જ્યાં હુકમ છૂટતા હોય ત્યાં ભણતર મજા નહી, સજા બર્ની જાય. શિક્ષણન નામ પર અત્યાર થી બાળકને ગૂંચવી નાખીશું તો એ ગૂંગળાઈ જશે.

શ્રુતિબહેન દીકરા તેજસને પ્લેગ્રૂપમાં દાખલ કરવા અધીરાં બન્યાં છે. તેમના પતિ શશાંકભાઈ પણ તેજસને પ્લેગ્રૂપમાં દાખલ કરવા ઇચ્છે છે, પણ તેજસનાં દાદીને આ વાત રુચતી નથી. તેઓ બોલ્યાં, “અત્યારથી આને નિશાળે બેસાડવાનો ? એનાં બધાં કામ એ જાતે કરી શકતો નથી, એનો કુદરતી હાજત પર કાબૂ નથી, સફાઈની આવડત નથી, હજી તો એ આપણો ખોળો ખૂંદે છે, એના પપ્પાને ઘોડો બનાવીને તબડાક તબડાક કહીને દોડાવે છે, એ સ્કૂલમાં જઈને શું કરશે ?” દાદી ભણેલાં છે, એમણે ખૂબ વાંચ્યું છે.

દીકરા અને વહુને સમજાવતાં તેઓ કહે છે, “બાળકનાં આરંભનાં ત્રણ વર્ષ ખૂબ અગત્યનાં ગણાય છે અને ત્રણથી પાંચ વર્ષનો ગાળો તો ખૂબ મહત્ત્વનો છે. આ ગાળા દરમિયાન બાળકને બાળક તરીકે જુઓ, વિદ્યાર્થી તરીકે નહીં. બાળકે ત્રણ વર્ષ પૂરાં કર્યાય ન હોય ને એને અક્ષરજ્ઞાન આપવાનું શરૂ કરાય છે, પરંતુ એમાં બાળકના વિકાસનાં અગત્યનાં વર્ષો વેડફાઈ જાય છે. ભણતરના નામે બંધનોથી જકડાઈ જાય છે. મસ્તીમાં મહાલવાના દિવસો હોય ત્યારે ચાર દીવાલોમાં બાળકને ગોંધી રાખવાનું ?

“નાનું બાળક આજુબાજુના વાતાવરણમાંથી જાતે જ શીખે છે. આ વર્ષો દરમિયાન બાળકની પાંચે ઇન્દ્રિયોનો પૂર્ણ વિકાસ થાય. બાળકના મનની પ્રસન્નતા, વિશાળતા અને ગહનતા વધે તેવું વાતાવરણ રચાવું જોઈએ. બાળકને ખ્યાલ ન આવવો જોઈએ કે એને કેળવણી અપાય છે. મા-બાપે સભાનપણે આ જવાબદારી ઉપાડી લેવી જોઈએ.

“નાની દેખાતી આ જવાબદારી મોટી છે, ઘણી મોટી…. દીકરાને ઝટ ઝટ પંડિત બનાવવાની હોંશ બધાને હોય છે.

“પણ બેટી શ્રુતિ, દીકરા શશાંક, માનસશાસ્ત્રીની દષ્ટિએ બાળકનાં પાંચ વર્ષ પૂરાં ન થાય ત્યાં સુધી ઔપચારિક શિક્ષણ શરૂ ન કરાય. શિક્ષણ એટલે શું ? શીખવવું. એ તો બાળક શાળામાં દાખલ ન થાય એ પહેલાં જ એનું શીખવાનું શરૂ થઈ જાય છે. ઈશ્વરે એને એ શક્તિ આપી જ છે. માટે કુદરતની વ્યવસ્થા અને ક્રમ પર વિશ્વાસ રાખો, ઉતાવળ ન કરો.”

દાદીનું કહેવું શ્રુતિબહેન અને શશાંકભાઈએ ધ્યાનથી સાંભળ્યું. પછી બોલ્યા, “મમ્મી, તમારા વખતમાં પ્લેગ્રૂપ, નર્સરી કે પૂર્વ પ્રાથમિક વિભાગો ક્યાં હતા ? તમારા વખતમાં નાના શહેરમાં તો બાળકને આઠ વર્ષની ઉમરે શાળામાં દાખલ કરાતું. પછી પાંચ વર્ષે દાખલ કરાતું થયું અને અત્યારે તો દોઢ-બે વર્ષે દાખલ થઈ જાય છે.

“શિક્ષણના તબક્કામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને વિશ્વ વિદ્યાલલ તબક્કા તો છે જ, પણ મેં કહ્યા એ વિભાગો હમણાં શરૂ થયા છે અને બાળકના બૌદ્ધિક વિકાસ, એના સમગ્ર વ્યક્તિત્વના વિકાસ માટે એ જરૂરી મનાય છે.” શશાંકભાઈએ વિસ્તારથી કહ્યું.

પણ દાદીએ કંઈ જવાબ ન આપ્યો. એમણે આ નવું મંતવ્ય સ્વીકાર્યું નથી એ એમના મૌન પરથી સમજાતું હતું.

શશાંકભાઈ એમનાં મમ્મીને ખૂબ આદરમાન આપતા હતા. એમને નારાજ કરવા માગતા ન હતા, તેથી નમ્રતાથી બોલ્યા, “મમ્મી, બાલમાનસશાસ્ત્રી કહે છે કે બાળક મમ્મીનો ખોળો છોડીને ઊભું થાય અને ઘરથી દૂર પ્લેગ્રૂપમાં જાય એટલે એનામાં હિંમત આવે. અજાણ્યા વાતાવરણમાં ગોઠવાતા આવડે. અજાણ્યાં બાળકો સાથે હળતાં-મળતાં શીખે. વાતચીત કરવાની સમજ ખીલે. પોતાની જાત અને પોતાની વસ્તુ સાચવતાં આવડે. રીતભાત આવડે. શિસ્ત આવડે. સમયસર પ્લેગ્રૂપમાં જવાનું-આવવાનું, પોતાની કોઈ સ્વતંત્ર પ્રવૃત્તિ પોતે કરી રહ્યું છે એવી સભાનતા એનામાં આત્મવિશ્વાસ જગાડે. એને સારી ટેવો પડે.”

દાદી કંઈક અણગમાથી બોલ્યાં, ““એવું બધું જાગ્રતપણે બાળકને શીખવાડવાનું ન હોય, આ તેં જે યાદી કહી સંભળાવી એ બધું શિક્ષણ બાળક અનાયાસ ઘરના વડીલો પાસેથી મેળવતું જ હોય છે.”

“પણ મમ્મી, બાળક પ્લેગ્રૂપમાં જાય એટલે એને બહારની દુનિયાનો પરિચય થાય. ઘરની ચાર દીવાલોની બહાર જાય એટલે એને વિશાળ ખુલ્લા વિશ્વનો પરિચય થાય. એ કેટલું બધું જુએ, જાણે.”

દાદી બોલ્યાં, ““આપણા ઘરે કેટલા મહેમાનો આવે છે, બાળક એમની સાથે અને આપણા પાડોશીઓ સાથે હળેમળે છે, પહેલા દિવસે તો એ બધા એના માટે અજાણ્યા જ હતા ને ? અને આપણી આંગળી પકડીને એ બાગમાં આવે છે, મંદિરે આવે છે, નદી – કિનારે આવે છે તે સમયે આપણે એને બહારની દુનિયાનો પરિચય કરાવીએ જ છીએ ને ! શાક લેવા જઈએ છીએ ત્યાં જુદાં જુદાં શાકભાજી, ફળ ઓળખે છે, બાગમાં વૃક્ષ, વેલી, છોડ, ફૂળ ઓળખે છે, અરે ! ઘરના દરવાજે ઊભા રહીને બસ, મોટર, સ્કૂટર, સાઇકલ ઓળખતાં શીખે છે, ઊંચે જુએ છે તો વિમાન ઓળખે છે, પંખી ઓળખે છે. વિવિધ પ્રકારના અવાજો ઓળખે છે, પહેરવેશ ઓળખે છે, ગીતસંગીત માણે છે.

“ઓ દીકરા, બાળક માના પેટમાંથી બહાર આવે ત્યારથી જ એ શીખવા માંડે છે, અરે માના પેટમાંય એની ચેતના જાગ્રત જ હોય છે. અભિમન્યુએ સાત કોઠાનું જ્ઞાન કઈ રીતે મેળવ્યું હતું ? બેટા, આપણા પ્રાચીન ગ્રંથો અને પરંપરા પર વિશ્વાસ કરો. પારંપરિક શિક્ષણ લેનારી અમારી પેઢીમાં જ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા વિચક્ષણ બુદ્ધિમાનો પાક્યા છે ને !”

શશાંકભાઈ બોલ્યા, ““એ બધી જૂના જમાનાની વાતો કહેવાય. આ નવા જમાનામાં ના ચાલે. આ તો તીવ્ર હરીફાઈનો જમાનો છે. તમે કહો છો એમ ઉમર વધે ને સમજ ખીલે એવી રાહ જોવામાં તો અમે પાછળ પડી જઈએ. પછી એનો આગળ વધવાનો કોઈ સ્કોપ ન રહે.”

“પણ બેટા, અત્યારથી એને વિદ્યાર્થી બનાવીને ધૂંસરીએ જોડી દેવાનો ? ઘાંચીના બળદની જેમ નિશાળે અને ઘર વચ્ચે દોડતો કરી દેવાનો.”

શ્રુતિબહેન બોલ્યાં, “મમ્મી, આ તો બે-ત્રણ કલાક જવાનું હોય છે. પછી તો તેજસ આપણી સાથે ઘરમાં જ હશે. વળી, ત્યાં એટલી બધી જાતનાં રમકડાં હોય, જે શિક્ષણશાસ્ત્રીએ તૈયાર કરાવ્યાં હોય છે. એનાથી બાળકની યાદશક્તિ વધે, અંતરશક્તિ અને સમજશક્તિ વધે.”

“પણ એ રમકડું સરખું પકડતાં તો શીખવા દો.” દાદી બોલ્યાં.

“મમ્મી, એ રમકડાં એવાં હોય કે એનાથી રમતાં રમતાં બાળકની આંગળીઓની પકડ વધે, એ આકાર ઓળખે, એની દષ્ટિ કેળવાય.”’

પ્લેગ્રૂપમાં સમયસર જવાની ચિંતા હોય ત્યાં ફરજિયાત શિસ્ત, કડકાઈ નહીં, પણ નિયમિતતા તો ખરી જ ને ! એનાથી બાળક ગૂંચવાય નહીં ? બાળકને ગાવાનું મન થયું હોય ત્યારે કહે ચૂપ, કંઈ કહેવાનું મન થયું હોય ત્યારે કહે હમણાં નહીં બોલવાનું, તને પૂછીએ ત્યારે બોલવાનું, ધીમેથી બોલ. શિક્ષકનો એ કર્કશ, સ્નેહવિહોણો અવાજ, આંખમાં લાડ ન હોય, બાળક મૂંઝાય નહીં ?

બાળકને ઊલટ આવે અને આપણને વળગી પડે એમ વળગી પડવાનું મન થાય તો કોને વળગે ? શિક્ષક તો હુકમ છોડે, સીધો ઊભો રહે. હલહલ ના કર.

“જ્યાં હુકમ છૂટતા હોય ત્યાં ભણતર મજા નહીં, સજા બની જાય. બાળકને અત્યારથી નિયમોથી ગૂંચવી નાખીશું તો એને નિશાળ તરફ નફરત થઈ જશે.”

સાભાર : ‘બાળકોને ડેવલપ કેવી રીતે કરશો ?’