મારા રસોડાની પાછળ એક ઓરસ ચોરસ નાની અગાશી. તેમાં કપ રકાબી સાફ કરવા, હાથ ધોવા, વાસણ ઊટકવા વગેરે માટે અમે પાણીની ડોલ મૂકી રાખીએ. કાગડો તેમાં પાણી પીવા આવે. આવે એ તો ગમે, પણ તેની માંસાહારી ચાંચથી પાણી બગાડે તે અમને પસંદ ન પડે. તેથી અમે એક ઠીબડું (માટીનું કડું) કાગડાનું પરબડું બનાવીને વંડી ઉપર મૂક્યું. પણ કાગબંધુ તો અમારી ડોલમાં જ ચાંચ બોળે. એક વાર મારા બાપુજીએ ત્રણ વર્ષની ટીલુને કહ્યું, “આપણે અહીં એક પાટિયું લખી મૂકવું જોઈએ કે કાગડાભાઈએ ઠીંબમાંથી પાણી પીવું. ડોલમાંથી પાણી પીવાની મનાઈ છે. ખરું કે નહીં ? બબલુબેન !”

ટીલુ કહે, “હા, હો, ઈ સાચું. પણ તે પહેલાં આપણે અહીં કાગડાની એક નિશાળ ખોલવી જોઈએ. જેમાં કાગડાભાઈ વાંચતાં શીખી શકે.” – આવું બોલ્યા પછી ટીલુએ કેવું મોઢું કર્યું – જાણો છો ? બધાં જ બાળકો એવું મોઢું કરે છે. થોડો હોઠ મોઢાની અંદર દબાવી મંદ મંદ હસતી તે રાહ જોતી’તી કે હમણાં અકાફી મને આવું મજાનું બોલવા માટે બચી કરીને બાપો કરશે. અને મેં એમ જ કર્યું. “અરે વાહ, ટીલકંદ બહુ હોશિયાર છે. સરસ બોલતાં આવડ્યું !”

પ્રત્યેક બાળકની આંખોમાં કશુંક મજાનું કથ્યા-કર્યા પછી મોટાંઓ તેને હેત કરે, પ્રશંસે તેની અપેક્ષા પ્રગટ થતી હોય જ છે. શાબાશીની એક એક પીઠ-થાબડ, વહાલની એક એક ચૂમી “કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય’નાં કાંકરા અને ટીપાં જેટલાં જ અગત્યનાં હોય છે બાળકના વ્યક્તિત્વગઠન માટે. પરંતુ બહુ ઓછાં વડીલો એ માટે જાગૃત હોય છે. ‘અરે વાહ !’ ‘શાબાશ !’ ‘બહુ સરસ !’ ‘એમ કે ?’ – જેવા શાબ્દિક પુરસ્કારો આપવા જેટલો પણ કેટલાંક વડીલોમાં વિવેક નથી. હું ઇરાદાપૂર્વક અહીં માતાપિતાને બદલે વડીલો શબ્દ મૂકું છું. ઘણી વખત બાળકો દાદા-દાદીનું, કાકા-કાકીનું, મોટાબાપુ-ભાભુનું, મામા-મામીનું, માસા-માસીનું કે ફઈ-ફુઆનું કે પોતાનાં પડોશીઓનું, મહેમાનોનું, મોટાં ભાઈ ભાભીનું, બહેન- બનેવીનું કે શિક્ષકોનું ધ્યાન પણ પોતાના તરફ આકૃષ્ટ કરવા ઇચ્છતાં હોય છે. પણ બહુ ઓછા લોકો પરાયાં બાળકોની પ્રશંસા કરવાની કદર અને અક્કલ ધરાવતા હોય છે. વખાણનો વિનય વાપરવાથી આપણે કાંઈ દરિદ્ર થઈ જવાનાં છીએ ? આપણે પ્રશંસા ન કરીએ એટલે બાળકનો પ્રયત્ન મિથ્યા જતાં તે ભોંઠું પડે છે. બાળકને ભોંઠું પાડવાનું પાપ જરૂર ઘણું મોટું હશે.