જયારે આ લેખ વાંચતા હશો ત્યારે તમે આ લખાણ સાથે સીધા જ જોડાઓ એ માટે વાચકને ઘ્યાનમાં રાખીને આ વાત લખી રહ્યો છું. હાલના આ સગવડિયા યુગમાં એક વ્યક્તિ તરીકે આપને પણ કયારેક ભર બપોરે સૂરજના ખૂબ પ્રખર તડકામાં ૪૦-૪૧ ડીગ્રી તાપમાનમાં ચાલવાનો અનુભવ થયો હશે, પરસેવાથી લથબથ થયા હશો, ગળું બરોબર સુકાયું હશે, તે પરિસ્થિતિમાં શારીરિક અને માનસિક અકળામણ થઈ હશે, સૂરજની સામે મોઢું ચઢાવીને જોયું હશે, આજુબાજુ કોઈ સહાય માટે નજર કરી હશે, પણ કદાચ ન મળી હોય, મનમાં આપણી જાતને કોસવાનું શરૂ કરી દીધું હશે, મનોમન તમારી આ પરિસ્થિતિ માટે તમે અન્યને જવાબદાર પણ ઠેરવી દીધા હશે… અને તે સમયે મનમાં “ગ્લોબલ વોર્મિંગ’ નામનો શબ્દ અફળાયો હશે અને તેનો અહેસાસ પણ થયો હશે..

પછી તમને તે જ રસ્તા પર એક ઘટાદાર વૃક્ષ દેખાય છે અને તમે જેવા એની છાયામાં પ્રવેશ કરો છો કે તરત જ પરિસ્થિતિ બદલાવાની શરૂઆત થઈ જાય છે, એ વૃક્ષમાંથી પસાર થતી પવનની લહેરખી જ્યારે તમારા શરીરના સૌથી વધુ પરસેવાના ભાગ પર અડકે છે ત્યારે તેની ઠંડકને કારણે તમારા શરીરમાંથી રોમાંચની લાગણી સાથે એક લખલખું પસાર થઈ જવાનો, મનમાં એક સંતોષનો અનુભવ તમે કર્યો જ હશે. હાશ.. પછી તમે એ વૃક્ષને જોયું હશે, તમને એની વિશાળતા અને કુદરતની વ્યવસ્થાનો ખ્યાલ આવ્યો હશે. તેના માટે ભગવાનનો અને કુદરતનો તમે મનોમન આભાર પણ માન્યો હશે, અને તડકો ઓછો થાય અથવા બીજી કોઈ વ્યવસ્થા થાય ત્યાં સુધી તમે ત્યાં જ ઊભા રહેવાનું નક્કી કર્યું હશે.પછીથી ગ્લોબલ વોર્મિંગનો તમારો આ અનુભવ અન્યો સાથે ચર્ચાનો વિષય પણ બન્યો હશે. પણ કેટલાક સમયમાં એ ઘટના આપણે ભૂલી જઈએ છીએ. કારણ કે આપણા દેશમાં આ સમસ્યા સીઝનલ છે.

વાચક મિત્રો, હવે એક અન્ય પરિસ્થિતિ વિશે વાત કરીએ.

ઘરમાં તરુણ વયના દીકરો અથવા દીકરી છે, મા બાપ તરીકે આપે તેમના ઉછેરમાં અને લાલનપાલનમાં કોઈ તકલીફ આવવા દીધી નથી, તમે તેમને બધી જ સગવડ પૂરી પાડી છે, તમારા બાળપણમાં જે તકલીફો વેઠી છે તેવી કોઈ તકલીફ તેમને ન પડે તેની કાળજી લીધી છે, તેમને બધું જ લાવીને આપ્યું છે. રાત દિવસ તનતોડ મહેનત કરી છે, રૂપિયા કમાયા છે અને તેમને મોટાં કર્યા છે. તેમને શહેરની બધી જ સગવડોવાળી સારામાં સારી સ્કુલમાં ભણાવ્યાં છે, ટયુશન કરાવ્યાં છે, લેવા મૂકવા માટે ગાડીની વ્યવસ્થા કરી છે, તેમને ભણવા, રહેવા, હરવા, ફરવા માટે બધી જ સુવિધાઓ ખડકી દીધી છે.

હવે તે બાળકો મોટાં થઈ ગયાં છે, વાતવાતમાં તમને સામો જવાબ આપે છે, તમારું સાંભળતાં નથી, કહેલું કરતાં નથી, તમે તેમના માટે ‘જૂના’ થઈ ગયા છો, તમે તેમના માટે “સમય પ્રમાણે સ્માર્ટ નથી’, તેઓ ઘરમાં રહેતાં જ નથી, તમને કશું કહેતાં નથી, પૈસાની જરૂર હોય ત્યારે તમારી પાસે આવે છે, જેમ તે મોટાં થતાં જાય છે તેમ તેમના વર્તનમાં વધુ ને વધુ બદલાવ આવી રહ્યો છે, તમે આ બધું જ જોઈ  અનુભવી રહ્યા છો, ખૂબ અકળામણ થઈ રહી છે, બાળકો પર ગુસ્સો આવી રહ્યો છે, શું કરવું – ના કરવું કંઈ ખબર પડતી નથી, તેમના વર્તનને કારણે તમને શરમાવાનો વારો પણ આવ્યો છે, આ પરિસ્થિતિમાં એક દંપતી તરીકે તમે એકબીજાને દોષ આપી રહ્યા છો, એકબીજાની ઊણપો દેખી રહ્યા છો અને કોણે શું કર્યુ, ના કર્યું તે જાહેર કરી રહ્યા છો. ઘરનું વાતાવરણ એકદમ તંગ છે, કોઈ કોઈને કંઈ કહી શક્તું નથી, બધાં એકબીજા સાથે યાંત્રિક રીતે વર્તન કરી રહ્યાં છે, પરિસ્થિતિ હજુ વધારે વણસી રહી છે…

વાચક મિત્રો, આ જ દશ્ય આપણે આપણી આસપાસ ઘણા બધા સંબંધોમાં જોઈ રહ્યા છીએ જેમ કે, એ પતિ પત્નીનો હોય, સાસુ વહુનો હોય, બે સગા ભાઈઓનો હોય, પિતા પુત્રનો હોય, બે બહેનો હોય, ઘરનાં બાળકો હોય.. બધી જ સગવડ હોવા છતાં સંબંધોમાં અડચણ અને કડવાશ. આને આપણે ‘ફેમિલી વોર્મિંગ’ કહી શકીએ.

ગ્લોબલ વોર્મિંગની ચર્ચા આપણે જાહેરમાં કરી શકીએ છીએ પણ ફેમિલી વોર્મિંગની ચર્ચા આપણે નથી કરી શકતા, એવું કેમ ? એક કારણ એવું છે કે આપણે એવું જ માનીએ અને સમજીએ છીએ કે આ ફેમિલી વોર્મિંગ તો મારા એકલાના ઘરે જ છે, “લોકો શું વિચારશે ?’, પણ ખરેખર એવું નથી. મોટાભાગનાં કુટુંબો આનાથી કોઈક ને કોઈક રીતે ઓછામાં ઓછા કે વધુમાં વધુ પીડાઈ રહ્યાં છે.

ગ્લોબલ વોર્મિંગના અને ફેમિલી વોમિંગનાં કારણો બહુ કંઈ જુદ્દાં નથી. મૂળ તો દષ્ટિકોણ જ છે અને તેની પાછળ આપણી માન્યતાઓ અને ઉછેરગત વાતાવરણ. આગળ વધીને કહીએ તો વિશ્વને અને સંબંધોને સમગ્ર રીતે જોવાની દષ્ટિનો અભાવ, સ્વકેન્દ્રિત વિચારધારા, બધું જ ભોગવી લેવાની વૃતિ, સગવડો પર વધુ ઝોક, બાળકોની કઠિન કેળવણીમાંથી પલાયનવૃતિ, મૂલ્યોવિહિન જીવન અને આચરણ.

દરેક બાળકના ચારિત્ર્ય પર તેના મા બાપ, તેના શિક્ષક અને તેના મિત્રોના આચરણની અને તેમના સહવાસ અને તે થકી થતા અહેસાસની સૌથી વધુ અસર થતી હોય છે અને તે પ્રમાણે તે ઘડાતો હોય છે. પછી તે ન્યુક્લિઅર ફેમિલી હોય કે જોઈન્ટ ફેમિલી. તે બાળક ક્યાંયનું પણ હોઈ શકે – શેરીનું, ફળિયાનું, સોસાયટીનું, ગામડાનું, શહેરનું, રાજ્યનું, દેશનું કે વિશ્વનું.

શું તમે ક્યારેય વડના બીજને જોયું છે ? કેટલું નાનું હોય છે ! પણ કેટલી અપાર સંભાવનાઓ ધરાવે છે ! પોતાની છાયામાં આખા ને આખા ગામ વસાવી શકે તેટલું તે ફેલાઈ શકે છે. કોઈપણ છોડને યોગ્ય વાતાવરણ, સૂર્ય પ્રકાશ, પાણી, કાળજી નિયમિત રીતે મળતાં રહે તો તેનો વિકાસ આપમેળે જ થતો જાય છે, માણસનું પણ એવું જ છે ને.

જો આ ધરતીને ગ્લોબલ વોર્મિંગથી બચાવવી હોય તો તેનો એક અને માત્ર એક જ ઉપાય છે, બાળ કેળવણી અને ભાવ કેળવણી.

“વિશ્વ બંધુત્વ અને વસુધૈવ કુટુંબકમ’