ટેકનોલોજી આશીવાર્દ કે અભિશાપ
“મમ્મા, આ વખતે હું શ્રીરાજ ને લઈને ઇન્ડિયા આવું છું….” વાહ, બહુ સરસ બેટા…પણ એને પહેલા પૂછી લેજે , એને અહીં ગમશે તો ખરું ને ! પછી મુંઝાય નહિ…!
“અરે મારી મા, તું તો સાવ આવી ને આવી જ રહી. હું એને ઇન્ડિયાની વાતો કરું છું ત્યારે એવો ભાવુક બની જાય છે અને આ વખતે તો એ કેટલા દિવસથી કહ્યાં જ કરે છે, મારે ઇન્ડિયા આવવું છે…દા દા-દાદીને મળવું જ છે… મા તને ખબર છે ? એને તમે લોકો કેટલા વહાલા છો !… બે વર્ષ પહેલા આવ્યો ત્યારે તો એ બહુ સમજતો ન હતો, માત્ર પાંચ જ વર્ષનો હતો છતાંય ત્યારની બધી જ યાદો હજી એના મગજમાંથી ખસતી નથી અને રોજ રોજ એ બધું વહાલથી યાદ કરે છે…. તમારા લોકોનું વ્હાલ મેળવવા તો અધીરો છે મા…”
“એનાથી રૂડું બીજું શું !…. તું તારે જલદી આવીજા… અમે તો તમારી રાહ જ જોઈએ છીએ…” અને જોતજોતામાં તો ઓગણીસમી ડિસેમ્બર આવી પહોંચી શ્રીરાજને લઇને નમન આવી પોહંચીયા….
વાતો ન કરતી, એને વધારે વાત કરવા દેજે. મારે એને એ પણ ખાસ શીખવવું છે. અમેરિકામાં તો આવી રીતે કોઈ વડીલો કે સગાસંબધીને ત્યાં જવાનું જ ન હોય એટલે એમની સાથે વાતચીત કરતાં કશું જ એને કયાંથી આવડે ?” “કશો વાંધો નહિ બેટા ! આપણે એને જ વાત કરવા દઈશું ….” પણ પરિસ્થિતિ તો ખાસ પ્રયન્તપૂર્વક ઓછી વાત કરવાનું રાખ્યું…..પણ શ્રીરાજ તો કશું ના બોલે કે ચાલે…. માસી તેને વારંવાર જાતજાતના પ્રશ્ર્નો પૂછે પણ એને આવડતું હોય છતાં એ જવાબ આપે તો ને ! એના હાથમાં તો ટેબ્લેટ એનું મનગમતું રમકડું હતું…..
એનું મન બીજે કયાંક ચોંટે ખરું ! ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા બેઠા, પણ ત્યાંય પેલું રમકડું તો સાથે ને સાથે….એને ક્યાં આપણામાં રસ હતો ન અમારી વાતો સાંભળે, ન કશું પૂછીએ તો જવાબ આપે, ન કશો નાસ્તો કરે… એક ધાર્યું એના એ ટેબ્લેટ સાથે એની ગડમથલ ચાલુ ને ચાલુ જ હતી. આપણે ગમે તેટલું ઇચ્છીએ કે તેને બધામાં રસ લેતો કરવો છે પણ એનો જીવ તો પેલા ટેબ્લેટમાં જ હતો…
ટેકનોલોજી હરણફાળે આગળ વધી રહી છે. આંગળીનું ટેરવું અડાડો ને દુનિયાનો કોઈ પણ ખૂણો તમારી નજર સામે આવીને ખડો થઈ જાય….કેટલી મોટી સુવિધા ! પણ આવા આશીર્વાદ પણ કયારેક અભિશાપ બની જાય છે એની આપણને ખબર પડે છે ખરી !
સ્વિટ્ઝરર્લન્ડથી હમણાં જ દિવ્યાંગ એના દીકરા અનન્યને લઈને આવ્યો…..એટલે અમને મળવા માટે લઇ આવ્યો…. બેટા અનન્ય…મોટા કાકાને અને કાકીને પગે લાગો બેટા. અને અનન્ય શરમાઈ ગયો…. ડ્રોઈંગરૂમમાં એક બાજુ સંકોચાઈને બેસી ગયો ને તેના ઈ- પેડની સાથે ગડમથલ ચાલુ કરી દીધી. માબાપ ગમે તેટલાં આતુર હોય કે છોકરાઓને આપણે આપણા ભારતીય રીતિરીવાજો , રહેણીકરણી , સ્વજનોનો પ્રેમ આ બધાથી માહિતગાર કરવાં છે, એમાં એમને રસ જગાડવો છે, પણ હૃદયમાંથી જ એ લોકોને મળવા માટેની ઈચ્છા ન થાય, રસ જાગ્રત ન થાય તો શું કરી શકાય !
પરદેશમાં વસતાં આપણાં ભારતીય સંતાનો માટે આ એક બહુ મોટી સમસ્યા છે. આપણી અને ત્યાંની સંસ્કુતિમાં ખુબ જ ફેર છે.
ત્યાં તો મોટા ભાગનાં બાળકો માટે ફ્રીઝ એ એમની માં અને ટી.વી એ એના પિતા જેવી પરિસ્થિતિ છે, માબાપ તેમના વ્યસાયમાં વ્યસ્ત હોય, સંતાન ભણવા સિવાય, જે કંઈ પ્રવૃતિ હોય તે ગોઠવાઈ હોય તો કરે, પણ નહીં તો એકલું જ હોય , અહીંની જેમ ઘરમાં દાદા-દાદી કે અવારનવાર સગા-સંબધી, મામા, માસી, કાકા,ફોઈ મળે છે તેવું તો કોઈ મળે જ નહિ…. એટલે ઇશ્વરે માણસમાત્રમાં સામાજિકતાની સાહજિક વૃત્તિ મુકિ હોય, છતાં તે મૂરઝાઈ જ જાઈ ને !
બિચારું એ કંપની લાવે કયાંથી અને એટલે હવે તો એને કંપની કયાં તો ટેબ્લેટની કયાં તો આઈપેડની… સવારના ઉઠે ત્યારથી પળેપળે તે તેની સાથે જ હોય અને એટલે એનું એને એવું તો એડિકશન થઈ જાય છે કે સોસિએબીલીટી કેળવાય કયાંથી ?
સ્વજનોના સ્નેહ પામી શકે તે માટે આટલે દૂરથી એને લઈને માબાપ ઇન્ડિયા સુધી ખાસ આવે પણ એ છોકરાઓ એમાંથી માથું બહાર કાઢે તો ને ! કેટલી મોટી કમનસીબી છે ! સ્વજનોના સંબંધોમાં જે વ્હાલ છે, જે મીઠાશ છે, જે હૂંફ છે એની એની આ પેઢીને કેવી રીતે ખબર પડેશે ! શ્રીરાજને દાદા- દાદીનું નામ સાંભળી જાણે હૃદયમાં વ્હાલનું અને આનંદનું પૂર ઉમટે પણ એને કયાં ખબર છે કે એના ફોઈ અને મામા પાસેથી પણ તેને એટલા જ બલકે કયારેક તો એનાથી અધિક વ્હાલ અને લાડ મળી શકે છે !
માબાપ પાસેથી મળતા વ્હાલ અને લાડને એ કયારેક તો આંબી જાય છે, કારણ કે માબાપ તો સતત વ્યસ્ત છે. તેમને મન તેમની કારકિર્દી મહતવની છે, એમને સમય જ કયાં છે ? ખુદ એમના પોતા માટે ખાવાનો અને પૂરતા આરામનો પણ એમને સમય નથી તો એમનાં સંતાનને તો એ કેટલો સમય આપી શકે ! અને એટલે જ એ સંતાનોમાં હૃદયની હાશ કયાંથી હોય ! તેઓ સતત અજંપામાં જીવે છે. એમની એકલતા દૂર કરવા તેમને માબાપ આઇપેડ કે ટેબલેટ પકડાવી દે છે. અને પછી ઇન્ડિયા લઇ આવીને આ બધી મુશ્કેલીમાંથી એમને બચાવવા પ્રયત્ન કરો પણ એ શક્ય બને ખરું ! બાળક સમજણું થાય ત્યારથી આપણે તેની સાથે પળેપળ જીવવું પડે. આપણા જીવનની હરેક પળ તેને સમર્પિત કરી દેવી પડે ને તો જ તેનું વ્યક્તિત્વ સવાઁગી રીતે વિકસે.
ટેકનોલોજી અને શિક્ષણથી બુદ્ધિ તો વિકસે જ પણ એને જીવંત માનવ બનાવવો હોય તો હૃદયની લાગણીઓને પણ માવજત મળે તેવું વાતાવરણ પૂરું પાડવું જ પડે….. સબંધો કંઈ ઓછા જ નામશેષ થઇ જવા દેવાશે ! આપણાં સંતાનોને સ્વજનોના સ્નેહભર્યા સબંધોનો વારસો આપી તેને પચાવતાં શીખવવું એ પણ આપણાં જીવનની બહુ મોટી સાધના છે અને તો જ એ નવી પેઢી ઉપર આપણે આપણા ભાવિનો મદાર બાંધી શકીશું.