ભાવિ પેઢીનું નબળું ભાવિ
દરેક માબાપ પોતાના બાળકને તંદુરસ્ત, સુખી અને સફળ જોવા ઇચ્છે છે. આ ત્રણે માપદંડોમાં તંદુરસ્તીને માપવી સહેલી છે. બાળક એની જિંદગીમાં સુખી છે કે નહીં, અથવા સફળ થયું કે નહીં તે નક્કી કરવાનું તો ઘણું અઘરું છે. આજનાં બાળકો આગલી પેઢીનાં બાળકોની સરખામણીમાં વધારે તંદુરસ્ત છે એ વાતમાં કોઈ શંકા નથી. આજનાં બાળકોનું સરેરાશ વજન અને એમની સરેરાશ ઊંચાઈ આગલી પેઢી કરતાં સારાં છે જ. હવે બાળકોને પહેલાંના સમય જેવા ગંભીર ચેપી રોગો પણ ઓછા લાગુ પડે છે. બાળકો માટેની તબીબી સુવિધામાં ઘણો વધારો થયો છે. એમને આપવામાં આવતી રોગપ્રતિકારક રસીઓ વધારે અકસીર નીવડી છે. અગાઉ ઝાડાઊલટીમાં અનેક બાળકોનો જીવ જતો. પણ બાળમાંદગીઓમાં અકસીર સારવાર મળવાને કારણે હવે બાળકોને ગંભીર માંદગીના મુખમાંથી ઉગારી શકાય છે. અગાઉ નબળું વજન લઈને જન્મનારાં બાળકો જીવી શકતાં નહીં. પરંતુ આજે હવે નવજાત શિશુઓના સારવાર વિભાગમાં ઉપલબ્ધ સઘન સારવારને લીધે અનેક બાળકો નબળા વજન અને ગંભીર માંદગી છતાં બચી રહ્યાં છે. નબળા વજન સાથે અને અધૂરા મહિને જન્મનારાં બાળકોની સારવારમાં તબીબી વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે.
બાળસ્વાસ્થ્ય પર અસર કરનારાં પરિબળો
પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકોનો મૃત્યુ આંક ૧૯૯૦ની સાલથી સતત ઘટતો રહ્યો છે. એ વર્ષોમાં જન્મ વખતની આયુષ્ય સંભાવના ૬૫.૫ વર્ષની હતી તે આજે વધીને ૭૩ વર્ષની થઈ ગઈ છે. પણ એનો અર્થ એવો નથી કે બાળકોના સ્વાસ્થ્ય બાબતમાં બધું સમુંસૂતરું ચાલી રહ્યું છે. કેટલાક માઠા સમાચારો પણ છે. આજે ૬૫ વર્ષની ઉમરે પહોંચેલી પેઢી એમનાં માબાપની સરખામણીમાં ચોક્કસપણે જ વધારે તંદુરસ્ત અને ફિટ જીવન જીવી રહી છે, પણ એમનાં બાળકો ભવિષ્યમાં જ્યારે આ ઉંમરે પહોંચશે ત્યારે એ એટલાં જ તંદુરસ્ત હશે એવો ભરોસો નથી આપી શકાતો. આજનાં બાળકો ઘરડાં થશે ત્યારે ઘણું નાદુરસ્ત જીવન જીવતાં હશે.
ગરીબાઈ, દૂકાળ અને યુદ્ધની પરિસ્થિતિમાં રહેનારાં બાળકોનું આરોગ્ય નબળું હોય અને એમની આવરદા ટૂંકી હોય એ માની શકાય, પણ વક્રતા એ છે કે ખાધેપીધે સુખી ઘરનાં બાળકોનું આરોગ્ય ધોરણ ચિંતા પેદા કરે તેવું જણાઈ રહ્યું છે. એ બાળકો લાંબું જીવે એવું બની શકશે, પણ એમની તંદુરસ્તી વધારે સારી જ હશે એવો દાવો કરવો નકામો છે. એ બીમારીરહિત જીવન નહીં જ ગાળી શકે. એમને નવા પ્રકારના રોગોનો ઉપદ્રવ પરેશાન કરશે.
સ્થૂળતા
બાળકોના જીવનમાંથી શારીરિક શ્રમ અને પ્રવૃત્તિઓ સાવ અદશ્ય જ થઈ ગયાં છે. એમના ખોરાકની માત્રા ઓછી થઈ છે. અગાઉનાં બાળકો ભાણું ભરીને જમતાં એવું આજનાં બાળકો કરતાં નથી. એમનું ભાણું એકાદ-બે ચીજોથી ભરાયેલું હોય છે. દિવસના માંડ એકાદ- બે વખત એ ખાય છે. પણ એ જે ખાય છે તેમાં ભારોભાર ખાંડ, ચરબી અને કેલરી ઠાંસેલાં હોય છે. એની સરખામણીમાં એમાં વિટામિનો અને ખનીજ દ્રવ્યોની ભારોભાર ઊણપ હોય છે. આવી ખાદ્યચીજોને પોષણહીન (empty calories) કહેવામાં આવે છે. એવું ખાવાથી બાળકનું વજન વધે છે, પણ તંદુરસ્તી નબળી પડે છે. બાળકોની કમરનો ઘેરાવો અને પેટની અંદરની ચરબીમાં વધારો થાય છે. આને સેન્ટ્રલ ઓબેસિટી (કેન્દ્રવર્તી સ્થૂળતા) કહેવામાં આવે છે. આનાથી બાળકના શરીરના કોષોમાં ઈન્સ્યુલિન પ્રતિકારની નાદુરસ્ત પરિસ્થિતિ પેદા થાય છે, જે આગળ જતાં ટાઇપ-૨ ડાયાબિટીઝ મેલાઇટસનું જોખમ ઊભું કરે છે. આજથી વીસ વર્ષ અગાઉ નાનાં બાળકોમાં આ પ્રકારનો ડાયાબિટીઝ સામાન્ય રીતે જોવા મળતો નહીં. ખરેખર તો એ મોટપણે થવી જોઈતી બીમારી છે. કમનસીબે આજે ચૌદ વર્ષની ઉંમરનાં બાળકોમાં જોવા મળી રહી છે.
વર્ષ ૧૯૮૮માં જેરાલ્ડ રિવન અને એમના સાથીઓએ મેટાબોલિક સિન્ડ્રોમનું વર્ણન પૂરું પાડેલું. આ રોગમાં શરીરમાં ઈન્સ્યુલિન પ્રતિકાર, હાઇબ્લડપ્રેશર, લોહીમાં નાદુરસ્ત ચરબીના પ્રમાણમાં અસાધારણ વધારો, તેમ જ ટાઇપ-૨ ડાયાબિટીઝ જેવી અસંતુલિતતા જોવા મળે છે. તે અસ્વસ્થ જીવનશૈલી સાથે સંકળાયેલો છે. રિવને એની ચર્ચા કરી ત્યારે એ પુખ્ત વયની વ્યક્તિઓમાં જોવા મળતો. આજે હવે તે કિશોરો અને યુવાનોમાં થાય છે. શરીરની સંઘટન-વિઘટન (મેટાબોલિઝમ)ની પ્રક્રિયામાં અસંતુલિતતાને કારણે તે પેદા થાય છે. આ રોગમાં શરીરમાં પ્રાણવાયુયુક્ત લોહી પૂરું પાડનારી ધમનીની શાખાઓમાં કોલેસ્ટ્રોલની છારી જામે છે અને એના લીધે વ્યક્તિ હૃદયરોગનો ભોગ બનીને અકાળે જીવ ગુમાવે છે. આજની પેઢી પ્રમાણમાં નાની ઉંમરે આ જીવલેણ વ્યાધિનો ભોગ બની રહી છે. બિનસ્વાસ્થ્યપ્રદ આહાર તેના માટે જવાબદાર છે. અમેરિકાની યેલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન તેમ જ સિનસિનાટીની ચિલ્ડ્રન્સ મેડિકલ સેન્ટરના સંશોધકોએ કરેલા એક સહિયારા અભ્યાસના તારણ અનુસાર બાળકોમાં મેટાબોલિક સિન્ડ્રોમનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. આના લીધે એમના હૃદય અને રંધિરાભિસરણ તંત્રનું સ્વાસ્થ્ય અકાળે નબળું પડી રહ્યું છે.
સ્થૂળતા માત્ર હાર્ટ એટેકને લીધે જ બાળકોનો અકાળે ભોગ લેશે એવું નથી. સ્થૂળતાને કારણે બાળકોમાં બીજી પણ અનેક માંદગીઓનું પ્રમાણ વધી રહ્યું છે. વજન વધે તેમ વ્યક્તિની આવરદા ટૂંકી થાય છે. સાધારણ સ્થૂળતા ધરાવનારાં બાળકોની સરખામણીમાં ખૂબ સ્થૂળ હોય તેવાં બાળકોમાં અકાળ મૃત્યુનું જોખમ બમણું થઈ જાય છે.
કેટલાંક આધુનિક સંશોધનોથી જણાયું છે કે મેટાબોલિક સિન્ડ્રોમનો પ્રારંભ છેક બાળકના ગર્ભાવસ્થા સમયથી જ થાય છે. “બાર્કર હાઇપોથેસિસ’ તરીકે ઓળખાતા આ સિદ્ધાંત અનુસાર બાળક ગર્ભમાં અને જન્મ પછીનાં બે વર્ષની ઉંમર દરમિયાન જે પોષણ મેળવે છે તેના આધારે એના ભાવિ જવનની તંદૂરસ્તી તેમ જ એનો વિકાસ નક્કી થાય છે. હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીઝ અને હૃદયરોગનાં મૂળિયાં છેક ગર્ભાવસ્થાથી જ નંખાય છે. બીજા શબ્દોમાં વ્યક્તિના સ્વાસ્થ્યમય કે નાદૂરસ્ત જીવનનું નિર્માણ ગર્ભકાળ અને શિશુ અવસ્થાના ઉછેર દરમિયાન થાય છે. જન્મથી જ વ્યક્તિ રોગનાં મૂળ લઈને પેદા થાય છે. આનો આધાર એનાં જનીન બંધારણ ઉપરાંત માતાના આહાર પર રહેલો છે. બાળક નબળા વજન સાથે જન્મે અને એની માતા એનું નબળું વજન ઝડપથી વધે એવી માન્યતામાં વધારે પડતું દૂધ આપવા માંડે તો બાળકે એની સજા ભવિષ્યમાં ભોગવવી પડે. નબળું પોષણ એટલે આપણે બાળકનાં હાડકાં-પાસળાં ગણાતાં હોય એવી પરિસ્થિતિની કલ્પના કરીએ, પરંતુ સ્થૂળકાય બાળક પણ કુપોષિત જ ગણાય. આવાં બાળકોની સંખ્યા આજકાલ ખૂબ વધી રહી છે. એના આહારમાં કેલરી ભરપૂર હોય છે, પણ વિટામિનો અને ખનીજ દ્રવ્યોની એ ઊણપ ધરાવે છે.
કિશોરાવસ્થા
આજની છોકરીઓ ગઈ કાલની પેઢીની સરખામણીમાં વધારે ઊંચી અને વધારે વજન ધરાવતી થઈ છે. એમને આગલી પેઢી કરતાં માસિક પણ હવે એકાદ-બે વર્ષ વહેલું આવતું થયું છે. એને કારણે પાછલી જિંદગીમાં એમને સ્તન કૅન્સર થવાનું જોખમ વધ્યું છે. જો કે સ્તન કૅન્સરનાં બીજાં પણ જોખમી પરિબળો છે. બ્રિટનમાં સ્તન કૅન્સરના દર્દીઓની સંખ્યામાં છેલ્લા ર૫ વર્ષોમાં ૫૦% જેટલો વધારો નોંધાયો છે. પહેલાં કરતાં આ રોગ થોડી નાની ઉંમરે મહિલ।ઓને અસર કરતો થયો છે. હવે તે મેનોપોઝ (રજોનિવૃત્તિ) પહેલાં જ લાગુ પડે છે.
આજની છોકરીઓ જાતીય જીવનની શરૂઆત પણ નાની ઉંમરથી કરતી થઈ ગઈ છે. આને કારણે એમને કુંવારી અવસ્થામાં ગર્ભધારણ, ગર્ભપાત અને તેના સંબંધી જોખમોનો સામનો કરવો પડે છે. નાની ઉંમરથી જાતીય જીવન ગાળતી થવાને કારણે, તેમ જ એક કરતાં વધારે પાત્રો સાથે શારીરિક સંબંધ બાંધવાને કારણે એમને ગર્ભાશય મુખ (સર્વિક્સ)નું કૅન્સર થવાનું જોખમ પણ વધે છે.
નબળી પડતી જતી ફિટનેસ
વિશ્વભરમાં એક જ દાયકા દરમિયાન બાળકોની ફિટનેસમાં ૪.૩%નો ઘટાડો થયેલો જોવા મળ્યો છે. આજનો દસ વર્ષનો છોકરો એક દસકા પહેલાંના એની જ ઉંમરના બાળક કરતાં ઓછી ઊઠબેસ કરી શકે છે. વર્ષ ૧૯૯૮માં દસ વર્ષનો એક બાળક ૩0૦ સેકંડમાં ૨૬ ઊઠબેસ કરી શકતો હતો તેના સ્થાને ૨૦૦૮નું બાળક ૧૯ જ ઊઠબેસ કરી શક્તો હોવાનું જણાયું છે. સ્કૂલના જિમમાં કસરત કરવાનું છોકરાઓ ઓછું પસંદ કરે છે. એમના હાથ નબળા પડયા છે. દીવાલ પરથી લટકવાની કે પર્વતારોહણ કરવાની એમની ક્ષમતા ઘણી ઓછી થઈ છે. પ્રાથમિક શાળાનાં બાળકોનો અભ્યાસ કરતાં એવું જોવા મળ્યું છે કે એમની શારીરિક શ્રમ કરવાની અને વિપરીત વાતાવરણને સહન કરવાની શક્તિ ઓછી થઈ છે.
બાળકોના બોડી માસ ઈન્ડેક્સના આંકમાં કશો ફરક નથી પડ્યો, પણ એમના શરીરમાંથી સ્નાયુદળ ઘટી ગયું છે. પરિણામે વજન ઊંચકવાની એમની ક્ષમતા પણ ઘટી છે. એમની શ્વાસક્ષમતા અને હૃદયની ફિટનેસમાં પણ સખત ઘટાડો થયો છે. આના લીધે એમના માથે હૃદયરોગ અને કૅન્સરનું જોખમ વધી રહ્યું છે.
બેઠાડુ જીવન અને કસરતના અભાવથી શરીરનાં હાડકાં પણ નબળાં પડે છે. હાડકાંનું ૭૫% ઘડતર ૧૬ વર્ષની ઉંમર સુધીમાં અને સંપૂર્ણ ઘડતર ૨૦ વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. જો હાડકાંને કસરત ન મળે તો એમાં અસ્થિછિદ્રતા (ઓસ્ટીયોપોરોસિસ) નામની રોગપ્રક્રિયા પેદા થાય છે. પરિણામે મોટપણે કોઈ દેખીતી ઈજા વગર હાડકું ભાંગીને પથારીગ્રસ્ત થવાનો વારો આવે છે. હાડકાં અને સ્નાયુઓ નબળાં પડવાથી શરીરે અવારનવાર દુખાવો પેદા થાય છે. પગનાં હાડકાં નબળાં પડવાથી બાળકની ચાલવાની અને સીડીઓ ચઢવાની ક્ષમતા ઓછી થાય છે.
તંદ્રસ્ત જીવન જીવવાનો પાયો બાળપણમાં નંખાવો જોઈએ. બાળપણની ઉપેક્ષા ન કરવી જોઈએ. નબળું બાળપણ નાદ્રસ્ત ઘડપણની છડી પોકારે છે.
જે બાળક શારીરિક રતે વધુ ચંચળ ન હોય તેણે રમતોત્સવમાં સારો પ્રયત્ન કર્યો હોય તો, “તેં તારાથી બનતો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો.” તેજું બાળકને નિષ્ટળતાનો સિક્કો લગાવ્યા વગર કહીં શકાય.