વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીનું અભિન્ન અને અવિભાજ્ય અંગ એટલે મમ્મી-પપ્પા. જન્મ આપતી માતા સાથે તો બાળકનો નાતો જન્મના નવ માસ અગાઉથી થઈ જાય છે. શાસ્ત્રો અને વિજ્ઞાન એ બાબતે સંમત છે કે બાળકના જન્મ અગાઉ ગર્ભસ્થ અવસ્થામાં પણ શારીરિક વિકાસની સાથોસાથ માનસિક વિકાસ પણ થતો જ રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ   સદ્‌વિચારો, સદ્‌આચરણ અને ઉત્તમ વાંચન માટેનો આગ્રહ રાખવાનું કારણ પણ તે જ છે કે બાળકના જન્મ અગાઉની માતા તથા કુટુંબના વાતાવરણની બાળકના માનસિક વિકાસ ઉપર સીધી અસર જોવા મળે છે. ટૂંકમાં, બાળકના સીધા સંપર્કમાં આવતી વ્યક્તિઓમાં પ્રથમ મમ્મી-પપ્પા જ હોય છે.

એક સામાન્ય ગણતરીને આધારે આ વાત સમજીએ. શાળાઓ સામાન્ય રીતે વર્ષમાં બસો દિવસ શિક્ષણની સીધી કામગીરી કરે છે. જેમાં અન્ય પ્રવૃત્તિઓના પચાસ દિવસ ઉમેરીએ તો પણ બાળકો શાળા અને શિક્ષકોના સંપર્કમાં પ્રતિવર્ષ વધુમાં વધુ ૨૫૦ દિવસ રહે છે. સામાન્ય રીતે શાળાનું કાર્ય છ કલાકનું ગણી

શકાય. પરંતુ વધુમાં વધુ આઠ કલાક ગણીએ તો બાળક કુલ ૨૦૦૦ કલાક શાળા સાથે રહે છે. ટૂંકમાં વર્ષ દરમિયાન બાળક શાળાના વાતાવરણમાં ૨૦૦૦ કલાક રહે છે. વર્ષ ના ૩૬૫ દિવસ અને તેને ૨૪ કલાક સાથે ગુણીયે તો કલાક સાથે ગુણીએ તો ૩૬૫ x ૨૪ = ૮૭૬૦ કલાક થાય. આ રીતે વિચારીએ તો બાળક શિક્ષણ સંસ્થાના સીધા સંપર્કમાં તેના જીવનનો પચીસ ટકા સમય વિતાવે છે. તેની સામે કુટુંબ વ્યવસ્થાના સીધા સંપર્કમાં બાળકનો પંચોતેર ટકા સમય જાય છે. આ ગણતરીએ શૈક્ષણિક વ્યવસ્થાની સરખામણીએ કૌટુંબિક સંલગ્નતાનું પ્રમાણ ખૂબ વિશેષ છે.

વિજ્ઞાને પુરવાર કર્યું છે કે પ્રત્યેક વ્યક્તિના જીવન ઘડતરમાં વારસો અને વાતાવરણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. વારસાગત બાબતો જન્મ સમયે પ્રાપ્ત થઈ જાય છે. ટૂંકમાં તેને ઈનબીલ્ટ (Inbuilt) કહી શકાય. પરંતુ વાતાવરણનું શું ?

છેલ્લા થોડાક દસકાઓથી પ્રત્યેક વ્યવસાયમાં એક અલગ પરિસ્થિતિ ઊભી થઈ છે. ડૉક્ટર, એન્જિનીયર, બિલ્ડર, ધંધાદારી કે રાજકારણી પણ તેનું સંતાન પોતાના વ્યવસાયમાં જોડાય તેવી ઇચ્છા રાખે છે. સંતાનો પણ યુવાન થતાં મહદ્‌ અંશે મમ્મી-પપ્પા વિચારે તેવું જ વિચારતાં થઈ જાય છે. વારસાગત વ્યવસાયમાં જોડાવાનું મહત્વનું કારણ સંતાનોને શરૂઆતની મુશ્કેલીઓ (Teething Problems)) વેઠવી ન પડે તેવું માબાપ ઇચ્છે અને યુવાનને તો આ શીરાની જેમ ગળે ઊતરી જાય તે સ્વાભાવિક છે. આ પરિસ્થિતિમાં બાળક સંપત્તિનો વારસો જાળવે તેવી અદમ્ય ઇચ્છા હોવાથી ફૂદકે અને ભૂસકે આગળ વઘવા અયોગ્ય માર્ગે જવાનું ખૂબ સામાન્ય થઈ પડ્યું છે. આવું કરવામાં કાંઈ ખોટું થઈ રહ્યું છે તેવું પણ હવે મોટાભાગના લોકોને લાગતું નથી. એક ખૂબ તેજસ્વી અને ઉચ્ચ ડીગ્રીધારી યુવાન સાથે વાત કરતો હતો. તેણે જણાવ્યું કે પાંચ દસ હજાર રૂપિયાની લાંચ લેનારને તો કાંઈ વળી પાંચ દસ વર્ષની જેલ થોડી કરાય ? બહુ બહુ તો લાખ રૂપિયા દંડ કરવો જોઈએ. લાંચ લેવાનું કૃત્ય ગેરબંધારણીય છે તેવી તે યુવાનની સમજ જ નહોતી.

(તેજસ્વી હોવાથી બુદ્ધિ તો હતી !) થોડાંક વર્ષો ઉપર ગુજરાતની એક દૂધની ડેરીમાંથી કોઈ કર્મચારી દૂધની પાંચ થેલી ચોરી કરતાં પકડાઈ ગયો. સંસ્થાએ યોગ્ય તપાસ સમિતિ નીમી કાર્યવાહી કરી અને તેને નોકરીમાંથી બરતરફ કર્યો. તે કર્મચારી કોર્ટમાં ગયો અને ન્યાયાધીશે નિર્ણય આપ્યો કે આટલી નાનકડી ચોરી માટે આટલી મોટી સજા ન કરાય ! તેને ફરીથી નોકરી પર લેવો પડ્યો !

પ્રત્યેક બાળક મમ્મી-પપ્પાના સીધા સંપર્કમાં હોઈ તેમને ખૂબ નજીકથી અને બારીકાઈપૂર્વક જોતાં હોવાથી તેમના વર્તન અને વ્યવહારની બાળક ઉપર સીધી અસર પડે છે. પ્રત્યેક બાળક નાનપણમાં મમ્મી- પપ્પા જેવા બનવાનું વિચારે છે. બાળકોને સંસ્કાર આપતી વખતે સાચું બોલવું, મહેનત કરવી, કોઈનો વિશ્વાસભંગ કરવો નહીં, અભ્યાસમાં ખૂબ એકાગ્રતા રાખવી, વડીલોને આદર આપવો, સૌ સાથે હળીમળીને રહેવું તેવું પ્રત્યેક મમ્મી-પપ્પા શીખવે જ છે. કોઈપણ વાલી પોતાનું સંતાન ગુંડો બને તેવું ઇચ્છે ખરા ? તેનો પુત્ર કે પુત્રી લાંચ લે તેવું તેઓ થોડું શીખવે છે ? વિજાતીય પાત્રની પજવણી કરવાનું શિક્ષણ કોઈ વડીલ આપતા નથી. તો પંછી અત્યારના સામાજિક વાતાવરણમાં અનિચ્છનીય બનાવોની સંખ્યા દિવસે દિવસે વધતી કેમ જાય છે ?

આ પ્રશ્ર ચર્ચાની એરણ પર છે. સાચી વાત તો એ છે કે વડીલો તેમનાં સંતાનોને જે વાત શબ્દોથી શીખવે છે, તેના કરતાં તદ્દન વિરૂદ્ધ વર્તન કરે છે. બાળકો પ્રવચનથી નહીં, આચરણથી શીખે છે. જ્યારે બાળક તેના મમ્મી પપ્પાને સતત ઝઘડતા, બૂમબરાડા પાડતા કે અવિનયી રીતે વર્તતા જૂએ પછી તેમને મૈત્રીભાવ, વિનય અને વિવેક શીખવવાનું ખૂબ કઠિન બને છે.

જે વડીલો ધન પ્રાપ્તિ માટે અથવા વ્યવસાયમાં આગળ વધવા અયોગ્ય માર્ગો લે છે તેમનાં સંતાનો આ આચરણને બારીકાઈપૂર્વક જૂએ છે. તેઓ યુવાન થતાં તે રસ્તે જવામાં ક્ષોભ અનુભવતાં નથી. આવા અયોગ્ય રસ્તે જ પ્રગતિ થઈ શકે તેવી મનોવૃત્તિ યુવાન અવસ્થાએ ન થાય તો જ નવાઈ. ઘરમાં ચાલતી હોંસાતુસી, એક બીજાને સતત ઉતારી પાડવાની વૃત્તિ અને નજીકના સગા કે વડીલ સમક્ષ પણ અસત્ય

ઉચ્ચારતા જે મમ્મી-પપ્પા અચકાતાં નથી, તેઓ જ્યારે તેમનાં સંતાનો પુખ્તવયે આવું કરે ત્યારે અત્યંત દુ:ખ અને આઘાતની લાગણી અનુભવે છે. પરંતુ જેવું વાવ્યું હોય તેવું જ લણવાનું થાય ને ? જ્યારે પોતાનું

સંતાન કોઈ ગુનામાં સપડાઈ જાય ત્યારે વડીલો અન્યો ઉપર આરોપ, આક્ષેપો મૂકી સંતાનનો લૂલો બચાવકરવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક તો એમ કહે છે કે અમે આવા સંસ્કારો આપ્યા નહોતા. રીતભાત, સંસ્કાર અને આચરણ શીખવવામાં આવતું નથી તે તો અનુકરણનો વિષય છે. આચાર અને વિચારમાં એક્ય હોય તો જ ઇચ્છિત સારું પરિણામ પ્રાપ્ત થાય.

અત્યંત દુ:ખ સાથે લાંબા અનુભવ બાદ કહેવું પડે છે કે આ બાબતે બહુ જ થોડા યુવાનો અને યુવતીઓ જાગૃત છે. સંતાનઉછેર જીવનની એક અત્યંત કઠિન જવાબદારી છે. ગિજુભાઈએ તો “માબાપ થવું આકરું છે’ તેવું પુસ્તક પણ લખ્યું છે. ધન, પ્રતિષ્ઠા અને સત્તા પાછળની આંધળી દોટને કારણે આપણી સામાજિક વ્યવસ્થા છિન્નભિન્ન થતી નજરે પડતી હોવા છતાં આપણે નજર અંદાજ કરીએ છીએ. શાહ-મૃગીવૃત્તિમાં દિવસો અને વર્ષો પૂર્ણ કરીએ છીએ.

સંતાન માટે કેટલું ભેગું કરવું જોઈએ તે બાબતે તો હદ વટાવાઈ ગઈ છે. પેઢીઓ સુધી ચાલે તેટલું ભેગું કરવાની વૃત્તિએ માઝા મૂકી દીધી છે.

આજનું બાળક આવતી કાલનો યુવાન કે યુવતી હોય તો તેના સુયોગ્ય ઘડતરની જવાબદારી મહદ્‌અંશે માત્ર અને માત્ર મમ્મી-પપ્પાની જ છે. ચોક્કસ ઉંમર વિતાવ્યા બાદ સફાળા જાગીને યુવાનને સદ્‌વર્તન કરવાનું શીખવવાનું શક્ય બનતું નથી. “પાકા ઘડે કાંઠા ચડતા નથી’. ટૂંકમાં જે કરવાનું છે તે મમ્મી-પપ્પાએ કરવાનું છે, બાળકે નહીં.

અહીંયા બે બાતની સ્પષ્ટતા કરવાની :

  • શિક્ષણ સંસ્થાઆની પણ જવાબદારી છે જ. તેમાંથી પલાયન થવાની વાત નથી. પરંતુ બાળક શિક્ષણ સંસ્થા સાથે તો જિંદગીનાં વધુમાં વધુ ર૦ વર્ષ રહે છે, જ્યારે બાકીનાં લગભગ ૬૦ વર્ષ તો મમ્મી-પપ્પા કે કુટુંબ સાથે રહે છે અને રહેવાનો છે તે સમજવાની અને સ્વીકારવાની હકીકત છે.
  • ક્યારેક સજ્જન અને ઉમદા વ્યક્તિઓનાં સંતાનો ગેરરીતિઓમાં સંકળાયેલાં જોવા મળે છે. તેનાથી વિરુદ્ધ ક્યારેક સમાજમાં દુષ્ટ મમ્મી-પપ્પાનાં સંતાનો અત્યંત ઉમદા સજ્જનો બન્યાના દાખલા પણ છે. આપણે નિયમ બહુમતીના આધારે બનાવી શકીએ.

બાળકને ભારેમાં ભારે નુકસાન ત્યારે થાય છે જ્યારે મા-બાપ વચ્ચે વિસંવાદ ચાલતો હોય છે. પરિણામે ઘરનું ને બહારનું વાતાવરણ ક્ષુબ્ધ અને કલુષિત હોય છે.