હોય તો તમારે એના શિક્ષકને મળીને કોઈ સહિયારી રણનીતિ ઘડવી પડે અને બાળક સાથે એની વાત કરી લેવી પડે. ઘણાં માબાપ તરંગી હોય છે અને પોતાના નિર્ણયો કે અપેક્ષાઓ વખતોવખત આગોતરી સૂચના વગર બદલતાં રહે છે. બાળક એમના આદેશો કે નિર્ણયોને સમજી શકતું નથી અને પરિણામે બન્ને વચ્ચે ખોટું ઘર્ષણ ઊભું થાય છે. અમુક માબાપ પોતાની સત્તા સ્થાપવા કે બાળકને ધાકમાં રાખવા માટે પણ મનફાવે તેવા નિર્ણયો કરતા ફરે છે. આ પ્રકારના અભિગમથી બાળકમાં અપેક્ષિત વર્તન કેળવી શકાતું નથી. બાળકને માબાપના નિર્ણયો અને આદેશો બાબતમાં પ્રશ્નો હોઈ શકે છે અને એનો ખુલાસો કરવો માબાપની ફરજ બને છે.

૧૦. બાળકને માન આપો. જો તમે એની પાસેથી માનની અપેક્ષા રાખતા હો તો તમારે એને પહેલું સન્‍માન આપવું પડે. આ માટે તમે એની ઉમર સામે ન જોશો. એ તમારાથી ઉમર અને અનુભવમાં ઘણું નાનું છે એવો વિચાર ન કરશો. તમે તમારા કુટુંબમાં કે પરિચયમાં વડીલો, મિત્રો અને સ્વજનોને જેટલું માન આપો છો એટલા જ માનનું બાળક હકદાર છે. એની સાથે આદરથી વાત કરો. એને – ખાસ કરીને અન્ય આગળ ઉતારી ન પાડો. એના અભિપ્રાયને માન આપો. એને સાંભળો. જ્યારે એ તમારી સાથે વાત કરી રહ્યું હોય ત્યારે તમારા કાન અને હૃદયથી એને સાંભળો. તમે એની સાથે જેવો વર્તાવ કરશો તેવો જ વર્તાવ એ ભવિષ્યમાં અન્ય લોકો સાથે કરશે. જો એને માબાપ તરફથી માન મળ્યું હોય તો એ સૌને આદર આપશે. તમે એની સાથે આત્મીયતાનો સંબંધ કેળવેલો હશે તો એ પણ અન્ય સાથેના એના સંબંધમાં એવું જ વલણ અપનાવશે. એના ગમા-અણગમા, રીતભાતો અને પસંદગીઓ તમારી અપેક્ષાથી જુદા હોઈ શકે છે. એ ભૂલો કરી શકે છે. આની તમારે છૂટ મૂકવી પડે. કમનસીબે કુટુંબમાં બાળકની ઉપસ્થિતિને ગણતરીમાં લેવામાં આવતી નથી. ઘરનાં મોટેરાંને રસોઈમાં શું ભાવશે એવો પ્રશ્ન પૂછીએ અને બાળકને કદી ગણતરીમાં જ ન લઈએ તે કેમ ચાલે? એના મિજાજ – મૂડનું આપણે ધ્યાન ન રાખીએ. એને કંટાળો આવતો હોય, ઊંઘ આવતી હોય, પિક્ચર જોવાનું મન હોય, એનું મન ઉદ્દાસ હોય, એને જમવાની ઈચ્છા ન હોય, એ ચિડાયેલું હોય તો એનો મૂડ પારખીને માતાપિતા એને અનુકૂળ થાય એ જરૂરી છે. ઘરમાં લગ્નની કે કોઈ પ્રસંગની ઉજવણીની તૈયારી થતી હોય ત્યારે તરૂણ વયના સંતાનના અભિપ્રાય કે સૂચન ગણતરીમાં લેવામાં ન આવે તો પછી એ પોતે કુટુંબ નો એક માનવંતો સભ્ય છે એવી લાગણી એના મન માં શી રીતે જન્મે? બાળક તો નાનું છે, એને તે વળી કેવાં મંતવ્યો હોય? એવું માનીને એની ઉપેક્ષા કરો તે ન ચાલે.