આમ વિચારીએ તો આપણી આગળ બાળકનું જોર કેટલું? અને છતાં આપણને એ પજવી જાય, પરેશાન કરી જાય. એની કેટલીક ખોટી આદતો અને વર્તણૂકથી આપણે કંટાળીએ, ત્રાસ અનુભવીએ. કેટલાંય માબાપ એમ કહેતાં હોય કે, હું ખરેખર એનાથી કંટાળી ગઈ/ ગયો છું. મેં એક ઉપાય બાકી નથી મૂક્યો. છતાં એ સુધરવાનું નામ નથી લેતો. ઘરે એનું તોફાન માઝા મૂકે છે. સ્કૂલમાંથી એની ફરિયાદો આવે છે. આપણો કોઠો ઠરે એવું એક લક્ષણ એનામાં નથી. એને કેમ કરીને ઠેકાણે લાવવો એ સૂઝતું જ નથી.

માબાપની આવી મૂંઝવણનાં અને સંતાનથી હારી જવાનાં ઘણાં કારણો હોઈ શકે.

જ્યારે સજાનો માર્ગ પહેલો લેવામાં આવતો હોય માબાપને પૂછીએ કે તોફાની બાળકને ઠેકાણે આણવા માટે તમે કયા ઉપાયો કરી જોયા છે તો એમના જવાબ મળે,

એને મારીએ છીએ.

એને બાંધી દીધો.

એને બાથરૂમમાં પૂરી દઈએ છીએ.

એની પાસેથી ટી.વી. બંધ કરાવી દીધું.

એના પોકેટ મની બંધ કરી દીધા.

એને એના ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ન જવા દીધો.

ગળું ફાટી જાય એટલા બરાડા પાડવા પડે છે.

પણ આ તો એને સજા કરવાના રસ્તાઓ થયા. એના ખરાબ વર્તનની તમે ઉપેક્ષા કરી જોઈ ? એના સારા વર્તનની તમે કદર કરી? એની ઉપલબ્ધિને તમે વખાણી ?

બાળક માત્ર એના માબાપની સ્વીકૃતિ ઇચ્છે. એમની પાસેથી વખાણ અને કદરના બે શબ્દો સાંભળવા એના કાન તરસે. એને બદલે તમે સતત એના ખરાબ વર્તનને વખોડયા કરો અને એને સીધોદોર કરવા માટે હંમેશાં સજા કરવાનો માર્ગ જ અપનાવો તો કેમ કામ બને? અણગમતાંની ઉપેક્ષા કરો અને ગમતાંની પ્રશંસા કરો એ માનવવર્તનને સુધારવાની પહેલી સોનેરી ચાવી છે. એને છોડીને તમે શિક્ષા કરવાનો રસ્તો પસંદ કરો પછી ધારેલું પરિણામ શી રીતે આવે? સજાથી બાળકના વર્તનની સમસ્યાનો અંત ન આવે; ઊલટાનું એ વકરે. એના સારા વર્તન બદલ એને શાબાશી પહેલી મળવી જોઈએ, પણ એ આપણાથી ભુલાઈ જાય અને સજા કરવા માટે હાથ ઊઠતાં જરા વાર ન લાગે, પછી બાળક સુધરે એવી અપેક્ષા શી રીતે રાખી શકાય?

ઢીલાં માબાપ

બાળક આગળ આપણી સ્થૂળ સત્તા હારી જાય છે એનું એક કારણ એ છે કે બાળક આપણી નબળઈને પારખી જાય છે. એને ખબર છે કે મમ્મી બોલે છે એ કરવાની નથી. એક બાજુ તમે એને ધમકી આપો કે આજે તો તને મેગી નહીં જ બનાવી આપું. પણ સાંજે તમારો નિર્ણય ફેરવવા માટે એણે તમને આજીજી કરવાની જરૂર નહીં પડે. એના મોં સામે જોઈને તમારી મક્કમતા ઓગળી જવાની. તમે જ તમારો નિર્ણય ફેરવી તોળવાના, એટલે પછી એનું વજૂદ શી રીતે રહે? સવારે બોલેલું તમારું વિધાન સાંજ સુધીમાં તો તમને યાદ પણ નહીં રહે. ઘણી વાર તમે જાતે તમારી નબળાઈ એની આગળ છતી કરી કાઢશો. સાંજે પપ્પાને આવવા દે. એમને કહીને તને માર નહીં ખવડાવું તો મને કહેજે! પણ બાળક્ને ખબર છે કે ઓફિસેથી થાકીપાકીને પપ્પા આવશે એટલે સીધા બેડરૂમમાં જઈને આડા પડશે. મમ્મી એમને કંઈ ક્હેવા જશે તો એ બન્ને વચ્ચે ચકમક ઝરશે, પણ મારો તો વાળ પણ વાંકો થવાનો નથી. બાળકને એ પણ ખબર છે કે મમ્મી મને માર્યા પછી જાતે જ ઢીલી પડી જાય છે અને રડવા મંડી પડે છે. પપ્પા અને મમ્મી મારી બાબતમાં પોતાના મતભેદો દૂર કરી શકતા નથી. સાથે બેસીને ચર્ચા કરીને કદી રસ્તો કાઢવાના નથી. બહુ થશે તો દોષનો ટોપલો એકબીજા પર ઢોળશે, પણ મને કશું ય નહીં ક્હી શકે. એને એ સૂઝ છે કે ધારેલું કરાવવું હોય તો મમ્મી-પપ્પાને ભેગાં નહીં થવા દેવાનાં, એને બદ્લે એમને જુદાં પાડીને એ બેમાંથી કોઈ એકની પાસેથી પોતાનું કામ કઢાવી લેવું સહેલું છે. એટલે એ આના પેંતરા રચશે. મમ્મી શાક લેવા ગઈ હશે અને પપ્પા ઓફિસેથી ઘરે આવી જશે તો પાણીનો પ્યાલો લઈને સામો પહોંચી જશે. એમના જોડા સ્ટેન્ડમાં મૂકી દેશે અને એમની બેગ ઉપાડીને એને ઠેકાણે મૂકી દેશે. પછી લાગલો ઘા કરશે, પપ્પા, કાલે બધા ફ્રેન્ડ્સ પિઝા હટમાં જાય છે. હું પણ જાઉં? પપ્પા પાછી એ ખાતરી કરવાની પેરવી પણ નહીં કરે કે મમ્મીને પૂછી જોયું? ખુશ થઈને કે થાકેલા હોવાને કારણે એ હા પાડી દેશે. પછી થોડી વારમાં મમ્મી પાછી આવશે એટલે રસોડામાં જઈને એની પાસેથી શાકભાજીની થેલી લઈ લેશે, એનું પર્સ લઈને ઠેકાણે મૂકી દેશે. પછી ધીમે રહીને કહેશે, મમ્મી, પપ્પાએ કાલે મને પિઝા હટમાં જવાની હા પાડી. મમ્મી ધુવાંપુવાં થતી પપ્પાને ખોળવા નીકળશે, પણ એ તો ક્યાંક આઘાપાછા થયેલા હશે અને બાળકે આની પહેલાંથી ખાતરી કરી લીધી હશે.

સાતત્યનો અભાવ

બાળકની અમુક નાદુરસ્ત વર્તણૂક બદલવી હોય તો એ માટે તમારે સાતત્યપૂર્વક એની પાછળ પડવું પડે. એક દિવસની કે એક પ્રસંગની પણ ઢિલાશ એમાં નહીં ચાલે. તમે ઇચ્છતા હો કે એ મોડામાં મોડો સાડા નવ વાગે પથારીમાં પડી જ જવો જોઈએ, અથવા રાત્રે સૂતાં પહેલાં એણે બ્રશ કરવું જોઈએ તો તમારે આનો રોજ આગ્રહ રાખવો પડે. એક દિવસનું પણ ઢીલું વર્તન તમારા પ્રયત્નની કચાશ જાહેર કરી દે છે. માબાપની મક્કમતા સતત જળવાવી જોઈશે. બાળક તો રાહ જોઈને જ બેઠેલું હશે કે ક્યારે મમ્મી કે પપ્પા ઢીલા પડે છે? એના વર્તનમાં રાતોરાત ફેરફાર આવતો નથી. એની બૂરી આદત બેચાર દિવસમાં સુધરી જતી નથી. આના માટે તમે જે ચિહ્ધાત્મક (ટોકન) ઉપાય કે સજા વિચારો તે તમારે એકધારા ઘણા દિવસો કે અઠવાડિયાં સુધી અજમાવવા પડે. બાળકની આળસ છોડાવવી હોય તો તમારે આઠદસ મહિના એની પાછળ પડવું પડે. તમને એમ લાગ્યું કે હવે બાળક સુધરી રહ્યું છે તો એકાદ દિવસ આપણા આગ્રહમાં થોડા મોળા પડી જવાથી કશું બગડી જતું નથી, તો એ તમારી ભૂલ છે. ખરાબ આદત સુધારવા માટે મનોવિજ્ઞાનમાં “૨૧નો નિયમ’ કામ કરે છે. સતત એકવીસ દિવસ સુધી તમે જેનો આગ્રહ રાખશો એ ખાસિયત બાળકના વર્તનમાં દઢ બનશે, પણ તમે વચ્ચે એકાદ-બે દિવસ પણ ઢીલ મૂકી તો તમારો હેતુ માર્યો જશે. વળી એકવીસ દિવસ વીતી ગયા એટલે તમારે ચેનની ઊંઘ સૂવાનું છે એવું પણ નથી. દૂર થયેલી ખરાબ આદત પાછી ન ફરે-એ માટે તમારો સંત્રી સતત જાગતો રાખવાનો છે.

લિટલ પ્રોફેસર

દરેક બાળકમાં એક ચાલાક વૃત્તિ હાજર હોય છે. માબાપ આગળ પોતાનો રસ્તો કાઢવાનું એનું કામ છે. મનોવિજ્ઞાનની ભાષામાં એને “લિટલ પ્રોફરેસર’ કહેવામાં આવે છે. એને ટ્યુશનમાં નહીં જવું હોય, કે મમ્મીએ જબરદસ્તીએ થાળીમાં પીરસેલું કોબીજનું શાક નહીં ખાવું હોય તો મોં ક્ટાણું કરીને કહેવા કરતાં એ આંખમાં આંસુ આણીને અને દયામણું મોં કરીને મમ્મીને કહેશે, મમ્મી, આજે મારા પેટમાં ખૂબ દુ:ખે છે. આજે તો રોહને એની બર્થડેનો આઇસ્ક્રીમ આપ્યો તે પણ મેં નથી ખાધો.

તમે એને કહેશો, પહેલાં તારું હોમવર્ક પૂરું કર પછી ટી.વી.ને હાથ લગાડ. એ કહેશે, મમ્મી, આજે   તો ટી.વી. જોવાનો મૂડ જ નથી. હવે મૂંઝાવાનો વારો તમારો આવશે. એને હોમવર્ક કરવાનો આગ્રહ કરું કે એણે ટી.વી. જોવાની સામે ચાલીને ના પાડી દીધી એનાથી રાજી થાઉં?

એને એના ફ્રેન્ડની બર્થડેમાં જવાનું છે. તમે એને પૂછો છો, કેટલા વાગે પાછો આવી જશે?

પપ્પા, રાતે દસ તો વાગશે જ.

નહીં ચાલે. આઠ વાગે એટલે તું ઘરમાં હોવો જોઈએ!

પપ્પા, નવ વાગે તો આવી જ જઈશ.

સારું એનાથી એક મિનિટ મોડું નહીં ચાલે. અને તમને ખ્યાલ પણ નથી આવતો કે એને તો નવ વાગતાસુધી જ ફ્રેન્ડ્સ જોડે મઝા કરવી હતી; તમારા આઠ વાગે ઘરે પાછા આવી જવાના આગ્રહની સામે એણે વળતો દાવ અજમાવવાનો જરૂરી હતો.

 સુધરેલા વર્તનની ઉપેક્ષા

બાળકના ખરાબ વર્તનનાં મૂળ એના વાતાવરણમાં હોય છે. એની ખોટી આદત રાતોરાત જન્મેલી નથી હોતી. તમે એની જરૂરિયાતોની સતત અવગણના કરો એટલે પછી એ રડીને પોતાની વાત કહેતું થઈ જાય. એ શાંતિથી વાત કરે ત્યારે તમને એને સાંભળવાની ફુરસદ ન હોય તો- રડીને રજૂઆત કરવાની એની કુટેવ વકરતી જાય. પછી તમે એના આવા વર્તનથી કંટાળો. કોઈની આગળ એનું વર્ણન કરવાનું હોય તો તમે એમ જ કહેશો કે એ રડકણો છે. પણ દસમાંથી બેએક વાર એ સારી રીતે પેશ આવ્યો હોય છતાં તમે તમારી એના પ્રત્યેની ગ્રંથિ બદલવાના નહીં. એનું વર્તન ઉદ્ધત હોય તો તમે એ બદલ તમે એને બધે જ વગોવવાના. પરંતુ એકાદવાર પણ જો એ ઠાવકી રીતે તમારી આગળ વાત કરે અને તમે એની નોંધ ન લો તો ફરી વખત આવું કરવાનું એને મન નહીં થાય. એટલે એના વર્તનને સમગ્રતામાં જોવા કરતાં નાનાં નાનાં ચરણોમાં વહેંચીને એનું મૂલ્યાંકન કરવું વધારે જરૂરી છે. એના એકાદ વારના સારા વર્તન બદલ તમે એને શાબાશી આપો તો બીજી વાર અચૂક એ આમ કરી બતાવશે. તમારે તમારી આંખે પહેરી રાખેલાં ચશ્માં ઉતારી નાખવાં પડે. એ તો આવો જ છે એવું લેબલ કાયમ વાપરતાં પહેલાં ખાતરી કરો કે કોઈ કોઈવાર એના વર્તન-વ્યવહારમાં કશું જુદું, ઇચ્છનીય ધ્યાનમાં આવે તો તમે એને વખાણ્યો છે ખરો?

બાળક સજાની મજા માણતું હોય!

ઘણી વાર બાળક માબાપના ઠપકાને સાવ હળવાશથી લેતું હોય છે. માબાપ એને વારંવાર મારતા હોય તો એ જાડી ચામડીનું થઈ જાય છે. પછી તમે આ જ શસ્ર એની સામે કાયમ ઉગામ્યા કરો તો તમારા મારની અને ઠપકાની એના પર અસર ઊપજતી બંધ થઈ જાય. ઊલટું માર ખાતાં ખાતાં કે ઠપકો સાંભળતાં સાંભળતાં એ મનમાં મનમાં હરખાતું હોય કે પપ્પાને કેવા ગુસ્સે કર્યા?

વળી બે બાળકોમાં પણ આ બાબતમાં ભેદ જોવા મળે. એક બાળકને તમે ટી.વી. જોવાની ના પાડો તો ઊંચુંનીચું થઈ જાય, અને બીજા બાળક પર એની અસર સરખી ન થાય. એકને તમે રૂમમાં પૂરી દો તો તરત ઢીલું પડી જાય, અને બીજું બાળક એકલું પડીને મઝા કરવા માંડે, અથવા ઉપદ્રવ કર્યા વિના શાંતિથી ઊંઘી જાય. આવો આરામ કરવાનો સમય એની ભણતરની પીડા અને તમારી કાયમી કટકટમાં એને ક્યાંથી મળવાનો છે? એકના માટેની સજા ઘણી વાર બીજા માટે મજાનું કારણ પણ બની જતું હોય એમ બને. એટલે એને સજા તો એવી કરવી જોઈએ કે જેની એના મન પર ભારે અસર કરી જાય, અથવા એને સુધરવાની ફરજ પડે. કરવા ખાતર સજા કરો તે ન ચાલે. ઘણાં બાળકો જાડી ચામડીનાં હોય, અને ઘણાં સંવેદનશીલ ચામડીનાં પણ હોય. આની પરખ કરીને તમારે સજાનો પ્રકાર નક્કી કરવો. વળી કોઈપણ સંજોગોમાં મારવાનો અને રૂમમાં પૂરી દેવાનો ઉપાય તો નહીં જ કરવાનો, કેમ કે એ એના ભાવિ વર્તન પર અવળી અસર કરે. એને જેનું મૂલ્ય વધારે હોય એવી ચિન્હાત્મક સજા જ એને કરવી પડે. અમુક વખત વીતી ગયા પછી જેની અસર બુઠ્ઠી થઈ જાય એવી સજા તમારે પડતી પણ મૂકવી પડે. એના વર્તન પર તમારી સજાની વિપરીત અસર પેદા થઈ રહી હોય તો એને પણ તમારે વેળાસર પારખવી પડે અને એ સજા વખતસર પડતી મૂકવી પડે.

બાળકની કેટલીક વર્તણૂક બદલવાનું માબાપના હાથમાં નથી

બાળકની અમુક આદતો પાછળ વાતાવરણીય કે વારસાગત કારણો જવાબદાર હોય. આ કારણોને જાણ્યા વિના એમને બદલવાનો જક્કી હઠાગ્રહ રાખવા જતાં બાળક અને માબાપ વચ્ચે ઘર્ષણ પેદા થાય. એની અમુક તકલીફ એને માનસિક સ્વાસ્થ્યની સમસ્યા તરીકે ઉદભવેલી હોય. એ જાણ્યા વિના માબાપ એને સજા કરે, કે એની સાથે કડકાઈનો માર્ગ અપનાવે તે કામ ન આવે. દાખલા તરીકે, વારંવાર સાબુથી હાથ ધોતાં રહેવું, એકના એક શબ્દ કે વાક્યને વારંવાર ઉચ્ચારતાં રહેવું, વળી વળીને પોતાના પેન્ટની ચેઈન ચેક કર્યા કરવી, શર્ટના બટન બંધ થયા છે કે નહીં તેની ચકાસણી કર્યા કરવી, વગેરે એક પ્રકારની મનોઆવેગી કે કૃતિઆવેગી માનસિક બીમારીનું લક્ષણ છે, જે Obsessive Compulsive Disorder (OCD) તરીકે ઓળખાય છે. એનો મનોરોગચિકિત્સક પાસે ઇલાજ કરાવવો પડે. એ જ રીતે કિશોર વયનું સંતાન ચિંતાતુરતા, હતાશા, અકારણ ડર, અસાધારણ મિજાજ પરિવર્તન જેવા માનસિક રોગનો શિકાર બનીને અમુક પ્રકારનું અસાધારણ વર્તન કરે તો એની સાથે અકળાઈને, એને ધમકાવીને, મારીને કે ઠપકો આપીને એને સુધારવાનો પ્રયત્ન નકામો છે. માનસિક બીમારીના ભાગરૂપે એની અંદર જોવા મળતાં માઠાં ચિન્હો ને એની ખરાબ વર્તણૂકની સમસ્યા ગણીને ન ચાલી શકાય. એમને વેળાસર પારખીને એનો યોગ્ય ઉપાય કરાવવો જરૂરી છે. એ જ રીતે અવારનવાર આંખો મિચકાર્યા કરવી, હોઠ કરડવા, નાક ખોતરતાં રહેવું, ગળું ખોંખારતાં રહેવું, પોતાના ને પોતાના વાળ તોડતાં રહેવું, વગેરે પણ ઘણાં બાળકોમાં માનસિક સમસ્યાના ભાગરૂપે જોવા મળે છે. એનો મનોવૈજ્ઞાનિક ઇલાજ કરાવવો પડે. આવી સમસ્યાઓ માટે યોગ્ય કાઉન્સેલર કે મનોચિકિત્સકને મળવું જરૂરી છે.

બાળકને તેના વર્તનનું પરિણામ ભોગવવા દો.

દા.ત.બાળકને તમે ખરીદી કરવા લઈ ગયા હોવ અને તે ઘણીબધી વસ્તુઓ લેવા માટે જીદ કરે તો મા બાપે નમતું જોખવાને બદલે તેને તેનું પરિણામ ભોગવવા દેવું જોઈએ. ફરીવાર જ્યારે ખરીદી કરવા જવાનું હોય ત્યારે લાંબું ભાષણ આપ્યા વગર તેને સાથે લઈ જવાની ના પાડી દો.