“એક પાણીની ટાંકીમાં બે નળ લગાડેલા છે. એક નળી મારફત ટાંકીમાં પાણી ભરાય છે અને બીજી વડે ખાલી થાય છે. હવે એ કહો કે ટાંકી કેટલી વારમાં ભરાશે ?” આવી જાતના પગ-માથા વગરના પ્રશ્નો હંમેશાં સ્કુલના ગણિતનાં પુસ્તકોમાં ભરેલા હોય છે. હવે પ્રશ્ન એ થાય છે કે ગણિત અને અસલી જીવન વચ્ચે કંઈ સંબંધ છે કે નહીં ? કોઈ પણ હોંશિયાર માણસ આ પ્રશ્નનો ઉકેલ કરવા માટે નીચેની નળી બંધ કરી દેશે અને આવા પ્રશ્નથી જાતને છોડાવશે.

નઈ તાલીમમાં હું ઘનફળની અવધારણા અનેગણિત કેવી રીતે શીખ્યો તેનું એક ઉદાહરણ આપું છું. દરરોજ અમારે બધાંને ત્રણ કલાક કોઈ ઉત્પાદન કામ કરવું ફરજિયાત હતું. અહીંના શિક્ષણનું આ એક અભિન્ન અંગ હતું. આની પાછળ ગાંધીજીની બ્રેડ લેબર, એટલે કે જાતે મહેનત કરીને ખોરાક મેળવવાની અવધારણા તો હતી જ સાથે સમાજ ઉપયોગી કાર્ય મારફત કુશળતા મેળવવાની વિનોબાની દષ્ટિ પણ હતી. આના માટે હું થોડા દિવસ સુધી ગૌશાળામાં કામ કરવા જવા માંડ્યો. નવી ગૌશાળાના નિર્માણનું કામ ચાલુ હતું. મારા શિક્ષકે મને એક સમસ્યાનું નિરાકરણ શોધવાની જવાબદારી સૌંપી. “એ શોધો કે એક ગાય રોજ કેટલું પાણી પીએ છે ?” આ રીતે ગૌશાળાની બધી ગાયોને દરરોજ કેટલા પાણીની જરૂર પડશે. પછી એક એવી ટાંકી બનાવો કે જેમાં એટલું પાણી સમાઈ શકે. ટાંકીમાં કેટલી ઈંટો જોઈશે તેનો હિસાબ કરીને ઈંટો ખરીદ્દી લાવો.” ગણિતની આ સમસ્યા માટે હું લગભગ એક અઠવાડિયા સૂધી ઝઝમ્યો. જુદી જુદી ટાંકીઓનું ઘનફળ કેવી રીતે માપવું ? ટાંકીનું ઘનફળ અને તેનું બહારનું ક્ષેત્રકળ કેવી રીતે માપવું ? આ અનોખી પદ્ધતિથી પ્રત્યક્ષ ટાંકી બનાવીને હું ગણિત શીખ્યો.