ધબકી રહેલા, કિલ્લોલતા,

બાળકો અમને ગમ્યા નથી..

તેથી, શાળા માં તેમને

સભ્યતાના વાઘા પહેરાવી,

શિલ્પો બનાવી

સમાજમાં ઠેર ઠેર ખોડીએ છીએ,

અને….

શિક્ષણ અપ્યાનો

જશ ખાટીએ છીએ.

સમાજ પોતાના સભ્યોને સુસંસ્કૃત, નીડર અને આત્મવિશ્વાસુ બનાવવા શાળા-મહાશાળાઓની સ્થાપના કરે છે. તેથી જ કદાચ વિક્ટર હ્યુગોએ લખ્યું હતું કે “જે શાળા ખોલે છે, તે જેલની એક કોટડી બંધ કરે છે.’ પરંતુ એ વખતે તેને એ ક્યાં ખબર હતી કે એક દિવસ કોઈ પણ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર સમું અને કોઈ પણ સમાજરૂપી દેહની કરોડરજ્જુ સમું આ શિક્ષણનું ક્ષેત્ર પણ કહેવાતા શિક્ષિત પરંતુ સ્વભાવે ડરપોક, અપ્રામાણિક, અસહિષ્ણુ, લાચાર, નિસ્તેજ અને નિષ્પ્રાણ નાગરિકો તૈયાર કરતું એક કારખાનું બની જશે !

આ તકે કવિવર રવીન્દ્રનાથ ટાગોરની એક કટાક્ષ- કથા મને યાદ આવે છે.

રાજમહેલના સુંદર ઉપવનમાં એક પંખીને મુક્ત રીતે વિહરતું જોઈને રાજાને થયું” કે આ મૂર્ખ પંખી આખો દિવસ ગા-ગા કરે છે અને વનનાં ફળો બગાડે છે, તેને શાસ્ત્રોનું જ્ઞાન આપવું જોઈએ. રાજાનો હુકમ… એટલે તરત જ પંખીને પકડીને સોનાના ખૂબ મોંઘા પિંજરામાં પૂરવામાં આવ્યું ! તેને ખાવા ઉત્તમ પ્રકારનાં ફળો અપાયાં ! પિંજરની ચારેકોર બીરાજમાન થઈ પંડિતોએ મોટા સાદે શાસ્રોનું જ્ઞાન આપવું શરૂ કર્યું પરંતુ પંખી કંઈ સાંભળતું નહીં અને ચીસો પાડી, પ્રકાશની દિશામાં જોયા કરતું. તે દિશા પણ પોથીઓના ખડકલા્થી બંધ કરવામાં આવી. પંખી મૂંગું થઈ ગયું !! રાજા અને પંડિતોનો ઉત્સાહ વધી ગયો. તેઓ જોરશોરથી પંખીને શાસ્ત્રોનું જ્ઞાન આપવા લાગ્યા. અને એક દિવસ પંખી મરી ગયું…!!! તેની ચાંચમાં જીર્ણ પોથીના પાનાનો એક ટુકડો ચોટેલો હતો !

આજે બાળકોને પોથીપંડિત બનાવી દેવા માતા – પિતા અને શિક્ષકોએ લગભગ જીવલેણ પ્રયાસ આદર્યો છે. બાળકના શિક્ષણ પાછળ ગજા બહારના ખર્ચા, અતિશય તાણ અને પુષ્કળ શ્રમ છતાં આજનો વિદ્યાર્થી

ચેતના ગુમાવી રહ્યો છે ! આ પરિસ્થિતિમાં ક્રિયાશીલ નેતૃત્વ શી રીતે વિકસે ?

જેવી રીતે પ્રત્યેક ખેલાડીને કેપ્ટન બનવાનું, પ્રત્યેક અભિનેતાને દિગ્દર્શક બનવાનું, અનુભવી રાજકારણીને વડાપ્રધાન બનવાનું ધ્યેય હોય છે, તેવી રીતે પ્રત્યેક વિદ્યાર્થીનું ધ્યેય વર્ગ-મૉનિટર બનવાનું હોય છે. મનોવિજ્ઞાન કહે છે કે લીડર બનવાની વૃત્તિ, ખેવના એ મનુષ્યનો જિનેટિક ગુણધર્મ છે. અમેરિકન કેળવણીકાર અને મનોવૈજ્ઞાનિક ડૉ. અબ્રાહમ હારોલ્ડ માસ્લોએ પ્રબળતાના ક્રમ અનુસાર માનવીની પાંચ જરૂરિયાતોને પાયાની ગણાવી છે. આ જરૂરિયાતો શારીરિક સલામતિ, પ્રેમ, પ્રતિષ્ઠા અને આત્મ સાર્થકય પૈકીની પ્રથમ શારીરિક સલામતિની અને પ્રેમની જરૂરિયાત સંતોષાય તે પછી જ તેને “પ્રતિષ્ઠા” પ્રાપ્ત કરવાની જરૂરિયાત જણાય છે. પ્રત્યેક માનવબાળ સન્માન ઝંખે છે. પોતાની કદર થાય, પોતાનું સમાજ દ્વારા થતું મૂલ્યાંકન સ્થિર રીતે ઊંચું હોય, સમાજની અન્ય વ્યક્તિઓ પોતાને માનપૂર્વક નિહાળે અને પ્રતિષ્ઠા આપે એવી એને કામના હોય છે. આ જરૂરિયાત સંતોષાતાં બાળકમાં આત્મવિશ્વાસ, શક્તિ અને સામર્થ્ય જન્મે છે, અને આ ત્રણેય ગુણો ભેગા મળીને તેને અંદરથી તાકાતવાન બનાવે છે, નેતૃત્વ લેવાની ક્ષમતા બક્ષે છે.

હવે પ્રશ્ન એ થાય છે કે બાળકમાં આ ગુણો કેળવવા માટે શાળા શું કરી શકે ?

રવીન્દ્રનાથ ટાગોર હંમેશાં કહેતા કે સ્વતંત્રતામાં જ વ્યક્તિત્વ ખીલે છે, નેતૃત્વ વિકસે છે. સ્વતંત્રતા, એ લોકશાહીની બીજભૂત અનિવાર્યતા છે. શાળેય શિક્ષણનાં વિવિધ પાસાંઓ જેવાં કે અભ્યાસક્રમ, પાઠય પુસ્તકો, અભ્યાસપૂરક અને અભ્યાસેતર પ્રવૃત્તિઓ અને અધ્યાપન પદ્ધતિઓની વિવિધતા બાળકના માનસપટ પર લોકશાહીની સંસ્કારલિપિનું આલેખન કરે છે.

ગુજરાત શિક્ષણક્ષેત્રે શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી પ્ર. ત્રિવેદી, શ્રી મનુભાઈ પંચોળી, શ્રી ગિજુભાઈ બધેકા, શ્રી મનસુખરામ જોબનપુત્રા, શ્રી ડોલરરાય માંકડ, શ્રી દેવજીભાઈ મોઢા, શ્રી હરભાઈ ત્રિવેદી વગેરે કળવણીકારોએ બાળકોમાં નિહિત આંતરશક્તિઓને પિછાણી હતી અને સમાજને ઉત્કૃષ્ટ નાગરિકોની ભેટ ધરી હતી. તો પછી અત્યારની શાળાઓમાં શું ખૂટે છે ? આવો, આપણે કેટલાક અનુભવી કેળવણીકારોએ નેતૃત્વઘડતર માટે સૂચવેલા પ્રયોગો મારફત જાણીએ…

લોકશાહી સમાજજીવનનો પાયો જો વિદ્યાર્થી અવસ્થામાંથી જ નાખવો હોય તો માત્ર વર્ગ-મૉનિટરની નિયુક્તિ પૂરતું સીમિત ન રહેતાં શાળામાં વિદ્યાર્થીઓની સ્વ-સરકાર (Self-Government) રચવી જોઈએ.

આ પ્રવૃત્તિ નેતૃત્વના ગુણો ખિલવવા વિદ્યાર્થીઓને એક આદર્શ તક પૂરી પાડે છે. વિદ્યાર્થીઓની, વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓ માટે રચાયેલી આ સરકારમાં જોડાયેલા પ્રત્યેક વિદ્યાર્થી પોતાને ભાગે આવેલીં જવાબદારી સહર્ષ સ્વીકારશે અને પૂરી શ્રદ્ધા સાથે ન્યાયિક ધોરણે તે અદા કરશે. શાળા-મિલકતનું રક્ષણ, શિસ્તપાલન, રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ચર્ચા-સભા, સહકારી હાટ વગેરે જેવી શાળાકીય પ્રવૃત્તિઓનું સંચાલન આ ‘વિદ્યાર્થી-સરકાર’ દ્વારા થાય તો શાળાનો પ્રત્યેક વિદ્યાર્થી તેમાં ઉમંગ, ઉત્સાહ અને આનંદથી જોડાશે.

વિશેષમાં આજે જ્યારે બાલકેન્દ્રી શિક્ષણનું મહત્ત્વ સ્વીકારાયું છે ત્યારે શાળાના પ્રત્યેક વિદ્યાર્થીનાં રસ-

ક્ષેત્રોને ઓળખીને શાળામાં વિવિધ વિષયમંડળો જેવાં કે પ્રકૃતિમંડળ, વૈજ્ઞાનિક પ્રવૃત્તિ મંડળ, પ્રવાસ-પર્યટન સમિતિ, પુસ્તકાલય સમિતિ, પ્રાર્થના પરિશીલન સમિતિ, સાંસ્કૃતિક સમિતિ, રમત-ગમત અને વ્યાયામ વર્તુળ, સ્કાઉટિંગ અને ગર્લ ગાઈડિંગ, એન.સી.સી. અને એન.એસ.એસ. પ્રવૃત્તિ, શાળા પાર્લામેન્ટ, ઉદ્યોગ સાથે સંબંધિત પ્રવૃત્તિઓ વગેરેમાં વિદ્યાર્થીઓને નેતાગીરી સોંપીને તેમને પડકારયુક્ત ભાવાવરણ પૂરું પાડવું એ શાળાની ફરજ છે.

ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ કહે છે તેમ પૃથ્વી પરનો પ્રત્યેક જીવ પોતાના અસ્તિત્વની બાબતમાં પડકારોથી જ ટકે છે. એમાંય મનુષ્ય તો ઉચ્ચતમ ચેતના છે. તેથી તેના વ્યક્તિત્વને ઉત્કૃષ્ટતા બક્ષનારું

કોઈ પરિબળ હોય તો તે છે પડકારો. પડકારો જ વ્યક્તિના વ્યક્તિત્વને આકાર અને નિખાર બક્ષે છે. પડકારમાં શરૂઆત ભલે અનુકરણ કે માર્ગદર્શનથી થાય, પણ તેનું કેન્દ્રીય તત્વ તો સ્વ-અભિવ્યક્તિ દ્વારા મેળવાતો નિજાનંદ જ છે ને ! પડકાર જ છે નેતૃત્વ-શક્તિનો નિંભાડો… જેમાં પાકેલાં સ્વયંસિદ્ધ મગજો જ પ્રગતિશીલ અને પ્રજ્ઞાવાન સમાજનું નિર્માણ કરી શકશે.