(શીખવું અને શીખવવું ભીતરમાંથી ઊંગવું જોઈએ. સાચો શિક્ષક અભ્યાસના વિષયો શીખવતા શીખવતા જગતના અને જીવનના પાઠ ભણાવે છે.)
તાત્વિક એની મમ્મીને કહે, “મને ફટાફટ તૈયાર કરી નાખ. મારે મોડું થશે.”
“બેટા, આજે તો રજા છે, રવિવાર.”
“ના, રવિવાર નથી, મારે નિશાળે જવું છે.” તાત્તિકે ભારપૂર્વક કહ્યું.
સામાન્ય રીતે બાળકને નિશાળે જવાનું ગમતું નથી, તો પછી તાત્તિકને નિશાળે જવાનું કેમ બહુ ગમે છે ? એનું કારણ છે એનાં શિક્ષિકા ઈલાબહેન.
ઈલાબહેન બી.એડ. નથી, અને બાળકને કેવી રીતે ભણાવું એની પદ્ધતિસરની તાલીમ એમણે ક્યાંય લીધી નથી. એવા કોઈ સર્ટિફિકેટ કોર્સ કર્યા નથી, પણ એ જન્મજાત શિક્ષક છે. એમને બાળક ગમે છે. ખૂબ પ્રેમથી બાળક્ને ભણાવે છે. એ બાળકોને ભણાવતાં ભણાવતાં રમાડે અને રમત રમતમાં ભણાવે. ડગલે ને પગલે એ વાર્તાઓ ક્હે અને તત્ક્ષણ જોડકણાં રચીને ગવડાવે. અંક્જ્ઞાનના પિરિયડમાં એકડો શીખવાડતી વખતે કહે,‘પ્રાથમિક કે માધ્યમિક સ્તરે ભણાવનાર શિક્ષકો
ડીગ્રીધારી જોઈએ એવું જરુરી નથી, પરંતુ એના
હૈયે બાળક માટે અવિચલિત હેત હોવું જોઈએ.’
“ચાલો ભાઈ, આપણે ગોળ ગોળ ચાંદામામા દોરીએ.
અરે ભાઈ, ગોળ ગોળ ચાંદામામા,
આભલે ઊગતા ચાંદામામા.”
આમ ગાતાં જાય, ગવડાવતાં જાય અને વર્ગમાં ફરતાં ફરતાં દરેકે ચાંદામામા દોર્યા છે કે નહીં એ જોઈ લે. બધાં બાળકો ગોળ ગોળ દોરી લે. પછી કહે “અરે ભાઈ, ચાંદામામાને એક લાકડી આપો, ગાંધી બાપુની લાકડી આપો, પણ ચાંદાભાઈ તો ભૂલો કરે ભાઈ ભૂલો કરે છે, ચાંદામામા એ લાકડી પકડી અવળી, ચાંદામામા એ લાકડી પકડી અવળી” કહીને લાકડીનો અર્ધગોળાકાર – જે આપણે પકડીએ છીએ તે નીચે દોરે અને એકડાનો આકાર થઈ જાય. પછી કહે, “અરે ભાઈ, આ તો થઈ ગયો એકડો. વાહ રે ભાઈ વાહ, મારાં બધાં બાળકોને એકડો દોરતાં આવડી ગયું.” આમ બધાં બાળકો એકડો દોરે.
ઇલાબહેન બાળકો પાસે એકડો ઘૂંટાવે નહીં, પણ એકાદ બાળકને ઊભું કરીને પૂછે, “આપણે પહેલાં શું દોરીએ તો એકડો દોરાય ?’
“ચાંદામામા ભાઈ ચાંદામામા” બાળકો જવાબ આપે.
પછી પાછાં ઇલાબહેન કહે, “અરે, ભાઈ, રોટલીય ગોળ ગોળ હોય છે.” બીજું બાળક બોલે. “બહેન, ભાખરીય ગોળ હોય છે.” ત્રીજું બોલે, “મારી મમ્મીનો ચાંદલોય ગોળ હોય છે.” “મારી ડીશ પણ ગોળ છે” અનેરી બોલી. રાજ બોલ્યો, “મારી લખોટીય ગોળ છે.” ઇલાબહેન બધાં : બાળકોને રસ લેતાં કરે, બોલતાં કરે અને બીજી કઈ કઈ વસ્તુઓ ગોળ છે એવું વિચારતાંય બાળકોને શીખવાડી દે. કશાય ભાર વગર. બાળક એકડો દોરતાં શીખી લે. પછી કહે, “ભાઈ, ચાંદામામાના માથે ઊભું તાંસળું મૂકી દો.” આવું કહીને એકડાના માથે અર્ધગોળાકાર તાંસળું દોરાવીને ગાય.
“અરે ભાઈ, આ તો બગડો થઈ ગયો, બગડો થઈ ગયો. આજે તો આપણે એકડો શીખ્યા અને બગડો શીખ્યા.”
વળી પછી પાછાં ગાય, “અરે ભાઈ, એકડા, અરે ભાઈ બગડા આજે તું મારા ભઈલાના સપનામાં આવજે. મારી બેનીના સપનામાં આવજે.”
આમ બધામાં સજીવારોપણ કરે, બાળકોને બધી ચીજવસ્તુઓ અને કુદરત સાથે વાતો કરતાં કરી દે. આના લીધે બાળકોમાં કલ્પનાશક્તિ ખીલે. સંવેદનશીલતા ખીલે. પોતાની ચોપાસ જે કુદરત છે એના માટે સહાનુભૂતિ જાગે અને પ્રકૃતિને પ્રેમ કરતાં થઈ જાય. ઇલાબહેનનાં બાળકો ઝાડપાન સાથેય વાતો કરે.
એક દિવસ શૈલ લીમડાનાં પાન ખરતાં જોઈને બોલી ઊઠયો, “બહેન બહેન, લીમડાભાઈના બધા પતંગ કપાઈ ગયા. ”પાંદડાંમાં શૈલે પતંગ જોયા, પતંગની કલ્પના કરી. ઇલાબહેને ગાયું, “તો પણ લીમડાભાઈ રડતા નથી.”
“બાળકો, કેમ લીંમડાભાઈ રડતા નથી ? અરે ભાઈ, આ તો પાનખર છે. પાંદડાં ખરે એ પાનખર ઋતુ. પીળાં પીળાં પાન ખરી પડી પછી આવશે લીલાંછમ પાન. નાનાં નાનાં સુંવાળાં સુંવાળાં પાન.”
પાનખર અને વસંતઋતુ, એક સામટું ઇલાબહેને ઋતુઓ વિશે કેટલું બધું શીખવાડી દીધું. આ જ ખૂબી છે, ઇલાબહેનમાં. શિક્ષક તરીકે એમનામાં નિષ્ઠા છે. શિક્ષક એના નાનકડા વર્ગમાં આખું વિશ્વ ખડું કરી દે. દરેક જાગ્રત શિક્ષક મનોવિજ્ઞાની છે, એ બાળકમાં જિજ્ઞાસા ઊભી કરે અને પછી સવાલો પૂછતાં પૂછતાં બાળકો પાસે જ જવાબો કઢાવે. આમ બાળક વિચારતાં શીખે. શિક્ષકે શીખવાડ્યું એ એમને યાદ રહી જાય.
સાચો શિક્ષક બાળક પાસે કદી ગોખવતો નથી, પણ સમજાવે છે. શીખવું અને શીખવવું એ બધું ભીતરમાંથી ઊગતું હોવું જોઈએ. તો જ બાળકને શીખવામાં રસ પડશે. બાળક તન્મય બનીને ભણશે. એને સહેલાઈથી સમજાશે અને યાદ રહી જશે.
શિક્ષકનો વ્યવસાય બહુ જવાબદારીભર્યો છે. શિક્ષક વિષયો શીખવતા શીખવતા જીવનના પાઠ ભણાવે છે. કેળવણી એટલે જ વિશ્વ સચરાચરની સમજ. શિક્ષક સમષ્ટિને સમજાવે છે. એ કશું અસ્પષ્ટ નથી રાખતો. બાળક બરાબર સમજ્યું છે કે નહીં એ જોઈ લે છે અને બાળકને ના સમજાય તો તું ડોબો છે, અક્કલ વગરનો છે એવું કહીને વઢતો નથી કે ઉતારી પાડતો નથી પણ પ્રેમથી, ધીરજથી બાળકને ફરી વખત સમજાવે છે. કદાચ બાળક ન સમજે તો એમાં એ બાળકનો વાંક નથી જોતો. એ જાણે છે કે બધાં બાળકોની સમજ-શક્તિ, ગ્રહણશક્તિ, યાદશક્તિ એકસરખી ન હોય. જેનામાં ઓછી સમજશક્તિ અને ગ્રહણશક્તિ હોય એ ભણવામાં ઢીલો હોય.
આ તબકે શિક્ષક તપાસ કરાવે છે કે બાળકને કોઈ રોગ નથી ને ! એના આંખ, કાન અને મગજ નોર્મલ છે કે નહીં ? જો રોગ હોય તો વાલી સાથે એની ચર્ચા કરવી જોઈએ અને યોગ્ય માર્ગ બતાવવો જોઈએ. આવા સહાનુભૂતિભર્યા અભિગમ માટે શિક્ષકને પોતાના વ્યવસાયમાં ખરેખર અભિરુચિ હોવી જોઈએ. એના હૈયે સ્નેહ, સમજ અને ઉષ્મા હોવાં જોઈએ. દિલ વિવેકભર્યું અને સમભાવથી ધબકતું હોવું જોઈએ.
સાચો શિક્ષક એને કહેવાય જે પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીની રુચિ અને સુષુપ્તશક્તિ જાણે અને તેને જગાડવાની કળા જાણતો હોય. શિક્ષણ એ કંઈ જડ પથ્થરને મરજી પ્રમાણે કંડારવાની ક્રિયા નથી, પણ એક કુમળા છોડને તેની નૈસર્ગિક શક્તિ પ્રમાણે ઊગવા દેવાની આવડત છે, કલા છે. કેટલાક શિક્ષકોમાં આ પ્રકારની આવડત સહજ હોય છે. બાળકની રસવૃત્તિ, ઉમંગ, ઉત્સાહને પોષીને એની અંદર પડેલા બીજને બહાર આણે છે. આવા શિક્ષક પાસે દરેક વિદ્યાર્થી માટેની મનોગત નોંધ હોય છે અને એને ક્યારે કેવી રીતે સર્જનાત્મક રીતે પ્રગટ કરવી તેની કળા જાણતો હોય છે.
સાચા શિક્ષકનું લક્ષણ માળીને મળતું આવે છે. માળી દરેક છોડની સંભાળ એ છોડના ગુણધર્મ પ્રમાણે જુદી જુદી રીતે લેતો હોય છે અને બાગને સુંદર બનાવે છે. તે જ રીતે શિક્ષકે દરેક બાળકને સમજીને એનામાં જ્ઞાનની ઝંખના પેદા કરવી જોઈએ. બધા શિક્ષકો આવા સાચા શિક્ષકો નથી હોતા. અત્યારના જટિલ અભ્યાસક્રમની માયાજાળમાં અટવાયેલા શિક્ષકોને તેમના વિદ્યાર્થીઓના હૃદયની સંવેદનાઓ, મૂંઝવણો, અરમાનો અને વિસ્મયને સમજવાનો અને એનું સમાધાન કરવાનો સમય નથી. બાળકોને ભણાવવું ગમે એ શિક્ષક બનવાની સૌથી મોટી યોગ્યતા છે.
સાભાર : બાળકોને ડેવલપ કેવી રીતે કરશો ?