બાળઉછેર તલવારની ધાર !
પરણેલાં યુવાનો – પતિ-પત્ની બન્ને – નવાં- નવાં માતાપિતા થવાનાં હોય છે ત્યારે કે માતાપિતા થઈ જાય છે પછી અનેકોને જિજ્ઞાસાપૂર્વક પૂછતાં હોય છે કે તેમણે ઉત્તમ માતાપિતા કેમ થવું ? તેમની આ જિજ્ઞાસા યોગ્ય હોય છે, કારણ કે શારીરિક રીતે તો માતાપિતા થવું અતિ સરળ છે. તેમાં ખાસ બુદ્ધ વાપરવાની જરૂર નથી હોતી. જેટલી બુદ્ધિનો ઉપયોગ ઓછો, તરત માતાપિતા થઈ શકાય છે, જરા પણ બુદ્ધિનો ઉપયોગ ન કરાય તો અનેક વાર ! પણ બાળકને ઉછેરવું તે તો તલવારની ધાર પર ચાલવા જેવું છે. પળેપળ સજાગ રહેવું પડે છે. નવાઈ લાગે છે કે વગર વિચાર્યે અને યોગ્ય તાલીમ લીધા વગર યુવાનો કેમ માતાપિતા થવાની ઇચ્છા રાખે છે યા થઈ જાય છે ! એટલે જ મોટા ભાગનાં બાળકો મોટાં તો થઈ જાય છે, પણ બહુ જ ઓછાં બાળકોને યોગ્ય અને જરૂરી તાલીમ મળે છે અને સમજુ બને છે. એટલે સ્વસ્થ માતાપિતા કેમ થવું તે તેમણે પળેપળ વિચારવાની અને તાલીમ લેવાનીcજરૂર હોય છે. ઉત્તમ સલાહકારની, જેઓ માતાપિતા તરીકે સફળ થયાં હોય તેમની કે કોઈ વિચારકની સલાહ લેતા રહેવી જોઈએ.
આવો સવાલ એક વિચારકને પુછાયેલ અને તેમણે જે જવાબ આપેલ તે પણ માતાપિતાઓને ઉપયોગી થાય તેવો છે, તેથી સંક્ષિપ્ત અહીં રજૂ કરેલ છે.
તે કહે છે કે, માતાપિતાએ સૌથી પહેલું કામ કરવાનું છે કે તેમણે બાળકના મનને તેમના વિચારો કે ખ્યાલોથી પ્રભાવિત કરવાનું નથી. કેમ ? કારણ કે મોટા ભાગનાં માતાપિતાઓનું મન પોતે જ ખોટા ખ્યાલો, ધારણાઓ, પૂર્વગ્રહો, સંકુચિતતાઓથી ગ્રસ્ત હોય છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ, વાદો વગેરેના અનેક વિચારોથી તેમનું મગજ ગૂંચવાયેલું હોય છે. મોટા ભાગના ખ્યાલો ખોટા હોય છે. વાસી હોય છે. હવે જો આ કચરો બાળકના મનમાં ઘુસાડવામાં આવે તો બાળક પણ તાજગીપૂર્વક ઊછરવાને બદલે આ કચરાને વહન કરનાર કચરાપેટી જ બની જશે.
તો પછી બાળકને કેળવણી કેમ આપવી ? તેને કેમ ઉછેરવું ?
માતાપિતાએ એક જ કામ કરવાનું છે કે બાળકને જાગૃત અને બુદ્ધિશાળી બનવા માટેનું પ્રોત્સાહન આપવાનું છે. તેને પ્રશ્નો પૂછતાં, શંકા કરતાં, જિજ્ઞાસા વ્યક્ત કરતાં શીખવવાનું છે. દરેક બાળક પાસે – આમ તો વ્યક્તિ પાસે – પોતાના જીવનને સુંદર બનાવવા માટે પૂરતી બુદ્ધિ હોય છે. આપણે કોઈ પણ પ્રાણીને જોશું તો તે જન્મથી જ પૂર્ણ હોય છે. એક કીડી જન્મે છે ત્યારે તે કીડી તરીકે સરસ રીતે જીવવા પૂરતી બુદ્ધિ ધરાવે છે. હા, તે માણસની જેમ ન વર્તી શકે, પણ કીડી તરીકે તો સરસ રીતે રહી શકે. આવું બધાં જ પ્રાણી માટે છે. દરેક વ્યક્તિ પાસે સરસ રીતે જીવવા પૂરી બુદ્ધિ હોય છે.
પણ સમસ્યા ક્યાં ઊભી થાય છે ? માતાપિતા બાળક બુદ્ધિશાળી થાય તેમ તો ઇચ્છે છે, પણ તેની રીતે નહીં, પણ તેઓ ઇચ્છે તે રીતે ! માતાપિતાનો બુદ્ધિશાળી હોવાનો ખ્યાલ એ હોય છે કે તેમનું બાળક મોટું થઈ ડૉક્ટર બને. સંભવ એ હોય છે કે બાળક તો મોટું થઈ ઉત્તમ સુથાર બનવા માગતું હોય- તેનામાં તે શક્તિ હોય, પણ માતાપિતા તો તેને ગમે તેમ કરીને ડૉક્ટર બનાવવા માગે છે. એમાં કંઈ તેમની ઇચ્છા એવી નથી હોતી કે વિશ્વમાં ઉત્તમ ડૉક્ટરોની જરૂર છે કે તેઓ ઇચ્છે છે કે તેમનું બાળક ડૉક્ટર થઈ વિશ્વની પીડા ઓછી કરે કે ઉત્તમ સંશોધન કરી રોગો ઓછા કરે. ના, આમાંથી કોઈ વિચાર તેમના મગજમાં હોતો નથી. તેઓ તો બાળકને એટલા માટે ડૉક્ટર બનાવવા માગે છે, કારણ કે સમાજમાં ડૉક્ટરની પ્રતિષ્ઠા વધારે છે, કારણ કે ડૉક્ટર ખૂબ કમાય છે. તેઓ ભવિષ્યમાં તેના નામે અભિમાન લઈ શકે છે, ‘જુઓ, મારો પુત્ર કે પુત્રી ડૉક્ટર છે.’ માતાપિતા બાળકનો આશ્રય લઈ વટ પડાવવા માગે છે.
પણ આ તો હકીકતે બાળકની બુદ્ધિને ખલાસ કરવાનો માર્ગ છે. માતાપિતા પોતે પોતાનાં જીવનમાં જે ન કરી શક્યાં તે કામ બાળકને પૂરું કરવાનું નથી. તેમની અધૂરી ઇચ્છાઓ બાળકે પૂરી કરવાની નથી. બાળક પાસે તો એ કરાવવાનું છે જેની તેમણે કલ્પના પણ ન કરી હોય. બાળકે તો તેના જીવનમાં કશુંક નૂતન અને શ્રેષ્ઠ કરવાનું છે, પણ તેની ક્ષમતા મુજબ. ત્યારે અને તો જ તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરશે અને પ્રગતિ કરશે. બાળકમાં જે ક્ષમતા હોય, તેનામાં જે શક્તિ હોય, તેમાં જ તેને આગળ વધારવાનું છે, તો જ તે પૂર્ણ રીતે જીવી શકશે. માતાપિતાની હઠથી તે જો અનિચ્છાએ ડૉક્ટર બનશે તો કદાચ તે કમાશે ખૂબ, પણ આ અંદરથી આનંદથી જીવી તો નહીં જ શકે.
દરેક બાળક પાસે તેના જીવનને પૂર્ણ રીતે જીવવા માટે પૂરતી બુદ્ધિ હોય છે. માતાપિતાએ પોતાની મૂર્ખાઈઓ થોપવાને બદલે કેવળ એવું પર્યાવરણ સર્જવાનું છે જેમાં આ બુદ્ધિ સોળે કળાએ વિકસી શકે. હા, તેઓ શિક્ષકો, મિત્રો, સમાજ વગેરેના પ્રભાવને રોકી નહીં શકે, પણ જો તેમણે બાળકને વિચારતા શીખવ્યું હશે તો તે બુદ્ધિપૂર્વક નિર્ણય લેશે. તેની બુદ્ધિ ફૂલની જેમ ખીલી નીકળશે.
માતાપિતાએ પહેલો તો એ વિચાર મનમાંથી હટાવવાનો છે કે બાળક જન્મે એટલે તેને શીખવવાનું શરૂ કરવાનું છે. આ ખ્યાલ તો બાળકને ખલાસ કરી નાખશે. હકીકતે તો જ્યારે બાળક જન્મે ત્યારે તેને શીખવવાને બદલે માતાપિતા માટે શીખવાનો સમય શરૂ થાય છે. કારણ એ છે કે તેમણે જ પોતાના જીવનમાં એટલું ગુમાવ્યું છે કે તેઓ વાસી થઈ ગયાં હોય છે – ભલેને યુવાન હોય ! બાળકે તો હજી જીવન સામે જોવાનું જ શરૂ કર્યું છે. તેમણે બાળક સાથે બેસી તેની આંખે જીવનને નવી રીતે, તાજગીપૂર્વક જોવાનું છે. તેમણે ત્યારે એટલું જ કરવાનું છે કે તેને પ્રેમ અને ટેકો આપે. આમ કરશે તો બાળકની બુદ્ધિ સ્વયં વિકસવી શરૂ થશે. કેવળ તેની આસપાસ સ્નેહાળ પર્યાવરણ સર્જવાનું છે, જ્યાં તેની બુદ્ધિ ખીલી નીકળે. બસ ! આટલું જ કરવાનું છે.
અહીં પણ અનેક માતાપિતા એ ભૂલ કરી બેસે છે કે તેઓ માને છે કે બાળકને પ્રેમ આપવો એનો અર્થ તે જે માગે તે આપવાનું છે. જો તેઓ પણ બુદ્ધિપૂર્વક બાળક સામે જોશે તો સમજી શકશે કે બાળકને બધું જ આપવું એ તો તદ્ન મૂર્ખાઈ છે. તેને “પ્રેમ’ કહેવો તે શુદ્ધ મૂઢતા છે.
તો પછી શું કરવું ?
તેને એવી રીતે તૈયાર કરવાનું છે કે ગમે તે સ્થિતિમાં મુકાય, ત્યારે તેને આનંદથી માણી શકે એવી રીતે જીવે. તેને અનુકૂલન શીખવવાનું છે અને તે માગે તો આપી દેવાથી નહીં શીખી શકે.
અને બાળકને સુંદર રીતે ઉછેરવાની પાયાની શરત છે કે તેમણે પણ આનંદથી જીવવાનું છે. અત્યારે તો મોટા ભાગનાં માતાપિતાને ખુદને જ ખબર નથી કે આનંદથી કેમ જીવાય ! તેઓ થોડું પણ અવલોકન કરશે તો તેમના ઘરમાં, આસપાસ, તે બે વચ્ચે જ સતત ગુસ્સો, તાણ, ભય, ચિંતા, ઈર્ષા વગેરેનું જ પ્રદર્શન ભરાય છે. આ બધું જ વ્યક્ત થયા કરે છે અને બાળક સામે પણ આ બાબતો જ રજૂ થયા કરે છે. તો બાળક શું શીખશે ? તે કેવળ આ નકારાત્મક બાબતો જ શીખ્યા કરશે.
એટલે જો હકીકતે બાળકને સ્વસ્થ રીતે ઉછેરવા ઇચ્છતાં હોય તો પહેલાં તો માતોપિતાએ પોતે જ તેમની જીવવાની રીત બદલવી પડશે. તેઓ જ પોતાને બદલવા અસમર્થ હશે તો તેમના બાળકને સારી રીતે ઉછેરવાનો સવાલ જ ક્યાંથી ઊભો થશે ? કૂવામાં જ નહીં હોય તો હવાડામાં ક્યાંથી આવશે ? બાળક તો વડીલોની નકલ કરે છે. તે તેમની નકારાત્મકતાની જ નકલ કરવાનું. તે તેમની જેમ જ ઝઘડા કરવાનું, ફરિયાદો કરતાં શીખવાનું, આળસુ થવાનું, ખા-ખા કર્યા કરવાનું.
મ્રાતાપિતા થવું, આગળ કહ્યું તેમ, તલવારની ધાર પર ચાલવા બરાબર છે. બાળકને જન્માવતા પહેલાં સેંકડો – ના, હજારો વાર વિચાર કરવાનો છે. શું સમાજને સામાન્ય, સરાસરી, બુદ્ધિહીન, પરંપરાગત વિચારહીન વ્યક્તિ આપવી છે ? આમ કરી સમાજને વધારે બગાડવો છે ? સમાજમાં બેવફૂફો વધારવા છે? ઝનૂનીઓ વધારવા છે ? આ તો ભયાનક ગુનો છે. જૂની ભાષામાં પાપ છે. તે કરવાનો કોઈને હક નથી. રામનારાયણ પાઠકની વાર્તા “મુકુંદરાય’માં પછી પિતા પસ્તાઈને ‘નખ્ખોદ- નખ્ખોદ’ બોલે છે તેના કરતાં પહેલેથી જ વંધ્ય રહેવું પુણ્ય છે.
બાળકને સામાન્ય રીતે ઉછેરવાનો કોઈ માતાપિતાને અધિકાર નથી.